અમદાવાદનો રીક્ષાવાળો

* આ એક નવી સિરીઝ ચાલુ થાય છે. નવી કેટેગરી બનાવવામાં આવી છે. રીક્ષાવાળા જોડે થયેલા સારા-નરસાં અનુભવો આ કેટેગરીમાં આવશે એટલે અમદાવાદની જનતા આ દૂષણ-પ્રદૂષણથી માહિતગાર થાય.

૧. પરમ દિવસે ગુરુકુળથી ઘરે આવતો હતો ત્યારે વરસાદ હોવાથી રીક્ષા કરી. મીટર થયું – મીનીમમ – ૯ રુપિયા. મેં ૧૦ રુપિયા આપ્યા તો ભાઈએ રીક્ષા ચલાવી. મેં કહ્યું, બાકીનો ૧ રુપિયો? જવાબ સરસ હતો – મીનીમમ ૧૦ રુપિયા જ થાય. મેં કહ્યું ક્યારથી થાય? જવાબ – પહેલા કહેવું હતું ને તો હું આવવાની જ ના પાડત.

તો હું, માથા પર લખીને ફરું કે હું ૧ રુપિયો પાછો માંગવાનો છું?

૨. ગઈ કાલે એક કામ માટે જૂની ઓફિસ જવાનું થયું. મીટર થાય ૨૪ રુપિયા. રીક્ષાવાળા કાકાએ ૨૫ માગ્યા. મેં ૩૦ રુપિયા આપ્યા. મેં કહ્યું કે ૫ છુટ્ટા નથી. જો તમારી પાસે હોય તો આપો નહિતર ચાલશે (હા, કારણ કે મારે મોડું થતું હતું). આ વાત કહેતો હતો એના પહેલા રીક્ષાવાળાએ ખિસ્સામાંથી ૧ અને ૨ની પરચૂરણ કાઢીને કહ્યું કે મને પાંચ રુપિયા તમે આપો. આ બાજુ જો મારી પાસે પાંચ રુપિયા છુટ્ટા હોત તો મેં રાહ જોઈ ન હોત. પછી, તેણે કહ્યું પાંચ રુપિયા છુટ્ટા નથી. સરાસર જુઠ. આટલી બધી પરચૂરણ હોવા છતાં ના. સ્વાભાવિક રીતે મેં કાર્ડ કઢાવીને છ રુપિયા હકથી લીધા.

હા, મોડું થયું પણ હોંશિયારીની હદ હોય.

નોંધ: જો કોઈ રીક્ષાવાળો હોંશિયારી બતાવે તો ૧૦૯૫ હેલ્પલાઈન નંબર છે. પ્રયત્ન નથી કર્યો પણ, કોઈએ ચેક કરવા જેવું છે. અમદાવાદમાં રહીશ તો ક્યારેક તો વારો આવવાનો જ છે.

જ્યારે અમે નાના હતાં – ૧૧

* હવે વાત કરીએ કોલેજનાં ત્રીજા વર્ષની – એટલે કે ટી.વાય. બી.એસ.સી.ની. બીજું વર્ષ પૂરું થયું અને ફોર્મ ભરવાનાં દિવસે હું અમદાવાદથી વેકેશન માણીને પાછો આવ્યો. ફોર્મ ભરવા ગયો ત્યારે ખબર પડીકે કયો વિષય લેવો તે મારા નિર્ણય પર બીજાં ત્રણ-ચાર જણાં રાહ જોઈને બેઠા છે. અમારી કોલેજમાં ટી.વાય.માં માત્ર કેમેસ્ટ્રી અને ફિઝીક્સ (ગયા વર્ષમાં ફિઝીક્સમાં બે જણાં જ હતાં, કેમેસ્ટ્રીમાં ૧૦૦ જણાં હતા – એટલે ફિઝીક્સનાં છોકરાંઓ પરીક્ષા આપવા પિલવાઈ કે ક્યાંક બીજે જતાં હતાં) જ આપવામાં આપતું હતું. પણ, હું કેમેસ્ટ્રીમાં રસાયણ સૂંઘીને કંટાળ્યો હતોને ફિઝીક્સ આપણને સારું આવડતું એટલે બીજા વર્ષને અંતે જ મેં જાહેર કરેલું કે મારે ફિઝીક્સ લેવું છે. મને શી ખબર હતી કે આ વર્ષે રેકોર્ડ બ્રેક ૨૧ જણાં ફિઝીક્સમાં આવી જશે.

ટૂંકમાં એક ક્લાસ સારો બન્યો અને એકંદરે ભણવાની મજા આવી. અમારા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ – પાઠક સાહેબ બહુ સારા. પોતે પીએચ.ડી. કરવા વિદ્યાનગર ગયેલા અને તેમને ક્લાસ નહોતા લેવાના છતાંય શનિવારે પાલનપુર આવીને ભણાવે.

હું અને કાનન – બન્ને શરુઆતમાં અંગ્રેજી પુસ્તકોનું ભાષાંતર કરી કંટાળ્યા એટલે અમે બન્નેએ અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો. આખી કોલેજમાં માત્ર બે જણાં અંગ્રેજીમાં. પરિણામ કંઈ સારું ન આવ્યું (કદાચ કોઈ પ્રોફેસરે પેપર જોવામાં દાટ વાળ્યો હતો?). તો પણ, ૭૦ જેટલા ટકા લાવી શક્યો. આ એક જ વર્ષ થોડું વ્યવસ્થિત ગયું. હું આખો દિવસ લેબમાં જ રહેતો અને કારણ વગરનાં પ્રેક્ટિકલ કર્યા કરતો. ફાયદો એ થયો કે પ્રેક્ટિકલમાં મારે કદાચ સૌથી સારા માર્ક્સ હતા. એની વે, પછી, એમ.એસસી.માં એડમિશન લેવાનું નક્કી જ હતું અને તે માટે અમદાવાદમાં ક્યાંય એડમિશન મળવું મુશ્કેલ હતું એટલે અમે વિદ્યાનગર પર પસંદગી ઉતારી. ફરી પાછા અમારા ક્લાસનાં ૧૦-૧૨ જણાં એક જ સાથે. વિદ્યાનગર એકાદ મહિનો રહ્યો પણ મજા આવી ગઈ. હવે, ત્યાં પ્રોફેસર્સ પણ સારા. એડમિશન લેવામાં સ.પ. યુનિ. જેવા નખરાં કદાચ કોઈ યુનિ. એ કરેલા નહી હોય. એ વાત ક્યારેક પછી. સ.પ. યુનિ. અને બહારનાં યુનિ. ના વિદ્યાર્થી વચ્ચેનો ભેદભાવ ક્લાર્કથી માંડીને એચ.ઓ.ડી. ના વર્તનમાં દેખાઈ આવતો હતો એ વાત મને બહુ ખટકતી. (પછી જાણવા મળ્યું કે બીજા વર્ષથી બહારનાં ૧૦-૨૦ ટકા વિદ્યાર્થીઓ જ લેવા એવો નિયમ આવી ગયો હતો.)

કોલેજમાં ત્રીજા વર્ષમાં યાદગાર પ્રોફેસર હોય તો તે હતા – ડિ.એસ. ખિલારે. કોઈપણ પ્રશ્નને કેવી-રીતે ભૌતિકશાસ્ત્રના નિયમથી સમજવો તે વાત તેમની પાસેથી શીખી. તો બીજી બાજુ, એવા પણ પ્રોફેસર હતા જેઓએ કોલેજની લાઈબ્રેરીની પ્લાઝમા ફિઝીક્સનું એકમાત્ર પુસ્તક પચાવી પાડ્યું હતું. (પણ, અમે લાઈબ્રેરીઅનની મદદથી એ પુસ્તક કોની પાસે છે, તે શોધી, તેમના ઘરે જઈને પુસ્તક બધાની વચ્ચે માંગી, ઝેરોક્ષ કઢાવીને ક્લાસમાં વહેંચતી કરી હતી એ વાત અલગ છે.) પ્રિન્સીપાલ ડો. હાથી કડક હતાં પણ કોલેજ એટલે જલ્સા-પાણી એ ખ્યાલી-પુલાવોમાં રખડવા આવતા લોકો માટે એ બરાબર હતું.

છેવટે અમે એમ.એસસી. ભૌતિક શાસ્ત્રની જગ્યા એ એમ.સી.એ.માં એડમિશન કેમ લીધું અને પછી કેવાં-કેવાં અનુભવો (જે જીવનભર યાદ રહેશે) થયા તેની વાત ક્યારેક. કોણ ખરેખર સગાં છે અને સગાં-વ્હાલા વચ્ચે લીટી કેમ મૂકવામાં આવે છે તે અમને ત્યારે જ ખબર પડી.

પછી ક્યારેક..

કેમ છો?

* આજે કવિન માટે ડ્રોઈંગ પેપર અને બીજી સ્ટેશનરી લેવા ગયો હતો ત્યારે દુકાનમાં થોડી ભીડ હતી અને અચાનક પાછળથી કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, કેમ છો? મને નવાઈ લાગી (અને ડર લાગ્યો કે કોઈ સંબંધી હોય અને હું ઓળખી ના શક્યો તો માછલાં (સોરી, ઢોકળાં) ધોવામાં આવશે). મેં કહ્યું, ઓળખાણ ના પડી. એણે કહ્યું, યાર પેલો ફલાણાં હેર કટિંગ વાળો. અમારી નવી દુકાન બાજુમાં બની છે. અત્યારે જ જોવા આવો. મારે મોડું થતું હતું છતાંય જોઈ આવ્યો. સારી દુકાન છે અને વાળ પણ વધી ગયા છે એટલે આવતી-કાલે ત્યાં જવામાં આવશે.

આવું માર્કેટિંગ ક્યાંય જોયું નથી 🙂

મુંબઇ પ્રવાસ – સંક્ષેપ

* સૌરાષ્ટ્ર મેલ-ભાવનગર એક્સપ્રેસ ગંદી ટ્રેન્સ છે. હવે પછીના પ્રવાસો માટે ચોકડી.
* ટ્રેનમાં કવિન જોડે હોય ત્યારે – પેપર નેપકિન, સોફ્રામાયસીન, પેપર સોપ અને બિસ્કીટ જોડે રાખવા.
* મુંબઇ હવે સાંક઼ડું લાગે છે.
* રીક્ષાનું મીટર હવે વિચિત્ર છે. પહેલાંની મીટર વત્તા ૧ રુપિયાની જગ્યાએ કંઈક વિચિત્ર ફોર્મ્યુલા આવી ગઈ છે.
* ક્રેડિટ કાર્ડ લેવું હજી પણ મારા ગજાની બહાર છે (એવું એ લોકો માને છે – એ જોકે સારી વાત છે).
* વેસ્ટર્ન લાઈનથી હાર્બર લાઈન જતાં હજી પણ મોટી વાત છે. એટલે, ઘણાં મિત્રોને ન મળી શકાયું.
* શોપર્સ સ્ટોપ અને ટીબીઝી – આ બન્નેનો કોઈ વિકલ્પ નથી. બે સરસ ટી-શર્ટ લાવવામાં આવી છે. તેના ફોટા ક્યારેક પછી, એક ખાસ પોસ્ટ (વર્ષોથી નક્કી કરી રાખેલ) ની સાથે.
* કવિનને એકલો ઘરે મૂકી જવામાં હવે વાંધો નથી.
* ઉપરનું વાક્ય સનાતન સત્ય નથી.
* અને છેલ્લે, રક્ષાબંધનને દિવસે મુંબઇમાં રજા હોતી નથી.

ન ઘટવા જેવી ઘટનાઓ..

* આમ તો હું આજે લાવરી અને તેનાં બચ્ચાંની વાર્તા લખવા માંગતો હતો પણ હવે, તે ડ્રાફ્ટમાં ગઈ છે અને આજે થોડાંક વિચારો આજ-કાલ બની રહેલી ઘટનાઓ પર.

૧. ઈલેકટ્રોનિક વોટિંગ મશીન એટલે કે ઈ.વી.એમ. પર રીસર્ચ કરીને તે કેટલું અસલામત છે તે જાહેર કરનાર હરિ પ્રસાદની ધરપકડ.

૨. વિકિલીક્સનાં સ્થાપક પર બળાત્કારનો આરોપ અને ધરપકડ વોરન્ટ. નાટકીય ઘટનામાં ધરપકડનો આદેશ રદ્.

૩. બોરીવલી (પ.)માં બનેલો ફાલતુ સ્કાયવોક.

૪. સાંસદોનો પગાર વધારો (અને તેના માટે તેઓએ મચાવેલી ધમાલ).

આ ચારેય ઘટનામાં ક્યાંય કડી નથી, પણ વધુ વિચાર કરતા જણાશે કે આ ચારેય ઘટનાઓ આપણાં પ્રિય એવા રાજકારણીઓને આભારી છે. તમારો ધન્યવાદ મારા પ્રિય નેતાઓ. મુંબઈમાં મૂકાતાં મોટાં-મોટાં હોર્ડિંગ્સ તો હું નહી મૂકી શકું પણ, આ પોસ્ટ તો છે જ.

મુંબઇ ખાતે..

* હવેના ચાર દિવસ મુંબઇમાં. નાનું વેકેશન (સિવાય કે સોમવારની મિટિંગ વગેરે) અને રક્ષાબંધન. વરસાદ ચાલુ છે – એટલે બહાર જવાનું ઓછું થશે. અમારા ફેવરિટ રઘુલીલા મોલની મુલાકાત તો લેવામાં આવશે જ. બાકી તો જેવી કોકીજીની ઈચ્છા. કવિનને ક્યાંય પણ જાવ, જલ્સા છે.

એક મોટું કામ પેલાં રીલાયન્સનાં ઈન્ટરનેટને મારા લેપટોપ પર ચાલુ કરવાનું છે. આજે બપોરે તેની વાત છે.

હાશ…

* છેલ્લા કેટલાય દિવસથી મને બેચેની હતી – કારણ? કીટાણુ નહી પણ, મારા ઘરનો એગ્રીમેન્ટ આવતા મહિને પૂરો થાય છે તો નવું ઘર શોધવું પડશે અને ફરી પાછા એજન્ટ સ્મિથ જોડે મગજમારી કરવી પડશે અને પાછો આ ફ્લો-ચાર્ટ દોરવો પડશે તેની ચિંતા હતી. હાલ પૂરતી, તે ટળી ગઈ છે અને ભાડામાં ધરખમ વધારા સાથે આ જ ઘરમાં રહેવાનું છે.

હવે, ગિટાર અને બગ્સ ઉપર પૂરતું ધ્યાન આપી શકાશે.

જન્મદિનની શુભેચ્છાઓ – ડેબિયન!

* આજે ડેબિયનને ૧૭મું વરસ બેઠું. તો, જો તમે ડેબિયન પ્રોજેક્ટને થેન્ક્સ કહેવા માંગતા હોવ તો – http://thanks.debian.net તમારા માટે છે 🙂

હેપ્પી સ્વતંત્ર દિવસ..

* ૧૩મીએ કવિનની શાળામાં સ્વતંત્ર દિવસની ઉજવણી હતી. હવે, કવિનને કયો નેતા બનાવવો તે વિશે અમે બહુ વિચાર્યુ. છેવટે, સૌથી સરળ રીતે બની જાય એવા નહેરુચાચા પર પસંદગી ઢોળી. ભારતના ભવિષ્ય તરફ આપણા નહેરુચાચા ઉદાસ રહેતા હતા એમ કવિને પણ ઉદાસ ચહેરે ફોટા પડાવ્યા.

નોંધ ૧:

નેતાઓ ઉદાસ છે,
કારણ કે, કેન્ટિનમાં ચિકન ખલાસ છે.
પ્રજા ઉદાસ છે,
કારણ કે, થેલીમાં રાશન ખલાસ છે.

નોંધ ૨: કેન્ટિન એટલે સંસદની કેન્ટિન.

હેડકીઓ (via હું સાક્ષર..)

અત્યારે તો ખાલી પ્રજાને જ હેડકીઓ આવે છે. નેતાઓ આરામથી જેલ, હોસ્પિટલ અને સંસદની કેન્ટિનમાં મનભાવતાં ફરસાણ ખાય છે. સાક્ષરની આ પોસ્ટ રીબ્લોગ ફીચર્સનો દુરઉપયોગની સાથે..

અને હા, સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ.

હેડકીઓ બાપુ વિચારે, આટલી હેડકીઓ! આજે જ કેમ? – સાક્ષર — તા.ક. – "પ્રાથમિક શાળામાં ત્યારે એવું સાંભળતા કે ગાંધીજી કહેતા ચોરી કરવી એ પાપ નથી, પકડાવું એ પાપ છે. જો કે અભ્યાસમાં હું પહેલેથી જ એટલો તેજ કે એમણે કહેલું છે કે નહી એ વિશે મને પાક્કી ખબર નથી!  {નહીતર કહેત કે રાષ્ટ્રપિતા પાસેથી (બીજું બધુ છોડીને) આવું જ શિખવાનું ?!}" – રજનીભાઈ અગ્રાવત (તા.ક. સાથે બાપુને એક હેડકી આપડી તરફથી, જય હિન્દ, જય ભારત) … Read More

via હું સાક્ષર..