આજનું એક્સટેન્શન

ના. આ લોકડાઉનના એક્સટેન્શનની વાત નથી!

એમાં થયું એવું કે ટ્રેઇનર પર રાઇડ કરતી વખતે ઘણી વખત બહુ કંટાળો આવે ત્યારે સંગીત સાંભળવું ગમે. તો પણ, એકાદ વર્ષ પછી હવે મને એમાં પણ કંટાળો આવ્યો છે, એટલે થયું કે ચાલો યુટ્યુબ પર વિડિયો જોઇએ. મોબાઇલ તો ઝ્વિફ્ટ કે ટ્રેઇનરરોડ પર હોય, મોનિટર પર વિડિયો ચલાવીએ પણ પાછું ૫ મિનિટમાં તો તે પાવર સેવિંગ પર જતું રહે. હવે, દર વખતે ડિસ્પ્લેના સેટિંગમાં જઇને પાવર સેટિંગ બદલવું પણ તકલીફવાળું ખરૂં. તો હાજર છે, આ મુશ્કેલીનો ઉપાય, ગુગલ ક્રોમ માટેનું કીપ અવેક એક્સટેન્શન! તેમાં ડિફોલ્ટ, સ્ક્રિન અવેક કે પછી સિસ્ટમ અવેક એમ ત્રણ વિકલ્પો હોય છે. જ્યારે સાયકલિંગ કરવાનું હોય ત્યારે સ્ક્રિન અવેક પર અથવા સામાન્ય સ્થિતિમાં ડિફોલ્ટમાં રાખવાનું.

તો, આજ-કાલમાં શરૂ કરીએ મુવીઓ જોવાનું? 😉

મારા લોકડાઉન અપડેટ્સ – ૨

હવે લોકડાઉન લંબાયું છે એટલે પહેલાં અપડેટ્સ પછી આવ્યો છે આ પ્રકારના અપડેટ્સનો ભાગ ૨! આ ભાગમાં કંઇ ખાસ નથી, છતાં જાહેર જનતાને જણાવવાનું કે અમે ઘરમાં જ છીએ અને સલામત છીએ. સાયકલ ચલાવીએ છીએ, કામ કરીએ છીએ અને મસ્ત વાનગીઓ ઝાપટી રહ્યા છીએ.

રસોઇઘરમાં ડોકિયા કરવાનાં થોડા વધુ પ્રયત્નો કર્યા છે, પણ મને ધાર્યા કરતા આ કામ બહુ અઘરું લાગે છે. ખાસ કરીને મારા જેવા અનફોકસ્ડ વ્યક્તિ માટે! છતાં પણ, ત્રણ દિવસ સુધી અલગ-અલગ વસ્તુઓ બનાવી શકું એટલું તો શીખવું છે જ. હા, રસોડાનું પ્લેટફોર્મ સાફ કરવામાં અને પોતું કરવામાં માસ્ટરી આવી રહી છે.

સાયકલિંગ સારું ચાલે છે. દર અઠવાડિયે ૨૦૦ થી ૨૫૦ કિમીની સાથે સારું એવું ક્લાઇમ્બિંગ વત્તા FTPમાં સુધારો-વધારો થયો છે. બીજી કસરતો માત્ર સ્ટ્રાવાની ચેલેન્જીસ પૂરી કરવા કરી રહ્યો છું, પણ તે પણ થોડો ફાયદો તો કરાવે છે જ. અને હા, માર્ચ ૧૩ થી અત્યાર સુધી લગભગ ૧૧૦૦ કિમીનું સાયકલિંગ થયું છે, એટલે મજા તો છે જ! વધુમાં જો તમે ઝ્વિફ્ટ વાપરતા હોવ તો રાઇડના પૃથ્થકરણ (એનાલિસિસ!) માટે ઝ્વિફ્ટપાવર.કોમ સરસ ફોરમ-વેબસાઇટ છે. મોટાભાગની રેસ તેમાં આવેલા પરિણામને જ ફાઇનલ ગણે છે.

લોકડાઉનમાં વસ્તુઓ બગડવાની પરંપરા ચાલુ રહી છે. ડ્રોઇંગ રૂમનું ટેબલ, રસોડાનો માઇક્રો ફેન, પડદાની પાઇપનું સ્ટેન્ડ, કાંસકા મૂકવાનું બોક્સ. હજુ આટલું જ છે. આમાંથી ટેબલ ફેવિકોલ વડે ટેમ્પરરી ફિક્સ કર્યું છે. ફેવિક્વિક વડે કાંસકાનું સ્ટેન્ડ મજબૂત રીતે ચોંટાડ્યું છે અને સેલોટેપથી પડદાની પાઇપ લગાવી છે. હવે ફરીથી રાત્રે બે વાગે પડદો ન પડે તો સારું છે 😉 અમેરિકાની જેમ હવે ડુ-ઇટ-યોરસેલ્ફ અહીં પણ પ્રચલિત થશે.

મિત્રો સાથે હેંગઆઉટ-ઝૂમ-ડ્યુઓ-વોટ્સએપ કોલ્સની મઝા લીધી છે, પણ ઓફિસની મિટિંગોની જેમ હું જરૂર હોય ત્યારે જ મિટિંગમાં બોલું – એવી આદતને લીધે આ બધું હજુ ફાવતું નથી 😀

વોટ્સએપ યુનિવર્સિટીના સ્નાતકોની જેમ ટ્વિટર યુનિવર્સિટીના માસ્ટરોનો કાળો કેર છે. આપણે તો સ્ટ્રાવાના પીએચ.ડી. વાળા વિદ્યાર્થી છીએ એટલે વાંધો નથી આવ્યો 🙂

મારા લોકડાઉન અપડેટ્સ

આમ તો ઘરમાં રહેવું એ મારા માટે એટલે કે વર્ક ફ્રોમ હોમ વાળા લોકો માટે કંઇ નવું નથી. છતાં પણ, થોડું પણ બહાર ન જવાના ફાયદા ઘણાં થયા છે:

૧. ઓનલાઇન શોપિંગ બંધ થવાથી ઘણી બચત થઇ છે અથવા તો હાલ પૂરતું લાગે છે, જ્યાં સુધી એમેઝોન વગેરે બંધ છે. પછી તેના પર તૂટી ન પડાય તો સારું!

૨. સાયકલિંગ સારું થાય છે, પણ હવે ઝ્વિફ્ટનો ટેમ્પો ક્યાં સુધી દોડે છે, તે પણ જોવામાં આવશે. આવતા અઠવાડિયા પછી, કોઇ સારો પ્લાન શરૂ કરીશ. જેથી આ દરરોજની રેસમાંથી મુક્તિ મળે. હાલ તો કંટાળો અને તણાવ દૂર કરવા માટે સાયકલિંગ કરી-કરીને થાકી જવું એ જ ઉપાય છે!

૩. જમવાનું બનાવવાનું શીખવાનું શરૂ કર્યું છે, પણ બહુ અઘરી વસ્તુ છે. લાગે છે કે બે-ત્રણ વસ્તુઓ વારંવાર બનાવીશ તો આવડી તો જશે જ.

૪. પોતું કરવામાં મજા આવે છે. ફ્રોગ પોઝિશનમાં જરૂરી સ્ટ્રેચિંગ થઇ જાય છે 😉 અમારો ખાસ “પોતાં” ઓર્ડર એમેઝોનમાં અટકી ગયો છે, એટલે થોડી તકલીફ પડે છે, પણ ચાલી જશે. ત્યાં સુધીમાં હું નિષ્ણાત થઇ જઇશ.

૫. વાળ કપાવવાના રહી ગયા. જાતે કાપવાનો થોડો પ્રયત્ન કર્યો છે, પણ હજુ વધુ હિંમત થતી નથી અને સારી કાતર-કાંસકાઓ-ટ્રીમરની કમી વર્તાય છે. હવે, આવતા બજેટમાં આ વસ્તુઓને મૂકવામાં આવશે.

૫. ગઇકાલે અમારી ચા પરની ચર્ચા જે સામાન્ય રીતે બોરીવલી-કાંદિવલીમાં થતી હતી તે ઓનલાઇન થઇ અને દોઢ કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર જ ન પડી!

૬. લોકો મૂર્ખ છે, પણ એ લોકોને છાવરતાં લોકો તો મહામૂર્ખ છે! લાગતા-વળગતાંઓએ પાઘડી પહેરવાંની છૂટ છે.

નાની સ્ક્રિન અને ઝ્વિફ્ટ

હવે, ઝ્વિફ્ટ ચાલુ કર્યા પછી નાની સ્ક્રિનમાં મઝા ન આવી એટલે શોધ કરીને નવી વસ્તુ શોધી કાઢી છે. હવે, ટીવીમાં તો સ્ક્રિનશેરિંગ કરવું સરળ છે, પણ લિનક્સ ડેસ્કટોપમાં આ કામ ભારે છે. તો, આ કામ કેવી રીતે કરવું?

૧. પહેલાં તો લિનક્સમાં srccpy નામનું પેકેજ ઇન્સ્ટોલ કરો:

sudo apt install scrcpy

જો ન હોય તો, github પરથી તમે ડાઉનલોડ કરી શકો છો.

૨. સાથે-સાથે adb પણ ઇન્સ્ટોલ કરો:

sudo apt install adb

૩. હવે, ફોન પર USB Debugging ચાલુ કરો. અને, adb વડે ફોન સાથે જોડાણ નીચે મુજબ કરી શકાય છે.

adb kill-server
adb tcpip 5556
adb connect <ફોનનું IP એડ્રેસ>:5556

ફોનનું IP એડ્રેસ About Phone->Status માંથી મળી શકે છે. ઘણાં ફોનમાં આ અલગ હોઇ શકે છે, પણ મોટાભાગે ત્યાં જ હોવાની શક્યતા છે! 🙂

એક વખત જોડાણ થયા પછી, Wireless Debugging શરૂ કરો અને USB કેબલ કાઢી નાખો.

૪. હવે કમાન્ડ લાઇન (ટર્મિનલ પર),

scrcpy

અને, તમારો ફોન તમારી સ્ક્રિન પર! તમે માઉસ વડે સંપૂર્ણ ફોનને ઓપરેટ કરી શકો છો. apk ફાઇલ ડ્રેગ અને ડ્રોપ કરી ઇન્સ્ટોલ પણ કરી શકો છો. મારી માટે તો અગત્યની વસ્તુ છે કે ઝ્વિફ્ટ ફુલ સ્ક્રિન જોવા મળે છે. જોકે હજી રૂમમાં સાયકલ સરખી ગોઠવવી પડે તેમ છે.