ટર્મિનેટર

ટર્મિનેટર

પ્રસ્તુત છે, અમારી નાનકડી ટર્મિનેટર સ્ટોરી. ના, હું કંઇ ભવિષ્યમાં થનારા મશીન v/s માણસોનો યુદ્ધનો નેતા નથી કે નથી પેલો મોડલ T-101. અમે તો છીએ માત્ર એક સરળ અને સીધાં સાદા, જે ડિરેક્ટર બનાવે તેવી ટર્મિનેટર ફિલમો જોનારા અને પછી કોઇ ન વાંચે એવા રીવ્યુ લખનારા.

એમાં થયું એવું કે ૧૯૯૦ના દાયકામાં VCRનો જમાનો હતો અને અમને તેની કેસેટ્સ ભાડે લાવવાનો શોખ ઉપડ્યો હતો. અમે ડાયરીમાં કઇ ફિલ્મો જોઇ એની નોંધ પણ રાખતા. મને યાદ નથી પણ આઠમા કે સાતમા ધોરણમાં ક્યાંકથી (ગુંજ વિડિયો લાઇબ્રેરી? ચોક્કસ નામ યાદ નથી) ટર્મિનેટર-૨ની કેસેટ હાથમાં આવી. નવી નક્કોર પ્રિન્ટ. આપણને તો મઝા પડી ગઇ. ત્રણ દિવસમાં ત્રણ વખત જોઇ ત્યારે સ્ટોરી થોડી સમજમાં આવી. પછી, ટર્મિનેટર ૧ હાથમાં આવી ત્યારે થોડી વધુ સ્ટોરી ખબર પડી. બારેક વર્ષ પછી જ્યારે ટર્મિનેટર ૩ આવી ત્યારે ઘોર નિરાશા થઇ અને જ્યારે ટર્મિનેટર ૪ આવી ત્યારે ક્રિસ્ટીઅન બેલની એક્ટિંગ સિવાય ફિલમમાં કંઇ દમ હતો નહી. ટર્મિનેટર ૫ પછી થયું કે હવે આ ટર્મિનેટર્સ ખરેખર દુનિયાનો નાશ કરે તો સારું. એટલિસ્ટ, આ સીરીઝ તો અટકે!

ટર્મિનેટર્સ ન આવ્યા પણ ટર્મિનેટરની છઠ્ઠી ફિલમ ટર્મિનેટર ડાર્ક ફૅટ આવી અને અમને ફેટવાળી ચીજો પસંદ નથી એટલે બહુ મઝા ન આવી. કવિનને મારા-મારી જોઇને મઝા આવી એવું લાગ્યું. આર્નોલ્ડ હજુ પણ જામે છે, પણ I’ll be back ડાયલોગ ન આવ્યો એટલે લાગ્યું કે હવે આર્નોલ્ડ નિવૃત્તિ લઇ લેશે. પણ, કોને ખબર, પાછો પણ આવે. અને, હા વિકિપીડિયા અનુસાર આના પછી હજુ બીજી ટર્મિનેટર બે ફિલમો આવશે.

હા, આ બ્લોગ પર – I’ll be back. ત્યાં સુધી પોપકોર્ન ખાતા રહેજો!