~૧૦,૦૦૦

* આ ~૧૦,૦૦૦ શું છે?

વેલ, આ આંકડો છે, આ મહિનાની બ્લોગ વિઝિટ્સનો. ખાસ-સ્પેશિઅલ એટલા માટે કે, પહેલી વખત પાંચ આંકડામાં મુલાકાત-સંખ્યા પહોંચી. આમ, તો આ બ્લોગ કોઇ ખાસ વાંચતું લાગતું નથી, છતાંય, થોડા તમારા જેવા લોકોનો સમાવેશ થાય છે (એટલે કે તમે, હા તમે, જે અત્યારે આ વાંચી રહ્યા છો – એટલે કે તમારો કિંમતી અને પવિત્ર સમય બગાડી રહ્યા છો!)

😉

વરસાદ

* આ પેલી સેન્ડીએ કે નીલમે અહીં પણ વરસાદ મોકલ્યો છે. અને, હજી પણ હું છત્રી લાવ્યો નથી એની સજા આજે ઓફિસ આવતાં મળી છે, પાછાં જતાં પણ આ સજા મળશે એવી પૂરી સંભાવના રહેલી છે.

અત્યારે તો અમેરિકામાં મિસ સેન્ડીની ચર્ચાઓ જ ચાલે છે (સેડ વસ્તુ છે, એટલે સ્માઇલી લગાવતો નથી). આશા છે કે સૌ વાચકો-મિત્રો ત્યાં સલામત હશે. સ્ટે સેફ!

અપડેટ્સ – ૬૮

* હવે નક્કી કર્યું છે કે દર અઠવાડિયે એક જ વાર અપડેટ વાળી પોસ્ટ મૂકવી. કારણ? કારણ તો એ જ કે કંઇ ખાસ નવું બનતું નથી. સવારે ઉઠવાનું, દોડવાનું (સોમ-શુક્ર/શનિવાર સિવાય), fooસાગરમાં બ્રેકફાસ્ટ, ઓફિસ, પાછા આવીને fooસાગરમાં ડિનર (સીદ ડોસા, સર) અને પછી થોડું ડેબિયન અથવા બીજાં પ્રોજેક્ટ પર કામ વત્તા મુવી અને zZZz. આ રુટિન શનિ-રવિ બદલાય કારણકે લંચ માટે શું કરવું એ યક્ષપ્રશ્ન આવીને ઉભો રહે!

* ગયા અઠવાડિયામાં સરસ દોડાયું. અહીં સવારની સરસ ઠંડક મને પથારીમાંથી ન ઉઠવા માટે મજબૂર કરે છે, પણ રનિંગ પાર્ટનર મજબૂત અને નિયમિત છે. વીકએન્ડમાં જોકે એકલા દોડવાનું થયું, પણ મજા આવી ગઇ.

* વીક માં સારી ઘટના ગણીએ તો મારી બેંક મને જડી ગઇ! ગુગલ મેપમાં ઓફિસની બાજુમાં બતાવાતી હતી અને ત્યાં જઇને તપાસ કરી તો કંઇ નહી (એની જગ્યાએ સ્કિન, હેર લેસર ક્લિનિક કે એવું કંઇ નીકળ્યું!). પછી, બેંકની ઓફિશિઅલ સાઇટ પરથી સાચું સરનામું મળ્યું અને બુધવારે દોડવા માટે એ બાજુ ગયો હતો તો અચાનક દેખાઇ.

અને, ખરાબ ઘટના એ બની કે, શનિવારે અડધો કલાક ચાલીને (અને એટલો જ સમય પાછાં આવતા!) ત્યાં ગયો તો ખબર પડી કે બેંક ‘બકરી ઇદ’ ના લીધે બંધ છે!!

* રવિવારે સાંજે શ્રેણિક વિકમને ફોરમ મોલમાં મળવાનું નક્કી કરેલું તે પ્રમાણે મળ્યા. મેં તો સબ-વે વત્તા વડા-પાઉં ઝાપટ્યા અને એન્ડ્રાઇડ પર ખૂબ બધી ચર્ચા કરવામાં આવી. રીટર્નમાં બસ મળી ગઇ એ અદ્ભૂત ઘટના કહેવાય 🙂

* અને, કવિનને મમી બનેલો તે વેશભૂષામાં પ્રથમ નંબર આવ્યો છે, એવા સમાચાર મળ્યા છે!!

આ અઠવાડિયાની ફિલમો

* હવે પેલા અપડેટ્સ પોસ્ટની જેમ બ્લોગ વાચકોને આવી અનેક પોસ્ટ સહન કરવાની આવશે. તો કેવું રહ્યું આ ફિલ્મી અઠવાડિયું?

૧. સેફ (૨૦૧૨)

આ એક સરસ ફિલ્મ છે, જે થિએટરમાં જોવા જેવી હતી. માર-ધાડથી ભરપૂર છે, પણ સંવેદનાથી પણ ભરપૂર છે. બધું જ ખોઇ ચૂકેલો માણસ જ્યારે એક નાનકડી છોકરીને બચાવે છે, ત્યારે માત્ર વ્હાલને કારણે તે કંઇ પણ કરી શકે છે. મસ્ટ સી.

૨. મેન ઓન ફાયર (૨૦૦૪)

સેફ જોયા પછી મેન ઓફ ફાયર તમને એક જ થીમની લાગે અને મેન ઓફ ફાયર જોયા પછી જો સેફ જુઓ તો પણ સરખું લાગે. બન્નેમાં વાર્તા અલગ છે પણ થીમ સરખી છે. બન્નેમાં નાનકડી છોકરીઓની એક્ટિંગ અદ્ભૂત છે. આ મુવી પરથી એક અજનબી બનેલી છે (જે અમે થિએટરમાં જોયેલી.. એ દિવસો :)).

૩. ધ અમેઝિંગ સ્પાયડરમેન (૨૦૧૨)

ધાર્યા કરતાં તો આ મુવી સારું નીકળ્યું. જો કે થિએટરમાં ના જોયું તો બહુ ગુમાવ્યુ નથી.

૪. ઘોસ્ટ રાઇડર – ૨ (૨૦૧૧)

યક. ધાર્યા કરતાં પણ ખરાબ!

૫. ચેરિઓટ્સ ઓફ ફાયર (૧૯૮૧)

ખાસ રનર્સ માટેનું મુવી. ક્યારનુંય બાકી રહી જતું હતું.

૬. અબ્રાહમ લિંકન – વેમ્પાયર હન્ટર (૨૦૧૨)

સારી ફિલમ. હવે, આપણાં કોઇ પ્રેસિડેન્ટ કે વડાપ્રધાનને વેમ્પાયરને મારતા બતાવીએ તો? અરે, એ લોકોને બોલતા બતાવીએ તો પણ ભયો, ભયો! 😉

૭. ટિંકર ટેલર સોલ્જર સ્પાય (૨૦૧૧)

સરસ અને અત્યંત ધીમી ફિલમ. ધીરજ ન ધરાવતા વ્યક્તિઓએ ન જોવી. પણ, સરસ ડાયરેક્શન, રજૂઆત અને સ્ટોરી.

બાકી વીક-એન્ડમાં હેરી પોટરના પેલા બે ભાગ તો જોવાના જ છે! (ઓકે, મજાક છે! પણ થોડા દિવસો પછી જોઇશ). હવે, ધ હોબિટ આવે એટલે થિએટરમાં જવું છે.

RIP: જશપાલ ભટ્ટી

* આજે સવારે સમાચાર વાંચ્યા (ટ્વિટર પર!) ત્યારે ખબર પડી કે, ફ્લોપ શો અને વહેલી સવારે આવતા ઉલ્ટા-પુલ્ટાથી લોકપ્રિય બનેલા જશપાલ ભટ્ટી હવે આ દુનિયામાં રહ્યા નથી. ફ્લોપ શો નાં માત્ર ૧૦ જ એપિસોડ પ્રસારિત થયા હતા અને હજી પણ એ લોકોના મનમાં તાજા છે. અને, આ પેલી હજારો એપિસોડ લાંબી ચાલતી સિરિયલ્સ? એપિસોડ પૂરો થયો ના હોય ને આપણાં મનમાંથી પણ પૂરી. પેલું કોમેડી સરકસ કે કોમેડીના નામે ગમે તે ફેંકતા લોકો? કાલે તો કોઇને યાદ પણ નહી હોય.

આજે રાત્રે યુટ્યુબ પર ફ્લોપ શો ના એપિસોડ જોવામાં આવશે.

આજની ટ્વિટ: Dear God, First u Took the Wrong Chopra. Now the Wrong Sardar. RIP Jaspal Bhatti. (@shadymumbai તરફથી)

હેપ્પી દશેરા!

* કાલે ફાફડા-જલેબીનો તો પ્રોગ્રામ નથી પણ ઓફિસમાંથી મળેલું મિઠાઇનું બોક્સ પૂરુ ચોક્ક્સ કરવામાં આવશે. એનાં પાછાં બે કારણ છે. ૧. કાલે લાંબું દોડવાનો કાર્યક્રમ છે અને, ૨. અત્યારની સ્થિતિ પરથી જ લાગે છે કે અમારી foo સાગર  હોટલ બંધ હશે. ઓફિસમાં આજે દશેરાની પૂજા (અહીં તેને સરસ્વતી પૂજા કહે છે) નો કાર્યક્રમ હતો. મહારાજે જે રીતે મંત્રો શરુ કર્યા એ પરથી લાગતું હતું કે આ બહુ લાંબુ ચાલશે અને એમ જ થયું. એક બહેનને તો મહારાજ તેમની પાસે આરતી કરાવતા હતા તો ચક્કર પણ આવી ગયા (સુગર પ્રોબ્લેમ કદાચ વત્તા પંખા વગેરે બંધ હતા) અને પછી મહારાજે જાતે કામ પૂરુ કર્યું. મને ખાલી એ ખબર ન પડી કે દર પાંચે મિનિટે મહારાજ ગાયત્રી મંત્ર કેમ બોલતા હતા. વેલ, જે હોય તે. અમે તો મિઠાઇ મળી એટલે બધું માફ!

એ લાંબી ચાલેલી પૂજા દરમિયાન મને ઘણાં બધાં વિચારો આવી ગયા. ધર્મ, જીવન, રસ્તામાંથી શેમ્પૂના પાઉચ લેવાના છે, વગેરે વગેરે. નિરિક્ષણો કરતો હતો કે બીજા લોકો શું કરે છે. મોટાભાગના લોકોના મોઢાં કંટાળેલા લાગતા હતા વત્તા મોબાઇલમાં સમય જોવાનું તો ચાલુ જ હતું (કેવું કહેવાય, ઘડિયાળનો તો કોઇ ઉપયોગ કરતું જ નથી!). ફાઇનલી, જ્યારે પૂજા પૂરી થઇ ત્યારે બધાંના મનમાં જે હાશ થઇ હશે તેને હું મોક્ષ કરતાં પણ વધુ દિવ્ય ગણું છું 😀

તો, કાલે ફાફડા ધરાઇને ખાવા. અને, આજની વાંચન પ્રસાદી તરીકે પ્રિમાની આ પોસ્ટ ખાસ વાંચવી.

અપડેટ્સ – ૬૭

* foss.in/2012 નું રજીસ્ટ્રેશન કરાવી દેવામાં આવ્યું છે. ૨૦૦૪ પછી પહેલી વાર ડેલિગેટ કે વિઝિટર બનીને જઇ રહ્યો છું એટલે મજા આવશે. થોડી સ્પિકર રુમની મજાક ગુમાવીશ પણ બધાં મિત્રો ફરી મળશે એનાથી મોટી મજા શું?

.. અને બેંગ્લોર અલ્ટ્રાનો કાર્યક્રમ (લગભગ) પડતો મૂકવામાં આવ્યો છે. હજી એકાદ મહિના સુધી એટલે જ્યાં સુધી ખાવા-પીવાની બરોબર સગવડ ન થાય ત્યાં સુધી લાંબું દોડવું ન જોઇએ એવું લાગે છે. તેમ છતાંય, નિયમિત દોડવાનું તો ચાલુ જ છે. (હમણાં જ ખબર પડી કે અલ્ટ્રાની રજીસ્ટ્રેશન તારીખ લંબાવાઇ છે.. તો કદાચ..). બીજી એક બેંગ્લોર મિડનાઇટ રન છે. લેટ્સ સી.

* શનિવારે ડેબિયન મિત્ર વાસુદેવને ત્યાં ધામા નાખવામાં આવ્યા હતા અને ડેબિયન પર કામ-કાજ, બગ ફિક્સિસ અને વાતચીતનો દોર ચાલ્યો હતો. વચ્ચે સમય કાઢીને અમે જમવા પણ ગયા 🙂 અહીં આવ્યા પછી પહેલી વાર કેમેરામાં ક્લિક કરવાનો મોકો મળ્યો, પણ કંઇ ખાસ ફોટોસ્ લેવામાં ન આવ્યા. Sankey Tank નો એક રાઉન્ટ વત્તા મલ્લેશ્વરમ વિસ્તારમાં થોડું રખડવામાં આવ્યું. વર્ષો પછી BMTC ની બસોમાં મુસાફરી કરાઇ. એ માટેની પૂર્વ શરત એક જ કે તમને બસ નંબર ખબર હોવી જઇએ નહીતો, ગોતી લ્યા, ગોતી લ્યા (કન્નડમાં ગોતી લ્યા એટલે મને ખબર નથી ;), થેન્ક્સ ટુ પિનલભાઇ!)

* કવિન અત્યારે ઘરમાં ‘એકહથ્થું’ શાસન ચલાવે છે, એવા સમાચાર મળ્યા છે. પાટાનો લાભ ઉઠાવીને તે ગઇકાલે સોસાયટીની વેશભૂષા સ્પર્ધામાં ‘મમી’ બન્યો હતો 😉

Egyptian Mummy in fancy dress competition!

મજાની વાત એ કે ‘મમી’ બનવાનો વિચાર એનો પોતાનો હતો. કદાચ પિરામીડ રન ગેમમાંથી આવ્યો હોય. જે હોય તે, મને બહુ ગર્વ થયો 🙂

બે અઠવાડિયાની ફિલમો

* ઓફિસથી પાછા આવ્યા પછી અને વીક-એન્ડમાં કશું ખાસ કામ હોતું નથી એટલે બેઠાં-બેઠાં (કે સૂતાં-સૂતાં) નીચેની ફિલમો છેલ્લાં બે અઠવાડિયામાં જોઇ કાઢવામાં આવી છે. ડેબિયનનું કામ તો વ્યવસ્થિત ચાલે છે, વધુમાં હવે વાંચનક્રિયા પાછી ચાલુ કરવાની છે. મેલુહાનો બીજો ભાગ શરુ કર્યો છે. પિનલભાઇએ આપેલી SQL Wait Stats હજી જોવાની પણ બાકી છે!

૧. હેરી પોટર અને ડેથલી હોલોસ – ૧
૨. હેરી પોટર અને ડેથલી હોલોસ – ૨
૩. સંઘર્ષ
૪. ગેંગ્સ ઓફ વાસેપુર – ૧
૫. ગેંગ્સ ઓફ વાસેપુર – ૨
૬. ફોલન
૭. સેરેનિટી
અને,
૮. OMG

OMG એ અદ્ભૂત મુવી છે. બાજુવાળા રુમમાંથી ઉઠાવીને લાવ્યો અને એક રાત્રે શરુ કર્યું અને પૂરુ થયું ત્યાં સુધી જગ્યા પરથી હટ્યો નહી. એકાદ-બે ગીતોને બાદ કરતાં મુવીમાં કશુંય વધારા-વાંધાજનક લાગ્યું નહી. બહુ મંદિરોમાં જતાં-આખડતાં લોકોએ આ મુવી ખાસ જોવું જોઇએ. ધર્મના નામે વેપાર કેવો થાય છે એ તો બધાંને ખબર છે પણ બોલે કોણ? જો તમે બોલવા જાઓ તો ફિલ્મમાં થયું છે તેમ તમારું આવી બને! OMG માં તો કાનજીને ભગવાન બચાવવા આવી ગયા પણ વાસ્તિવકતામાં આવે ખરા? 🙂

ગેંગ્સ ઓફ વાસેપુર મને ગમ્યા. વુમનીયા અને બીજા ગીતો સરસ છે. એક્ટિંગ જબરજસ્ત છે. એમ તો આ મુવી સહપરિવાર અમદાવાદમાં જોવાનું હતું, પણ કવિનને ડાયલોગ્સ આવડી ના જાય એ કારણોસર આ પ્લાન પડતો મૂકાયો! સંઘર્ષ બહુ પહેલા જોયેલું પણ યાદ નહોતું. કોપી કરેલ મુવી હોવા છતાં બધાંની એક્ટિંગ સારી છે. ફોલન પણ સારું મુવી છે. એક વખત જોઇ લેવાય. સેરેનિટી ફરી જોયું. સાયન્સ-ફિકશનના ઉત્તમ મુવીઝમાં એનો નંબર આવે છે.

અને હા, હેરી પોટરના આ બે છેલ્લાં ભાગ મારા ફેવરિટ છે, એટલે હાર્ડ-ડિસ્કમાં હંમેશ માટે હોય છે જ. વારંવાર જોયા કરું છું 🙂

અપડેટ: વ્યાસેપુર–>વાસેપુર 🙂

બ્લોગબાબા

* બ્લોગ જગતમાં આ બ્લોગબાબા નું સ્થાન જરા જુદું છે. ભૂતકાળમાં કોઇએ કોપી-પેસ્ટ, ચોરી-ચપાટી, પ્લેગરિજમ, કોમેન્ટ ઉઘરાણી વગેરે કરીને ધંધો કે ધંધા કર્યા હતા. પરંતુ કરુણતાની બાબતમાં બ્લોગબાબા એ સૌને ટપી ગયા. બ્લોગ-ફેસબુક પર ભરાતો બ્લોગબાબાનો દરબાર, મગજ ઠેકાણે હોય કે ન હોય એવો કોઇ પણ માણસ જુએ, તો તેને ‘બિગ બોસ’ જેવા કાર્યક્રમ જોવાની જરુર ન પડે. દેશની સમસ્યાના બ્લોગબાબા દ્વારા સૂચવાતા મૌલિક (કે ધાપેલા!) ઉકેલો સાંભળીને સ્વસ્થ વાચક બે ઘડી આંખો ચોળતો અને ‘જે વાંચુ છું તે સાચું છે?’ એવું વિચારતો થઇ જાય. બ્લોગબાબાના દરબારમાં બબ્બે કોમેન્ટો અપ્રૂવ કરાવીને બેઠેલા લોકોની ઠઠ જોઇને તર્ક, વિવેકબુધ્ધિ – અરે, સાદીસીધી સામાન્ય બુધ્ધિ પરથી વિશ્વાસ ઉઠી જાય.

બ્લોગબાબા એકદમ પ્રસન્ન ચહેરો રાખીને કોઇને મોદી સામે પડવાનો, તો કોઇને ગુજરાતમાં બધું જ ખરાબ છે એવું સૂચવે. કોઇને કહે કે ગરીબ કલ્યાણ મેળામાં ન જઇને કોંગ્રેસ પાસેથી પેલાં ઘરનું ઘરનું ફોર્મ ખરીદજો, તો કોઇને કહે કે BRTS ને બદલે પગપાળાં મુસાફરી કરજો. આમ કરવાથી સૌ સારું થઇ જશે.

મઝાની વાત એ છે કે બ્લોગબાબા ઉઘાડેછોગ જે કરે છે તેને મુર્ખાઇ કહેવાય કે નહીં, એના માટે ચર્ચાઓ થાય. કોઇ વળી એવો મુદ્દો ગબડાવે કે ‘એક દિગ્વિજયસિંહ આવું જ કરે છે એનો વિરોધ નથી કરતા ને બ્લોગબાબા જ કેમ દેખાય છે? કારણ કે તમે ગુજરાતવિરોધી છો…’ (આટલું વાંચીને પણ કોઇને ‘વાત તો વિચારવા જેવી છે’ એવું લાગે તો નવાઇ નહીં.)

‘વિષકાંડ’નો સાર એટલો કે કોઇ સમસ્યાના દેખીતી રીતે મોંમાથા વગરના ઉકેલ વહેતા કરી દેવામાં આવે, તો પણ ઘણા લોકોને સહેલાઇથી ચગડોળે ચડાવી શકાય છે. ભલે ઉકેલના પાયામાં જ તર્ક અને વિવેકબુદ્ધિનો છેદ ઉડી જતો હોય. ભારત, ચંદ્રકાંત બક્ષીના જાણીતા પ્રયોગ (‘વિચારવું એ ખતરનાક ક્રિયા છે’) પ્રમાણે, અવિચારપ્રધાન દેશ છે. વાહિયાતમાં વાહિયાત ઉકેલમાંથી પોતાને ગમતો કે અનુકૂળ પડતો એકાદ અર્થ શોધીને, લોકો બાલની ખાલ ઉતારવા બેસી જશે. સમય વીતતાં સમસ્યાનો ઉકેલ આવવાને બદલે, ઉકેલની ચર્ચા અપ્રસ્તુત બની જશે. ત્યાં સુધી બીજા ‘બ્લોગબાબા’ બીજી કોઇ સમસ્યાનો વાહિયાત ઉકેલ સૂચવીને મેદાનમાં ઉતરી ચૂક્યા હશે.
.
..

….

‘અમારા બાબા તો ગ્રેટ છે, પણ દુષ્ટ લોકો તેમની સફળતા સાંખી શકતા નથી. એટલે તેમને બદનામ કરે છે.’

આવતા વર્ષના ‘ભારતદુષ્ટરત્ન’ માટે બ્લોગબાબા કેમ રહેશે?

બસ, બસ, આથી વધારે હસવાની મારી તાકાત નથી 😉

અપડેટ્સ – ૬૬

* રાસ્પબેરી પાઇ હવે ૫૧૨ એમબી રેમ સાથે આવશે! સારા અને ખરાબ કહેવાય તેવા સમાચાર. ખરાબ એટલા માટે કે મારા મોડલમાં ૨૫૬ એમબી જ છે. (જે જોકે મારા પ્રથમ કોમ્પ્યુટર જેટલી છે!).

* દોડવા માટે પાર્ટનર મળી ગયો છે. ઓફિસ જ નો છે અને મારી PG માં એક જ ફ્લોર પર રહે છે. સરસ દોડે છે-સ્ટેમિના છે, એથી મને પણ ઝડપ વધારવા માટે સારું રહેશે. વળી, અહીં કોકોનટની કોઇ કમી નથી, એટલે એ બાબતમાં શાંતિ છે. સસ્તાં અને સારાં. electrolyte જરુરી છે!

* ડિનર માટે એક ‘foo સાગર’ હોટલ શોધી કાઢી છે. તેનો બ્રેકફાસ્ટ પણ સરસ હોય છે. યોર ફિલ્ટર કાપ્પી, સર!

* બધાંને હેપ્પી નવરાત્રિ. અહીં તો એવું કંઇ લાગતું નથી. ક્યાંક થી દશેરા ફેસ્ટિવલનો અવાજ સંભળાય છે..

* આ બેંગ્લોરમાં ગુજરાતી છાપાં-સફારી મળી શકે? ખાસ કરીને દિવ્ય-ભાસ્કરના બહેતરીન સમાચારો ‘મિસ’ થાય છે 😉

* અરર, હજીયે જરુરી વસ્તુઓ લાવવાની રહી જાય છે. આ વીક-એન્ડ પર..

* અને, હા, હેપ્પી બર્થ ડે, રિનિત!!