ફાયરફોક્સ ૩.૫!

ફાયરફોક્સ ૩.૫

* હા, તમે હવે એટલે કે આજથી ફાયરફોક્સ ૩.૫ મેળવી શકશો! તો, શું ખાસ વાત છે આ ફાયરફોક્સ ૩.૫માં?

૧. તમે હવે બંધ કરેલ ટેબ કે વિન્ડોને Undo કરી શકો છો.

૨. પ્રાઇવેટ બ્રાઉઝિંગ – એટલે કે તમે મુલાકાત લીધેલ વેબસાઇટ્સની હિસ્ટરી, કૅશ, કુકીસ વગેરેની નોંધ નહીં લેવાય.

૩. ૭૦ કરતા વધુ ભાષાઓમાં પ્રાપ્ત (ગુજરાતી તો ખરું જ! હવે મેક માટે પણ ગુજરાતી આવૃત્તિ મળી શકશે).

૪. HTML5, વધુ સારી ઝડપ ધરાવતું જાવાસ્ક્રિપ્ટ એન્જિન અને ઘણા બધા આંતરિક સુધારાઓ!

અત્યારે જ ડાઉનલોડ કરો!

જુઓ: સ્પ્રેડફાયરફોક્સ.કોમ, ફાયરફોક્સ ફેસબુક પાનું અને પ્રકાશન નોંધો.

ખાસ નોંધ: જો તમે IE (ઇન્ટરનેટ એક્સપ્લોરર) વાપરતાં હોવ તો, તમે ફાયરફોક્સ વાપરવા માટે આ પાનાંની મુલાકાત લો.

હોલિવુડ બસ્તી!

* મને એમ કે આ મજાકનું નામ હશે – પણ આ તો ઓફિશિઅલ નામ લાગે છે..

હોલિવુડ બસ્તી

મોટો નકશો જુઓ

કહેવતો!

* ના, હું આજે કોઇ મારી પોતાની કહેવતો મૂકતો નથી!

પણ, ગુજરાતીલેક્સિકોનમાં હવે તમે નવી ગુજરાતી-અંગ્રેજી કહેવતો અને નવો વિભાગ અંગ્રેજી-ગુજરાતી કહેવતો માણી શકશો. તેને ટેસ્ટ કરો અને જો કંઇ મુશ્કેલી કે ભૂલ જણાય તો અમને ઇન્ફો એટ ગુજરાતીલેક્સિકોન.કોમ પર અચૂક ઇમેલ કરો..

મેક: ૧ વર્ષ

* આજે મારા ધોળિયા મેકનું એક વર્ષ પૂરું થયું. જો કે હવે, એ ધીમે-ધીમે ઘઉં વર્ણું બની રહ્યું છે. અને હા, એપલ કંપનીએ હમણાં સરસ મજાનું ૧૩” નું એલ્યુમીનીયમ બૉડી ધરાવતું મેકબુક-પ્રો બહાર પાડ્યું છે. ભાવ દેખવા જેવા નથી!!

તમે શું કરશો?

* ગઇકાલે લોકશક્તિ એક્સપ્રેસની રાહ જોતો બોરીવલીનાં પ્લેટફોર્મ નં ૪ પર ઊભો હતો ત્યારે એક ભાઇ મારી પાસે આવ્યા અને કહ્યું કે, મારે સુરત જવું છે. મેં કહ્યું, તો જાવ ને.. એ ભાઇ મારા મજાકનાં સૂરને પારખીને પછી દયામણા સ્વરે બોલ્યા કે મારે સુરત જવું છે અને મારી ટીકીટ મારા મિત્ર પાસે રહી ગઇ છે, હું ગાડી ચૂકી ગયો છું અને મારી પાસે માત્ર ૨૦ રૂપિયા જ છે. તમે મને બાકીના ૧૮ રૂપિયા આપશો? થોડી વાર વિચાર કર્યો અને મેં તેને ૨૦ રૂપિયા આપ્યા.

૧. તે કદાચ ખોટું પણ બોલતો હોય.

૨. તે સાચું બોલતો હોય.

ગમે તે હોય, પણ મેં એ વિચારીને આપ્યા કે આવું જો મારી જોડે થાય અને કોઇ મને રૂપિયા ન આપે તો? મારી જગ્યાએ તમે હોવ તો શું કરશો? અાજ-કાલ માણસો પાંચ વર્ષથી ઓળખતાં હોય તો પણ વિશ્વાસ નથી કરતાં તો પાંચ સેકંડની વાત પરથી તમે કોઇને કંઇ આપશો?

થેંક યુ, પપ્પા..

* તમને ખબર છે કે આજે ફાધર્સ ડે છે, મને પણ ખબર છે. પણ, હું તમને સાંજે ફોન કરીશ, કદાચ ભૂલી પણ જઇશ. અને તમે એ જ ભોળપણમાં સામે જવાબમાં થેંક યુ ની જગ્યા એ સામે, હેપ્પી ફાધર્સ ડે કહેશો. અને અમે હસીશું, પણ હવે એ બરાબર છે, હું પણ પિતા ઉર્ફે છું ને!

યાદ છે જ્યારે હું પહેલી વાર મુંબઇ આવ્યો ત્યારે તમે મને કેટ-કેટલી જગ્યાએ ફેરવેલો? ગ્રાંટ રોડ પરથી લઇને ચોર-ગલી જેવી જગ્યાઓ જેથી બીજી વાર ભૂલથી પણ હું ના જાઉં! અને પહેલી વાર લોકલમાં બેઠો ત્યારે ટ્રેનમાં કેવી રીતે ચડવું તેની ટીપ્સ અને ટ્રીક્સ! જે મેં ઘણાં લોકોને વહેંચેલી છે. ભૂલ્યા વગર તમે મારા માટે જમવાનું બનાવીને રાખતા. હું ટીફીન ન ખાઉં તો ધમકાવી નાખતા અને યાદ રાખીને દરરોજ કંઇક ફ્રુટ લાવતા..

હજી પણ તમે એવા જ છો – એ જ લોકલ ટ્રેનમાં એવી જ રીતે ફરો છો – અને મારી જગ્યાએ કવિન માટે કંઇકને કંઇક લાવો છો. થેંક યુ પપ્પા! થેંક્સ!

ગુગલ એજ્યુકેશન..

* લોકો પણ નામનો કેવો ફાયદો ઉઠાવે છે…

ગુગલ એજ્યુકેશન!

સોફ્ટવેર કહેવતો ભાગ-૨

* થોડા સમય પહેલાં મેં કેટલીક સોફ્ટવેર કહેવતો લખેલી જે આજ-કાલ ફોર્વડ ઇમેલ તરીકે બહુ ફરે છે – એટલે વિચાર આવ્યો કે ચાલો બીજી કેટલીક કહેવતો બનાવીએ!

૧. એન્ટિવાયરસ દેવો ભવ: (અતિથિ દેવો ભવ:)

૨. આકરા બગને સૌ માને (આકરા દેવને સૌ માને)

૩. એક કમાન્ડને બે આઉટપુટ (એક ઘા ને બે કટકા)

૪. એક પ્રોજેક્ટમાં બે પ્રોજેક્ટ મેનેજર ના રહે (એક મ્યાનમાં બે તલવાર ન રહે)

૫. ફ્રેશર જોબ લઇ ગયો (કાગડો દહીંથરુ લઇ ગયો)

૬. બીજાનો કોડ ભેંસ બરાબર (કાળા અક્ષર ભેંસ બરાબર)

૭. જ્યાં માઇક્રોસોફ્ટ, ત્યાં વાયરસ (જ્યાં ગંદવાદ, ત્યાં મંદવાદ) 😛

૮. જેવો પ્રોજેક્ટ તેવો કોડ (જેવો દેશ તેવો વેશ)

૯. ઓપનસોર્સ કોડ, જે આવે તે ડાઉનલોડ કરે (દેવળનો ઘંટ, જે આવે તે વગાડે)

૧૦. પ્રોજેક્ટ નાનો ને કોડ ઘણો (ધંધો થોડો ને ધાંધલ ઘણી)

૧૧. લૅ-ઓફ પહેલા જોબ શોધવી (પાણી પહેલાં પાળ બાંધવી)

૧૨. જોબ લીધા પછી સેલેરી પૂછવી (પાણી પીધા પછી ઘર પૂછવું)

વધુ પછી ક્યારેક!

મુખ ચિત્ર સ્પર્ધા

* આજે ઓફિસમાં ફન ફ્રાયડેમાં “એક-બીજાનાં મોઢાં દોરવાની ચિત્ર સ્પર્ધા” હતી..

.. અને કુશાને મારો ફોટો નીચે પ્રમાણે બનાવ્યો 😀

કાર્તિક - સ્પોન્સર્ડ બાય વિન્ડોઝ સિમેન્ટ!

કહેવાની જરૂર છે કે આ ચિત્રને પ્રથમ નંબર આવ્યો 🙂

વરસાદ!

* આજે થોડીવાર પહેલાં વરસાદનાં થોડાક છાંટા પડ્યા એ કવિનને ગેલેરીમાં ઊભો રાખીને બતાવ્યા.

કવિનનાં શબ્દોમાં વરસાદ એટલે, ભૂ.. ઉપર.. ભૂ…

🙂