અપડેટ્સ – ૧૪૦

* છેલ્લાં અપડેટ્સ પછી ગુગલ ક્રોમનું પણ અપડેટ થયું અને તેમાં મારા ડિફોલ્ટ કી-બોર્ડ વડે ગુજરાતી લખાતું બંધ થયું. હવે, આમાં ગુન્હેગાર કોણ એ હજી નક્કી કરવાનું બાકી છે. વિકિપીડિઆમાં તો અમારું યુનિવર્સલ લેંગ્વેજ સિલેક્ટર (ULS) હોવાથી વાંધો નથી આવતો.

* આજકાલ ફુડ ફેસ્ટિવલ ચાલે છે – એટલે કે મારા માટે. એકલો હોવાથી દરરોજ નવી જગ્યાનો ટેસ્ટ કરવામાં આવે છે. બુધવારે નક્કી થયું કે ચાલો બ્લ્યુફ્રોગમાં જઇએ. મજા આવી ગઇ. સરસ રોક સંગીત, સરસ ફૂડ-ડ્રિંક્સ. ફોટાઓ? અહીં. (જો તમે મારા G+ સર્કલમાં હશો, તો જ દેખાશે).

Blue blue frog

* ગઇકાલે IITB ની મુલાકાત લેવામાં આવી. કદાચ છ વર્ષ પછી ત્યાં ગયો. સવારમાં સરસ બ્રેકફાસ્ટ, લંચ અને પછી ત્યાંથી ચેમ્બુરમાં સદ્ગુરુની ફેમસ પાઉં-ભાજી ઝાપટી. ત્યાં વિકિપીડિઆ તરફથી ઇન્ડિક ભાષાઓ માટે ઓપન ડેટા વિશેનું પ્રેઝન્ટેશન અમારા ડિરેક્ટર તરફથી હતું. ભારતની દરેક ભાષામાં ડિક્શનરી, થિસોરસ, મશીન ટ્રાન્સલેશન વગેરેની જરુર છે. યુરોપ-અમેરિકામાં આ કામ સરકાર અને યુનિવર્સિટીઓ દ્વારા થાય છે, જ્યારે ગુજરાતીલેક્સિકોન.કોમને બાદ કરતાં (એમનો ડેટા ઓપન છે, પણ બીજે વાપરી શકાય તેમ નથી, દા.ત. વિકિપીડિઆમાં) ભાગ્યે જ કોઇ આવો ડેટા જોવા મળે છે.

* બસ આટલું જ. દોડવાનું તો ખરું. અને, હા, આજે NoTVDay છે એટલે, હિંદુસ્તાન ટાઇમ્સ તરફથી એક રીલે રન રાખવામાં આવેલું જેમાં આજે ભાગ લીધેલો. ૨.૫ કિલોમીટર દોડવાનું હતું, પણ કાલનાં મેંગો જ્યુશ પછી થયું કે વધુ દોડવું પડશે એટલે બીજાં બે ચેક પોઇન્ટ્સ દોડવામાં આવ્યું. ફન!

અપડેટ્સ-૧૩૯

* એમ તો અમે ક્યારનાય પાછાં આવી ગયા પણ કામ-કાજ અને પછી આપણા આ મહાન ઇન્ટરનેટ રીલાયન્સે બધું બગાડ્યું. આજે સવારે ધમકી આપી કે અનિલ મારી જોડે દોડવા આવે છે, તેને વાત કરું? ચમત્કાર. ઇન્ટરનેટ ચાલુ!

* ચાર દિવસનું વેકેશન ક્યાં આવ્યું ને ક્યાં ગયું તે ખબર ન પડી.

* વેકેશન અહેવાલ:

રાત્રે અરાવલી એક્સપ્રેસમાં જવા નીકળ્યા. કવિનને એક સીટ ઉપરથી બીજી સીટ પર કૂદકાંઓ મારવાની મજા આવી અને અમને તેને જોઇને મજા આવી.

ડોકિયાં અને જીભડાં કરતો કવિન IMG_20140517_063407

બીજાં દિવસે આરામ હી રામ. પણ, સાંજે બાજુમાં આવેલા ગામે ચાલતાં ગયા. મજા આવી.

આરામ

ત્રીજા દિવસે ગબ્બર-અંબાજી જવાનું ગોઠવવામાં આવ્યું. પ્લાન હતો કે ગબ્બર ચડીને જવું અને રોપ-વેમાં ઉતરવું પણ, કવિનને પગથિયાંની મજા લેવી હતી એટલે એની જોડે નીચે મજાથી ઉતરવામાં આવ્યું. રોપ-વેમાંથી મારો અને કવિનનો ફોટો સરસ આવ્યો છે, જે થોડા દિવસ પછી મને મળશે (કેમેરા અત્યારે કોકી-કવિન પાસે છે).

પગથિયાં ઉતરતો કવિન.. પહાડી કાચિંડો

અંબાજી પછી નજીકમાં આવેલાં મોકેશ્વર ડેમ પર ગયા. બપોર થઇ ગઇ હોવાથી કંઇ ખાસ મજા ન આવી. ચોમાસાંમાં મજા આવી જાય એવી જગ્યા છે (એવું અનુમાન કરું છું).

મોકેશ્વર ડેમ મોકેશ્વર તળાવ

રસ્તામાં મારા ફેવરિટ (એક સમયે?) ગુંદા ખાધાં.

ગુંદા

PS: અમારી યાત્રા અધુરી રહી!!

PS: અમારી યાત્રા અધુરી રહી.

ચોથો દિવસ અમદાવાદ ખાતે. સૌથી પહેલા ફાલસાનો જ્યુશ પીધો.

ફાલસાનો જ્યુશ

નયનામાસીને મળવા માટે ચંદ્રપુરી ગયો (અમદાવાદમાં જ છે :)), અને ત્યાંથી ઇશિતા જોડે “ડીકાથલોન” (સાચો ઉચ્ચાર)માં જવાનો પ્લાન બનાવેલો. પણ, મારી પાસે હજી સમય હતો એટલે નક્કી કર્યું કે ટાઇમપાસ કરવા (અને ગરમીથી બચવા) માટે કોઇ મુવી જોવા જઇ શકાય એટલે પછી મિલિયન ડોલર આર્મ જોવામાં આવ્યું. જે સરસ મુવી છે. ત્યારબાદ પેલાં ડીકાથલોનમાં ગયા. દુર્ભાગ્યે, ત્યાં દરેક વસ્તુઓ પર ભયંકર ધૂળ લાગેલી હતી. કવિન માટે સાયકલ લાઇટ, એક ધૂળ વાળી ટી-શર્ટ લીધી. બિલ્ડિંગ બનાવવું હોય તો જે તે પ્રદેશનું વાતાવરણ જોઇને બનાવાય એ વાત ડીકાથલોન વાળાને સમજાઇ લાગતી નથી! (અને અમદાવાદમાં બિલ્ડિંગ ઉપર કાચ લગાવવાવાળાઓને પણ) ત્યાંથી મારે કોનારકને મળવાનું હતું. GSoC વિશે થોડી ચર્ચા કરી. લાઇમ સોડા પીધો અને ત્યાંથી આપણા ફેવરિટ દર્શિતભાઇની મુલાકાત કરવાની હતી (મારોબગીચો.કોમ વાળા!). તેમને HL આગળ મળ્યો. નક્કી થયું કે ટોમેટોસ્ માં જઇને બેસીએ પણ, અલાસ, એ તો બંધ હતી એટલે પછી પાછાં આવી કોલ્ડ કોકો પીધો અને ત્યાંથી મારે મણીનગર જવાનું હતું એટલે વાત-ચીતનો દોર ગાડીની ૪૫ મિનિટમાં જમાવ્યો. તેમનાં વિશે વધુ જાણ્યું. મારા વિશે તો કંઇ ખાસ વાત કરવાની હતી જ નહી.

કોલ્ડ કોકો

મણિનગર પહોંચીને ખબર પડીકે મોદી ત્યાં આવવાના છે. થોડીવાર ટીવી પર મોદીને સાંભળ્યા અને પછી ધવલ જોડે ડિનર પતાવી ત્યાંથી કાલુપુર સ્ટેશન. સરસ વેકેશનનો અંત! 🙂

અપડેટ્સ-૧૩૮

* આ લખાય છે ત્યારે મારું મુખ્ય ઇન્ટરનેટ ડાઉન છે. પણ, વ્હુ કેર્સ? અબ કી બાર, મોદી સરકાર 😉

* રવિવારે ૨૧૫ કિલોમીટરની સરસ રાઇડ કરી (, , , , ). પછી, ૧૦ કિલોમીટરની દોડ. અને પછી, ૫ કિલોમીટરની વોક. આ આખી ઘટના કે ઇવેન્ટનો હેતુ કૃપા સાગરની સ્મોકિંગ છોડ્યાની ૩જી વર્ષગાંઠ ઉજવવાનો હતો. આ વિશે TABOFA પાનાં પર વિગતે લખ્યું છે. મારી ડેઇલીમાઇલ પ્રોફાઇલ પર પણ છે, એટલે અહીં જગ્યા બગાડતો નથી. તેમ છતાંય, આવી ગરમીમાં આટલી મોટી રાઇડ ન કરવી સારી – પણ ઓવરઓલ મજા આવી ગઇ.

* વચ્ચે બે દિવસ પુને-પુણે-પુના જઇ આવ્યો. ત્યાં પણ આવવા-જવામાં બહુ દોડમ-દોડી થઇ.

* હવે થોડાં દિવસ વેકેશન મનાવવામાં આવશે એટલે બ્લોગ બંધ જેવો જ રહેશે. દોડવાનું ચાલુ રહેશે, લેપટોપ સંપૂર્ણ પણે બંધ રહેશે! મોબાઇલ ના છૂટકે ચાલુ રાખવો પડશે 😦

* કવિન ઉત્સાહિત છે, અને અમે પણ!

અપડેટ્સ-૧૩૭

* ગઇકાલે અર્નવને મળ્યો અને વાતો કરવાની અને ગપ્પાં મારવાની મજા આવી ગઇ. તેને અમેરિકન ડ્રીમ માટે અભિનંદન અને શુભેચ્છાઓ.

* કવિન અઠવાડિયાંનું વેકેશન માણીને ઘરે પાછો આવી ગયો છે. ડ્રોઇંગ રુમ અસ્ત-વ્યસ્ત થઇ ગયો છે. કાર્ટૂનના અવાજો આવવા લાગ્યા છે. તેને ગિફ્ટમાં મળેલું હેલિકોપ્ટર અમે ઉડાવ્યું પણ એ એવું પટકાયું કે પછી થયું કે એ માત્ર રેતી વાળી જમીન પરથી ઉડાવવું જ સારું રહેશે. એટલે, રવિવારે ક્યાંક જવામાં આવશે.

* મારી ડ્યુઆથલોન તૈયારી ચાલી રહી છે. સાયકલ હજી સર્વિસમાં છે. આજે સાંજે સાયકલનો ફરી એક ટેસ્ટ કરવામાં આવશે. બાકી તૈયારીમાં તો ખાસ કશું છે જ નહી. (હા, જોડે એર પંપ, સ્પેર ટ્યુબ, ટી-શર્ટ, મોજાં, હેલ્મેટ, લાઇટ્સ, ખજૂર-કેળાં, બિસ્કિટ, પાણી, વોલિની સ્પ્રે, પંકચર કીટ, એલન કીનો પોર્ટેબલ સેટ, સ્વિસ આર્મી નાઇફ, હેન્ડ સેનિટાઇઝર, ગ્લોવ્સ, એકસ્ટ્રા ચડ્ડી, ઘડિયાળ, હાર્ટ રેટ બેલ્ટ, પૈસા, વોલેટ, મોબાઇલ, સાઇકલનું તાળું-ચાવી, ચોકલેટ-પીપર, પેન-નોટપેડ પણ લેવામાં આવશે ;)) રસ્તાનો અભ્યાસ કર્યો છે, પણ જોડે તેનું GPX વર્ઝન લેવામાં આવ્યું છે. સ્ટાર્ટિંગ પોઇંટ પર પહોંચવા માટે જ મારે થોડી મહેનત કરવી પડશે એ વિચારથી જ મને ટેન્શન થઇ રહ્યું છે. જો એક વળાંક ખોટો લીધો તો સીધો ૧૦ થી ૧૨ કિલોમીટરનો ફટકો છે! :O

* માત્ર જ ચાર દિવસ (શનિ-રવિ સાથે!) વેકેશન લીધું છે, તો આ દિવસોમાં શું કરવું એ પ્રશ્ન છે. તેમાંથી ૧૧x૧૧ કલાક તો મુસાફરીમાં જશે. એટલે, હવે મોટા વેકેશનની જરુર વર્તાય રહી છે.

* બાકી શાંતિ જ છે. હવે, કેસર કેરીઓની રાહ જોવાય છે.

ડ્યુઆથલોન

* .. અથવા duathlon માટે નોંધણી કરાવવામાં આવી છે. ગઇકાલે ૭૭ કિલોમીટર સાયકલ કર્યા પછી સાયકલને જરા સર્વિસમાં આપવી પડશે. અત્યારે સવાલ માત્ર એ કે ડ્યુઆથલોનમાં જવા માટે મારે ૫૦ થી ૬૦ કિલોમીટર સાયકલિંગ જવા માટે (નવી મુંબઇ) અને એટલું જ પાછાં ફરતાં કરવું પડશે એટલે અત્યારથી જ ટેન્શન થઇ ગયું છે. સમય ઓછો છે અને કામ વધુ છે. જોડે ૨૧ કિલોમીટર રનિંગ છે. જે પણ મજાની વસ્તુ છે.

* આ ઇવેન્ટનું GPS રેકોર્ડિંગ કરવામાં આવશે.

* આ વાત ઉપરથી, દુનિયાભરમાં થયેલ રનિંગ-સાયકલિંગનો હીટ મેપ. બિચારું ભારત.

અપડેટ્સ-૧૩૬

* કવિનનું પરિણામ આવી ગયું છે. ધાર્યા કરતાં ઓછાં ગ્રેડ આવવાની અમારી કૌટુંબિક પરંપરા એણે જાળવી રાખી છે 😉 પણ, સ્વિમિંગમાં તેના કહ્યા મુજબ તેને આવડી ગયું છે, હવે કોઇક વોટર પાર્કમાં જઇએ (અથવા બહુ ઓછી એવી સંભાવનામાં કોઇ ક્લબનાં મેમ્બર બનીએ અને ત્યાં સ્વિમિંગ પુલ હોય તો) ત્યારે તેનો ટેસ્ટ કરવામાં આવશે. કવિનને આત્મવિશ્વાસ આવી ગયો છે, એ મારા મતે સૌથી મોટી વસ્તુ છે.

* અત્યારે વિચિત્ર ટાઇમઝોનમાં કામ કરવાનું આવ્યું છે (એટલિસ્ટ આવતા ૧૦ દિવસ સુધી) એટલે સમયપત્રક ખોરવાઇ ગયું છે.

* સાતારા (હાફ) અને હૈદરાબાદ (ફુલ) મેરેથોન માટે નોંધણી કરાવવામાં આવી છે. એમાં સાતારાનો લાભ સરસ વાતાવરણ વત્તા વેકેશન સાથે ઉઠાવવામાં આવશે. હૈદરાબાદની તૈયારી હજી બરોબર શરુ કરી નથી. છેલ્લાં રવિવારે ૩૦ કિલોમીટરની જગ્યાએ ૨૨.૬૬ પર આવી અટકી ગયો. જોકે મને ખુશી થઇ કે મારા બે મિત્રોને તેમનો ૨૧ કિલોમીટરનો રેકોર્ડ તોડવામાં સાથ આપ્યો અને તેમણે ૩૨ કિલોમીટર પૂર્ણ કર્યું. આ વખતે પણ NCPA પર સારી એવી સંખ્યામાં રનર્સ આવ્યા (અને એ પણ આવી ગરમીમાં)! હવે, વરસાદની રાહ જોવાય છે 😉

* અને હા, થિઓબ્રોમામાં ફરી પાછો બ્રેકફાસ્ટ તો ખરો જ.

* અકૂપાર નાટક સ્વરૂપે આવ્યું છે. જોવા જવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

સોરી!

* અમારા ઘરે રાતના વાસણ માંજવા માટે એક બાઇ આવે છે. થોડા દિવસથી તેની દસેક વર્ષની છોકરીને મોકલતી હતી કારણ કે તેને આંખમાં કંઇક ઇન્ફેકશન થયું હતું. અમને એમ કે બે દિવસમાં તે પાછી આવી જશે પણ ન આવી. મને પણ વિચાર આવ્યો કે આ તો ચાઇલ્ડ લેબર કહેવાય. વળી, આગલા દિવસે તેના કામમાંય ભલીવાર નહોતો (એ સેકન્ડરી વાત હતી, કામમાં તો કોઇ કામવાળાનો ભલીવાર આવતો નથી). એટલે, અમે તેને કહ્યું કે તારી મમ્મી કેમ નથી આવતી?

છોકરી: મારી મમ્મીને અત્યારે બહુ કામ છે એટલે હું તેની મદદ કરાવવા આવું છું.

અમે: આ વાસણ સરખાં ધોયા નથી.

છોકરી: સોરી, હોં. કાલથી બરાબર ધોઇશ.

અમારી તો આંખો ભરાઇ આવી. ફાઇનલી, તેણે અમારી વાત સમજી. કારણ કે, એની મમ્મીને ગુજરાતી તો ઠીક, હિન્દીમાંય સમજ પડતી નથી. સારી વાત છે કે, આ છોકરી તેના ગામડે ભણી રહી છે. આશા રાખીએ કે એ ભણવાનું ચાલુ રાખે.

PS: આ ફિલ્મો, સિરિયલોમાં નાનાં છોકરાંઓને કામ કરાવે છે એ ચાઇલ્ડ લેબર કહેવાય?