વર્ષો જુની તીવ્ર ઇચ્છા

* જ્યારે હોસ્ટેલમાં ભણતો હતો (એટલે કે રહેતો હતો, ભણવા જેવી વસ્તુઓ કોઇ વાર જ થતી) (મેવાડા છાત્રાલય, કોમર્સ છ રસ્તા, નવરંગપુરા)  ત્યારે વિજય ચાર રસ્તા આગળ આવેલ વિજય હેરકટમાં વાળ કપાવવાની એક ઇચ્છા હતી. પણ, પૂરી નહોતી થઇ શકતી કારણકે, તેના ભાવ વધુ હતા, આ વખતે અમદાવાદમાં છું તો, આ એક ઇચ્છા વર્ષો જૂની ઇચ્છા પૂરી થઇ 😉

કોઇ જતાં નહી, બકવાસ વાળ કાપે છે, એના કરતાં તો અમારા ભાદરણનગરનાં કાકા મસ્ત કટ કરી આપે છે..

ફાયરફોક્સ લેખ

* દિવ્ય ભાસ્કરમાં થોડા દિવસ પહેલાં ફાયરફોક્સ પરનો સરસ લેખ આવ્યો. આનંદની વાત એ થઇ કે લેખ બહુ સારી રીતે રીસર્ચ કરીને લખાયેલો હતો પણ દુ:ખની વાત એ થઇ કે ફાયરફોક્સ ક્યાંથી ડાઉનલોડ કરવું તે આપેલ નથી. મેં વેબસાઇટ પર જઇને ફીડબેક આપ્યું છે. હવે, જોઇએ છીએ તે દેખાય છે કે નહી.

અને વધુમાં, દિવ્ય ભાસ્કરને વધારે સારાં પ્રૂફરીડરોની જરૂર છે એમ પ્રિન્ટ અને વેબ આવૃત્તિ પરથી લાગે છે!

હા, તમે મોઝિલા.કોમ પરથી ફાયરફોક્સ ડાઉનલોડ કરી શકો છો!!

ફરી પાછો અમદાવાદમાં…

* ફરી લગભગ ૧ અઠવાડિયાં (અને કદાચ કમનસીબે વધુ પણ) માટે અમદાવાદમાં છું. આજે રાત્રે એ જ આપણી પ્રિય લોકશક્તિમાં ઉપડું છું. કવિન અને કે વગર કંઇ મજા ન આવે.

મુંબઇમાં સરસ મજાની ઠંડી છે. છેલ્લાં ૪૫ વર્ષનું નીચામાં નીચું તાપમાન ગયું છે (લગભગ ૧૦ સેલ્શિયસ). જેકેટ લીધેલું તે હવે કામમાં આવે છે..

વર્ડપ્રેસ ગુજરાતીમાં?

* તમે જોયું હશે કે વર્ડપ્રેસ.કોમ અમુક ભાષાઓમાં પ્રાપ્ત છે. પણ, જો તમારે ઇન્ટરફેસ ગુજરાતીમાં જોઇતો હોય તો? તો મદદ તમારે જ કરવી પડશે. વર્ડપ્રેસ.કોમ પર એકાઉન્ટ બનાવો અને જાઓ translate.wordpress.com પર. તમારી પોતાની ભાષા પસંદ કરો (એટલે કે અંગ્રેજી સિવાય તમારી જે માતૃભાષા હોય — આપણા કિસ્સામાં ઘણાં ખરા માટે તો ગુજરાતી જ!). તમે ભાષાંતર ઉમેરી શકો છો, અને કરેલા ભાષાંતર સિવાય બીજું ભાષાંતર ઉમેરી શકો છો. જો તમને થોડો ઘણો ટેકનોલોજીનો ટચ ન હોય તો આ માટે મને પણ પૂછી શકો છો (ખાસ કરીને ખોટું ભાષાંતર કરતાં પહેલાં!!).

તો, થઇ જાવ શરૂ.

૧. વર્ડપ્રેસ.કોમ પર લોગીન કરો.

૨. translate.wordpress.com પર જાવ. અને ગુજરાતી ભાષા પસંદ કરો.

૩. પછી Set language પર ક્લિક કરો. તમને નીચે પ્રમાણે જોવા મળશે.
થઇ જાવ તૈયાર..

૪. પછી ઉપર લખેલ છે તમે ભાષાંતર શરૂ કરી શકો છો.

�ાષાંતર

૫. જો તમને ભાષાંતર ન આવડે તો Skip! દબાવો. અને તમને એમ લાગે કે જો તમારૂં ભાષાંતર બરાબર છે તો, Add Translation બટન ક્લિક કરો.

૬. તમે ગુજરાતી ભાષાની સ્થિતિ Rankings લિંક પરથી જોઇ શકો છો. કંઇ ખાસ આનંદ થાય તેવી નથી.

ગુજરાતી �ાષાની સ્થિતિ

નોંધ: અહીં ગુજરાતી-અંગ્રેજી મસાલા છાપ ભાષા દા.ત. Kem Chho વગેરે માં લખશો નહી. કોઇએ પહેલાં આવું ડહ્યાપણ કરેલ છે 😦

હીક હીક..

* થોડાં સમય (લગભગ એક વર્ષ પહેલાં!) હું જ્યારે ગુજરાત વિદ્યાપીઠ ખાતે હતો, ત્યારે ત્યાં એક વિશાળ દારૂબંધીની રેલી થયેલી અને તેમાં સરસ મજાનાં બેનર બનાવેલા. તેનાં થોડાક ફોટાઓ મને મારાં કોમ્પ્યુટરમાંથી અચાનક મળ્યાં. તમને પણ મજા આવશે. અંગત રીતે તો, હું દારૂબંધી જેવી ચીજોમાં ખાસ માનતો નથી (એટલે કે કોઇપણ પ્રકારની બંધીઓમાં પણ નથી માનતો).

જીંદગી રિસ્કી, વ્હીસ્કી સાથે

પિઅરમાં જઇને, પીઓ બીઅર

વર્ડપ્રેસ હવે ૩ જીબી અપલોડ સ્પેસ સાથે..

 

* અહીં સમાચાર આપેલ છે તેમ વર્ડપ્રેસ.કોમ હવે તમને ૩ જીબી ડેટા અપલોડ કરવાની સુવિધા આપે છે. એટલે કે ૫૦ એમબીથી લગભગ ૬૦ ગણું વધુ!! (અને બીજી બધી બ્લોગિંગ સાઇટ્સ કરતાં પણ). તો, બનાવો તમારૂં ખાતું અને બની જાવ બ્લોગર! જોકે મુવી, એમપી૩ વગેરે અપલોડ કરવા માટે તમારે પૈસા આપવા પડશે.

તમે બુધ્ધિશાળી છો?

* અમદાવાદની બસ સેવા, એ.એમ.ટી.એસ. માં ડ્રાઇવર કેબિનમાં જોયેલ એક સરસ સ્ટીકર..
તમે બુધ્ધિશાળી છો?

પાટણની મુલાકાતે..

* અત્યારે ટ્રેનમાં બેઠો-બેઠો આ પોસ્ટ લખી રહ્યો છું. લેપટોપની બેટરી બહુ ઓછી છે – આમ પણ, ભંગાર લેપટોપ છે અને આ ટાટાનું ડોન્ગલ ઇન્ટરનેટ બહુ પાવર ખાઇ જાય છે. કાલે પાટણમાં એન.આર.આઇની એક કોન્ફરન્સમાં જવાનું છે – ગુજરાતીલેક્સિકોન.કોમનું પ્રેઝન્ટેશન પણ છે. પાટણ જોવાનો મોકો તો નહી મળે 😦 પણ જો મળે તો કંઇક બાકી રહી ગયેલ જોઇ લેવું છે. પરમ દિવસે તો પાછાં આવી જવાનું છે અને પછી તો એક પછી એક સરસ એવા પ્રસંગો છે જ.

અપડેટ: પછી ખબર પડી કે તે કોન્ફરન્સ તો, મહેસાણા જોડે, સેફ્રોની રીસોર્ટમાં છે. અરરર, ત્યાં સુધી પહોંચતા અને પછી ખાસ તો રાત્રે અમદાવાદ પાછાં આવતાં, બમ્બૈયા ભાષામાં કહીએ તો વાટ લાગી ગઇ, ખરેખર.

કોન્ફરન્સમાં સાંભળેલો એક જોક્સ:  એક વખત એક ગુજરાતી બિઝનેસમેન મરીને ઉપર પહોંચે છે, તેનો પાપ-પુણ્યનોચોપડો ચિત્રગુપ્ત જુએ છે અને કહે છે કે તારા પૃથ્વી પરનાં પાપ અને પુણ્ય બન્ને સરખાં છે – બોલ ત્યારે ક્યાં જવું છે – સ્વર્ગમાં કે નર્કમાં? સ્માર્ટ બિઝનેસમેને જવાબ આપ્યો: જ્યાં વધુ નફો હોય ત્યાં..

કેડીઇ ૪: જોઇએ છે ગુજરાતીઓ..

* KDE 4 (એટલે કે કેડીઇની ૪.૦ આવૃત્તિ) આવી ગયું છે. હવે, તમને થશે આ કેડીઇ વળી શું ચીજ છે? કેડીઇ એ લિનક્સનું એક ડેસ્કટોપ છે, જે Qt નામની ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી પર આધારિત છે. અને તે દેખાવમાં સરસ હોવાની સાથે વાપરવામાં એકદમ સરળ છે. આનંદની વાત છે કે હવે તમે આ સમાચાર તેની વેબસાઇટ પર પણ ગુજરાતીમાં વાંચી શકશો.

.. અને જેમને કેડીઇ-ઇન્ડિઆનાં એકદમ ઝકાસ શૂરવીરોને મળવું હોય તેઓ, http://www.kde.in ની મુલાકાત લઇ અમને મળી શકે છે. જો તમે IRC વાપરતાં હોવ તો, તમારાં IRC સોફ્ટવેરને irc.freenode.net સર્વર પર #kde-in પર જોડાવા કહો!

તો, હવે કામ આ કરવાનું છે: KDE ગુજરાતીમાં ફેરવવા, માણવા અને જોવા માટે જોઇએ છે, ગુજરાતી અને ટેકનોલોજીનું જ્ઞાન ધરાવતાં બે-ત્રણ ઉત્સાહી લોકો. ટીમ તો સાઇટ પર આપેલ છે, પણ તે નિષ્ક્રિય છે.

છે કોઇ? આરંભે શૂરા ગુજરાતીઓ, મારો સંપર્ક કરી, આ પડકાર ઝીલીને, આ કહેવત ખોટી પાડો!!અને, આ છે કેડીઇનું ચિહ્ન જોરદાર કેટી..