પાવરપોઇન્ટ

* કવિનને બે દિવસ પછી પરીક્ષા છે – પાવરપોઇન્ટની. તેનું પુસ્તક હાથમાં લીધું તો ખબર પડી કે ભાઇ આ તો માઇક્રોસોફ્ટ પાવરપોઇન્ટ ૨૦૦૭ છે. હા, એ જ વર્ષનું સોફ્ટવેર જેમાં કવિનનો જન્મ થયો હતો. બોલો, શું ભલું થશે આ પાવરપોઇન્ટથી? કવિનને લેઆઉટ અને થીમ સમજાવવા ગુગલ ડ્રાઇવ ખોલીને તેને બતાવ્યું તો કવિનને બે ઘડી મજા આવી.

અપડેટ્સ – ૧૯૩

* એક અઠવાડિયામાં કંઇ ખાસ બન્યું નથી પણ વરસાદ પાછો આવ્યો છે – એટલે ફરી પાછું સાયકલિંગ બંધ છે. દોડવાનું થોડું-થોડું ચાલે છે. શનિ-રવિ આરામમાં ગયા. ૧૮૦ કિમી વેલોરેઇડનો પ્લાન પડતો મૂકાતા, ૬૦૦ કિમીનો પ્લાન બનાવ્યો હતો અને તે પણ પડતો મૂકાતા, ઘરે બેસી આરામ કર્યો. હા, ડિકાથલોનમાં ગયા અને મારી એક ટી-શર્ટની સામે કવિનની બે ટી-શર્ટ, એક સીઝન બોલ, એક બેગ અને કેટલીય વસ્તુઓ (પણ મઝાની) લઇ આવ્યા.

* કવિનની સ્કૂલમાં રેન્ડમ પરીક્ષાઓ લેવાય છે. છોકરાંઓનો જીવ જાય છે, અને સ્કૂલ વાળાઓને મઝા આવે છે.

* હાલમાં વંચાતુ પુસ્તક: મને અંધારાં બોલાવે… મને અજવાળાં બોલાવે. આનો અને અપૂર્ણવિરામનો રીવ્યુ આવતી પોસ્ટમાં!

નવું ટેટૂ

img_20160911_083944

તો ઘણાં સમય સુધી બોલપેન અને ટેમ્પરરી ટેટૂ પર જીવ્યા પછી અમે હંમેશ માટે અનંત સાયકલિંગ કરવા માટેનું ટેટૂ કરાવ્યું છે. રોંગ સાઇડ રાજુ જોવા ગયા ત્યાં સાઇડમાં એક ટેટૂ વાળો હતો (હજુ પણ છે), એટલે ઇન્ટરનેટ પર ડિઝાઇન જોઇને તેને આપી. થોડું દુખે પણ મઝા આવે.

હવે જ્યાં સુધી હાથ (સોરી, પગ!) છે, ત્યાં સુધી સાયકલિંગ.

હા, રનિંગ માટેના ટેટૂની શોધ ચાલુ છે..

પ્રાઇમ નંબર

* એમાં થયું એવું કે ગઇકાલે કવિન તેનું ગણિતનું હોમવર્ક કરવા બેઠો ત્યારે પ્રાઇમ નંબર અને પ્રાઇમ ફેક્ટરમાં ગોથાં ખાતો હતો. થોડીવાર મેં પણ ગોથાં ખાધાં અને પછી યાદ આવ્યું કે શ્રીનિવાસ રામાનુજન વિશેની ફિલમ જોઇએ તો અમારા પ્રાઇમ નંબર વિશેના ખ્યાલો કેટલાં નબળાં તે પુરવાર થાય. એટલે, રાત્રે કવિન જોડે બેડમિન્ટનમાં ૨-૧ થી હાર્યા પછી આ ફિલમ જોવામાં અને માણવામાં આવી. વિકિપીડિયા પર તે અંગેના લેખો વાંચ્યા અને થોડી ચર્ચાઓ પણ ચાલી.

સરસ ફિલમ. જોવા જેવી.

* રાત્રે સ્વપ્નમાં પણ ૧૭૨૯ નંબર દેખાયો.