આજની આગાહી

.. એક વાત નક્કી છે – આજે કેટલાય લોકો બિમાર પડશે અને સિક-લિવ કે હાફ-લિવ લેશે 😉

નવું રમકડું: Canon EOS 550D

* છેવટે, ભલે EMI પર. પણ, મસ્ત કેમેરો Canon EOS 550D.

નવું રમકડું..

મહાન ફોટોગ્રાફર બનવાનો કોઈ ઈરાદો કે ઈચ્છા નથી, પણ કંઈક સારી ક્ષણો સારી રીતે સચવાય એવી ઈચ્છા ખરી. મને મેક્રો ફોટોગ્રાફ બહુ ગમે એટલે થોડા સમય પછી એક મેક્રો લેન્સ લઈશ ત્યારે જીવ-જંતુઓનાં ફોટાઓ આ બ્લોગ વગેરે પર તમને જોવા મળે તો નવાઈ ન પામતાં. અત્યારે તો થોડા દિવસ કેમેરાનાં ખાસિયતો સમજવામાં જશે, પણ મોટાભાગનાં મિત્રો હોશિંયાર ફોટોગ્રાફર્સ છે, એટલે ટીપ્સ અને ટ્રીક્સ મળતી રહેશે.

વ્હોટ એન આઇડ્યા, સરજી..

* સાંભળવા, દેખવામાં મસ્ત લાગે છે આ. વ્હોટ એન આઇડ્યા, સરજી. પેલા અભિષેકભાઈ, જાત-જાતનાં આઈડ્યા આપતો જાય છે અને લોકો વિના વિચારે આઇડ્યાનું સીમ લેતા જાય અને પછી તેમનો જ આ આઇડ્યા ભારે પડે છે.

થોડા વખત પહેલાં મેં આઇડ્યાના નિર્દેશ પ્રમાણે બહુ મહેનત પછી ફરીથી જરુરી ડોક્યુમેન્ટ તેમને આપ્યા. અને વળી, કોકીનો મોબાઈલ પણ એરટેલથી આઇડ્યા પર શિફ્ટ કર્યો. થોડો સમય તો શાંતિ રહી પણ પછી, કોકીના મોબાઈલ પર દરરોજ બે-ત્રણ પ્રિરેકોર્ડેડ કોલ અને ત્રણ-ચાર એસ.એમ.એસ. આવે. કંટાળીને ડુ નોટ ડિસ્ટર્બ માં રજીસ્ટર કરાવ્યું, તો ખબર પડી કે ૯૦ દિવસ પછી તેનો અમલ થાય (અને કદાચ એસ.એમ.એસ. તેમાં ન આવે).

વળી પાછો થોડા દિવસ પહેલાં મને એસ.એમ.એસ. આવ્યો કે કોઈક કારણસર અમે તમારા ડોક્યુમેન્ટ ડેમેજ કર્યા છે, તો ફરીથી ડોક્યુમેન્ટ આપી જાવ. આપણા પાછાં નવરાં એટલે ત્રણ દિવસ પહેલાં ડોક્યુમેન્ટ આપ્યા અને પૂછ્યું કે તમે બધાં ડોક્યુમેન્ટની ડીજીટલ કોપી નથી રાખતા? જવાબ મળ્યો – ના. લો, ત્યારે – વ્હોટ એન આઇડ્યા, સરજી. જાણવા મળ્યું કે કોઈક ગોડાઉનમાં આગ લાગવાથી બધા ડોક્યુમેન્ટ સળગી ગયા. પણ, છ મહિના સુધી એ લોકોએ ડોક્યુમેન્ટ ચકાસ્યા નહી હોય? નિરવે મને તેમનો કસ્ટમર કેર ફરિયાદ ખાતાંનો નંબર આપેલો જે હજી ક્યારેય લાગ્યો નથી. એમનાં ઓફિસર હંમેશા બીઝી જ હોય છે. (હોય જ ને. મારા જેવાં કેટલાંય હશે..)

અને, હજી મને આજે ફરી એસ.એમ.એસ. આવ્યો કે, ડોક્યુમેન્ટ આપી જાવ.

આ દેશને ભગવાન જ બચાવે (અને ચલાવે છે).

ગીત-સંગીત

… સાદી ભાષામાં – મ્યુઝિક.

મને સંગીતનો બહુ શોખ. તમારો શોખ કરો? લિસનિંગ મ્યુઝિક. આવા વાક્યો રોજ-બરોજના છે અને એમાં કંઈ નવાઈ નથી. બહુ ઓછા લોકોને રોજીંદી ઘટમાળમાંથી સમય કાઢીને સંગીતમાં ઉંડા ઉતરવાની તક મળે છે (અને મારા જેવાને તક મળે ત્યારે પછી આંરભે શુરા જેવી ઘટના બને અને પેલું ગિટાર બાજુ પર મુકાઈ જાય). તેમ છતાં, મારા જેવા કેટલાય લોકો માત્ર સંગીત સાંભળીને ગુજરાન ચલાવે છે (અને સંગીતકારો પોતાનું).

બે-ત્રણ દિવસથી – કોક સ્ટુડિઓ – Coke Studio – સાંભળું છું. ઓડિઓ-વિડિઓ તમે તેની સાઈટ પરથી ડાઉનલોડ કરી શકો છો (થેન્ક્સ, કુનાલ ધામી) અને ખરેખર સરસ સંગીત હોય છે.

છેલ્લે: સવાલ – સૌથી મોટ્ટો દેશપ્રેમી સંગીત શોખીન એટલે? જવાબ – સોંગ્સ.પીકે સાઈટ પરથી ડાઉનલોડ કરેલ બોલીવુડ ગીતોમાં એમપીથ્રી ટેગને મહેનતથી સુધારે તે. (ટ્વિટરમાંથી)

છઠ્ઠા વર્ષ તરફ..

* પાંચ વર્ષ પૂરા થયા અને છઠ્ઠા વર્ષમાં પ્રવેશ. મંગળ કહેવો કે અમંગળ એ તો બ્લોગ વાચકો જાણે, કારણ કે તેમના પર ઘણી વીતી છે 😉 પાંચ વર્ષોમાં સાબરમતીમાં ઘણું પાણી વહી ગયું છે (સોરી, સાબરમતી તળાવ છે એ વાત અલગ છે) અને ઘણાં વાઈબ્રન્ટ ગુજરાત સમારોહ થઈ ગયા છે. પણ, બ્લોગ-જગત ખાસ બદલાયું નથી. હું એવા જ એક-બે લીટી વાળા પોસ્ટ લખવા માટે પ્રખ્યાત છું. લોકો હજીય કોપી-પેસ્ટ કરે છે, વિનયભાઈએ લખ્યું તેમ વળી કોઈક વાર મૌલિક લેખ પણ લખી દે છે.

બ્લોગ પર ટ્વિટર, ફેસબુક વગેરેની ગાઢ અસર દેખાય છે, અને કદાચ નવાં બ્લોગની સંખ્યામાં વધારો જે ગતિથી થતો હતો, તે હવે ન પણ થાય. છતાંય, બ્લોગનું મહત્વ ઓછું નથી. આ બાજુ વળી ભારત સરકારને કંઈક થાય છે અને બ્લોગને બ્લોક કરવાની વાતો સંભળાય છે.

હા. મસ્ત ગરમી પડે છે. ગઈસાલની જેમ કાનની આજુ-બાજુ ગરમી નીકળી છે. પણ, મળતા રહીશું આ છઠ્ઠા વર્ષમાં..

ક્રિકેટ

* એમ તો હું ૧૯૯૯ની પેલી ભારત-ઝીમ્બાબવે વાળી મેચ પછી ક્રિકેટ ખાસ જોતો નથી (ક્યારેક જોવું પડે એ વાત અલગ છે, કારણ કે જાપાનીઝ કાર્ટૂન, રોવાવાળી સીરીયલો અને ડબિંગ હોલીવુડ મુવી કરતાં વધારે રોમાંચ એમાં હોય છે). આજે જે મેચ છે, એ બિચારા ભારતના ક્રિકેટ ચાહકો માટે અત્યંત મહત્વની છે. ભારત જીતે તો ઠીક છે, પણ હારે તોય આપણને ફાયદો છે. કેમ?

૧. લોકો ક્રિકેટ જોવા ન જાય અને તેમના પૈસા બચે.
૨. ભારતના ક્રિકેટરોને રાજકારણીઓ-સરકાર (આપણા પૈસાથી) લ્હાણી ન કરે અને સરવાળે દેશને ફાયદો થાય.
૩. ભારત કેમ હાર્યુ એ ચર્ચા સમાચારપત્રોમાં ચાલે, અને કોલમ લેખકો અને ઈન્ડિયા ટીવી વગેરેને એક સારો મુદ્દો મળે.

સોરી. ભારત હારે તો મને દોષ ન આપતા. જે રીતે આપણી ટીમ ફિઆસ્કો માટે જાણીતી છે, બહુ આશા ન રાખવી અને હિંમતથી કામ લેવું.

ગુડબાય, ફેસબુક

* લાંબા સમયથી આ વસ્તુ વિચારણા હેઠળ હતી. ફેસબુકમાં એકંદરે સારો એવો સમય જતો હતો (અને મજા પણ આવતી હતી) અને ખાસ કરીને જૂના મિત્રોને આનાં દ્વારા મળી શકાય એ ફાયદો ખરો. પણ, સમય જતાં ફેસબુક આલિયા-માલિયા લોકોનો અડ્ડો બન્યો અને લોકો કોઈ પણ ટીપ્પણી પ્રત્યે અસહિષ્ણુ થતા ગયા. અને, અધૂરામાં પુરું, ફેસબુક આપણી માહિતી પોતાના બાપની જાગીર હોય એમ ગમે ત્યાં વાપરે. મારો ફોટો વળી કોઈ પાપડની જાહેરાતમાં વપરાય એ ચાલે? ના ચાલે.

તો, ગુડબાય ફેસબુક. ફેસબુકનાં વિકલ્પ તરીકે ડાયાસ્પોરા છે. જે હજી આલ્ફા સ્થિતિમાં હોવાથી માત્ર આમંત્રણથી જ મેળવી શકાય છે. તેનો સોર્સ કોડ પણ પ્રાપ્ત છે.

હવે પછી? લિન્ક્ડઈન અને કદાચ ટ્વિટરનો વારો.

નોંધ – હજી મારી પ્રોફાઈલ ૧૪ દિવસ સુધી રહેશે એટલે મને તમે ફેસબુકમાં જોઈ શકશો. એટલે મારી પાસે ૧૪ દિવસ છે – પાછા પાપડ, પડદા કે પછી પોગો પેન્ટની જાહેરાતમાં મોડેલ બનવા માટે.

હેપ્પી હોળી..

* સૌ કોઈને હેપ્પી હોળી..

હેપ્પી હોળીનું કાર્ડ

અને કવિનનો છપ્પો..

મસ્તીથી પાણી, રંગ (પાક્કા)થી હોળી રમજો, બાકી દિ.ભા.ની તિલક હોળી જાય – પાણી લેવા..

જાપાન

* મારી આજુ-બાજુ બધાં જ અણુ વૈજ્ઞાનિકો બની ગયા છે –ટ્વિટર પર વાંચેલ.

સાચી વાત છે. આવું કંઈક થાય છે એટલે બધાં ડ્હાપણ ડહોળે છે અને અજ્ઞાન પ્રદર્શિત કરવામાં આવે છે. એના કરતાં તો ઘરે બેઠાં જાપાનીઓની હિંમત અને પ્લાનિંગની દાદ કેમ ન દેવી? ટીવી બંધ રાખો અને છાપાં ન વાંચો. વિકીપિડિઆ પર સરસ લેખ વાંચવા મળે છે, તે વાંચી ન્યુઝ ચેનલો અને છાપાંઓનાં અજ્ઞાન પર હસી જરુર શકાય.

એ આવ્યા પાછા, અમે.

* તો, ફરીથી પાછા, Pecos માંથી સામાન્ય સાત્વિક જીંદગીમાં આવી ગયા છીએ.

કવિન માટે પાણીમાં છબછબિયા કરતો કાચબો (માત્ર રુપિયા ૨૦) લાવ્યો છું. એ સિવાય, સ્ટિકર્સ, કેલેન્ડર. એમ.જી.રોડ, ચર્ચ સ્ટ્રિટ અને બ્રિગેડ રોડ સિવાય (અને RVCE) બીજે ક્યાંય ગયો નહોતો. કોન્ફરન્સના ત્રણ દિવસ અને ચોથો સ્પ્રિંટનો દિવસ સારો રહ્યો. બીજી રાતે ડિનર પર જવાનું રદ્ કર્યું કારણ કે પ્રેઝન્ટેશનની કંઈ તૈયારી કરી નહોતી અને પેલા બીયરે પરચો દેખાડ્યો. વાત-વાતમાં કેટલાય લોકોએ પૂછ્યું કે ગુજરાતમાં ખરેખર આલ્કોહોલ નથી મળતો. મારો જવાબ શું હોય? મેં કહ્યું એમ ના મળે પણ એટલો મળે કે સચિવાલય ડૂબી જાય.

કેટલાય લોકો મળ્યા – ખાસ કરીને પહેલી વાર મળતા – સ્ટિફની, રેખા (અને પ્રભા), નિખીલ, રોહન, દિનેશ, આદિત્ય, એની-મેરી મહેરુફ, જોનાથન રીડ્ડલ, એડ્રીયન, કેન્ની, ક્નુટ અને બધાં કેડીઈ હેકર્સ.

આમને ન મળી શક્યો તેનો અફસોસ રહેશે – જેસ, હરિત (સોરી, મેન) અને બાલાજી.