સ્કૂલ રીયુનિયન, મીનીડેબકોન્ફ – ૧

* ૨૫ તારીખે અમારી સ્કૂલ બેચ ૧૯૯૭ના વિદ્યાર્થીઓનું સંમેલન રાખેલું હતું. આ માટે આયોજન ક્યારનું ચાલતું હતું. ફેસબુક વગેરે પર ટકી રહેવાનો જુસ્સો મને આના કારણે જ આવતો હતો 🙂 છેવટે ૨૫ તારીખે અમે જીજ્ઞેશની ગાડીમાં (વેલ, ઘણી રાહ જોવડાવી આ આર્કિટેકે :P) પાલનપુર આવ્યા. ઘરે આવી, થોડી સાફ-સફાઈ કરી, આરામ કર્યો અને પછી વિનયના ઘરે ગયા. પરેશ ત્યાં આવ્યો, પણ ત્યાં સુધીમાં ૪ વાગી ગયા હતા (કાર્યક્રમ ૧ વાગે શરુ થતો હતો. અમે પરિચય અને થોડી ગેમ્સ વગેરે મિસ કરી). ત્યાં ગયા ત્યારે કંઈક ગેમ્સ ચાલતી હતી. ઘણાં મિત્રો સ્કૂલ છોડ્યા પછી પહેલી વખત મળ્યાં. ઘણાં બધાંની ઓળખાણ ન પડી અને ઘણાં બધાં એવાં જ લાગતાં હતાં 🙂 કવિનને પણ મજા આવી ગઈ. સ્પાઈડરમેનનું માસ્ક પહેરી તેણે ઘણી ધમાલ મચાવી. બાલારામ રિસોર્ટ મારી ફેવરિટ જગ્યા છે (જોકે બહુ વખત જવા મળતું નથી). ક્યારેક વળી ત્યાં રાત્રે રોકાશું અને તારાઓ અને આગિયાઓના ફોટાઓ પાડીશું. ફરી ક્યારેક. ફોટા વગેરે ફેસબુક પર મૂક્યા છે.

ટૂંકમાં  – મજા આવી.

બીજા દિવસે સવારે મહેનત કરી વેસા પહોંચ્યા. વેસા મોટાભાગે આરામ જ કરવાનો હતો અને સાંજે મારે છાપીથી અરાવલી ટ્રેનમાં અમદાવાદ પાછા આવવાનું હતું. સદ્ભાગ્યે ટીકીટ કન્ફર્મ થઈ ગઈ અને સીટ મળી ગઈ. બાજુમાં એક ઘરડાં કાકા બેઠા હતા. કોકીને ફોન કરવા મારો ફોન કાઢ્યો અને વાત કર્યા પછી મૂક્યો ત્યારે પેલા કાકાએ વાતો શરુ કરી. એમની પાસે સેમસંગ ગેલેક્સી S1 હતો અને થોડી વાત-ચીત પછી ખબર પડી કે તેઓ ફોનનો સરસ ઉપયોગ કરે છે. જમીનના સોદામાં તેઓ જાત-જાતની એપ્સ ઉંચાઈ, અંતર અને માપ લેવા વાપરે છે. ઈદનો ચાંદ કે પછી નમાઝનો સમય જાણવાની એપ્સ પણ તેમણે બતાવી. અરે, અવાજનું પ્રદૂષણ માપવાની એપ્સ હોય એ મને ત્યારે જ ખબર પડી. એમની જોડે જાત-જાતની વાતો કરી. રહેવા માટે કયું શહેર સારું એ વાત પર ચર્ચા કરવાની મજા આવી. મહેસાણાથી એક બીજા ભાઈ ડબ્બામાં આવ્યા એ પણ મુંબઈના ઓળખીતા નીકળ્યા અને બોરિંગ મુસાફરી રસપ્રદ બની. ફોનનો ખરેખર પ્રેક્ટિકલ ઉપયોગ ઘણાં સમય પછી જોયો. મોંઘો ફોન લાવવો અને માત્ર કોલ માટે વાપરવો એ બોઈંગને અમદાવાદથી ગાંધીનગર જવા જેવું છે. ધન્યવાદ એ અનામી કાકા અને એમનાં વિચારોને.

ઘરે પહોંચ્યો. સવારની ટેક્સી બૂક કરાવેલી હતી જે અત્યંત મોંઘી પડી અને સમય કરતાં વહેલી આવી એટલે ઉતાવળમાં શેવિંગ ક્રીમ, કાંસકો, તેલ અને એક જોડી મોંજાં ભૂલી ગયો. ઉતાવળમાં લગેજની ચાવી ક્યાં મૂકી એય ભૂલી ગયો અને નક્કી કર્યું કે ત્યાં જઈને લોક તોડી નાખીશ. એરપોર્ટ પર હેન્ડબેગ ચકાસી તો ચાવી મળી એટલે હાશ થઈ. આજ-કાલ કદાચ કનેક્ટિંગ ફ્લાઈટ્સના બોર્ડિંગ પાસ જોડે જ આપી દે છે અને લગેજ સીધો જ છેલ્લાં એરપોર્ટ પર આવે છે. નવાઈ લાગી. વધુ નવાઈ લાગી જ્યારે આ વખતે પ્લેનમાં સરસ જમવાનું મળ્યું 🙂 મેંગ્લોર પહોંચ્યો ત્યારે બાજપે એરપોર્ટ પર વાસુદેવ અને ભૂષણ લેવા માટે આવ્યા હતા. બન્નેને પહેલી વાર મળ્યો અને પછી શરુ થઈ ૧.૩૦ કલાકની મુસાફરી. રસ્તા ભયંકર વાંકાચૂકા અને એનાથી વધુ ભયંકર હતા સામે આવતાં વ્હીકલ્સ.

મીની ડેબકોન્ફનો રીપોર્ટ પછીની પોસ્ટમાં..

PS: બેક ટુ ઓફિસ વર્ક.

દિવાળી, નવું વર્ષ અને વરસાદ

* હા. કાળી ચૌદશે ઘોર રાત્રે બાલારામના ગાઢ અંધારામાં – અરર, રિસોર્ટમાં – અમે સ્કૂલના ગેટ-ટુગેધરમાં મજા કરી. આ વિશે ફોટા અને વિગતે પોસ્ટ થોડા દિવસ પછી ક્યારેક લખીશ, કારણ કે ફોટા હજી કેમેરામાં જ પડ્યા છે. દિવાળી આરામથી વેસા ખાતે મનાવી ના મનાવી અને અત્યારે વરસાદની મજા વત્તા વાઈ-ફાઈનો આનંદ લેવામાં આવે છે. વરસાદ ક્યાં છે? IXE થી થોડે દૂર. આનાં વિશે પોસ્ટ વત્તા ફોટા થોડા સમય પછી જ મળશે.

હા. બધાંને હેપ્પી ન્યૂ યર, સાલ મુબારક અને નૂતન વર્ષાભિનંદન.

PS: કોઈ કહે તો છત્રી લઈ જવી.

PS 2: ક્યાંય જવાનું હોય તો, સામાન રાત્રે જ પેક કરવો. વહેલી સવારમાં નહી.

અપડેટ્સ

* દિવાળી વેકેશન પડી ગયું છે (કવિનને), પણ આ વખતે તેને માત્ર ૧૦ દિવસ જેવું જ વેકેશન છે. અમને અત્યંત નવાઈ લાગી. દિવાળી કાર્યક્રમ થોડો ખોરવાઈ જવાની શક્યતા છે. હોમવર્ક. ઓહ નો. મારે જોકે વેકેશન નથી, પણ યોગ્ય રજાઓ લેવામાં આવી છે.

* ફટાકડા લાવવામાં આવ્યા છે. સાંભળ્યું છે કે આ વખતે માત્ર ૧૦ વાગ્યા સુધી ફટાકડા ફોડવાની પરવાનગી મળશે  (cough).

* વચ્ચે ભૂકંપનો આંચકો બધાને ધ્રુજાવી ગયો અને ૨૦૦૧ યાદ અપાવી. હોસ્ટેલના ત્રીજા માળે, છેલ્લા રુમમાંથી એકલો દોડતો નીચે આવ્યો ત્યાં સુધીનો અનુભવ હજી પણ યાદ છે 😦

* ફેસબુક પર સ્કૂલના જૂનાં ફોટાઓ મળ્યા છે 🙂 મજા આવી ગઈ.

* ગાંધીનગર ખાતે હાફ મેરેથોન છે. કોઈને સાથે દોડવું હોય તો કહેજો.

* મિનિડેબકોન્ફ મેંગ્લોર ખાતે છે.

બેટમેન

* કવિનને આજે અમે બેટમેન બનાવ્યો હતો. કવિનની સ્કૂલમાં ફેન્સી ડ્રેસ (ઉર્ફે વેશભૂષા સ્પર્ધા) કોમ્પિટિશનની હતી. દર વખતની જેમ અમે દ્વિધામાં હતા કે આ વખતે શું કરવું (સૌ પહેલી વખત તેને પેંગ્વિન બનાવેલો :)). થોડા સમય પહેલાં ધ ડાર્ક નાઈટ મુવી ફરી જોયું ત્યારે મનમાં રહેલો બેટમેન પ્રેમ ફરી ઉદ્ભવ્યો અને નક્કી કર્યું કે કવિનને બેટમેન બનાવવો. બેટમેન કેવી રીતે બન્યો એ ચિત્રોમાં અહીં જોઈ શકાશે 🙂

અને, ફાઈનલ બેટમેન.

ભેળસેળ

પૂર્વ ચેતવણી અથવા નોંધ: આ કોઈ નવી વાનગી બનાવવાની રીત નથી. પણ આ પોસ્ટ તમને અવનવી વાનગીઓ ઘરે બનાવવા તરફ દોરી શકે છે.

તાજેતરમાં દર વખતની જેમ અમદાવાદનાં “પ્રખ્યાત” ફૂડ પોઈન્ટ્સ, હોટલ્સ વગેરે પર AMC એ દરોડા પાડ્યા અને દંડ કર્યો. દંડ કેટલો કર્યો? ૧૦૦૦, ૨૦૦૦ કે એની આસપાસ. આટલો દંડ તો કદાચ તેમની ૧ કે ૨ કલાકની આવક (પ્રોફિટ?) હશે. આવા દંડનો ફાયદો શું? અને આપણે? ચોઈસની પ્રખ્યાત સેન્ડવિચ, પિઝા ખાઈએ. પેલા હેવમોરની સેન્ડવિચ (જંબો) ઝાપટીએ. વસ્ત્રાપુરના હેવમોર પાસે જો તમે વહેલી સવારે જાવ તો હેવમોર અને આજુ-બાજુની હોટલ્સ વાળાઓએ ફેંકેલી ગંદકીની વાસ તમને ૧૦ દિવસ સુધી મગજમાં ઘૂસેલી રહેશે.

તો એટલિસ્ટ આ સમાચાર વાસી થાય ત્યાં સુધી બહાર જમવાનું બંધ. આજે મેંદુવડાનો પ્રોગ્રામ લાગે છે..

આવે છે..

શું આવે છે?

સલામતીભર્યું કોમ્પ્યુટર. એટલે કે તમે વિન્ડોઝ ૮ સિવાય બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમ તેમાં ચલાવવાની ગુસ્તાખી ન કરી શકો. થોડા સમય પહેલા મેથ્યુ ગેરેટ નામના ડેવલોપરે શોધ્યું કે માઈક્રોસોફ્ટે હવે હાર્ડવેર વેન્ડર્સ સાથે મળીને UEFI નામની ટેકનોલોજી વડે એવાં કોમ્પ્યુટર્સ બનાવશે જે માત્ર ઓફિશિઅલ વિન્ડોઝ ૮ કે પછીની ઓપરેટિંગ સિસ્ટમ જ ચલાવી શકે. અહીં પાયરસી ટાળવાનો હેતુ છે પણ પાપડી ભેગી ઈયળ બફાય તેમ આ વસ્તુ Linux કે BSD જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ બૂટ નહી કરવા દે. FSF એ આ માટે એક અભિયાન ચાલુ કર્યું છે.

જોઈએ છીએ હવે આગળ શું થાય છે..

મૂર્ખ લોકો..

* ગઈ કાલે સાંજે દર વખતની જેમ (દરરોજ એમ જાણી જોઈને લખતો નથી!!) વસ્ત્રાપુર લેકની આસપાસ દોડતો હતો (હજી બે-ત્રણ કે વધુમાં વધુ સાડા ત્રણ ચક્કર જ દોડી શકુ છું) ત્યારે બે જણાંને પાછળથી કોમેન્ટ કરતા સાંભળ્યા: જોને આ વળી કસરત કરે છે. હા, હા, હા. અને એ વખતે બે દિવસનો ગેપ પાડ્યા પછી મારા ઢીંચણમાં સખત દુખાવો થતો હતો અને હું દોડવાનું પડતું મૂકવાનો વિચારતો હતો પણ આ મૂર્ખ જેવી કોમેન્ટ્સ સાંભળી નક્કી કર્યું કે દરરોજનો ક્વોટા પૂરો કરવો. અને સરસ રીતે દોડ્યો પણ ખરો.

કોકી ગઈકાલે પેલા પેરન્ટિંગ સેમિનારમાં ગઈ હતી. વક્તા પોતાનું ભાષણ આપતા હતા ત્યારે લગભગ દરેક વાક્ય પર પાછળ બેઠેલા એક બહેન ‘કચચચ કચચચ કચચચ…’ બોલતા હતા. કોકીને પાછળ ફરીને તેમની સામે દેખ્યું તો થોડી વાર ચૂપ રહ્યાં પણ ફરી પાછા ચાલુ થઈ ગયા.

સાર: મૂર્ખ લોકો શોધવા જવા પડતા નથી, ગમે ત્યાં મળી જાય છે.

આલ્ફા વન મોલ

* આજે ખબર મળીકે પેલો આલ્ફા વન મોલ ચાલુ થઈ ગયો છે. KFC વત્તા હવેલીની નજીકમાં હોવાથી એનો સારો એવો વિરોધ થયો છે. મોલ બન્યો છે બહુ મોટો. જોકે હજી અડધાથી વધુ શોપ્સ ખૂલી નથી, સિનેમા ચાલુ થયુ નથી અને (અ)મારું ફેવરિટ શોપર્સ સ્ટોપ પણ આજ-કાલમાં ખૂલવાની વાર છે એટલે ખાલી આંટો મારી, ચોકલેટ રુમમાં સ્વિચ ચોકલેટ પેસ્ટ્રી ખાઈ પાછા આવ્યા.

શોપર્સ સ્ટોપ

બહાર નીકળતી વખતે આદત મુજબ કંઈક વિચિત્ર વસ્તુનો ફોટો પાડ્યો. ત્યાંના વોચમેનને આ ભૂલ બતાવી. હવે રાહ જોઈએ કે એ સુધરી જાય.

ફરી મળીપે

ફુડકોર્ટ સારી લાગી. એટલે મારે શાંતિ રહેશે 😀

અલવિદા, Dennis Ritchie

C

* જગત, દુનિયા અને ગેમ ચેન્જર કોને કહેવાય તે જાણવું હોય તો જાણો – Dennis Ritchie – ને. આ વળી રિચી કોણ? કોઈ રીચ વ્યક્તિ હતો, કોઈ ફોન-બોન બનાવ્યો હતો કે? કોઈ મોટી ધર્માદામાં દાન કર્યું હતું કે? ના. ડેનિસ રિચી એટલે આપણે બધા જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ભણીએ છીએ, વાપરીએ છીએ અને કદાચ મોટાભાગની કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ (એટલિસ્ટ, યુનિક્સ, લિનક્સ અને મેક, વિન્ડોઝના થોડાંક ભાગ) લખાઈ છે એ – C – પ્રોગ્રામિંગ લેંગ્વેજના જનક. ‘The C Programming Language’ કોલેજમાં ના ભણી હોય એવા વીરલા કેટલા? મોટાભાગનાં ને આ પુસ્તક કદાચ બોરિંગ લાગે પણ કદાચ C વિશેનું એકમાત્ર સારું પુસ્તક આ જ છે (પેલા કાનિટકરની વાત જ ન કરતાં).

ડેનિસ રિચીએ દુનિયામાંથી અલવિદા લીધી. કદાચ વધુ હોબાળો નહી થાય પણ, રિચી જ્યાં સુધી જગતમાં પ્રોગ્રામિંગ થશે ત્યાં સુધી યાદ રખાશે.

RIP, રિચી.

એંગ્રી બર્ડસ્

* કવિન આજ-કાલ પેલી એંગ્રી બર્ડસ્ બહુ રમે છે. થોડા દિવસ પહેલાં તેની જોડે કંઈ વાત નીકળી..

અમે: કવિન, તે પિગ જોયું છે કે નહી?
કવિન: હા, જોયું છે ને. એંગ્રી બર્ડસ્ માં.
અમે: 😛

PS: હવે તેને પિગ બતાવવું પડશે.