એક – વીસમી સદી!

વર્ષો પહેલા (૨૦૦૭ આસપાસ) જ્યારે વીસમી સદીની વેબસાઇટ બની ત્યારે એકદમ સરસ હતી. થોડા વર્ષો કદાચ યોગ્ય રીતે તેની દેખરેખ કરવામાં આવી (કદાચ ૨૦૧૫ સુધી). થોડા દિવસ પહેલાં વિકિપીડિયાના લેખ હાજી અલારખિયા માટે જ્યારે આ વેબસાઇટ ખોલી ત્યારે તે મૃત હતી! ડોમેઇન પણ કોઇએ ઉઠાવી લીધું હતું. કોઇપણ મૃત વેબસાઇટ્સ માટે સૌથી પહેલો ઉપાય અર્કાઇવ.ઓર્ગ છે. એટલે તરત ત્યાં ગયો અને જોયું તો વેબસાઇટની ૧૨૦ જેટલી આવૃત્તિઓ સંગ્રહાઇ હતી. મને હાશ થઇ, પણ..

વેબસાઇટ સંપૂર્ણ રીતે એડોબી ફ્લેશમાં બનાવવામાં હતી, જે હવે લગભગ કોઇ જ બ્રાઉઝર સપોર્ટ કરતું નથી. એટલે આટલી સરસ વેબસાઇટ સંગ્રહિત થયા છતાં પણ તે મૂળ વીસમી સદી મેગેઝિનની જેમ જ ઈતિહાસ રહેશે :/

બોધપાઠ: ફ્લેશી ટેકનોલોજીમાં વેબસાઇટ બનાવવા કરતા વર્ષો સુધી ઉપયોગી થાય તેવી ફેન્સી ન હોય તેવી વેબસાઇટ વધુ સારી – ખાસ કરીને જ્યાં દેખાવ કરતા જ્ઞાન વધુ મહત્વનું હોય!

નોંધ: જો કોઇને વીસમી સદીના ડિજીટાઇઝ કરેલા અંકોની માહિતી હોય તો તે PDF રૂપે અર્કાઇવ.ઓર્ગ પર મૂકી શકાય છે. જણાવવા વિનંતી!

પુઅરમેન્સ ટુર દી ફ્રાન્સ

હવે ટુર દી ફ્રાન્સ જેવી સ્પર્ધામાં ભાગ લેવાની આપણી લાયકાત તો છે નહી એટલે અમે નક્કી કર્યું કે કંઇ નહી તો ગરીબ માણસોની ટુર દી ફ્રાન્સ તો કરીએ. અને, અત્યારે ફ્રાન્સ જવાનો સમય (અને પૈસા!) પણ નથી એટલે નક્કી કર્યું કે આપણે ઘરે બેઠા જ ઝ્વિફ્ટ અને RGTમાં સાયકલ ચલાવીને આ કામ કરીએ. આગળ કહ્યું તેમ ગરીબ માણસ એટલે થોડું નમતું જોખવું પડે. સામાન્ય રીતે ટુર દી ફ્રાન્સમાં સાયકલિસ્ટ ૨૧ દિવસમાં ૩૫૦૦ કિમી જેટલું અંતર, ૫૦૦૦૦ મીટર જેટલી ઊંચાઇ પ્રાપ્ત કરવાની સાથે ૯૦ કલાક જેટલો સમયમાં પૂરી કરે છે (આ વખતે પહેલા ક્રમે આવેલા સ્લોવેકિયાના તાદેજ પોગાચરે ૮૨:૫૬:૩૬ કલાકમાં સ્પર્ધા પૂરી કરી!) પણ આપણે તેનાથી ચોથા (૧/૪) ભાગ જેટલું જ અંતર-ઊંચાઇનું લક્ષ્ય રાખ્યું. ૨૧ દિવસમાં વચ્ચે બે રજાના દિવસો પણ આવે. જોકે વચ્ચે ગ્રૂપ રાઇડ્સ કરી, એક દિવસ બહાર પણ સાયકલ ચલાવી આવ્યો એટલે ટેકનિકલી મને એક પણ રજા ન મળી :/

મારી ટુરના આંકડાઓ:
* અંતર: ૭૬૪.૩૬ કિમી
* ઊંચાઇ: ૮૫૭૦ મીટર
* કુલ સમય: ૨૭:૩૯:૦૯ કલાક
* પાવર (સરેરાશ): ૧૫૮.૯૫ વોટ્સ
* હાર્ટ રેટ (સરેરાશ): ૧૬૦.૩૬ bpm

ટુરના સ્ટેજ, અંતરની સાથે અને મારી રેસ, પરિણામ, અંતર, સમય, હાર્ટ રેટ, પાવર વગેરે વગેરે રસપ્રદ ડેટા અહીંથી જોવા મળશે!: https://docs.google.com/spreadsheets/d/1llQx5MB37NkC62VTxg-fNMkiZs0f1TiRm1xh-zH9yLg/edit?usp=sharing

હવે પછી શું? સપ્ટેમ્બરમાં સ્પેન! મજાક બાજુ પર મૂકીએ તો કોરોના કાળ હજુ હાજર જ છે અને હવે તો બે મહિના વરસાદ છે (એટલે કે અહીં તો બહુ જ છે!) એટલે ૧૪ ઓગસ્ટ-૧૫ ઓગસ્ટની અમારી બી.આર.એમ. પહેલા તો ક્યાંય નીકળાય તેમ લાગતુ નથી! જોકે ઝ્વિફ્ટ તો ચાલુ જ રહેશે. ઘરમાં રહો, સલામત રહો!