આજની કડીઓ

* એક પિતાને શ્રધ્ધાંજલી.
એક પુત્રની પિતાને શ્રધ્ધાંજલી, એ પણ બગ રીપોર્ટમાં. એકદમ સરસ અને વાંચવાલાયક લિંક.

* કદાચ મારો ફોન પથરો બનશે અથવા પછી લેટેસ્ટ એન્ડ્રોઈડ પર અપડેટ થશે.
સાયનોજન વડે હમણાં મારા ફોન ટાટુનો સપોર્ટ ઉમેરવામાં આવ્યો. હજી એકાદ દિવસ પછી તેને અપડેટ કરવામાં આવશે. જો તમને મારો ફોન બંધ આવે તો સમજજો કે અપડેટ નિષ્ફળ ગયું છે અને કાર્તિક નવો ફોન લાવશે 🙂

* સોની અને હેકર્સનું તેની સામેનું યુધ્ધ.
એક જમાનો હતો જ્યારે સોની ઈલેક્ટ્રોનિક્સ કંપની હતી અને તેની ગુણવત્તા માટે વખણાતી હતી. અત્યારનો જમાનો અલગ છે. સોની હવે કનટેન્ટ કંપની બનીને પોતાનું રહ્યુ-સહ્યું (ફોન, વિડીઓ ગેમ્સ કે પછી કેમેરા કે પછી મ્યુઝિક પ્લેયર) બચાવવા મરણિયા અને વિચિત્ર પ્રયાસો કરે છે. અહીં ખોટું શું છે એ આ લેખમાં સરસ રીતે સમજાવ્યું છે.

સુરત, લિનક્સ અને લોચો

* થોડા સમય પહેલાં લખેલું તેમ સુરતની એન.આઈ.ટી.ની વાર્ષિક ઈવેન્ટ – માઈન્ડબેન્ટ – માં મારું લેક્ચર રાખેલ હતું. ટ્રેનની ટેસ્ટ પોસ્ટ લખ્યા પછી રાત્રે ૧૦ વાગ્યા જેવો સુરત પહોંચ્યો, ત્યાં ઈવેન્ટનાં વોલિઅન્ટર્સ (સ્વયંસેવકો) મને લેવા માટે આવી ગયા હતા. કોલેજ અઠવા લાઈન્સ જેવા સરસ વિસ્તારમાં છે, મને તેની સામે ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવ્યો. ડિનરમાં તો થેપલાં ઘરેથી લઈને જ આવ્યો હતો, જે બધાં ટ્રેનમાં જ પૂરા થઈ ગયા. રાત્રે ભૂખ નહોતી એટલે થોડી વાર પછી પ્રેઝન્ટેશન બનાવવા બેઠો પણ એટલી બધી ઊંઘ આવી કે પ્રેઝન્ટેશન પડતું મૂકી પથારીમાં પડ્યો (હા, એ પહેલાં એસી રીમોટ વગર કઈ સ્વિચથી બંધ થાય એ માટે ૧૦ મિનિટ બગાડી).

સવારે વહેલા ઉઠી સૌ પહેલાં પ્રેઝન્ટેશન ચકાચક કરી દીધું અને ત્યાં સુધીમાં તો ચા આવી ગઈ હતી. ૧૦ વાગ્યાની આસપાસ કોલેજ પહોંચ્યો અને થોડા લોકો જોડે લિનક્સ, ડેબિયન વગેરેની વાતો કરી. મોટાભાગનાં લોકોને કર્નલ વગેરેમાં વધારે રસ હતો એ જાણી નવાઈ ન લાગી.

પ્રેઝન્ટેશન શરુ થવાનો સમય થઈ ગયો હતો, પણ પ્રોજેક્ટનો કેબલ ક્યાંક ખોવાઈ ગયો હતો, ત્યાં સુધીમાં ઓફિસનું થોડું કામ પતાવ્યું. પ્રેઝન્ટેશન – લેક્ચર એકંદરે સારું રહ્યું એમ કહી શકાય, કારણ કે સારા એવાં પ્રશ્નો પૂછવામાં આવ્યા અને જવાબ પણ આપવામાં આવ્યા 🙂 પ્રેઝન્ટેશન પૂરુ કરી બધાં જોડે વાતો કરી, ઈમેલ એક્સચેન્જ કરવામાં આવ્યા અને બીજી જોઈતી માગી-વણમાગી સલાહો આપવામાં આવી. પણ, અચાનક ઓફિસનું કામ આવી પડ્યું એટલે ગેસ્ટ હાઉસ પાછા ફરવું પડ્યું.

સાંજે પછી પ્રશાંત (કેશવાની) ને મળવાનો કાર્યક્રમ હતો. પ્રશાંતની ઓળખાણ ઈમેલ વડે થઈ હતી અને પહેલી વાર જ મળ્યા. તેના ઘરે જઈ ટેકનોલોજી, અમદાવાદ, મુંબઈ, સફારીથી માંડીને લિનક્સ ફ્રોમ સ્ક્રેચ સુધીની ચર્ચાઓ થઈ. પછી, યુ.એસ. પીઝા ગયા અને પીઝા ઝાપટ્યા. પાછું, રાત્રે ઓફિસનું પેન્ડિંગ કામ 😦

દુર્ભાગ્યે, ફોન વડે એકપણ ફોટો ન પાડ્યો. હા, સુરત સ્ટેશન પર બેન્ડવાજા વાગતા હતા એ જોઈ નવાઈ લાગી અને મજા આવી. કદાચ કોઈ અધિકારીનું લગ્ન હશે કે. શતાબ્દીમાં ઘરે પાછો આવ્યો, કવિન મારી રાહ જોઈને બેઠો હતો અને જેવો દરવાજો ખોલ્યો અને મને વળગી પડ્યો.

અને હા. નો લોચા. આ વખતે લોચાનો સમય ન મળ્યો. ફરી કોઈક વાર.

ટ્રેન ટેસ્ટ પોસ્ટ

* ટેસ્ટ પોસ્ટ, ટ્રેનમાંથી. રીલાયન્સનું નેટવર્ક સારુ લાગે છે. હવે, જોઈએ છીએ, બીલ કેટલું આવે છે..

આજનો પ્રશ્ન

… આ ભાસ્કરપીડિઆ શું છે? (જુઓ દિ.ભા.નું તંત્રીલેખ વાળું પાનું).

અપડેટ્સ

* થોડા દિવસ સારો એવો વ્યસ્ત રહ્યો એટલે મજા આવી ગઈ 🙂 મમ્મી અત્યારે અહીં આવેલ છે, એટલે કવિનને ચીડવવાની મજા છે અને કવિનને જલ્સા છે. બા જોડે બહાર ફરવા સારુ એવું મળી ગયું અને આજે તેને સ્કૂલ જવાનો કંટાળો આવ્યો.

* આજે પ્રેસિડેન્ટ ડે છે, એટલે અમારે રજા છે, પણ આપણે તો..

* છેવટે, રીલાયન્સનું યુએસબી મોડેમ લીધું છે. ૩.૧ એમબીપીએસની ઝડપ તો કહેવાની જ હોય છે. અત્યારે એ લોકો ૨૧ એમબીપીએસની જાહેરાતો ચલાવે છે એટલે જૂના મોડેમ સસ્તામાં વેચવા કાઢેલ છે. મને એના પર સારુ એવું ડિસ્કાઉન્ટ મળ્યું. થોડા દિવસ ફરવાનું વધારે છે એટલે તે કામમાં આવશે.

* લિઓક્સિસનું પોકેટ વાઈ-ફાઈ રાઉટર સરસ છે. લેવાનો વિચાર છે.

હેપ્પી લગ્નદિવસ

* હેપ્પી લગ્નદિવસ ટુ અસ^, હેપ્પી લગ્નદિવસ ટુ અસ, હેપ્પી લગ્નદિવસ ટુ કાર્તિક-કોકી, હેપ્પી લગ્નદિવસ ટુ અસ.

આજના દિવસનો કોઈ પ્લાન નથી. સાંજે કદાચ બહાર જઈએ ખરા, પણ શનિ-રવિ પર જાય તેવી શક્યતા છે.

(^અસ એટલે કે અમે. પેલું અસ, મસ ને ઢસ વાળું ન સમજવું.)

[અપડેટ: , , અને વર્ષની પોસ્ટ્સ]

હેપ્પી વેલેન્ટાઈન ડે

.. હવે દિવસ તો ગુજરી ગયો. તમારો દિવસ સારો ગયો હશે એવી અપેક્ષા (કે આશા, જે તમને ગમે તે). રાત પણ સારી જશે. ડોન્ટ વરી.

કોકીએ મારા માટે બહુ મહેનત કરીને ગિફ્ટ (રંગ બદલતો ચા પીવાનો મગ, જે મારા અત્યારના મગ કરતાં નાનો છે, એટલે ઓછી ચા-કોફી આવે એ ગણતરી સાથે) શોધી. તેને ખબર છે કે કાર્તિક વિચિત્ર છે. હાર્ટ શેપનાં બલૂન્સમાં તેને રસ નથી. શર્ટ-ટાઈની જરુર નથી અને પેન વડે તે લખતો નથી. આમ તો, ગિફ્ટ એ મહત્વની નથી પણ, કોઈ ગિફ્ટ આપે તો લેવામાં વાંધો નહી 😉

ભરેલો મગ ખાલી મગ

ઓલ ગિફ્ટ્સ આર વેલકમ. અને હા, હેપ્પી વેલેન્ટાઈન ડે. જય સંત વેલેન્ટાઈન!!

conf.kde.in

કેડીઈ સંમેલન

.. એટલે કે કેડીઈનું ભારતીય સંમેલન.

જો તમને,
૧. લિનક્સ-ફ્રી સોફ્ટવેર ગમતું હોય,
૨. કોલેજમાં હોવ અને હવે પછી આગળ શું કરવું તેની ચિંતા હોય અને તમને ડોટ નેટ, જાવાનાં ટોળાંમાંથી કંઈક અલગ કરવું હોય,
૩. છેલ્લાં સેમિસ્ટરનો પ્રોજેક્ટ કંઈક નવો કરવો હોય અને તે માટે કેડીઈ-Qt વિશે વધુ જાણવું હોય,
૪. જોવું હોય કે લિનક્સ ડેસ્કટોપ માટે તૈયાર છે,
૫. કે પછી કેડીઈના મુખ્ય ડેવલોપર્સને મળવું હોય તો.. ખાસ કરીને વિદ્યાર્થીઓ જેઓ અત્યારે જાણીતા ડેવલોપર છે અને ગુગલ સમર ઓફ કોડમાં કેડીઈ પ્રોજેક્ટમાં હતા.

આમાંથી એક પણ વસ્તુની આગળ હો હોય તો આ કોન્ફરન્સ ઉર્ફે સંમેલન તમારા માટે છે. જો અમદાવાદ અથવા આજુ-બાજુની કોલેજમાં કોન્ફરન્સ માટેનાં પોસ્ટર અને આર.વી. કોલેજનાં પ્રિન્સીપાલશ્રીનો આમંત્રણ પત્ર જોઈતો હોય તો મને સંપર્ક કરવા વિનંતી.

તો, રજીસ્ટર કરાવો, અત્યારે જ!

મછલી જલકી..

* ગઈકાલે કાંકરિયામાં માછલીઓ જોયા પછી આ જૂની વાત યાદ આવી છે..

મછલી જલકી રાની હૈ,
જીવન ઉસકા પાની હૈ.
હાથ લગાવો તો ડર જાએગી,
બહાર નીકાલો તો મર જાએગી.
પાનીમેં ડાલો તો જી જાયેગી,
સારા પાની પી જાયેગી.

.. અને આજુ-બાજુ રમતાં છોકરાઓ (મુંબઇ) પાસેથી સાંભળેલું, એડ-ઓન –

ઘરપે લાઓ તો બાસ આયેગી.

કાંકરિયા મુલાકાત

* ગઈસાલની જેમ આ વખતે અમારે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઝુ અને ટ્રેન સવારી ચૂકી નહોતી જવી એટલે બપોરની ઊંઘને બાય-બાય કહી કાંકરિયાની મુલાકાત લીધી.

કવિનને જોકે ઝુ કરતાં જમ્પ મારવામાં વધારે રસ હતો. જેમ-તેમ પ્રાણીઓ જોયા અને સૌથી મજા જળબિલાડી, હિપ્પો અને મગરને જોવાની આવી. જળબિલાડીને નખાતી માછલીઓ કાગડાઓ કેચ કરીને લઈ જતા હતા તે જોવાની મજા અલગ જ હતી. પછી, વાંદરા વિભાગ આગળ આવ્યા ને કવિને કકળાટ શરુ કર્યો. પેલું પ્રસિધ્ધિ પામેલ જીરાફ ક્યાંય દેખાયું નહી. આવતી વખતે તેની વાત છે. પછી થોડો નાસ્તો કરીને ટ્રેન સવારી માટે ગયા તો લાંબી લાઈન હતી. બે ટ્રેન પછી અમારો વારો આવ્યો અને મજા આવી ગઈ. કવિનને પછી જમ્પ મરાવ્યા અને અમદાવાદ આઈ – બલૂન આગળ ગયા પણ કવિનની કમાન પાછી છટકી એટલે બધા કાર્યક્રમ પડતા મૂકાયા. બી.આર.ટી.એસ. પકડી શિવરંજની આવી, થોડી પેન્ડિંગ ખરીદી પતાવી અને ઘર ભેગા. થોડાક નોંધ પાત્ર મુદ્દાઓ –

૧. ઝુમાં શાહુડીઓ, કાચબાઓ, શિયાળો અને હરણોનો ભરમાર છે. અલ્યા બીજા પ્રાણીઓ લાવો. એટલિસ્ટ માણસો પણ રાખી શકાય.
૨. બીજી ટ્રેન કેમ ચાલતી નથી?
૩. બી.આર.ટી.એસ. એવી જ ફાસ્ટ છે. ગુડ જોબ. ફીકવન્સી સારી એવી છે, હજીય મોટી-લાંબી બસ મૂકે તો મજા આવે.
૪. બી.આર.ટી.એસ.ને એક વર્ષ ઉપર થયું હોવા છતાંય ક્યાંથી ઉતરવું અને ક્યાંથી ચડવું અને પહેલાં લોકોને ઉતરવા દેવાય એવી સેન્સ હજી અમદાવાદીઓમાં આવી નથી.
૫. ઝુ અને બીજા બધાં દર એકદમ વ્યાજબી છે. હોબાળો મચાવતા લોકોને બીજા રાજ્યોમાં કેમેરા વગેરેના દર જોવા વિનંતી.

ફરી ક્યારેક, અમદાવાદ આઈ, કીડ્સ સીટી અને માછલી ઘરનો વારો.