મારા લોકડાઉન અપડેટ્સ – ૧૦

  • લોકડાઉન જેવું કંઇ રહ્યું નથી એટલે આ અપડેટ્સ હવે છેલ્લાં લોકડાઉન અપડેટ હશે. સોશિયલ ડિસ્ટન્સિંગ તો ક્યારનુંય તેલ લેવા ગયેલું છે. માસ્કથી તો કંઇ ફાયદો નથી અને કોરોના એ માત્ર શરદીનો એક પ્રકાર જ છે – એવું લોકો માની રહ્યા છે.
  • રવિવારે ૩૦૦ બી.આર.એમ. હતી. જે એકંદરે ૨૮૯ કિમી સુધી સરસ રીતે થઇ પણ, છેલ્લા ૧૨-૧૩ કિમીમાં હાલત ખરાબ થઇ. તો પણ, સૌથી ઝડપી ૩૦૦ કિમી (૧૩ કલાક ૫૭ મિનિટ – ઓફિશિયલ સમય. ૧૩ કલાક ૫૫ મિનિટ – મારો સમય.)
  • જુલાઇમાં ૧૦૦ દિવસ સાયકલિંગની ચેલેન્જમાં (૧૯ જુલાઇ – ૨૬ ઓક્ટોબર) રજીસ્ટર કરાવ્યું હતું. વચ્ચે ઇન્ડોર સાયકલિંગથી બહુ કંટાળો આવ્યો એટલે થોડા દિવસોમાં સાયકલિંગ થયું નહી, નહીતર ૯૦ દિવસનો ટારગેટ હતો. સોમવાર અને ગુરુવાર મોટાભાગે આરામનો દિવસ હતો. હવે લાગે છે કે તેમાંથી ૭૫-૭૬ દિવસ પૂરા થશે. આજે ૭૩ દિવસ થયા છે અને સિલ્વર મેડલ માટે ૭૬ દિવસ જોઇશે. શું હું ૪ દિવસમાં ૩ દિવસ સાયકલિંગ કરી શકીશ (ઓછામાં ઓછું ૫ કિમી ;))
  • ૨૦૨૦ પૂરુ થવા આવ્યું છે, પણ.. હજુ ફોન્ટ એનકોડિંગ અને મશીન ભાષાંતર – આ બે વિષયો પર બહુ કામ કરવાનું બાકી છે. મને તો એમ કે ફોન્ટ્સના બધાં જ પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયા હશે! પણ, રે ગુગલ મેપ્સ!

મારા લોકડાઉન અપડેટ્સ – ૯

સક્કરપારા, જે બે દિવસમાં પૂરા થયા.

હવે લોકડાઉન જેવું કંઇ રહ્યું નથી, છતાં અમે લોકડાઉન જેવા નિયમો પાળીએ છીએ તેમ છતાં પણ અપવાદરૂપે ગયા અઠવાડિયે કવિન જોડે સાયકલ ચલાવવા ગયા અને કોફી પીધી. સ્વાભાવિક રીતે, ત્યાં અમને એક બિલાડી પણ મળી (ફોટો પાડ્યો હતો, જો કોઇને જોઇએ તો DM કરવો.)

રસ્તામાં.. (ફોટો: વિનોદકુમાર નામ્બિયાર)

વધુ અપવાદરુપે ગઇકાલે એક બી.આર.એમ. ૨૦૦ કરી (જે એમ તો ૨૭/૦૯ એ હતી, પણ રદ થઇને ગઇકાલે ફરી ગોઠવાઇ હતી). અને, દર બી.આર.એમ. વખતે થાય છે તેમ જ થયું, જ્યારે આગાહી ન હોય ત્યારે જ વરસાદ આવ્યો. સવારે ઘરેથી નીકળ્યો ત્યારે ૧ કિમી પછી ભયંકર વરસાદ શરુ થયો, જે રાઇડ શરુ થયાના ૧.૫ કલાક સુધી ચાલ્યો (એટલે કે વિરાર ટોલનાકું પસાર કર્યું ત્યાં સુધી). ત્યાર પછી, વાદળછાયાં અને ઉકળાટ ભર્યા વાતાવરણમાં રાઇડ પૂરી કરી. આમ તો, પ્લાન એવો હતો કે ૭ કલાકમાં ઝડપથી રાઇડ કરીશું પણ શું થાય? ચશ્મા વાળા લોકોને, અંધારામાં, ભયંકર વરસાદ અને ગંદા-ખાડા વાળા રોડ પર – કેવી રીતે ઝડપી ચલાવી શકાય? (અને, થાણેમાં રહેતા લોકો કે ત્યાં સાયકલ ચલાવતા લોકો – તમે લોકો એમ.ટી.બી. જ વાપરજો, હોં!) અને વળી પાછું, ૫૪-૫૫ કિમીની આસપાસ ગારમિન અચાનક બંધ થઇ ગયું. થોડો ટાઇમપાસ ત્યાં પણ થયો. પછી, તેને પડતું (એટલે કે સાઇડમાં, ફેંકી ન દીધું!) ઘડિયાળ વાપરી. આરામથી રાઇડ પૂરી કરી. સાયકલ રીક્ષામાં મૂકીને ઘરે આવ્યો. બીજા દિવસે તેના કરતાં પણ મોટું કામ – કપડાં ધોવાનું કર્યું. ૨૦૦ કિમી સાયકલ કે તેમાં વાપરેલા કપડાં ધોઇએ – સરખો જ થાક લાગે!!

ઓક્ટોબર આવી ગયો છે અને નવરાત્રિ આવે છે, એટલે હવે મને ઊંઘ જલ્દી આવે છે 😉