૨૦૧૮: વાર્ષિક અહેવાલ

IMG_20181202_203727
આ ચિત્ર આ પોસ્ટની લાઇક્સ અને કોમેન્ટ વધારવા માટે જ મૂકવામાં આવ્યું છે જેની નોંધ લેવી 😉

* ગયા વર્ષની જેમ ફરીથી શરમજનક આંકડાઓ સાથે હાજર છે, ૨૦૧૮નો વાર્ષિક બ્લોગ અહેવાલ! હવે તો ફેસબૂક-વર્ડપ્રેસનું જોડાણ પણ તૂટી જવાને કારણે ફેસબૂકથી પણ અહીં કોઇ ફરકતું નથી 🙂

ના, હું લખવાનું બંધ નહી કરું. ભલે વર્ડપ્રેસ.કોમનો હું છેલ્લો યુઝર હોઉં!

૧. આખા વર્ષની પોસ્ટ સંખ્યા – ૬૪ (આ પોસ્ટ સાથે)

૨. સૌથી ઓછી પોસ્ટ ધરાવતો મહિનો – એપ્રિલ, મે, જુલાઇ. દરેકમાં માત્ર ૩ જ પોસ્ટ.

૩. સૌથી વધુ પોસ્ટ ધરાવતો મહિનો – જાન્યુઆરી. ૧૦ પોસ્ટ. ગુજરાતીઓ આરંભે શૂરા!

૪. સૌથી વધુ મુલાકાતીઓ – ઓગસ્ટ.

૫. સૌથી ઓછા મુલાકાતીઓ – મે.

૬. આ વર્ષની કોમેન્ટ્સ – ૪૩.

૭. આ વર્ષના લાઇક્સ – ૧૪૩.

૮. શૂન્ય કોમેન્ટ્સ ધરાવતી પોસ્ટ્સ – આની તો વાત જ ન કરવી.  જૂન આખા મહિનામાં એક પણ કોમેન્ટ નથી 😛

૯. સૌથી વધુ કોમેન્ટ્સ વાળી પોસ્ટ – જવા દો. મોટાભાગના પિંગબેક જ છે.

૧૦. સૌથી વધુ લાઇક્સ – આ પણ જોવા જેવું નથી!

આશા રાખીએ કે ૨૦૧૯માં કંઇક સારો અહેવાલ આવે!!

ગુજરાતી વિકિપીડિયા: મારા ૭ વર્ષ!

૩૦ ડિસેમ્બર ૨૦૧૧! આ દિવસે મારું હાલનું સભ્ય ખાતું (ie સભ્ય:KartikMistry) ગુજરાતી વિકિપીડિયા પર ખોલવામાં આવ્યું હતું. એ પહેલાંના સભ્ય ખાતા એટલે યુઝર એકાઉન્ટ વડે થોડાં ફેરફારો-એડિટ્સ કરેલા પરંતુ કાળક્રમે એ ખોવાઇ ગયું અને જ્યારે એક સમયે અંદરથી એમ થયું કે હવે સમય છે, ગુજરાતી વિકિપીડિયામાં કંઇક યોગદાન કરવાનો ત્યારે નવું ચકાચક ખાતું બનાવ્યું. થોડા દિવસ તો ઉત્સાહ રહ્યો.[૧] વિકિપીડિયા અમદાવાદની ફોટોવોક કરી. એકાદ-બે વિકિમિટિંગોમાં પણ ભાગ લીધો. ૧૦ મહિનામાં ૧૦-૧૫ ફેરફારો પણ કર્યા! પરંતુ પછી, આ ઉત્સાહ ઠંડો પડ્યો અને પછી તો અમદાવાદને ગુડ બાય કહેવાનો સમય આવ્યો. બેંગ્લોરમાં રનિંગ કરવા, સાઉથ ઇન્ડિયન ડોસા-ઇડલી ખાવા અને ફિલ્મો જોવા સિવાય બીજું કંઇ ખાસ કર્યું નહી, પણ થોડું-થોડું યોગદાન શરૂ કર્યું. મુંબઈ આવ્યા પછી, વિકિમિડિયા ફાઉન્ડેશનમાં જોડાયો ત્યારે શરૂઆતમાં તો અમારા ટુલ્સ-સોફ્ટવેરના ટેસ્ટિંગ માટે અને પછી ગુજરાતી વિકિપીડિયાના સભ્યોના પ્રેમ, સહકાર, સહયોગ અને માર્ગદર્શનથી ઢગલાબંધ ફેરફારો કરવાનું શરૂ કર્યું!

૨૦૧૩-૨૦૧૪ સુધી આ ઉત્સાહ જાળવી રાખવામાં આવ્યો. ૨૦૧૩ની હોંગ કોંગ વિકિમેનિયામાં ધવલભાઇ (અને ધવલભાઇ તો ૨૦૧૪ લંડન અને ૨૦૧૫ મેક્સિકો સીટીમાં પણ મળ્યા) અને અર્નવને મળવાનું થયું પછી ઉત્સાહ વધ્યો. ૨૦૧૪ પછી અમારી ટીમે (ie ઓફિસ કામ!) કન્ટેન્ટ ટ્રાન્સલેશન પ્રોજેક્ટ[૨] શરૂ કર્યો એટલે તો નવાં લેખો બનાવવાનું સરળ બન્યું. આ નિમિત્તે ડોગફૂડિંગ વડે નવાં લેખો બનાવ્યા, પણ આ વખતે તે ટેસ્ટિંગ જ નહોતા. વ્યવસ્થિત લેખો હતા! મોટાભાગના લેખો નિઝિલે અંગ્રેજી વિકિપીડિયામાં બનાવેલા ગુજરાત અંગેના લેખો તેમજ મને ગમતા વિષયોના હતા.

૨૦૧૬માં ગુજરાતી વિકિપીડિયાના એક પ્રબંધક અને જૂના અને જાણીતાં સભ્યોમાંના એક એવા અનિકેતભાઇની મુલાકાત મેકરફેસ્ટમાં રાખેલી ગુજરાતી વિકિપીડિયાની મીટ-અપ વખતે થઇ પછી તેમને ફરી ઓગસ્ટ ૨૦૧૬ની વિકિકોન્ફરન્સ ચંદીગઢમાં પણ મળ્યો.

૨૦૧૭માં સુશાંતભાઇ[૩] અને નિઝિલ[૪] ને પહેલી વાર મળ્યો (સુશાંતભાઇ મારા ઘરે આવ્યા અને હું નિઝિલના ઘરે ગયો!) અને ૨૦૧૮માં અનંત[૫]ની મુલાકાત અમદાવાદની વિકિપીડિયા વર્કશોપ વખતે થઇ અને મારા વિકિમિત્રોનો વ્યાપ વધતો ગયો. હજુ અમુક સભ્યોની રૂબરૂ મુલાકાત થઇ જ નથી, પણ વોટ્સએપ અને વિકિ પર વાતચીત ચાલુ જ છે. આશા રાખીશ કે મારું યોગદાન વધતું જ રહે અને જીવનની છેક છેલ્લી ક્ષણ સુધી ગુજરાતી ભાષા અને વિકિપીડિયા માટે કંઇક કરતો રહું!

અસ્તુ!

ઓકે. હવે સમય છે, તાજા ફેરફારો પાનાંને જોવાનો 🙂

[૧] ગુજરાતીઓ આરંભે શૂરા!

[૨] https://www.mediawiki.org/wiki/Content_translation

[૩] વિકિસોર્સના માસ્ટર બ્લાસ્ટર અને મોજીલા સુશાંતભાઇ.

[૪] ડો. નિઝિલ. એક એડિટ્સ કરતાં ૧૦,૦૦૦ એડિટ્સ ઓછી છે એવું મંતવ્ય ધરાવતા ઉત્સાહી સભ્ય!

[૫] ઉર્ફે, ગઝલ વર્લ્ડ.

બીઆરએમ – ૪૦૦ – રીપોર્ટ

* એમ તો હવે બીઆરએમના રીપોર્ટ-અહેવાલોની કોઇ નવાઇ આ બ્લોગ પર રહી નથી, તેમ છતાંય આ વર્ષે SR શ્રેણી એટલે કે ૨૦૦-૩૦૦-૪૦૦ અને ૬૦૦ કિમી બીઆરએમ માર્ચ-એપ્રિલ પહેલા પૂરી કરવી જરૂરી છે. કારણ? ઓગસ્ટમાં PBP (પેરિસ-બ્રેસ્ટ-પેરિસ)! એટલે દરેક બીઆરએમ મહત્વની બને છે.

નવેમ્બરમાં ૩૦૦ કિમી કર્યા પછી ઘર બદલ્યું અને ટ્રેઇનર સિવાય ક્યાંય રાઇડ કરી નહી. સીધો જ ૪૦૦ કિમીમાં ગયો! શરૂઆત જ શંકાસ્પદ રહી. પહેલાં તો ઉબેર કે ઓલા મળે જ નહી. મને થયું કે હું સ્ટાર્ટ પોઇન્ટ પર સૌથી મોડો પહોંચીશ પણ સદ્ભાગ્યે ૧૦ મિનિટ પહેલા પહોંચ્યો અને સમયસર રાઇડ શરૂ થઇ. દીપે શરૂઆતમાં જ સાયકલ દોડાવી અને મારો ટેમ્પો તો ડાઉન હતો એટલે આરામથી ૬૦ કિમી સુધી સળંગ સાયકલ ચલાવી. પછી એક નાનો બ્રેક, જે બહુ બધાં ભેગા થયેલા લોકોને કારણે મોટો બની ગયો. પછી ફરી પાછો કસારા ઘાટ પહેલાનો જરૂરી બ્રેક અને પછી સીધો ૧૦૨ કિમી પર. ત્યાંથી ૩૦ કિમી સરસ ચલાવી અને પછી સીધો ૧૬૦ પર. વચ્ચે બે-ત્રણ બિનજરૂરી ફોન આવી ગયા તેમાં અટકવું પડ્યું. હવે આવતી વખતે બ્લ્યુટુથ ચાલુ રાખીને જ જવું જેથી ગારમિન પર ખબર પડે કે કોનો ફોન છે! 🙂

૧૬૦ પર દાળ-ખીચડી અને સ્પ્રાઇટનો ટેસ્ટ લઇ ફરી આગળ વધ્યો. ૨૦૦ પર પહોંચ્યો તો કંટ્રોલ પોઇન્ટ ન મળ્યો એમાં પાંચેક મિનિટ બગડી. ત્યાંથી સંદીપનો સાથ મળ્યો પણ બ્રેકની સંખ્યા હવે વધતી ગઇ. રીટર્નમાં નાસિક વટાવીને એક પ્રિ-ડિનર બ્રેક લીધો. એમ તો પ્લાન એવો હતો કે અંધારુ થાય એ પહેલા કસારા ઘાટ ઉતરી જવો પણ.. જે હોય તે. આમ પણ મોડું થઇ ગયું હતું અને હવે ઠંડી-પવન લાગવાની શરૂ થઇ. જીવનમાં પહેલી વખત આપણે મોઢા પર બંડાના-સ્કાર્ફ બાંધ્યો. કફ-શરદીને કારણે આખી રાઇડ ખાંસી યુક્ત હતી એમાં મોઢા પર કપડું બાંધ્યા પછી વિચિત્ર હાલત હતી, પણ એકંદરે ફાયદો થયો. કસારા ઘાટ પહેલાં એક બ્રેક લીધો. ત્યાર પછી દર ૨૦-૨૫ કિમી પર અનુક્રમે વડા પાઉં, ચા, દાબેલી અને ચા. વજન તો ન વધ્યું પણ પેટ વધી ગયું!!

લગભગ ૧૦-૧૨ કિમી બાકી હશે ત્યાં ટ્રાફિકનો સામનો કરવો પડ્યો. લો, ૧ વાગે પણ ટ્રાફિક! ક્યાંય તેલ ઢળ્યું હતું તેના પ્રતાપે. જેમ-તેમ વાહનોની વચ્ચેથી રસ્તો કરતો આગળ વધતો હતો. તે વખતે સંદીપ મારાથી આગળ નીકળી ગયો અને પછી હું ધીમે-ધીમે શહેરમાં પહોંચ્યો. છેલ્લાં ૩ કિમી, દર વખતે થાય છે તેમ મરતા-મરતા પૂરા કર્યા. તો પણ લગભગ ૨૧ કલાક અને ૧૨ મિનિટ અને ૫૮ સેકન્ડ્સમાં રાઇડ પૂરી કરી. ડેબિટ કાર્ડનો પિન ભૂલી ગયો એટલે કેટલીક બીજી મિનિટો બગડી, જે ઓફિશિયલ સમયમાં ઉમેરાઇ ગઇ 😉 એટલે એ સમય ૨૧ કલાક અને ૧૯ મિનિટ આવ્યો!

સેલ સેલ સેલ! ભાગ – ૨

* હજુ પેલી સેલ સેલ સેલ! પોસ્ટનું HTML સુકાયું નથી ત્યાં બીજાં અનેક મસ્ત સેલ આવી ગયા છે..

શૂન્યની કિંમત તમે શું જાણો!

વાહ, શૂન્ય, ઝીરો ટકા! 🙂

સેલ સેલ સેલ!

* પાંચ મિનિટ પહેલા યુનિવેદ.કોમ પરથી એક ઇમેલ આવ્યો અને એક સારી પ્રોડક્ટ પર ૧૫ ટકા જેટલા ડિસ્કાઉન્ટની ઓફર હતી. તો થયું કે લઇએ. વેબસાઇટ પર ગયો અને જોયું તો મૂળ કિંમત ૧૦૫૦ રૂપિયા હતી.

Unived1

ઉપર મુજબ ફ્રી શિપિંગ હતું. એટલે ડિસ્કાઉન્ટ વગર ૧૦૫૦માં પડે. હવે કુપન કોડ મૂક્યો અને જોયું તો..

Unived-2

.. અચાનક જ શિપિંગ કિંમત થઇ ગઇ ૮૦ રૂપિયા!

વાહ ભાઇ વાહ!

માનસિકતા ૩

* આવું કેમ? કરોડોનો ફ્લેટ હોય તો પણ જૂની-પુરાણી વસ્તુઓનો મોહ કેમ લોકોને છૂટે નહી? 🙂

PS: ઘર ખાલી કરતાં અને નવાં ઘરમાં જતી વખતે આવેલો વિચાર

PS ૨: કરોડોનો ફ્લેટ મારો નથી, મકાનમાલિકનો છે!

અપડેટ્સ – ૨૨૫

* આ આખું અઠવાડિયું વ્યસ્ત રહ્યું. અને મારે જ્યારે વ્યસ્ત રહેવાનું આવે ત્યારે મગજનો પારો થોડો ઊંચો જાય 🙂 તો પણ, શાંતિથી ભારતીય પ્રાદ્યૌગિક સંસ્થામાં (એટલે કે IIT મુંબઈ!) બે હાફ-મેરેથોન (એક સાંજે, બીજી સવારે) દોડવામાં આવી. તે પછી ઘર બદલ્યું અને ગોઠવ્યું. હજુ પણ કેટલાય કામ બાકી છે. કાલની વસઇ-વિરાર ફૂલ મેરેથોન પડતી મૂકી છે. હાફ હોત તો દોડાઇ જાત પણ ફૂલ મેરેથોનની વાત અલગ છે. ખાસ કરીને વસઇ-વિરાર માટે મુશ્કેલ છે. કારણ કે ૪ કલાક પછી રસ્તા પર કાગડા ઉડતા હોય અને પાણીના પણ ફાંફા પડે છે તેવા લોકોના અનુભવો છે. જોકે છેલ્લાં બે વર્ષથી સ્થિતિમાં સુધારો થયો છે એવું સાંભળ્યું છે, પણ નો રિસ્ક! એટલે કાલે બધાં જોડે ત્યાં જઇશ અને ૧૧ કિમીના રૂટ પર ચાલીશ (અથવા કોઇ જોતું ન હોય તો દોડી નાખીશ!).

* સાયકલ બરોબર ગોઠવાઇ ગઇ છે અને ચાલુ પણ થઇ ગઇ છે. ડિસેમ્બરની ઠંડી અહીં તો લાગતી નથી અને હવે સાયકલનો રૂમ નાનો છે એટલે થોડી તકલીફ પડે છે. અહીં તો ટેબલ ફેન વગર નહી ચાલે.

* ઘર બદલી કરીએ ત્યારે એકસાથે બહુ કચરો સાફ થાય છે. આ વખતે ફરી ભેગા થયેલા સફારીની પસ્તી તેમજ ન વંચાતા અને ભૂલથી ખરીદેલા પુસ્તકોનો વારો છે. જોકે એ પહેલા ઘણાં બધાં પુસ્તકો પપ્પા જોડે નજીકના પુસ્તકાલયમાં પહોંચાડ્યા હતા. હવેના પુસ્તકો બહુ ટેકનિકલ છે અને મને ખ્યાલ નથી કે કોને કામમાં આવશે..

માનસિકતા ૨

* આ વિષય પર બીજી પોસ્ટ!

* અમારી સામેની વિંગમાં એક ઘરડા આંટી (ઉર્ફે ડોશી) રહે છે (એટલે કે આ લખી રહ્યો છું ત્યાં સુધી રહે છે). એક વખત કોકી સોસાયટીની કોઇ નવવિવાહિતા (જે તેની મિત્ર નીકળી) જોડે સોસાયટીના કોઇક કાર્યક્રમમાં વાતો કરતી હતી ત્યારે તેમણે કહ્યું, “આ તો ભાડૂઆત છે, જતા રહેશે!”. હવે ન કરે નારાયણ અને પેલા ડોશી અમે અહીંથી જઇએ એના કરતા વહેલા ઊકલી જાય તો?

PS: અમે જતા રહ્યા છીએ, ડોશીનું સ્ટેટસ ચેક કરવાનું બાકી છે 😉

માનસિકતા ૧

* માન’સિક’તા પર પોસ્ટ ક્રમાંક ૧.

એક માનસિકતા એવી કે, ગુગલ મેપ્સ પર આપણે કંઇ સુધારીએ તો તે સાચું સ્વીકારવાની જગ્યાએ પોતે લખેલું ખોટું જ ધરાર રાખવું. ગુગલ મેપ્સની રીવ્યુ સિસ્ટમની મને ઝાઝી ખબર પડતી નથી પણ અમારી સોસાયટીને કોઇએ ચાલ (કે ચોલ) તરીકે લખેલી છે. ભગવાન એનું ભલું કરે, એમણે તો પોતાનો ફ્લેટ નંબર પણ એમાં મૂક્યો છે.

હવે એ ફ્લેટ અને અમારા ફ્લેટના સરનામું મારી બેંકમાં ભેળ-સેળ થયું હતું (અંગ્રેજી ૧ અને / ની ગેરસમજના કારણે). એકાદ-બે વખત મારા લેટર્સ વગેરે ત્યાં ગયા, તો તેમણે મને ફોન કરી ધમકીભર્યા અવાજે બદલવાનું કહ્યું. આપણે તો બદલ્યું. થોડા સમય પછી મારા ઘરે મારા સરનામે એક લેટર આવ્યો (નામ વગર). આપણે તો ખોલ્યો પછી ખબર પડી કે લીગલ નોટિસ છે. બે સેકંડ તો હું ડરી ગયો કે આપણે શું કર્યું? પછી ખબર પડી કે એ તો પેલા ભાઇનો છે. હું ત્યાં ગયો અને આપ્યો અને કહ્યું કે સરનામું બદલજો. થોડા સમય પછી બીજી એવી નોટિસ આવી ત્યારે કૂરિયર વાળાને ત્યાં મૂકી આવ્યો અને પેલા ઘર વાળાને સમજાવ્યા.

આશા રાખીએ કે લીગલ નોટિસ પછી એ સમજી ગયા હશે 😉