આજના તારણો

૧. ટીવી ચાલુ હોય ત્યારે પુસ્તક વાચવુ હોય તો ચશ્મા પહેર્યા વગર વાચવાનું ચાલુ રાખવું. ટીવી તરફ નજર જશે તો પણ કંઇ દેખાશે નહીં!

૨. કવિન ઘરે હોય (અને જાગતો હોય) તો પણ વાચી શકાય છે..

૩. કવિનની યાદશક્તિ જોરદાર છે – તેની સામે એવું કંઇ કહેવું કે કરવું નહી જેથી પાછળથી પસ્તાવો થાય!

૪. પુસ્તક બીજી વખત વાચો ત્યારે કંઇક નવું જ જાણવા મળે છે.

૫. કવિન હવે ખોટું-ખોટું રોતા શીખી ગયો છે!

૬. કવિન મોટો થઇને ૧૦૦% એન્જિનિયર અથવા કારીગર અથવા આર્ટીસ્ટ બનશે!

ટ્વીટર ટ્વીટર..

* એટલે કે ચટર પટર, ઇન્ટરનેટના રસ્તે.. ટ્વીટર હવે ઓવરહાઇપ બની ગયું હોય તેમ લાગે છે. ઘણાં બધા મેગેઝિન્સ, વેબસાઇટ્સ, બ્લોગ્સ અને દરેક વેબ ૨.૦ સ્ટાર્ટઅપ કે સાઇટ્સ ટ્વીટર વગર જીવી શકે તેમ નથી. વચ્ચે વળી એમ પણ સંભળાતુ હતું કે ગુગલ ટ્વીટરને ખરીદી રહ્યું છે. ખેર, મારા ઘણાં પરિચિતો પણ બ્લોગ છોડીને તેમનાં અપડેટ્સ કે કંઇ જણાવવું હોય તો ટ્વીટરનો જ ઉપયોગ કરે છે. ઘણાં તો વળી ટ્વીટરનો ઉપયોગ IM (ઇન્સટન્ટ મેસેન્જર) તરીકે પણ કરે છે.

મારા મેકનાં મેસેન્જર Adium માં હવે ટ્વીટર આવી ગયું હોવાથી એક જ મેસેન્જરથી હું – ટ્વીટર, આઇઆરસી, યાહુ, ગુગલ (બે એકાઉન્ટ!), ફેસબુક અને સ્કાઇપનો (પ્લગ-ઇન તરીકે, જોડે સ્કાઇપ ચાલુ હોવું જરૂરી છે) ઉપયોગ કરી શકુ છું. લિનક્સ માટે Ubiquity વાપરું છું.

શું તમે ટ્વીટર પર છો, તો મને @kartikmistry પર ફોલો કરી શકો છો! 😉

વેકેશન ૨૦૦૯

* ગઇકાલે અમે યુનિવર્સિટી ગ્રાઉન્ડ (ગુજરાત. જોકે હવે અમદાવાદ યુનિવર્સિટીની જાહેરાત પછી હું નક્કી નથી કે એ ગ્રાઉન્ડ કોનું છે..) પર આવેલા ‘વેકેશન ૨૦૦૯’ પ્રદર્શનમાં જવાનું નક્કી કર્યું. રીક્ષામાં ત્યાં ગયા તો અદ્ભુત ધસારો જોઇને લાગ્યું કે જાહેરાત મુજબ ખરેખર સારુ જ લાગે છે. ટીકીટ લઇને અંદર ગયા ત્યારે આકાશ અને અવકાશનું દર્શન કરાવતા વિભાગથી શરૂઆત થઇ!

જાદુ અને અવકાશયાત્રી

ત્યાં સ્પેશશટલ અને મંગળનો માઉન્ટ ઓલ્મપસ જોઇને કવિનને મજા આવી ગઇ. મને વધુ મજા આવી કારણકે, અવકાશ વિશેનું મારું થોડું જ્ઞાન પ્રદર્શિત કરવાની મને તક પણ મળી. થોડે આગળ ગયા તો શુક્ર પર હોય તેવી ગરમી લાગવાની શરૂઆત થઇ અને અમને થયું કે અહીં એકાદ પંખા મુક્યા હોય તો આનંદ થાત. વધુ આગળ ગયા તો ત્યાં ચંદ્રની ધરતીનાં દર્શન કર્યા અને પછી બીજા વિભાગમાં ગયા અને એમવેની દુકાન દેખી સીધા જ ધરતી પર પટકાયા! ટૂંકમાં, બીજા સામાન્ય પ્રદર્શનો હોય છે તેવું પ્રદર્શન – મસાલા, શરબત, હોમલોન્સ, કોમ્પ્યુટર ક્લાસીસ વગેરેના સ્ટોલ્સ. સફારી મેગેઝિનનો સ્ટોલ પણ છે – અને ત્યાં લવાજમ પણ ભરી શકાય છે, જોડે એક પુસ્તક ફ્રી છે. અમે ત્યાંથી એક ઇન્સ્ટન્ટ મિક્સનું પેકેટ, ખસનો શરબત ઉપાડ્યો (ત્યાં જવાનો કંઇક તો લાભ ઉઠાવવો પડેને!).

આગળ ગયા તો ત્યાં ફુડ કોર્નર હતું – હમમ, લોકોનો પ્રિય વિભાગ. કચરાપેટી હોવા છતાં લોકોને જ્યાં-ત્યાં કચરો નાખતાં જોઇ બહુ નવાઇ ન લાગી, કારણ કે, અહીં આવા દ્રશ્યો સામાન્ય છે. વધુ આગળ જતાં, બાળકો માટેની વિવિધ રાઇડ્સ હતી. અરર, આ તો મને પાલનપુરમાં દર વર્ષે ભરાતા મુરસદના મેળા જેવું જ લાગ્યું (હવે ખ્યાલ નથી કે મેળો ભરાય છે કે નહીં). એ જ મોતનો કૂવો અને ચકડોળ વગેરે. એકાદ બે આઇટમ્સ નવી હતી (સોરી, નો રાખી સાવંત!). કવિનને મજા આવી ગઇ, મને અને કોકીને થાક લાગ્યો, પણ કવિનને મજા આવી એટલે અમારા થાકનો છેદ ઉડી ગયો.

તા.ક. ત્યાં જાવ તો સ્ટફ ઢોકળાં ખાતા નહીં. બહુ જ ગંદા અને ખાટાં હતા.

તા.ક. ૨: વેકેશન નામનું મુવી છે, જે ૨૦૦૯માં આવવાનું છે 🙂

ત્રણ વાંદરાઓ

* ગઇકાલે પદ્મા સાબરમતી આશ્રમ (ગાંધી, નહીં કે આશારામ!) કંઇક ઓફિસના કારણોસર ગઇ ત્યારે મજાકમાં મેં તેની પાસે ગાંધીજીનાં ‘ત્રણ વાંદરા’ મંગાવ્યા. અને તે લાવી પણ ખરી! આશ્ચર્યની વાત છે કે વાંદરા માત્ર પાંચ રૂપિયાના જ આવ્યા!

ત્રણ વાંદરા, વાદળી પાશ્વભાગ સાથે!

કોકીને મેં ફોન કર્યો અને કહ્યું કે, હું ત્રણ વાંદરા લાવ્યો છું.

કોકી: વાંદરા?

હું: હા, અહીં વેચાવા માટે આવ્યા હતા, એક ભાઇ જંગલમાંથી પકડીને લાવ્યા હતા – પાંચ રૂપિયામાં ત્રણ મળતા હતા એટલે લઇ લીધા!

કોકી: અરે, ખરેખર ‘જીવતા’ ‘સાચા’ વાંદરા?

હું: હા. જીવતા+સાચા!

કોકી: અરે, આપણને એક વાંદરો પણ ભારે પડે છે – તું કેમ ત્રણ વાંદરા લઇ આવ્યો? 😦

હું: હા, હા, હા..

જ્યારે ઘરે જઇને પેકિંગ ખોલીને બતાવ્યુ ત્યારે તેને શાંતિ થઇ! જો કે, એ પહેલા મારે તેને મારી મજાક સમજાવી દેવી પડી હતી – નહિતર, મને ઘરમાં પ્રવેશ કરવા ન મળત તે સમજી શકાય તેવી વાત છે! 😉

થોડુંક સર્ફ કરતાં ખબર પડી કે ત્રણ વાંદરાઓની એક સાઇટ પણ છે!

એક વિન્ડોઝ XPની આત્મકથા..

* એમ તો મારો જન્મ ઘણા વર્ષો પહેલાં થયો હતો,પરંતુ મારી ઘણી કોપીઓ બન્યા પછી પણ, મારી આત્મા તરફડવા માંડી હતી. મારી એક નકલ વહેતી વહેતી અમદાવાદમાં કોઇક રીટેલરને ત્યાં લાવવામાં આવી હતી. કાર્તિકે તેના એક સંબંધી માટે મને ઘણાં પ્રેમથી ખરીદી.

નીચે જુઓને, કાર્તિક કેવા ગર્વથી વિન્ડોઝ હાથમાં પકડીને બતાવે છે..

કાર્તિક મારી સાથે..

થોડો સમય તો મેં એકદમ યોગ્ય કામ કર્યું. મસ્ત પરફોર્મન્સ પણ આપ્યું. પરંતુ, ત્યારબાદ મારા મૂળમાં રહેલાં પ્રોગ્રામોએ રંગ બતાવવાનો ચાલુ કર્યો. મને ખબર જ છે કે મને કેવા-કેવા પ્રોગ્રામરોએ કેવી રીતે બનાવી છે. મારા અન્નદાતા માઇક્રોસોફ્ટે ક્યાં-ક્યાંથી ખીચડી કંપનીઓને ખરીદીને મારા જનીનોનું સંકરણ કર્યું છે – એ વેદના મારા સિવાય કોણ જાણી શકે?

હા, થોડા સમયથી તો મને નવાં-નવાં હાર્ડવેર જોડે પણ વેર થવા માંડ્યું.. અને પેલી મારી સોતન – વિસ્ટા, જુઓને મારું શું થશે? હા, પણ વિસ્ટાને પણ લાગનું મળ્યું છે – તેની બીજી સોતન, વિન્ડોઝ ૭, જેનું નામ હજી બરોબર જાહેર નથી થયું, તેની ચર્ચા છડે ચોક થાય છે. જેવાને તેવા મળ્યા ને…

પરંતુ, જુઓ તો ખરા, મારી દશા કેવી થઇ!! લિનક્સ વાળા લોકો તેને ‘Blue Screen of Death‘ (મોતનો ભૂરો રંગ) કહે છે.

મોતનો વાદળી સ્ક્રિન..

મારી દયા ખાવ, પણ લિનક્સ વાળા એવું કહે છે – દયાની માને ડાકણ ખાય. વપરાશકર્તાઓ તેમનું ભલુ કરે..

ગીકચાર્ટ

ગીકચાર્ટ/GeekChart

* તમારી ઓનલાઇન હાજરી હવે તમે ચાર્ટ એટલે કે પાઇચાર્ટ રૂપે ગીકચાર્ટ.કોમ પર જોઇ શકો છો.

જુઓ મારો ગીકચાર્ટ!

રેલ્વે સ્ટેશન પર: ભાગ-૨

* આપણે જોયું કે રેલ્વે સ્ટેશન પરનાં મારા અનુભવો મેં ‘રેલ્વે સ્ટેશન પર‘ લખ્યા છે. હવે ગઇ કાલે ફરીથી સ્ટેશન પર ગયો તો,

૧. ટ્રેનના ડબ્બાની સ્થિતિ દર્શાવતા ઇન્ડિકેટર બધા જ પ્લેટફોર્મ પર ચાલે છે! અદ્ભુત.

૨. લોકશક્તિમાં સાઇડમાંની વચ્ચેની પેલી ફેમસ સીટ અદ્રશ્ય થઇ ગઇ છે!

૩. સ્ટેશન પર વજન કરાવ્યું તો નીચે પ્રમાણેની ટીકીટ મળી:

તમે કંટાળો અનુભવશો..

છે ને મજા. કહે છે કે તમે આખો દિવસ કંટાળો અનુભવશો અને પછી કહે છે કે, તમારો દિવસ આનંદમાં જાય!!

નોંધ: વજન, ઊંચાઇ લગભગ સાચા છે! 😉

આ અઠવાડિયાનાં પુસ્તકો

* આ અઠવાડિયાની ફિલમો જેવા પોસ્ટ તો તમે ઘણાં દેખ્યા, પણ કેટલાક થોડા સમયથી મારું વાચવાનું બહુ જ ઓછું થઇ ગયું છે – આ તકનો લાભ લઇને (અને કવિન વગર) થોડાક બાકી રહેલ પુસ્તકો માણવા મળી ગયા.

૧. ભદ્રંભદ્ર – રમણભાઇ નીલકંઠ – વર્ષો પછી આ પુસ્તક હાથમાં આવ્યું અને ધોરણ ૯ના વેકેશનની યાદ આવી ગઇ! હું મોટાભાગે જે પાઠ ગુજરાતી પુસ્તકમાં હોય તેનું આખું જ મૂળ પુસ્તક વાચવાનો આગ્રહ રાખતો અને આ આગ્રહનો પરિણામ એ આવતું કે ગણિત જેવા વિષયને હું સદંતર અવગણતો – આવી ટેવ હજી સુધી ચાલુ રહી છે! હા, ગણિત નથી એ વાત અલગ છે (અત્યારે સ્પ્રેડશીટને અવગણું છું!!)

૨. આંખ આડા કાન – વિનોદ ભટ્ટ

૩. નરો વા કુંજરો વા – વિનોદ ભટ્ટ (બન્ને નાનકડી ચોપડીઓ – મસ્ત અને ક્લાસિક. એ વિનોદ ભટ્ટ હવે ક્યાં?)

૪. Roots and Wings – આ પણ ક્યારનુંય બાકી હતું. પપ્પા બન્યા પછી કંઇક બચ્ચા વિશે વાચવુ પડે એ આગ્રહ રૂપે લાવ્યો છું – પણ મારા પૂર્વગ્રહ કરતાં અલગ છે અને કદાચ થોડી વાર લાગશે પણ આવતા અઠવાડિયા સુધી આખા પુસ્તકમાં નજર ફેરવવાનો વિચાર છે.

નેક્સટ?

* યુનિકોડ+ફોટોશોપનો પ્રતાપ?

નેક્સટ

ચાંદામામા

* ગઇકાલે ક્રોસવર્ડમાંથી અચાનક ‘ચાંદામામા‘ હાથમાં આવી ગયું – અને ઘરે જઇને એક જ કલાકમાં બધી વાર્તાઓ વાંચી કાઢી!

.. અને, સ્વાભાવિક રીતે જૂનાં દિવસો યાદ આવી ગયા!