૨૦૧૭: કેટલાક આંકડાઓ…

* સૌ પહેલા તો સાયકલિંગ અને રનિંગ:

૨૦૧૭નું સરવૈયું

** સાયકલિંગ: ૯૮૭૬ કિમી

** રનિંગ: ૭૨૬ કિમી

* વિકિપીડિયા:

** ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારો: ૮૦૯૬
** અંગ્રેજી વિકિપીડિયામાં ફેરફારો: ૪૩૧

આ લખું છું ત્યારે ૯૮૭૬ કિમી પૂરા કરવા માટે ૯ કિમી ખૂટતા હતા ત્યારે કવિનની સ્કૂલ આગળ જઇને તે પૂરા કર્યા તે વખતે ફોટો લીધેલો, જે કોમન્સમાં અપલોડ કર્યો છે એટલે ફેરફારોની સંખ્યા હજુ પણ વધશે! આખો દિવસ હજુ બાકી છે!!

અને હા, બાકીના આંકડાઓ તો મોહ-માયા છે. જેવાં કે, કેટલા લાઇક્સ આવ્યા કે કેટલી કોમેન્ટ્સ મળી 😀

૯૮૭૬ કે ૧૦૦૦૦?

* આ લખી રહ્યો છું ત્યારે ૨૦૧૭ના વર્ષમાં સાયકલિંગના ૯૭૧૭ કિમી પૂરા થયા છે. હવે કંઇક સારો આંકડો લાવવા માટે ૯૮૭૬ કિમી કે પછી વર્ષનો ટારગેટ ૧૦૦૦૦ કિમી – બે માંથી એક – વિશે વિચારેલું છે. કાલે થોડું ~૧૫૩ કિમી સાયકલિંગ કરીએ તો ૯૮૭૬ આંકડો આવી જાય પણ ૧૦૦૦૦ માટે ૨૮૩ કિમી જોઇએ, જે હવે મુશ્કેલ છે (થેન્ક્સ ટુ: ડિસેમ્બરના ડાકલા), પણ અશક્ય તો નથી જ 😀 તો પણ, એકંદરે આ વર્ષ સાયકલિંગ માટે સારુ રહ્યું છે. આવતા વર્ષે યોગ્ય ટ્રેઇનિંગ કરવામાં આવશે અને વધુને વધુ કિમી કરવાનો પ્લાન છે. જોકે જાન્યુઆરી, મે, ઓગસ્ટ વગેરે મહિનાઓમાં થોડા પ્રવાસો આવશે, પણ તે સમયે રનિંગ કરી શકાય તેમ છે, જેથી શરીર સક્રિય રહે અને વજન કાબુમાં રહે!

૧ લી તારીખે નવા વર્ષમાં વિગતે આંકડાઓ મૂકીશ.

અપડેટ્સ – ૨૧૨: બ બીઆરએમ નો બ – ૬૦૦!

* અહીં લખેલું તેમ ૨ વર્ષથી બાકી રહી ગયેલી પેલી ૬૦૦ કિમી વાળી બી.આર.એમ. પૂરી કરી ખરી. આ વખતે થોડા ઓછા લોકો હતા અને ડિસેમ્બરની શરૂઆતમાં થયેલા એક્સિડેન્ટ પછી સાયકલ એમની એમ પડી રહેલી જે છેક ચાર દિવસ પહેલા જ રીપેર કરાવી? શું હતું રીપેરમાં? એક સ્ક્રૂની જગ્યાએ બીજો સ્ક્રૂ લગાવી દીધો હતો :/ સાયકલ સર્વિસ કરાવીને બી.આર.એમ. કરવી એમ નક્કી કર્યું. આગલા દિવસે કિરણ પાસેથી જેકેટ અને દીપ પાસેથી લાઇટ ઉછીની લીધી, જે બહુ કામમાં આવવાના હતા.

આ વખતે ક્રિસમસની રજા આવતી હોવાથી રવિવારે શરૂઆત હતી. સવારે સમયસર પહોંચી ગયો અને કદાચ પહેલીવાર શરૂઆત ૨૦ મિનિટ મોડી થઇ! શરૂઆતમાં જ જબરો ટ્રાફિક નડ્યો એટલે આરામથી જ સાયકલ ચલાવી, બીજો ડર પેલા કમરના દુખાવાનો પણ ખરો. કસારા ઘાટ પહેલાં નાસ્તો કર્યો. હવે આ નાસ્તા-લંચ-ડિનરની બહુ લમણાઝીંક છે. ઓર્ડર આપોને અડધો કલાકે આવે, એટલે જે તૈયાર મળે તે ખાવું પડે. અને તૈયારમાં વડાપાઉંને ભજિયા જ હોય. આપણને તકલીફ થાય. આખી રાઇડમાં આ તકલીફ પડવાની જ હતી. સદ્ભાગ્યે કોકીએ બનાવેલી ભાખરીઓ જોડે હતી, જેને ઇમરજન્સી ફૂડ તરીકે રાખવામાં આવેલી. યુનિવેદનું જેલ અને એક-બે એનર્જી બાર પણ હતા. કસારા ઘાટથી નાસિક સુધી પણ આરામ જ હતો. તડકો બહુ ન હતો. કસારા ઘાટ પછી ઘાટન દેવીના મંદિર પાસે અમને મહારાષ્ટ્રમાં ૨૩૦૦ કિમીની રાઇડ કરી સાયકલિંગ અંગે જાગૃતિ ફેલાવતા દેવીદાસ અહેર અને પ્રતિભા મળ્યા.

IMG-20171225-WA0016.jpg
કાર્તિક, દેવીદાસ, પ્રતિભા, એક અંકલ જેમનું નામ ભૂલી ગયો, પવન (ફોટોગ્રાફર)

નાસિક પહેલા થોડી ઝડપ કરી. નાસિકથી પણ ફટાફટ નીકળીને ૨૦૦ કિમી સુધી સ્મૂથ રાઇડ થઇ, હા સિવાય કે પેલા દસ-દસ બમ્પ-રમ્બલર્સ. “ભારત બમ્પપ્રધાન દેશ છે”, એ વાક્ય સંપૂર્ણ સાચું છે. હવે એમાં તો મારાથી કંઇ થઇ શકે તેમ ન હતું. ૨૦૦ કિમી પર અંધારુ થવા આવ્યું હતું અને ચાંદવડનો ઘાટ આવ્યો. ચાંદવડ આખા માર્ગ પરનું સૌથી ઉંચું સ્થળ છે, જે અમને રીટર્નમાં નડવાનું હતું.

નાસિક થી ચાંદવડથી અને ત્યાંથી ધુલે ઉર્ફે ધુલિયા વચ્ચે પણ બહુ આરામથી અને એકલા જ રાઇડ કરી. જોકે વચ્ચે પેલું ફેમસ માલેગાંવ આવતું હતું. બધાં રાઇડર્સને ખબર છે કે માલેગાંવમાં રોકાવાનું નહી. ત્યાં કૂતરા-બિલાડાઓનો બહુ ત્રાસ છે! રસ્તામાં તો બીજા કોઇ રાઇડર દેખાયા જ નહી. કદાચ હું સૌથી પહેલો હતો અથવા સૌથી છેલ્લો હતો 😀 જે હોય તે, ધુલે પહોંચીને ગુરુદ્વારામાં આરામ કરવાનો હતો પણ દુર્ભાગ્યે ત્યાં કંઇક ધાર્મિક પ્રસંગ હતો એટલે અમારા ઉંઘવાના અરમાનો પર પાણી ફર્યા અને કલાક આમ-તેમ ટાઇમપાસ કરીને ત્યાંથી નીકળ્યો. આ વખતે બીજો એક રાઇડર વિશાલ પણ ત્યાં આવ્યો અને નક્કી કર્યું કે સવાર પડે ત્યાં સુધી તો જોડે ચલાવીએ. લગભગ ૫૦-૬૦ કિમી જોડે ચલાવી પણ એ વખતે જ મારા પેટમાં ગરબડ થવાની શરૂઆત થઇ. ત્રણેક વખત પેટ સાફ ન થયું ત્યાં સુધી ગરબડ ચાલી અને એમાંજ આ રાઇડનો સૌથી વધુ સમય બરબાદ થયો. હવે, કોણ એવું હશે જે સાયકલ પણ ટોયલેટમાં લઇ જાય? – બીજું કોણ? – કાર્તિક! 😀 વળી પાછી બીજી તકલીફ પડી, ઠંડીની. ૮ કે ૯ ડિગ્રી સે. તાપમાન વત્તા ઠંડો પવન – આ અનુભવ બહુ લાંબા સમય સુધી યાદ રહેશે. સદ્ભાગ્યે કિરણનું જેકેટ બહુ કામમાં આવ્યું પણ લાગ્યું કે હજુ બીજું એક વધુ જેકેટ પહેર્યું હોત..!

પેટ સરખું થયું લાગતા અને ઠંડી ઘટતા એક હોટલમાં કોફી-કેફિન જેવા પદાર્થો લેવા ગયો ત્યારે વાત-વાતમાં ખબર પડીકે હોટલ વાળા પાલનપુર બાજુના છે, એમાં સારો એવો સમય ગયો પણ હું તાજો થઇ ગયો. ત્યાંથી ફરી ચાંદવડ ઘાટના ટોચ સુધી અને ત્યાંથી ચાંદવડ અને પછી ત્યાંથી લગભગ નાસિક પહેલા સુધી સરસ દોડાવી. નાસિક પહેલા વિશાલ ફરી મળ્યો અને ત્યાંથી નાસિક સુધી જોડે સાયકલ ચલાવી. ત્યાંથી પણ હું જલ્દી નીકળી ગયો. ઇગતપુરી સુધી અને ત્યાંથી કસારા ઘાટ ઉતારીને આરામથી સાયકલ ચલાવતો હું ૫૦ કિમી પર આવ્યો ત્યારે બધો સ્ટેમિના-એનર્જી ઉતરી ગયા હોય એમ લાગ્યું.  ત્યાર પછી એક બિલાડી અને સ્ટિક જીવડું (કુંગ ફૂ પાંડા ફેમ), આ બંનેએ મને રાઇડ ચાલુ રાખવાની પ્રેરણા આપી!

 

હવે તો બીજી રાત પણ પડી ગઇ હતી એટલે હવે જેટલું જલ્દી પહોંચાય તો સારું એ ન્યાયે વચ્ચે વચ્ચે ઝડપ કરી. કલ્યાણ પહેલા ધાર્યું હતું તેમ ટ્રાફિક નડ્યો, જે છેક થાણે સુધી ચાલ્યો. એકાદ કિમી તો રોંગ સાઇડમાં ચલાવી, પણ પછી થયું કે જો સાયકલિસ્ટ ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો ખોટું કહેવાય. ભલે મોડો પહોંચીશ. થાણે પછી મુલુંડ સુધીનો રસ્તો સિગ્નલોથી ભરેલો છે, કોઇ છૂટકો જ નહી. છેવટે ૭.૫૦ જેવો મુલુંડ પહોંચ્યો અને એટીએમમાં સ્લિપ લઇને રાઇડ પૂરી કરી.

IMG-20171225-WA0026.jpg
સિક્રેટ સ્પાઇસ પર, રાજેશ અને અન્યોની સાથે.

બોધપાઠ્સ:
૧. તાપમાન-વાતાવરણને માન આપવું. તૈયારી કરીને જવું. ઓવર તૈયારી કરવી સારી.
૨. આગલા દિવસે રાઇડ ન કરવી.
૩. વધુ સારી અને નાની પાવરબેંકની તપાસ કરવી.
૪. મગજ શાંત રાખવું. શાંત, સાયકલધારી કાર્તિક, શાંત!
૫. ભાખરી ઝિંદાબાદ!

પુસ્તક: જાતકકથા

છેલ્લી અપડેટમાં લખ્યું હતું તેમ ક્રોસવર્ડમાંથી બક્ષીબાબુની નોવેલ જાતકકથા મળી ગઇ. બે દિવસમાં લગભગ બે બેઠકે આ પુસ્તક પુરુ કર્યું અને હવે તેનો નાનકડો રીવ્યુ!

IMG_20171216_112816.jpg
થિંક બક્ષી!

સૌપ્રથમ તો આ પુસ્તકનું પુન:મુદ્રણ પ્રવિણ પ્રકાશને કર્યું તે માટે તેમનો આભાર. હવે જાતકકથાનું આવરણ સરસ છે. પ્રથમ પાનું ઉઘાડીને જોયું તો અન્ય નવલકથા-પુસ્તકોના આવરણો હોરિબલ છે. યસ, હોરિબલ. તેનો ફોટો મૂકવાની પણ ઇચ્છા થતી નથી.

જાતકકથા વાંચવાની શરૂઆત કરી એ પહેલાં જાતકકથા એટલે શું? એ વિષય પર ઇન્ટરનેટ પર બહુ બધું વાંચી કાઢ્યું. બક્ષીબાબુએ પણ સરસ રીતે સમજાવ્યું છે. ૧૯૬૯ની આ નવલ બક્ષીબાબુના એ સમયના મિજાજને યોગ્ય રીતે વર્ણવે છે. નવલને ત્રણ ભાગોમાં વહેંચી છે, પણ આપણો રસ જરાય ભંગ થતો નથી. હવે તેમાંથી થોડાક અવતરણો!

‘કોઈ પણ માણસ સાથે હોય તો મજા આવે જ’ આમ્રપાલીએ અંધારામાં કહ્યું.
‘માણસ નહીં, પુરુષ. માણસમાં તો સ્ત્રીઓ પણ આવી જાય.’
‘મારું ગુજરાતી એટલું બધું સારું નથી.’

‘હિંદુ ધર્મ પોતાના કિનારાઓ પર સૌના ઇશ્વરોને જીવવા દે છે.’

‘ગુજરાતીઓમાં બે જ જાતો છે, એક સારા અને એક ખરાબ. એક દારૂ પીનારા, બીજા ન પીનારા. સારા ગુજરાતીઓ પીએ છે, ખરાબ નથી પીતા.’

 

અને, મને બરાબર બંધ બેસતું અવતરણ!

‘.. અને રાત્રે ભયંકર ઊંઘ આવે છે. પથારીમાં પડતાંની સાથે જ, પાંચ મિનિટમાં ઊંઘ્યા પછી કોઈ મને હલાલ કરી નાંખે તોપણ ખબર ન પડે.’

હવે? બે દિવસમાં નવલ વાંચી લીધા પછી ૬ મહિના પછી ફરીથી વાંચીશ ત્યારે વધુ અવતરણો સાથે. બક્ષીબાબુની નવલકથાઓની મઝા એ જ છે કે જ્યારે પણ વાંચો ત્યારે તાજી જ લાગે.

અપડેટ્સ – ૨૧૧: અમદાવાદ!

સવારે વહેલી ફરી પાછો એસ.ટી. પકડીને અમદાવાદમાં ઇન્કમ ટેક્સ પર ઉતર્યો ત્યારે મેટ્રોનું કામકાજ જોઇને આનંદ થયો. હવે ત્યાંથી મારે પેલી ગુમ થયેલી બેંકની તપાસ કરવાની હતી. મારી ૨૦૦૯-૧૨ની યાદશક્તિ ઢંઢોળી અને પાસબૂક પરથી હું સાચા સ્થળે પહોંચ્યો પણ ત્યાં તો “જગ્યા ભાડે આપવાની છે” એવું પાટિયું લટકતું હતું. મને થયું SBI જેવી બેંક બંધ થઇ જાય એવા સમાચાર મેં કેવી રીતે મિસ કર્યા? પછી એક ટ્રાય સામેની બ્રાંચમાં કરીએ એવો વિચાર આવ્યો અને ત્યાં પહોંચીને ખબર પડીકે એ બ્રાંચ તો ક્યાંક નજીકમાં જ ખસેડાઇ છે. ઓકે. ગુડ. ત્યાં પહોંચી ગયો. ચૂંટણીને કારણે લગભગ અડધા કર્મચારીઓ નિષ્ક્રિય લાગ્યા પણ મારું ૧૦ ટકા કામ થયું. કોઇ અજ્ઞાત મેડમ રજા પર છે એવો સ્ટાન્ડર્ડ જવાબ સાંભળવા મળ્યો અને પછી હું ત્યાંથી આગળ શું કરવું તે વિચારતો બહાર નીકળ્યો.

પહેલું કામ તો જેકેટ બેગમાં મૂક્યું. વેલકમ ટુ અમદાવાદ! પછી અમારા સાયકલ મિત્ર નિસર્ગભાઇને ફોન કર્યો અને તેમની ઓફિસ નજીકમાં જ હોવાથી ક્રોસવર્ડ મીઠાખળીમાં મળવાનું નક્કી કર્યું. આ ક્રોસવર્ડ આપણી ફેવરિટ. ત્યાં પેલી કોફી શોપ પણ સારી. નિસર્ગભાઇ જોડે કરેલી ૪૦૦ બી.આર.એમ.નો એમનો મેડલ મારી જોડે હતો તે તેમને સુપરત કર્યો અને પછી થોડી પેટ-પૂજા કરવામાં આવી.

નિસર્ગભાઇ જોડે સાયકલિંગ અને ગુજરાતમાં સાયકલિંગ પર બહુ વાતો કરી. હું તો નવરો હતો પણ તેઓ વ્યસ્ત હતા એટલે તેમને વિદાય આપી હું ક્રોસવર્ડમાં ગયો અને ત્યાં જઇને જોઉં તો ગુજરાતી વિભાગ થોડો મોટો બન્યો હતો અને ત્યાં કાઝલ ઓઝા વૈદ્યનું એકચક્રી સામ્રાજ્ય હોય એમ લાગ્યું. વચ્ચે વચ્ચે બીજા લેખકો ઝળકી રહ્યા હતા અને ત્યાં નજરે ચડ્યા – બક્ષી!

IMG_20171215_140116

પ્રવીણ પ્રકાશને બક્ષીબાબુના થોડા પુસ્તકો ફરી પ્રકાશિત કર્યા છે. એ માટે તેમનો ધન્યવાદ. મને જાતકકથા નવલ મળી ગઇ (અને હાલમાં તે વાંચી રહ્યો છું, તેનો રીવ્યુ પછીની પોસ્ટમાં!). ક્રોસવર્ડમાં હવે પુસ્તકો પછી સ્ટેશનરીનો માહોલ છે. તેમાં કંઇ લેવા જેવું ન લાગ્યું એટલે થોડો ટાઇમપાસ કરીને નીકળી ગયો. હા, ક્રોસવર્ડમાં “ચન્દ્રકાંત” જેવો જોડણીદોષ ખૂંચ્યો અને જેમ દર વખતે હોય છે તેમ ગુજરાત વિરોધી પુસ્તકો ડિસપ્લે પર ખાસ દેખાય તેમ મૂકવામાં આવ્યા હતા. નોર્મલ છે!

ત્યાંથી નીકળીને ઇશિતાને મળવા માટે પકવાન ચાર રસ્તા જવાનું હતું. ત્યાં ફાલાસિન કે ફાલાસી જેવું નામ ધરાવતા જ્યુશ કાફેમાં બેઠાં-બેઠાં ગપ્પાં માર્યા. જગ્યા સરસ છે. તેની ત્રણ સ્તર વાળી સેન્ડવિચ પણ સરસ હતી.

ત્યાંથી ઉપરના નકશામાં બતાવ્યું તેમ પકવાનથી પાન ખાઇને નક્કી કર્યું કે સંદિપનો જો ફોન ન આવે તો ચાલીને કાલુપુર સ્ટેશન જવું. કુલ અંતર લગભગ ૯.૫ કિમી હતું જે ૨ કલાક જેવું લાગે તેમ હતું. બરોબર. ૩.૫ કિમી ચાલ્યો ત્યારે સંદિપ મિટિંગમાંથી ફ્રી થયો અને અમે સહજાનંદ આગળ મળવાનું નક્કી કર્યું અને મળ્યા. છેવટે એક સરસ ચીઝ વડાપાંવ અને સેન્ડવિચ ખાધી. ત્યાંથી તેના ઘરે થઇને તેના દીકરા રીષિને લઇને તે મને કાલુપુર મૂકવા આવ્યો. દુર્ભાગ્યે ટ્રાફિક વધુ હતો એટલે કવિન માટે દોરી-ફીરકી લઇ શકાઇ નહી. આ વખતે લોકશક્તિમાં લોકોનો ત્રાસ હતો નહી અને થર્ડ એસીના કારણે ઠંડી-પવન પણ લાગવાના ન હતા એટલે આરામથી સૂઇ ગયો. સવારે ઘરે પહોંચ્યો ત્યારે એકસાથે બે દિવસનો થાક દેખાયો જે પછી રવિવારની રાઇડ પર પડવાનો હતો એમ લાગ્યું.

તો આ પોસ્ટ પૂરી. અને હા, કાલે ૧૮ ડિસેમ્બર – યાદ છે? ચૂંટણી પરિણામો 😀

મેથીપાક

* મને મેથીપાક બહુ ભાવે. એટલે મમ્મીએ આ વખતે મને સાચો અને સરસ મેથીપાક બનાવી આપ્યો. જોકે મેથીપાક વિશે કવિનની યાદો બહુ સારી નહી હોય! 🙂

મેથીપાક

અપડેટ્સ – ૨૧૦: ચૂંટણી વિશેષ

ડિસેમ્બર મહિનો આવવાની સાથે હવે કેટલી રજાઓ બાકી છે એની ગણતરી પણ ચાલુ થઇ જાય છે. એકંદરે આખો મહિનો રજાઓ લઇ શકાય તેમ હતું પણ, એવું તો શક્ય નહોતું એટલે પછી ચૂંટણી જોડે બાકી રહેલું બેંકનું કામ પણ પૂરુ કરવા માટે બે દિવસ માટે (૧૪ અને ૧૫) રજાઓ લીધી અને સદ્ભાગ્યે ટિકિટ્સ મળી ગઇ એટલે નાનકડાં પ્રવાસનું આયોજન થઇ ગયું.

બુધવારે રાત્રે લોકશક્તિમાં અમદાવાદ જવા માટે નીકળ્યો ત્યારે ધાર્યું હતું તેમ અપ-ડાઉનિયાનો ત્રાસ નડ્યો. તેઓ તો જાણે વિરાર-પાલઘર ઉતરી ગયા પણ પછી નીચેના પાંચ પંચાતિયાઓ બહુ નડ્યા. એમનો સમાજ, એમણે કરેલી બેંક/NEFT ટ્રાન્સફરમાં ભૂલો, સમાજ કેટલો મહાન છે, સમાજમાં કેવું હોવું જોઇએ, કયા મહારાજ કેવા છે અને આખા જગતની ચર્ચા તેઓ મોડા સુધી કરતા રહ્યા અને છેવટે એ મહાન સમાજ વાળા લોકોને મારે નાછૂટકે કડવી વાણી સંભળાવવી પડી પછી તેઓએ મૌનવ્રત ધારણ કર્યું. અમદાવાદ ઉતર્યા પછી નવાં બનેલા બસ સ્ટેશન પર મસ્કા બન ખાઇને આપણી માનીતી ગુજરાત એસ.ટી. બસ પકડીને પાલનપુર પહોંચ્યો.

પાલનપુર એવું જ – દર શિયાળામાં હોય તેવું સુસ્ત હતું અને ચૂંટણીની ગરમી હજુ દેખાતી નહોતી. ઘરે પહોંચી ફટાફટ તૈયાર થઇને વોટ આપવા માટે ગયા. હા, એ પહેલા હરસિદ્ધ માતાના મંદિરમાં જઇ આવ્યા, જેનું સમારકામ થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું છે. વોટ આપવા ગયા ત્યાં અમારા વોર્ડની કતાર ખાલી જ હતી એટલે બે મિનિટમાં વોટનું કામકાજ પૂરુ કર્યું. પેલા બહુ જાણીતા EVMનાં બ્લૂટૂથના કોઇ પુરાવા ન મળ્યા અને VVPAT પણ જોયું. બધું બરોબર હતું!

ત્યાંથી સુધિરની દુકાને પહોંચ્યો ત્યારે ત્યાં હેમંત અને ગૌરાંગ મળ્યા. વાતોના વડા અને કિટલીની ચા હોય એટલે મઝા આવે જ. બપોરે ક્યાંક જમવા જવાનું નક્કી કર્યું. થોડી વાર ઘરે જઇ આવ્યો અને ફરી પાછો એક જગ્યાએ ભેગા થયા અને ચાર-પાંચ શાળા મિત્રોને ઝંઝોળવામાં આવ્યા તેમાંથી જેટલા આવવાના હોય તે સૌ કોઇને હાઇ-વે પર કારગીલ ધાબા પર મળવાનું નક્કી કર્યું.

IMG_20171214_130104

ત્યાં પહોંચ્યા ત્યારે ધીમે-ધીમે બધાં મિત્રો આવવા લાગ્યા અને પછી જમવાની મઝા આવી. મને તો આ ધાબાઓનું જમવાનું બહુ ફાવતું નથી, એટલે પ્રમાણમાં ઓછું ખાધું અને વાતો વધુ. તો પણ લીલા લસણનું શાક ટેસ્ટી હતું. જમીને થોડી વાર વધુ ગપ્પા માર્યા અને ત્યાંથી ઘરે આવીને સૂઇ ગયો. પાલનપુરની સાંજ એકદમ કંટાળાજનક હોય છે એટલે ફરી પાછો શહેરમાં રખડવા નીકળ્યો. વિદ્યામંદિરના રોડ પર જઇને ફરી જૂની યાદો તાજી કરી અને બે-ત્રણ વિકિપીડિયા લાયક છબીઓ લઇને ચારેક કિમી ચાલીને ઘરે આવ્યો ત્યારે નાનાં હતા ત્યારે શિયાળો કેવો હતો તે યાદ આવી ગયું. પાંચેક વર્ષમાં પહેલી વખત રજાઇ ઓઢવી પડી. બીજા દિવસે જેમ બને એમ જલ્દી અમદાવાદ પહોંચવું પડે તેમ હતું, કારણકે મારે બેંકમાં કામ-કાજ હતું અને ગુગલ મેપ્સમાં મને બેંક મળતી નહોતી :/

બાકીની અપડેટ્સ, નવી પોસ્ટમાં!

સેજલબેન સાથે મુલાકાત

સેજલબેનની ઓળખાય સૌપ્રથમ તો એમના બ્લોગથી થઇ હતી. હોમસ્કૂલિંગ અને ત્યાર પછી આશના-મેઘના સ્વિમિંગ-ડાઇવિંગની રોમાંચક સફરોની જાણકારી ફેસબૂકથી મળતી હતી, પણ ક્યારેય રૂબરૂ મળ્યા નહોતા. થોડા દિવસ પહેલાં તેમની સાથે વાત થઇ અને તેમણે કહ્યું કે તેઓ મુંબઈ આવવાના છે, તો તેમને મળવાની તક ઝડપી લીધી. અમારે તો મૂળે વિલે પાર્લે ડાઇવિંગની ઇનોગ્રલ કોમ્પિટિશન જોવા જવાનું હતું, પરંતુ કવિનની તબિયત, ક્લાસિસ (વેલ, <કફ>!) અને તેના કોઇ મિત્રની પાર્ટીના કાર્યક્રમોએ અમને આશનાની ડાઇવિંગ કોમ્પિટિશન જોવાથી વંચિત રાખ્યા. પણ તેમને મળવા જવાનું તો હતું જ.

હું અને કોકી કવિનને પાર્ટીના સ્થળે મૂકીને બોરિવલી-અંધેરીની લોકલ વત્તા મેટ્રોની સફરો કરી સેજલબેન-આશનાને મળ્યા. મેં તેમને કહ્યું હતું કે આપણે “વાતોના વડા” કરીશું અને સેજલબેન પણ મારા જેવા જ વાતોડિયા નીકળ્યા! વાતોના વિષયોમાં સ્વિમિંગ, રનિંગ, ડાઇવિંગ, શિક્ષણ અને છોકરાઓ પર પડતો ભાર, સાયકલિંગ, સેજલબેનના અનેક અનુભવો અને પ્રવાસો. ખાસ કરીને આશના-મેઘને લઇને તેમણે એકલા કરેલા પ્રવાસોના વર્ણન મને બહુ સરસ લાગ્યા. હા, એક એથ્લેટ માટે ભારતમાં આગળ આવવું કેટલું કઠણ છે અને તેના માટે તેમણે કેટલી મહેનત વત્તા ત્યાગ આપ્યો છે, એ પણ જાણવા મળ્યું. મને અને કોકીને બંનેને બહુ મઝા આવી. જોકે અમારે કવિનને પાછો લેવા પાછું બોરિવલી જવાનું હતું એટલે જલ્દી નીકળવું પડ્યું. હવે ફરીથી સહકુટુંબ અને ખાસ તો કવિનને પ્રેરણા મળે એ માટે મળીશું.

રેસ રિપોર્ટ: વસઈ-વિરાર હાફ મેરેથોન

ગયા અઠવાડિયાની ઇજા હજુ બરોબર ગઇ ન હોવા છતાં વસઈ-વિરાર હાફ મેરેથોન આપણી ફેવરિટ હોવાથી દોડવાનું નક્કી કરેલું.

સવારે ૩.૩૦ વાગે ઉઠીને સ્ટેશન પર જવા નીકળ્યો પણ રીક્ષા ન મળી એટલે વાર્મ અપ માટે દોડીને સ્ટેશન ગયો. ત્યાં ગુંજન-કલ્પના અને સોપાન-અમી મળ્યા. સોપાન અને ગુંજન – બંને એટલા એનર્જેટિક માણસો કે બંને જ્યારે પણ મળે ત્યારે મઝા આવી જાય. ત્યાંથી ૪.૪૩ની ટ્રેને અમને ૫.૧૫ જેવા વસઈ પહોંચાડ્યા. ત્યાંથી વસઈના મ્યુનિસિપલ કોર્પોરેશને બસની વ્યવસ્થા કરેલી. સ્ટાર્ટ પોઇન્ટ પર બીજાં ઘણાં રનર્સ મળ્યા અને મારું દોડવાનું હવે દિવસે-દિવસે ઘટતું જતું હોવાથી તેમને ઘણાં સમય પછી મળવાની મઝા આવી.

દોડ એકદમ નિયત સમયે બરોબર ૬.૩૦ના રોજ શરૂ થઇ ગઇ. દોડવામાં તો આપણ ડિઝાસ્ટર નક્કી હતો તો પણ પહેલાં ૧૦ કિમી સારા ગયા. ૧૨ કિમી પર કુણાલ તેની પ્રથમ મેરેથોન પૂર્ણ કરવા તરફ જતો મળ્યો! અભિનંદન કુણાલ! ૧૪ કિમી પર ફૂલ મેરેથોન વાળા એલિટ્સ રનર્સે મને ક્રોસ કર્યો. એ પહેલાં બે વખત ૧૬-૧૭ કિમીએ મને તેઓ ક્રોસ કરતાં. આ ઘટના પરથી બે તારણ નીકળે: ૧. હું ધીમો પડ્યો છું, ૨. તેઓ ઝડપી બન્યા છે. મારા મનને તારણ નંબર ૨ જ છે એમ મનાવી આગળ દોડ્યો, તો પણ પછી ધીમો જ રહ્યો. ખાલી છેલ્લો એક કિમીમાં થોડી ઝડપ કરી અને છેવટે ૨ કલાક અને ૧૩ મિનિટમાં માંડ-માંડ હાફ મેરેથોન પૂરી થઇ. સરસ નાસ્તો કર્યા પછી પ્રદિપ-આરતી મળ્યા. બીજું એક એનર્જેટિક કપલ – જે દર વર્ષે વસઈ-વિરારમાં મળે છે. બહુ વાતો કરી અને વિરારથી ટ્રેનમાં જવા નીકળ્યા. મને એમ થાય છે કે રવિવારે પણ આટલાં બધાં લોકો વિરારથી ક્યાં જતાં હશે? અમે તો ડોબાઓ મેરેથોન કરવા ગયા હતા એટલે વિરાર આવ્યા હતા, પણ બીજાં મોર્ટલ લોકો? 😀

IVMS01956

ઘરે પહોંચ્યો ત્યારે ટ્રેનની મુસાફરીથી હાફ મેરેથોન કરતાં વધુ થાક લાગ્યો હતો!

આ પણ જુઓ:
* ૨૦૧૪નો રીપોર્ટ

ડિસેમ્બરના ડાકલા

આ દરવખતે ડિસેમ્બરમાં કંઇને કંઇ ડાકલા વાગે. બે વર્ષ પહેલાં સાયકલ વાગી, ગયા વર્ષે કમર ભાંગી, આ વર્ષે ફરી સાયકલ પરથી પડી ભાંગ્યો (કંઇ તૂટ્યું હોય એવું જણાતું નથી). બોલો, કોણ કરે છે આ ડાકલા? કાલની બી.આર.એમ. પડતી મૂકવામાં આવી છે. અમારે હવે સ્પેશિયલ ભૂવો પકડવો પડશે એવું લાગે છે. તેમ છતાંય,

ડિસેમ્બરનો પ્લાન કંઇક આવો છે:

* આવતા અઠવાડિયે વસઇ-વિરાર હાફ-મેરેથોન.
* ત્યાર પછી થોડા દિવસમાં ચૂંટણીની ચટણી.
* પછી, બીજા જ દિવસે – માસ્ટરમાઇન્ડ ગ્રાન્ડમાસ્ટર ૧૨૦ કિમી રાઇડ (કે રેસ, જે ગણો તે).
* ક્રિસમસની રજાઓમાં – ૬૦૦ કિમી બી.આર.એમ. (અથવા ૧૦૦૦? :D)
* એક ટ્રેકિંગ (ક્યાં જવું તે અંગે અસમંજસ છે, તો પણ ટ્રેકિંગ દૂર છે, જવું જરૂર છે!)
* એક પાર્ટી.

બસ પછી નવું વર્ષ 😀