મરી-મસાલા

થોડાંક સમાચારો, મરી-મસાલા વાળી ચા સાથે…

* એ.સી.ની ઠંડકમાં આ પોસ્ટ લખાઇ રહી છે અને કમનસીબે મારી જગ્યા પર સૌથી વધુ ઠંડી લાગે છે.

* વર્ડપ્રેસનું ગુજરાતી દિવસે-દિવસે રંગ (અને બેઢંગીપણું) પકડતું જાય છે, જો આવું જ ચાલશે તો હું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં બ્લોગ ફેરવી દઇશ (Settings–>General–>Language).

* નવી ઓફિસમાં લગભગ ‘સેટ’ થઇ ગયો છું.

* લેપટોપ (મારું બચુકડું મેક) નવરું પડ્યું છે. કારણ કે, ઓફિસમાં સરસ ડેસ્કટોપ મળ્યું છે..

* પ્રોજેક્ટ મેનેજરમાંથી પ્રોગ્રામર બનવું અઘરું છે, પણ અશક્ય તો નથી જ!

* આવતું અઠવાડિયું બહુ જ સામાજીક-સામાજીક જવાનું છે..

લાગણી દુભાઈ છે

* ઊંમર આશરે ૨૦ વર્ષ, રંગે કાળી, નામ અરિહંત. અરિહંત તમો જ્યાં પણ હોવ, ત્યાં જ રહેજો. ઘરનાં કોઇ ચિંતા કરતા નથી, પણ બધાની લાગણી બહુ જ દુભાઈ છે.

ઉપરોક્ત સબમરિનનું નામ અરિહંત પાડવાથી સમગ્ર સમાજની લાગણી દુભાઇ છે. દુશ્મનો ભલે હુમલો કરે, આપણે અહિંસક બની બેસી રહીશું. અરિહંત એટલે કે દુશ્મનોનો નાશ કરનાર પણ, અમારી લાગણી દુભાઈ છે. તમે ગમે તે કરો પણ અમારી લાગણી દુભાઈ છે. અરે, દુશ્મનો ભલે ભૂતકાળમાં અમારા ધર્મસ્થાનો તોડેલા, પણ અમારી લાગણી દુભાઈ છે.

તા.ક. આ પોસ્ટ વાંચી તમારી લાગણીઓને કાબુમાં રાખજો અને તેને દુભાવા ન દેતા 😉

નાસ્તો..

પફ બફવડા

પફ–>બફવડા એ શ્રાવણ મહિનાનો પ્રતાપ છે!

૧ વર્ષ…

* શેનું ૧ વર્ષ? ૧ વર્ષ થયું ૨૬ જુલાઇને. અમુક જણાં તેને યાદ નહીં કરે, કારણ કે તેમાં યાદ કરીને હરખાવા જેવું નથી. અમુક જણાં યાદ કરશે કારણ કે તેમને પોતાનાં સ્વજનો, મિત્રો ગુમાવ્યા. અમારા જેવાં લોકો યાદ કરશે કારણકે અમને ઓફિશીઅલી અમદાવાદ આવ્યે ૧ વર્ષ પુરું થયું. તો, કેવો રહ્યો અમદાવાદી અનુભવ?

૧. કોકીને બહુ મજા ન આવી. આવીને પહેલાં ઓફિસનાં ગેસ્ટ હાઉસમાં રહ્યા, પણ થોડાક દિવસમાં જ કંટાળી ગયા. કંઇક વિચિત્ર ફીલીંગ થતી હતી. કંઇક આડાં-અવળું છે તેવું લાગતું હતું. ઉપરથી મને ઘર શોધવાની રામાયણ. અને ઘર કેવી રીતે મળ્યું તે વાંચવા ઓગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૦૮નાં પોસ્ટ વાંચશો એટલે ખબર પડશે.

૨. બીજું ઘર એકંદરે સારું રહ્યું. નવરાત્રિમાં ઘોંઘાટી રાત્રિઓથી કંટાળ્યા પણ પછી આદત પડી ગઇ.

૩. કવિનને મજા આવી 🙂 રીક્ષા એટલે પપ્પાનું વાહન એમ જ થઇ ગયું તેને..

૪. મને તો એકંદરે સારું લાગ્યું. સતત અનિશ્ચિતતાનાં વાતાવરણમાં હું ડેબિયન ડેવલોપર બન્યો. સારું એવું કેડીઇનું કામ થયું અને અનેક નવાં મિત્રો મળ્યાં અને છેવટે પરિવર્તન પણ!!

તો, થેન્ક્સ અમદાવાદ. થેન્ક્સ અમદાવાદનાં લોકો. થેન્ક્સ ગ્વાલિયાની પાણીપુરી જેણે અમદાવાદની ઇજ્જત બચાવી 😛

શનિ-રવિ

* આ શનિ-રવિ કેમ આટલા જલ્દીથી પસાર થઇ જાય છે? શનિ-રવિવારે જ કેમ વરસાદ આવે છે? અને જ્યારે ઘરે હોઇએ ત્યારે જ બપોરે કેમ ઊંઘ નથી આવતી?

ઓકે. ચાલો ત્યારે બપોરની શીતનિદ્રા લેવાનો પ્રયત્ન કરુ છું..

કંઇક છે..

.. એટલે કે ભગવાન જેવું કંઇક છે. હા, પવિત્ર શ્રાવણ માસમાં હું પણ માનુ છું! થયું એમ કે `પરિવર્તન` આવ્યા પછી મારા બેંકનાં ખાતામાં મોટું ગાબડું પડેલું હતું. એટલે કે ગાબડામાં માલ-સામાન હજી આવવાનો બાકી હતો. ખાતામાં ૧૦૦૦ રૂપિયા જ બાકી હતા અને મારે હવે ઘણા-બધાં પેમેન્ટ (અને ખરીદી) વગેરે પણ બાકી હતા.

ગઇકાલે ઘરે ગયો ત્યારે ખબર પડી કે દિલ્હીથી હું સરાઇ ખાતે પ્રોજેક્ટ કરુ છું તેનો ચેક આવેલ છે!!

વર્ડપ્રેસ ગુજરાતીમાં? આવે છે?

* લાગે છે કે વર્ડપ્રેસે હવે ગુજરાતીમાં ઇન્ટરફેસ આપવાની શરૂઆત કરી દીધી છે. તમે પણ આ નોટિસ કરેલ જ હશે!

વર્ડપ્રેસ ગુજરાતીમાં!!

લેખોની વડે ટેસ્ટ

હમમ. આ પોસ્ટ કુશાલના લેખોની સોફ્ટવેર વડે લખાયેલ છે. જુઓ: લેખોની. હું અત્યારે તેનું ડેબિયન પેકેજ બનાવી રહ્યો છું 😛

The post is brought to you by lekhonee v0.6

કેળું ખોલતાં ન આવડે તો…

૧. લાઇફહેકરનો આ વિડીઓ જુઓ.

૨. તૈયારી રાખો કે તમારો સંબંધ (સગાઇ, લગ્ન, લીવ-ઇન, વગેરે વગેરે) તૂટી શકે છે.

કારણ? કોકીએ મને કહ્યું કે આપણા સમાજમાં એક વ્યક્તિની સગાઇ તેને કેળું આખું ખોલીને ખાધું તો તૂટી ગઇ. એવું બન્યું કે છોકરો-છોકરી સગાઇ પછી પહેલી વખત ક્યાંક બહાર ફરવા ગયા. કંઇ ખાવાનું ન મળ્યું તો થોડાં કેળાં લીધા અને ખાવા બેઠાં. છોકરાએ કેળું આખી છાલ ખોલીને ખાધું તો છોકરીને તેમાં બેડ મેનર્સ લાગી અને સગાઇ તોડી નાખી.

સાર: કેળું ખોલતાં શીખી લો.

સાર ૨: મન ન હોય તો બહાના શોધવા ન જવા પડે.

બોલવામાં ભૂલો?

* પગરખું કે પગ રખું?

* રાજગરો કે રાજ ગરો?

ગુજરાતીમાં અંગ્રેજીની જેમ સાચો ઉચ્ચાર કઇ રીતે કરાય તેની માહિતી ક્યાંથી મળે?