ગુગલ ટ્રાન્સલેટ – ૩

* ફરી પાછી અને પોસ્ટ્સ નજરે પડી. એટલે, ટેસ્ટ થઇ જાય?

૧. કાકીએ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Raw mango salad from the glass out of the closet uncle aunt said.

૨. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt and uncle said that out of the glass raw mango salad kabatamanthi.

૩. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો.
ભાષાંતર: Aunt and uncle said that out of the closet raw mango salad from the glass.

૪. કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટ માંથી કાચી કેરીનું કચુંબર કાઢો
ભાષાંતર: Aunt and uncle said that out of the closet raw mango salad from glass

૫. કાકી એ કાકા ને કહ્યું કે કેરીનું કચુંબર કાચના કબાટ માંથી કાઢો
ભાષાંતર: Extract from mango salad in a glass closet aunt said the uncle

ટૂંકમાં, સુધારો થયો છે!

અને હવે યાન્ડેક્સ પર પણ ગુજરાતી ભાષાંતર પ્રાપ્ત છે (જે વિકિપીડિયાના અમારા કન્ટેન્ટ ટ્રાન્સલેશન સાધનમાં વપરાય છે), જે હજુ અત્યંત નબળું છે. દા.ત. #૫નું ભાષાંતર,

Aunt is aunt nanny said that mangoes salad glass of the closet from deleted

🙂

હોમવર્ક

* આજનો પ્રશ્ન: જો હું શાળાજીવન(!) દરમિયાન હોમવર્ક કરવામાં ધાંધિયા કરતો હતો, તો મારો છોકરો શું કામ એવું ન કરે? 🙂

અપડેટ્સ – ૧૯૫

* કાલે ભારતીય નૌકાદળ (નેવી) દ્વારા આયોજીત હાફ મેરેથોન છે, પણ ત્યાં જવાના છુટ્ટા પૈસા નથી એટલે જોઇએ કેવી રીતે પહોંચીશું. દોડીને જઇ શકાય 🙂 (૨૧ કિમી માટે ૨૧ કિમી દોડવું પડે). હા, બીબ નંબર લેવા માટે પણ કુલ ૨ કિમી રીક્ષા + ૫૦ કિમી ટ્રેન + ૩ કિમી ચાલીને જવું પડ્યું. બોલો, ગાંડિયા લોકો તો રનર્સ જ છેને?

* કવિન જોડે રનિંગ-સાયકલિંગ શરુ કર્યું છે. પહેલી રાઇડ અને રનિંગ સારુ રહ્યું, હવે સોમવારે લાંબુ સાયકલિંગ કરાશે. કવિનને હજુ ટ્રાફિકના બીજા મહત્વના નિયમો શીખવાડવાના બાકી છે. પહેલી રાઇડમાં જ એક ગાડીવાળાએ અચાનક જમણી બાજુનો દરવાજો ખોલ્યો પણ અમે બચી ગયા. આવા તો કેટલાય ઉદાહરણ અમને એક જ રાઇડમાં જોવા મળ્યા છે. જોઇએ બીજી રાઇડ શું લઇને આવે છે.

* આપ-કોંગ્રેસ દ્વારા પ્રેરિત અને પોષિત બ્લોગ-સમાચારપત્રો-સમાચારો-ફેસબુકિયા લેખકો હવે અર્થશાસ્ત્રીઓ બની ગયા છે, એટલે આ દેશનું ભવિષ્ય ઉજળું છે. હજુ મારે લાઇનમાં ઉભા રહેવાનો મોકો નથી આવ્યો પણ આવતીકાલે હાફ મેરેથોન દોડ્યા પછી આવવાની શક્યતા છે અેટલે ટાંટિયા ટાઇટ થવાના છે.

* બાકી શાંતિ છે. વલસાડની હાફ મેરેથોન દોડવાનું શંકાસ્પદ છે, કારણ કે આગલા દિવસે આ સીઝનની પહેલી બી.આર.એમ. છે!

કેટલું દોડો છો?

* ગઇકાલે સવારે દોડવા માટે જતો હતો ત્યારે ઉપર રહેતા (એટલે કે ઉપરના માળે સામેની બાજુ રહેતા, ઉપરવાળાની સ્ટોરી અલગ છે, એ પછી ક્યારેક!) અંકલ મને કહેતા ગયા, કેટલું દોડે છે.. એકાદ મિનિટ પછી તેમના પત્નિ ધીમે-ધીમે દાદરા ચડતા આવ્યા અને ઉપરના માળે ગયા. મને તેમના સંવાદ સંભળાયા:

અંકલ: અરે, કેમ અહીં દાદરા પર બેસી ગઇ?
આંટી: શ્વાસ ચડી ગયો, હવે શિયાળો આવ્યો ને!

હું કેટલું દોડું છું એનો જવાબ હવે મારે આપવાની જરુર નથી 🙂

અપડેટ્સ – ૧૯૪

* છેલ્લી અપડેટ આવ્યાને ઘણો સમય થઇ ગયો અને ત્યારબાદ તો મુંબઈમાં ઠંડી પણ શરુ થઇ ગઇ છે! હા, અમે ૨૩ ડિગ્રી તાપમાન થાય એને ઠંડી કહીએ છીએ. સીએટલમાં ૯ ડિગ્રી સે. માં દોડવાની મજા આવી પણ વચ્ચે વરસાદ નડી ગયો. નવાં શૂઝ અને મોજાં આવ્યા એટલે આજકાલ દોડવાનું પણ જોશમાં ચાલે છે, સાયકલિંગ ઠંડુ છે, પણ કાલે “રાઇડ અગેઇન્સ્ટ કરપ્શન”માં ૧૦૦ કિમીનો પ્લાન છે (એમ તો રાઇડ તો ૨૦ કિમીની છે, પણ આવવા જવામાં ૭૦ વત્તા દસેક બીજા કરી દઇશું).

* કવિનના વેકેશનનાં છેલ્લાં દિવસો છે. આ વખતે દિવાળીમાં મજાથી ફટાકડા ફોડ્યા. પોલ્યુશન કર્યું અને નોઇઝ પોલ્યુશન પણ. વળી, કોઇકના મુજબ લાઇટ પોલ્યુશન પણ. ઢગલાબંધ મિઠાઇઓ (ઘરનું મગસ, બહારનો મુંબઈ હલવો વગેરે) ખાઇને બીજા પ્રકારનું પોલ્યુશન પણ કર્યું હશે જે અમે તો અનુભવ્યું નથી, પણ જેણે અનુભવ્યું હોય એના નશીબ!

* દિવાળીની બીજી મહત્વની ખરીદી કરી – નવો બેલ્ટ. જૂનાં બેલ્ટમાં કાણાં પડાવવા (ઢીલા પડતાં બેલ્ટ માટે) એના કરતાં નવો સરસ બેલ્ટ લીધો. એમાં વળી હજુ પણ વજન (અને કમર) ઓછું થાય તો એક કાણું હાજર છે જ એટલે થોડા વર્ષો સુધી ચિંતા નથી 😉