અપડેટ્સ – ૨૦૯

* છેલ્લી અપડેટ છેક વરસાદ હતો ત્યારે આવી હતી, હવે તો ઠંડી પણ આવી ગઇ છે.
* ઠંડી તો આવી છે, પણ ચૂંટણી પણ આવી છે. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ અને યોગ્ય પક્ષને મત આપવામાં આવશે. આ અંગે કોઇ મત નથી. હા, ગુ.સ.માં તમે કોને મત આપ્યો એ જાહેર કરો તો તમને ૫,૦૦૦ રૂપિયા રોકડાનું ઇનામ મળે તેવી જાહેરાત જોઇ હતી.
* અને ઠંડીની સાથે બી.આર.એમ.ની મોસમ શરૂ થઇ છે. જોકે, હજુ બેક-પેઇન ઠીક માંડ થયો છે એટલે આરામથી શરૂઆત કરવામાં આવશે.
* બી.આર.એમ.ની સાથે સાયકલ સવારોને ઉડાવવાની પણ ઋતુ શરૂ થઇ છે :/ એટલે કે નો કન્ટ્રી ફોર સાયકલિસ્ટ? આ રસ્તા પર અમારો કોઇ હક્ક જ નહી? દરરોજ લગભગ એમ થાય કે ઘરે સાજા-સમાં પહોચીશું કે નહી. છતાંય, આ સાયલિંગ એટલું જાલિમ છે કે હવે છૂટતું નથી. કોઇ “સાયકલિંગ છોડાવો” જેવા કેન્દ્રમાં મને ભરતી ન કરે તો સારુ!
* અને આ વખતે પણ મુંબઈ મેરેથોન (હવે ટાટા મુંબઈ મેરેથોન) નહી થાય. કારણ? પ્રવાસ.

કાર વોશ

* બે દિવસ પહેલા સાંજે એક ફોન આવ્યો..

લેડી: હું વસઇથી ફલાણી કાર સર્વિસ કંપનીમાંથી બોલું છું. કાર વોશ પર અમે આકર્ષક ઓફર શરૂ કરી છે. શું તમને રસ છે?

હું: ના.

થોડા સમય પછી ફરીથી ફોન આવ્યો..

લેડી: હું વસઇથી ફલાણી કાર વોશ કંપનીમાંથી બોલું છું. તમને રસ છે?

હું: મારી પાસે કાર નથી. શું તમે સાઇકલને વોશ કરી આપો છો?

લેડી: સોરી સર.

હું: ઓકે 😀

આજની ટીપ

.. વિકિપીડિયા વાંચવા (કે તેમાં ફેરફાર કરવા માટે પણ) માટે લોગ-ઇન /પ્રવેશ કરવાની (અથવા એકાઉન્ટ / નવું ખાતું બનાવવાની પણ) જરૂર નથી!

આ અઠવાડિયાની ફિલમો – ૨૯

ડેક્કન ક્લિફહેંગર પછી સાયકલિંગ-રનિંગ લગભગ રજા પર જ છે (સાયકલ તો હજુ રવિવારે જ ઘરે પાછી આવી!) એટલે આ અઠવાડિયું ફિલમો પર..

* ટ્રુ ગ્રિટ (૨૦૧૦)

આ ફિલમ કેમ ધ્યાન બહાર રહી ગઇ? અફલાતૂન અભિનય અને અલગ જ વાર્તા. જેને કાઉબોય પ્રકારની ફિલમોમાં રસ હોય તેને જોવી જ રહી.

* હંટ ફોર ધ વાઇલ્ડરપીપલ (૨૦૧૬)

આના માટે નિરવભાઇનો આભાર. મસ્ત ફિલમ. સહકુટુંબ માણવામાં આવી. ન્યૂ ઝિલેન્ડની સુંદરતા એટલે ૧૦/૧૦. અભિનય ૧૦/૧૦.

* ઇત્તેફાક (૨૦૧૬)

અલગ વાર્તા. બેકાર એક્ટિંગ. કંઇ વિચિત્ર અકળામળ થાય તેવી ફિલમ. PS: આ તો IMDBમાં જઇને વાંચ્યુ ત્યારે ખબર પડીકે તેમાં સોનાક્ષી સિંહા હતી 😀

ડેક્કન ક્લિફહેંગર ૨૦૧૭ – રેસ રિપોર્ટ

* મારી પહેલી લાંબી સાયકલ રેસનો ટૂંકો રિપોર્ટ હાજર છે.

* રેસ આમ તો શનિવારે શરૂ થતી હતી (એટલે કે ૪ નવેમ્બર) પણ આગલા દિવસે બાઇક ઇન્સપેક્શન અને બીજી ફોર્માલિટી પૂરી કરવા માટે પહોંચી જવાનું હતું. પૂનેમાં માંડમાંડ હોટલ મળી, એ પણ સ્ટાર્ટ પોઇન્ટથી ૧૯ કિમી દૂર. સવારે ૫ વાગે ઐરોલી પહોંચી ગયા (કિરણ અને નીલય ઘરે આવ્યા, ઉબર બોલાવી અને બંને સાયકલો અને ઢગલાબંધ સામાન એમાં મૂક્યો. અને હા, એ પહેલા કિરણની સાયકલ મીરા રોડથી ઘરે લાવ્યો એ પણ સાહસ જ ગણાય. અને હા, એ પહેલા.. જવા દો!) ત્યાંથી ફરી પાછો સામાન નીલેશની કારમાં મૂક્યો. રસ્તામાંથી સુશીલને પિક-અપ કર્યો અને પુને તરફ આગળ વધ્યા. એક મિનિટ, આ રેસ તો મારી હતી પણ કોણ હતા, આ લોકો? તેઓ હતા મારા ક્રૂ મેમ્બર્સ. આ સપોર્ટેડ રેસ હતી એટલે દરેક સાયકલિસ્ટની જોડે એક (કે બે) કાર હોય. સાયકલિસ્ટનું કામ ખાલી સાયકલ ચલાવવાનું. ખાવાનું-પીવાનું અને ટેકનિકલ તેમજ મેડિકલ ઇમરજન્સી ક્રૂ મેમ્બર્સના હાથમાં હોય. પુને બહુ જલ્દી પહોંચી ગયા અને સ્ટાર્ટ પોઇન્ટ પર કોઇ આવ્યું નહોતું એટલે ધ ક્લિફમાં ટાઇમપાસ કર્યો. લગભગ ૧૦ વાગે બધી પ્રક્રિયાઓ શરૂ થઇ અને પહેલાં તો ખબર પડી કે કારની RC બૂકની પણ કોપી જોઇએ. સદ્ભાગ્યે નજીકમાં દુકાન મળી અને અમારી ચકાસણી આગળ ચાલી. સાયકલ પર રિફલેક્ટિવ પટ્ટીઓ લગાવવામાં એક કલાક ગાળ્યો. તે પછી બ્રિફિંગ સેશનમાં નિયમો અને સલામતી વિશે ચર્ચા ચાલી અને અમે રેડી ટુ રેસ હતા. ત્યાંથી અમારી હોટલ ગયા અને દર વખતે થાય છે તેમ લોકોએ પૂછ્યું કે આ સાયકલ કેમ રુમમાં લઇને જાઓ છો? 🙂 સાંજ પછી બજારમાં નાસ્તો કરવા નીકળ્યા. હજુ થોડો સામાન (પાણી વગેરે) લેવાનું બાકી હતું. જોડેજોડે ડિનર પણ પતાવ્યું અને હોટલ પાછા આવી હું રેસર હોવાને નાતે સૂઇ ગયો. કિરણે અને બીજા લોકોએ સાયકલના વ્હીલ અને ટાયર આમથી તેમ કરીને પરફેક્ટ કર્યા.

સવારે ૩.૨૦ જેવો હું જાગી ગયો ત્યારે ખબર પડીકે બાકીના લોકો તો સૂતા છે! બધાંને ફટાફટ જગાડીને તૈયાર થયો અને નીકળતા થોડું મોડું થયું પણ સમયસર પહોંચી ગયા. જોકે મારા ફ્લેગ-ઓફ્ફ સમયે થોડી ગરબડ થઇ કારણ કે રેસ સિકવન્સ જળવાઇ હોય તેમ લાગ્યું નહી. રેસ સવારે ૫.૩૦ જેવી શરૂ થઇ અને લગભગ પહેલાં ચેક પોઇન્ટ આગળ ૮૮ કિમી સુધી વાંધો ન આવ્યો. રસ્તામાં એક સાયકલિસ્ટને પડતા જોયો. ત્યાર પછી વાઇ અને પંચગનીનો ખરાબ રસ્તો શરૂ થતો હતો. એમ તો પહેલાનો રસ્તો મહાબળેશ્વર-મેઢા થઇને સાતારા જવાનો હતો પણ મેઢા ઘાટનો રસ્તો ખતરનાક બન્યો (થેન્ક્સ ટુ વરસાદ) હોવાથી પંચગની પછી ભિલાર થઇને જવાનો નવો રસ્તો એક મહિના પહેલા નક્કી કરાયો. અમને શું ખબર કે એ રસ્તો પણ ખતરનાક હશે? જોરદાર તીવ્ર વળાંક અને મસ્ત ઘાટ. રસ્તામાં બકરીઓ, ભેંસ અને ગાય પણ ખરા. સદભાગ્યે પંકચર જેવું કંઇ ન થયું પણ ૧૫૦ કિમી પછી કમરનો દુખાવો શરૂ થયો. સુશીલે થોડો માલીશ કરી આપ્યો એટલે આરામ મળ્યો અને ત્યાંથી પછી સાતારા સુધી કંઇ ખાસ ન બન્યું. સાતારા પછી ગરમી બહુ હતી અને ત્યાંથી ધારવાડ સુધી રસ્તો લગભગ હાઇવે પર હતો. સાતારા પછી આગળ એક જગ્યાએ અકસ્માત થયેલો ત્યાં કાર અને શેરડી ભરેલા ટ્રેક્ટર વચ્ચેથી નીકળવા જતા એક શેરડીનો સાંઠો મારા ડાબા ખભા પર લાગ્યો અને હું મસ્ત રીતે પડ્યો. બે મિનિટ તો ચક્કર આવ્યા પણ પછી તે ખંખેરીને આગળ વધ્યો. ત્યાંથી છેક નિપાનીના ત્રીજા ચેક પોઇન્ટ સુધી બરોબર રાઇડ કરી. એ પહેલાં હોટલ અમરમાં ડિનર કર્યું અને થોડું સ્ટ્રેચિંગ પણ કર્યું. ત્યાંથી હવે રાત હતી અને રસ્તો પણ હવે રોલિંગ (ઉપર-નીચે) હતો. ત્યાં મને અમદાવાદના યજ્ઞેશ આહિરે ક્રોસ કર્યો (પછી ખબર પડી કે તેને અકસ્માત થયેલો અને ટાંકા પણ આવેલા, પણ તેને બીજો ક્રમ મેળવ્યો!). ત્યાંથી છેક ધારવાડ સુધી રાઇડ કંઇ ખાસ સારી ન ગઇ, ધારવાડ કેટલા વાગે પહોંચ્યો એ પણ યાદ નથી, પણ હજુ મારી પાસે સમય હતો. ધારવાડથી મોલેમનો રસ્તો એટલો બધો સારો નહોતો અને વચ્ચે ચાર રેલ્વે ફાટક આગળ તો બહુ જ ખરાબ રસ્તો. માંડમાંડ મોલેમ પહોંચ્યા. એટલે કે હવે હું ગોઆમાં હતો! તે પછી ખબર પડી કે હવે RAAM Qualifier સમયમાં પહોંચી શકાશે નહી, તો પણ કમરના દુખાવાને અવગણીને ક્રૂ મેમ્બર્સના પોકારોના સહારે રાઇડ આગળ ચલાવી. વચ્ચે મસ્ત જંગલ આવ્યું, જોકે વાંદરાઓ સિવાય કોઇ જંગલી પ્રાણી જોવા ન મળ્યું. પોંડા (કે ફોંડા) આગળ ખોટો રસ્તો લેવાઇ જતા, યુ-ટર્ન લેવા ગયો ત્યારે ફરી પાછો લગભગ પડી ગયો. ફરી આગળ ખરાબ રસ્તો અને થોડાજ કિમી બાકી હતા ત્યારે જોરદાર ચડાણ. કોઇકે યોગ્ય રીતે તે સ્ટ્રાવા સેગમેન્ટનું નામ You can do it રાખ્યું છે! તે ઢોળાવ તો અડધો જેમ-તેમ ચડાવ્યો પણ પછી સાયકલ પરથી ઉતરવું પડ્યું. ગોઆ એરપોર્ટ આગળનો રસ્તો તો મને પાર કરતા સાત જન્મ જેવો સમય પસાર થયો હોય તેવો લાગ્યો. છેવટે, ત્યાંથી બોગમાલો બીચ આગળ વળ્યો ત્યારે શાંતિ થઇ. ફિનિશ પોઇન્ટ પર કવિન અને કોકી હતા એટલે બધો થાક ક્ષણિક ઉતરી ગયો. મેડલ લીધો અને ફોટો સેશન તો ખરું જ.

બીજા દિવસે કમરના દુખાવાને અવગણી અને લોકલાગણીને માન આપી ગોઆમાં થોડું ફરવામાં આવ્યું. મઝા આવી પણ અત્યારે ઘરે આવીને મગજ અને આંગળીઓ સુન્ન છે 🙂

બોધપાઠ્સ:
૧. હોટલ બહુ પહેલાં બૂક કરાવવી.
૨. ટ્રેન-ફ્લાઇટ પણ બહુ જ પહેલાં બૂક કરાવવી.
૩. ઓછામાં ઓછી છ મહિનાની તૈયારી કરવી. અમે હજુ જુલાઇ મધ્યમાં તો નવી સાયકલ લીધી અને તેમાં પણ ઓગસ્ટમાં ડેબકોન્ફ-વિકિમેનિયા, સપ્ટેમ્બરમાં કમરનો દુખાવો અને ઓક્ટોબરમાં દિવાળી અને બેંગ્લોર વચ્ચે આવ્યા.
૪. રેસમાં ખાવા-પીવા વિશેનું આયોજન વ્યવસ્થિત કરવું.
૫. રેસના આગલા દિવસે રખડવું નહી.
૬. બાઇક સર્વિસ, ટેસ્ટિંગ વગેરે ચાર-પાંચ દિવસ પહેલાં જ કરાવી દેવું.
૭. રેસના દિવસે નવી વસ્તુઓ ટ્રાય ન કરવી.
૮. ફોન સાચવવો!!

કેટલાક આંકડાઓ:
૧. કુલ સમય: ૩૪ કલાક ૬ મિનિટ ૧૩ સેકન્ડ્સ, કુલ રાઇડિંગ સમય: ૨૯ કલાક ૫ મિનિટ. એટલે કે લગભગ ૫ કલાકનો બ્રેક. ના ચાલે ભાઇ, ના ચાલે!
૨. કુલ ઉંઘ: ૧૫ મિનિટ.
૩. રસ્તામાં આવતા ઘાટ: ૫. એમાંથી મોટો તો એક જ (પારસણી).
૪. કેલરી ખર્ચી: ૧૦૫૮૫.
૫. કુલ ઉંચાઇ પ્રાપ્ત: ૫૩૫૭ મીટર.
૬. રસ્તામાં પડેલા પંકચર: ૦, રસ્તામાં પડેલો કાર્તિક: ૩ 🙂