ચીઝ ક્યુબ

* આજે ડિનરમાં ઘણા દિવસ પછી ભાખરી પીઝા બનાવ્યા. તે માટે મારે ઓફિસથી ઘરે આવતી વખતે ચીઝ ક્યુબ લાવવાનાં હતા. મને વિચાર આવ્યો કે તેને ચીઝ ક્યુબ કેમ કહે છે? એ ક્યુબ તો હોતા જ નથી!ક્યુબ એટલે કે સમઘન જેટલી બધી બાજુઓ સરખી હોવી જોઇએ. આવો વિચાર કરતાં-કરતાં છેવટે બે ભાખરી-પીઝા પૂરા કર્યા અને કવિને ત્યાં સુધીમાં એક ચીઝ ક્યુબનો ચીઝ લોચો પણ બનાવી નાખ્યો 😛

સાત પાપ – વિન્ડોઝ ૭ કે સાથ

Windows 7 Sins

* બેડ વિસ્ટા પછી માઇક્રોસોફ્ટ લઇને આવે છે – વિન્ડોઝ ૭ નાં સાત પાપ. આ સાત પાપ વિશે વધુ જાણવા જુઓ FSF (ફ્રિ સોફ્ટવેર ફાઉન્ડેશન)ની સાઇટ: વિન્ડોઝ૭સિન્સ.ઓર્ગ. હા. મૂળ સાત પાપ વિશે તમે વધુ વિકિપીડિઆનાં આ લેખ પરથી જાણી શકો છો. જેણે દાન્તેની ઇન્ફર્નો વાંચી હોય તેને ખ્યાલ જ હશે.

એ બે દિવસો…

* એટલે કે, સોમવાર અને મંગળવાર – બન્ને દિવસો દરમિયાન હું બિમાર પડી ગયો (પેટ પરાક્રમ) અને ઓફિસમાં રજા પાડવી પડી. થેન્ક્સ ટુ પીઝા, ઢોંસા અને મેકડોનાલ્ડનું જંકફૂડ. હવે, લાગે છે કે કંઇક જમવાનું બનાવતા શીખવું પડશે. એકાદ વર્ષ પહેલા મેગી બનાવવાનો પ્રયત્ન કરેલો – સફળ પણ થયેલો. પણ, પછી મોટાભાગે કોકી-કવિન એકાદ-બે દિવસ કરતાં વધુ દૂર ગયા નહીં અને હું રસોડામાં જવાનું ભૂલી ગયેલો. હા, નાસ્તાનાં ડબ્બા ક્યાં પડ્યા છે તે તો ખબર હોય જ.

એક ફાયદો થયો. મેકડોનાલ્ડની કૂપનમાંથી લિવાઇસની ટી-શર્ટ ઇનામમાં મળી. હજી આવી નથી – આવશે ત્યારે પહેરીને ફોટુ મૂકીશ 🙂

એ એલાર્મ કેમ ન વાગ્યુ?

* કોકી-કવિન ગઇકાલે સવારે મુંબઇ જવાનાં હતા. સવારની ટ્રેન ગુજરાત એક્સપ્રેસમાં જવાનું હતું, એટલે પાંચેક વાગે ઊઠીને તૈયાર થતાં ૬.૧૫ જેવા સ્ટેશન જવા નીકળીએ તો ચાલે. મારા મોબાઇલમાં એલાર્મ મુક્યું. હું હંમેશા બે એલાર્મ મુકવા માટે જાણીતો છું – એટલે કોઇ રીસ્ક ના રહે. પરંતુ, એ દિવસે કોકીએ ના પાડી. મને થયું ચાલશે. એલાર્મ મૂક્યું ૫.૩૦નું. અચાનક આંખ ખૂલીને જોઉં તો કોકી મને જગાડતી હતી અને ૫.૪૦ થઇ ગયેલા અને એલાર્મ નહોતું વાગ્યુ.

કારણ?

મને કોઇ દેખીતું કારણ લાગ્યુ નહીં. કારણ કે, બે દિવસ પહેલાં તો વાગતું હતું. મને થયું જવા દો. પછી દેખીશ. ફટાફટ તૈયાર થયા. કવિનને તૈયાર કરવા જેવું કષ્ટદાયક કાર્ય કર્યું. ભાગંભાગ કરતાં સ્ટેશને ટ્રેન ઉપડવાની પાંચ મિનિટ પહેલા પહોંચ્યા. હાશ. પહોંચી ગયા નહીં તો જીવનમાં પ્રથમ વાર ટ્રેન છૂટવાની મજા લેવી પડત! પાછો ૪૭ નંબરની બસમાં ઘરે આવ્યો. આવીને સૂઇ ગયો – ૯ વાગ્યાનું એલાર્મ મૂકીને, જાગ્યો ત્યારે ૧૦ વાગ્યા હતા અને આ વખતે પણ એલાર્મ વાગ્યુ નહોતું. સ્ટુપિડ મોબાઇલ. ધ્યાનથી જોયું તો તેમાં ‘એલાર્મ રીપીટ’નો ઓપ્શન હતો અને તમે દિવસ નક્કી કરી શકો – કેટલા દિવસોમાં એલાર્મ વગાડવું. અને… એમાં શનિ-રવિ ‘અનચેક્ડ’ હતા.

😦

પાંચ વર્ષ

* અમારી એન્ગેજમેન્ટ ઉર્ફે સગાઇના પાંચ વર્ષ પૂરા થયા. પણ, બન્ને કે અત્યારે ગણેશ ઉત્સવ મનાવવા માટે મુંબઇ ગયા છે, તો એકલો-એકલો હોટલમાં જઇશ. ભરપૂર ખાઇશ (જોકે અત્યારે પેટમાં ઠીક લાગતું નથી એ વાત અલગ છે..) અને રાત્રે આરામથી ડેબિયનનું કંઇક કામ કરીશ. ગઇસાલ તો અમે સ્વાતિમાં ગયેલા.

આજે ઓપનમેપ.ઇન્ફો વાળા જયેશભાઇને મળ્યો. એક જોરદાર પ્રોજેક્ટ અમે શરૂ કર્યો છે – તે વિશે ફરી ક્યારેક વિગતે જણાવીશ.

આઇડેન્ટી.કા

* ટ્વીટર જેવી જ પણ, ઓપનસોર્સ બેકએન્ડ ધરાવતી માઇક્રોબ્લોગિંગ સેવા, identi.ca, પર તમે મને @kartikm પર ફોલો કરી શકો છો…

જાહેરાતો વચ્ચે સીરીઅલ..

* જો તમે જોતા હોવ તો વાંધો નહીં પણ,

૧. કોમ્પલાન પીવા વાળા છોકરાંઓ બીજા છોકરાઓ કરતાં બે ગણાં વધે છે. એમ? એમાં બતાવે છે કે એક છોકરાની ઊંચાઇ ૪ ફીટ ૩ સેમી થઇ, કોમ્પલાન પીવા વાળાની થઇ ૪ ફીટ ૬ સેમી. આ બે ગણું કહેવાય? મારા જેવાં ગણિત-દુશ્મન માણસને પણ આટલી વાત ખબર પડે.

૨. અમુક જાહેરાતો સળંગ બે-ત્રણ વખત આવે (એક જમાનામાં વતન સાબુની જાહેરાત આ માટે કુખ્યાત હતી!).

૩. દર બે જાહેરાતમાં એક ટોયલેટ ક્લીનરની હોય. અમુક તો વળી ટોયલેટની અંદરનાં સીન પણ બતાવે!

૪. ૧, ૨ કે પ રૂપિયા ઓછા કરે એમાં ભારી છૂટ કહી બૂમો પાડે..

૧૫ ઓગસ્ટ

* સૌ કોઇને સ્વતંત્રદિવસની શુભકામનાઓ. આજે તો આરામ અને મોટાભાગે સાંજે ક્યાંક ફરવા જઇશું (અરર, ડ્રાઇવ-ઇનમાં કમીને નો શૉ ૧૦.૩૦ વાગ્યાનો છે! એટલે ત્યાં નહીં જઇ શકાય) અને ક્રોસવર્ડનાં સેલમાં જવાનો વિચાર છે.. બાકી ટેબલ પર મૂકવાનાં નાનકડાં ધ્વજ લાવીશું એટલે આજનો દિવસ કંઇક અલગ છે એમ લાગશે!!

ટૂંકી લિંક

* તમે હવે વર્ડપ્રેસનાં પોસ્ટની ટૂંકી લિંક પોસ્ટ કરતી વખતે જ મેળવી શકો છો. ખાસ કરીને ગુજરાતી બ્લોગરો જે પોસ્ટ સ્લગનો ઉપયોગ નથી કરતાં તેમનાં માટે આ શુભ સમાચાર છે. તમે વર્ડપ્રેસમાં પોસ્ટ કરતી વખતે “Get Shortlink” બટન પર ક્લિક કરીને પોસ્ટની ટૂંકી લિંક મેળવી શકો છો અને કોઇને પણ તે આપી શકો છો..

એકદમ સરળ.

બચૂકડું URL

આ ટૂંકી લિંક કઇ બલા છે? હવે, થાય એવું કે ઇમેલ કે ટ્વીટર (૧૪૦ અક્ષરોની મર્યાદા!) પર લિંક આપતી વખતે તમારો સંદેશો બહુ લાંબો થઇ જાય. ટૂંકી લિંક સેવા તમને લાંબી લચક લિંકને નાની કરી આપે અને તમે મોટી લિંકની જફામાં પડ્યા વગર સંદેશો ઉપર ધ્યાન આપી શકો. આવી ઘણી બધી સાઇટ્સ છે અને ખાસ લોકપ્રિય છે, tinyurl.com, bt.ly, is.gd, nsfw.in વગેરે વગેરે. વચ્ચે થોડા સમય પહેલાં આવી ટૂંકી લિંકની કોઇક સાઇટ હેક થઇ ગઇ હતી અને તમે ટૂંકી લિંક મેળવેલ URLની જગ્યાએ કોઇ બીજી જ ભળતી સ્પામ સાઇટ્સ ખૂલી જતી હતી 😛

આ કોણ છે?

જવાબ આપનારને ટાલ પર હાથ ફેરવવાનું ફ્રી.

નોંધ: વધુ ફોટાઓ અહીં મુકવામાં આવશે.