સ્ટ્રાવા ભાગ ચોથો

આ શ્રેણીમાં ચોથી પોસ્ટ. ગઇકાલે ત્રીજી પોસ્ટ કરી ત્યારે નિઝિલે કહ્યું કે સ્ટ્રાવા ઓપનસ્ટ્રીટમેપનો નકશો વાપરે છે તે સારું કહેવાય. હા. સ્ટ્રાવાનો નકશો અધૂરો જોઇને જ મારું ઓપનસ્ટ્રીટમેપનું યોગદાન શરૂ થયેલું. આપણી ફેવરિટ જગ્યાઓ જેવી કે માસ્ટરમાઇન્ડ, સિક્રેટ સ્પાઇસ (બી.આર.એમ.ની જગ્યા), વિવિધ ચા વાળાઓ, આજુ-બાજુના બિલ્ડિંગો, અગત્યના પોઇન્ટ્સ વગેરે સ્ટ્રાવાને કારણે જ ઉમેરવામાં આવ્યા છે. સ્ટ્રાવા મોબાઇલ એપ્સમાં ગુગલ મેપ્સ વાપરે છે, જે ખટકે છે, પણ ઠીક છે. સ્ટ્રાવના જીપીએસ તમે ઓપનસ્ટ્રીટમેપમાં અપલોડ કરી શકો છો. જોકે હું ઓફરોડિંગ કરતો નથી એટલે આ તક હજુ મળી નથી. હાઇકિંગ અને ટ્રેકિંગ કરતા લોકોએ અહીં યોગદાન આપવા જેવું છે.

આ પણ જુઓ:
* ભાગ ૧: https://kartikm.wordpress.com/2017/03/09/strava
* ભાગ ૨: https://kartikm.wordpress.com/2018/03/25/strava-2
* ભાગ ૩: https://kartikm.wordpress.com/2018/03/26/strava-3/

બ્લોગના બાર વર્ષ

૧૨ વર્ષ પહેલાં આ બ્લોગ શરૂ થયેલો આ બ્લોગ હજુ ટીનએજર્સ બન્યો નથી. હજુ સુધી તો બ્લોગ-બ્લોગિંગમાં મઝા આવે છે. જોઇએ હવે ક્યારે આ મઝા પૂરી થાય છે. બ્લોગ-રનિંગ-સાયકલિંગ-જીવન. કોને અગ્રતા આપવી એ હજુ નક્કી નથી, પણ અત્યારે આ ચાર વસ્તુઓ લગભગ સમાંતર ચાલે છે. કોઇક વખત એમાંથી કોઇ આગળ નીકળે છે અને કોઇ પાછળ રહી જાય છે. પણ, એકંદરે ચારેયમાંથી કોઇ હાંફ્યું નથી.

એક સંબંધિત અને સરસ સમાચાર: ચંદ્રકાંત બક્ષી અને અન્ય કેટલાય લેખકોના મસ્ત ફોટાઓ સંજયભાઇએ વિકિપીડિયામાં અપલોડ કર્યા છે. કેટલાય વર્ષોની ઇચ્છા ફળી છે. સંજયભાઇ અને અનંતનો આભાર અને તેમના પરથી કેટલાય લોકો પ્રેરણા લે તેવી ઇચ્છા!

આ પણ જુઓ:
* ૩ વર્ષ: https://kartikm.wordpress.com/2009/03/25/3-years-2/
* ૪ વર્ષ: https://kartikm.wordpress.com/2010/03/25/not-yet-missing-blog/
* ૫ વર્ષ: https://kartikm.wordpress.com/2011/03/25/towards-6th-year/
* ૬ વર્ષ: https://kartikm.wordpress.com/2012/03/26/happy-birthday-my-blog/
* ૮ વર્ષ: https://kartikm.wordpress.com/2014/03/25/આઠ-વર્ષ/
* ૧૦ વર્ષ: https://kartikm.wordpress.com/2016/03/26/10-years-blog/

સ્ટ્રાવા ભાગ ત્રીજો

આ પોસ્ટ સ્ટ્રાવા શ્રેણીમાં ત્રીજી પોસ્ટ છે. આ વાત છે એક સાથે બે-ત્રણ ડિવાઇસ-મોબાઇલ-ગારમિન કે પછી ઘડિયાળોમાં સ્ટ્રાવાની એક્ટિવિટી રેકોર્ડ કરીને અપલોડ કરતા લોકો માટે. અમુક લોકોને પોતાની એક્ટિવિટી એટલી હદે ગમે કે ગમે તે થાય તેને રેકોર્ડ કરીને અપલોડ કરવી જ. ઘણી વખત એવું થાય કે ફોન કે પછી ગારમિન છેલ્લી ઘડીએ દગો દે અને રાઇડ કે રન રેકોર્ડ જ ન થાય (મારી સાથે એવું એક-બે વખત બન્યું છે, એમાં પણ એક વખત તો રેસમાં). આવું ટાળવા માટે લોકો બે ડિવાઇસ (દા.ત. ગારમિન અને ફોન બંનેમાં) રેકોર્ડ કરે. રેકોર્ડ કરે તો વાંધો નહી પણ સ્ટ્રાવા પર પણ અપલોડ કરે. એટલે એવું આવે, “કાર્તિક મિસ્ત્રી ગ્રુપ રાઇડ વિથ કાર્તિક મિસ્ત્રી”. એટલે કે હું સાઇકલ ચલાવું છું, મારી સાથે! 🙂 હા, આવી રાઇડ અપલોડ થાય તો પણ વાંધો નહી પણ બંને રાઇડમાંથી એક રાઇડ તો દૂર કરો! પણ લોકો સમજતા જ નથી :/

આવા લોકો માટે અમે એક ક્લબ બનાવી છે, Yes, You can safely delete ride uploaded twice!! આજે જ જોડાઓ!

PS: લાગતા વળગતાઓને સૂચના આપ્યા બદલ ક્ષમા!

આ પણ જુઓ:
* ભાગ ૧: https://kartikm.wordpress.com/2017/03/09/strava
* ભાગ ૨: https://kartikm.wordpress.com/2018/03/25/strava-2

સ્ટ્રાવા ભાગ બીજો

* આના પહેલા સ્ટ્રાવા પોસ્ટમાં લખ્યું તેમ શનિ-રવિ રાઇડ કે રનિંગ કર્યા પછી હું ખોટી કે ભૂલ ભરેલી સ્ટ્રાવા એક્ટિવિટીને શોધવા બેસું છું. આ કામ મને ભોરઘાટ પર સાયકલિંગ કે પછી વિકિપીડિયામાં વેન્ડેલિઝમ થયેલ ફેરફાર પાછો લાવતી વખતે થતા આનંદ જેટલો જ આનંદ આપે છે. આવી સાચી સરકાસ્ટિક મઝા જીવનમાં હોવી જોઇએ. હા, આજે આ પોસ્ટ લખવાનું કારણ એક રનર છે. મેં તેને દોડતા જોયેલ છે. સારો રનર છે, ડોક્ટર છે એટલે એવું નથી કે અભણ છે. બીજા રનર જોડે ખાતરી કરી કે છોકરો છે, સિક્સ પેક્સના ફોટા પણ મૂક્યા છે. પણ, તે સ્ટ્રાવામાં જેન્ડર છોકરી રાખે છે. આ બાબતે તેનું ધ્યાન દોર્યું તો તેણે કહ્યું કે આભાર. પણ હજુ તેણે સુધાર્યું નથી. વેલ, તેની મરજી કે જે બનવું હોય તે બને પણ કેટલીય વુમન્સના રેકોર્ડ ખોટા પડે તે ખોટું કહેવાય!

આવી ત્રીજી સ્ટ્રાવા સુધારણા પોસ્ટ કાલે. પણ એ પહેલા લાગતા વળગતાઓને સૂચના આપ્યા પછી!! 🙂

સૌથી ગમતી સ્વિચ

ઉપરોક્ત સ્વિચ બપોરે ૨ થી ૪ બહુ કામમાં આવે છે, ખાસ કરીને કવિન જ્યારે ઘરે હોય ત્યારે. તેને હજુ આ કરામતની ખબર નથી. જ્યારે ખબર પડશે ત્યારે.. 🙂

ટૂટી-ફ્રુટી બ્રેડ

વર્ષો પહેલા જ્યારે અમે નાના હતા ત્યારે બેકરીઓની સંખ્યા શહેરમાં મર્યાદિત હતી. રૂપમ નામની એક સરસ બેકરી હતી ત્યાંથી અમે 3 રૂપિયાની પેસ્ટ્રી લાવતા. હા, આ વાત છે, ટૂટી-ફ્રુટી બ્રેડની. ખબર નહી કેમ પણ જ્યારે પણ આ બ્રેડને જોતો ત્યારે લેવાનું બહુ મન થતું. પહેલા પૈસા ઓછા પડતા પછી કવિનને લીધે ન લેતો. કાલે કવિનને થયેલી શરદીનો લાભ ઉઠાવીને આ બ્રેડ લઇ આવ્યો. કવિનને એક ટુકડો મળ્યો એટલે હવે મોટાભાગે મને પેટમાં દુખશે નહી 😉

ન જોયેલી ફિલમો

* થોડા સમય પહેલા એવો વિચાર આવ્યો કે લોકપ્રિય બનેલી પણ જોયેલી ફિલમોની યાદી બનાવીએ તો? તો હાજર છે એવી મારી યાદી:

* હિંદી:
** હમ દિલ દે ચૂકે સનમ
** લગાન
** કુછ કુછ હોતા હૈ
** કહો ના પ્યાર હૈ
** ચક દે ઇન્ડિયા!
** સુલ્તાન
** દંગલ (અંશત:)
** તારેં ઝમીં પર (અંશત:)
** બાજીરાવ મસ્તાની
** દબંગ
** ડોન (જૂનું અને નવાં)
** છેલ્લા બે વર્ષોમાં આવેલ મોટાભાગની લોકપ્રિય હિંદી ફિલમો..

* અંગ્રેજી:
** ધ ગોડફાધર સીરીઝ
** ફાઇટ ક્લબ
** મોટાભાગની ઓસ્કાર વિનિંગ ફિલમો. ખબર નહી પણ કેમ, જેને ઓસ્કાર મળે તેના સાથે આપણે પોલીસ અને એસ્કોબાર જેવા સંબંધો હોય છે.

બોલો, અમારો ટેસ્ટ કેવો છે? 🙂 સ્વદેશ પણ આ યાદીમાં હતું પણ તે થોડા સમય પહેલાં સહકુટુંબ જોઇ લીધું છે. ફોરેસ્ટ ગમ્પ પણ યાદીમાં હતું તે પણ જોઇ કાઢ્યું છે.