થોડાક આંકડાઓ

.. એટલે કે થોડી આંકડાબાજી થઇ જાય?

* ટ્વિટરમાં ટ્વિટ્સની સંખ્યા ૧૦,૦૦૦+ એ પહોંચી. આમાં રિટ્વિટ અને રીપ્લાયનો પણ સમાવેશ થઇ જાય છે!

* દોડવામાં-સાયકલ ચલાવવામાં-ચાલવામાં કુલ કિલોમીટર: ૩૦૦૦ કિમી +

* એકલું સાયકલિંગ: ૬૦૦ કિમી (૪ મહિનામાં).

* ગુજરાતી વિકિપીડિઆમાં મારા ફેરફારો (એટલે કે એ઼઼ડિટ્સ) ની સંખ્યા: ૧૦૦૦. અહીં જોકે ઘણું-ઘણું વધુ કામ થઇ શકે છે. હવે ‘કરવાનાં કામો’ ની યાદી વ્યવસ્થિત રીતે બનાવવાની છે, પણ તે હજુ તે વિશ-લિસ્ટમાં જ છે.

બસ, આટલું જ (અત્યારે તો!!).

આજની કડીઓ

* એમ તો આ કડીઓ આજ-અને-ગઈકાલની કહેવાય પણ, આપણે પરંપરા મુજબ શીર્ષક ‘આજની કડીઓ’ જ રાખીશું.

૧. છોકરાંવને પ્રોગ્રામિંગ શીખવાડો: http://www.wired.com/opinion/2013/09/ap_code/ (આભાર, નિરવ પંચાલ!).

૨. પ્રોગ્રામરનો ખોરાક: http://steve-yegge.blogspot.in/2007/06/rich-programmer-food.html

૩. રુબી કોન્ફરન્સ ગોઆમાં થવાની છે. રુબી આજ-કાલ આપણો નવો શોખ છે. વધુ માહિતી: http://rubyconfindia.org/ પર મળશે. હવે પછીની કોન્ફરન્સ માર્ચ, ૨૦૧૪માં છે.

૪. વિકિમિડીઆ ફાઉન્ડેશનની એક GSoC સ્ટુડન્ટ મોરીઆલે એના પ્રોજેક્ટ ઉપર સરસ બ્લોગ પોસ્ટ લખી છે. દરેક ભવિષ્યમાં એપ્લાય કરનારા સ્ટુડન્ટે વાંચવા જેવી! http://moriel.smarterthanthat.com/tips/google-summer-of-code-2013-summary/

૫. હવે કંઇક કોમ્પ્યુટરની બહાર નીકળીએ? સમ્યકનો ‘ગુજરાતી મેમે’ બ્લોગ મસ્ત છે: http://gujaratimemes.tumblr.com/ 🙂

 

અપડેટ્સ – ૧૦૬

* થોડા સમય સુધી કોઇ પોસ્ટ ન આવી એટલે મને લાગ્યું કે મારો બ્લોગ અસ્તિત્વ ધરાવતો જ નથી (કેટલાક લોકોને હાશ પણ થઇ હશે અને થયું હશે કે કાર્તિક પણ અસ્તિત્વ ધરાવતો નથી! સોરી અબાઉટ ઇટ ;)). પણ, આજે થયું કે, ચાલો અત્યંત વ્યસ્ત દિવસે પણ કંઇક અપડેટ્સ લખી નાખીએ.

* બર્થ ડેની છેલ્લી બોરિંગ પોસ્ટ પછી કંઇ ખાસ ઘટનાઓ બની નથી. પણ તેમ છતાંય,

૧. કવિન દાદા-દાદી-કાકા-કાકીનાં ઘરે રહેવા ગયો અને અને તકનો લાભ લઇને અમે કોઇ મોલમાં ફરવા ગયા અને ત્યાં કંટાળ્યા એટલે જેની ટિકિટ મળે તે મુવી જોવાનું નક્કી થયું. સદ્ભાગ્યે અમને લંચબોક્સની ટિકિટ મળી અને એકંદરે સારું મુવી નીકળ્યું. થિએટર પણ પેક હતું. બીજી રો માં બેસવું પડ્યું, પણ સરસ એક્ટિંગ, એક પણ ગીત ન હોવાને કારણે કંટાળો ન આવ્યો. અંત થોડોક ઢીલો મૂક્યો હોય એમ લાગ્યું, પણ તે ડિરેક્ટરની શોર્ટ ફિલ્મો બનાવવાની આદત હશે એ પરથી લાગ્યું.

૨. રવિવારે પિંકેથોન – એટલે કે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ, સેલ્ફ ડિફેન્સ ટેક્નિક્સ વગેરેની સાથે – શિવાજી પાર્ક (દાદર) ની આજુ-બાજુ રનિંગ હતું. મિલિંદ સોમણ મળ્યો અને એ પણ આટલો ફાસ્ટ રનર છે તે થોડીવારમાં જણાયું (તે સારો રનર છે, એ તો ખબર જ હતી, કારણ કે એ લોકો દિલ્હી-મુંબઇ દોડીને ગયા હતા). થોડી ફોટોસેશનબાજી વગેરે થયું, પણ આપણે આરામથી નાસ્તો, સ્ટ્રેચિંગ વગેરેમાં વધારે ધ્યાન આપ્યું. શિવાજી પાર્કનું એક ચક્કર ૧.૨૭ કિલોમીટર થાય છે તે રનર ભક્તો ની જાણ ખાતર. અમારા રનિંગ ગ્રુપના લોકો જોડે ફરીથી મજા આવી ગઇ.

૩. રવિવારે જ – બ્લોગર મિત્ર સૂર્ય મોર્ય – ના ઘરે (સહકુટુંબ) મુલાકાત લેવામાં આવી. આપણાં દર્શિતભાઇની (બાબા બગીચાનંદજી કી જય!) જેમ તેઓ પણ બ્લોગ જગતમાં એક સરસ બ્લોગર છે. તેમની અંગતતા નિતી કારણોસર બીજી વિગતો જાહેર નહી કરવામાં આવે, પણ અમે સાથે જાગરણ ફિલ્મ ફેસ્ટિવલમાં સમય મળ્યે જવાનું નક્કી કર્યું છે. વધુ વિગતો-પોસ્ટ ત્યાંની મુલાકાત પછી.

૪. આજ-કાલ લોકોને મફતમાંય વસ્તુ-સલાહ આપતાં લેતા નથી. કચ કચ કચ.

૫. વાંચન, ફિલમ – આ બન્ને શોખ માળિયે મૂકાઇ ગયા છે. ભાદરવા મહિનાનો તડકો હજી ઉઘડ્યો નથી એટલે તડકો આવે ત્યારે આ શોખો પાછાં પ્રકાશમાં લાવવા પડશે.

૬. વોટ્સએપ પર ફાલતુ જોક્સનો ડોઝ (વત્તા દરરોજનું ગુડ મોર્નિંગ-ગુડ નાઇટ પણ ખરું) હવે સહન થતો નથી. એનાં કરતાં તો આ વિડિઓ શેર કરવા વિનંતી: https://www.youtube.com/watch?v=8hC0Ng_ajpY ગંભીરતાથી વિચારીએ તો, વોટ્સએપ કે ફેસબુકમાં મૂકાતા ૯૦ ટકા જોક્સ ફિમેલને (કે કોઇ ચોક્કસ જાતિ-જ્ઞાતિ-વાડાને) સંબંધીને હોય છે. જો આપણી માનસિકતા આવી જ હોય તો શું કહેવું?

બીજાં સમાચારોમાં મારો મત જોઇએ તો,

૧. સુરતનાં પૂરનાં ગઇસાલનાં ફોટા જોયા પછી અત્યંત દુ:ખ થયું. મને એમ થાય છે કે, આ સમસ્યાનું કોઇ ઉપાય નથી. એ વાત અલગ છે કે આપણે લોકોની માનસિકતા ન બદલી શકીએ, પણ મારા નાનકડાં જીવનમાં જ ૧૦ થી ૧૧ વાર સુરતનાં પૂરનાં સમાચારો સાંભળ્યા છે, તો એનું કંઇક કરી ન શકાય? હલ્લો, મોદીજી?

૨. ત્રાસવાદ- નૈરોબી અને પેશાવર – સાંભળી દુ:ખનો ડોઝ ડબલ થયો. ત્રાસવાદને ધર્મ હોતો નથી જેવું ફાલતુ વાતો ફરીથી ફેસબુક પર વહેતી થઇ અને આપણે જોયા કર્યું.

બસ, બસ. આ તો મોટી પોસ્ટ થઇ ગઇ!!

૨^૫ વત્તા ૨

.. એટલે કે ૩૪ પૂરાં થયા અને હું મિડ લાઇફ ક્રાઇસીસ તરફ એક કદમ આગળ વધ્યો! જોકે કેટલાં વર્ષ પૂરાં થયા એની ચોક્કસ ગણતરી હજી મને આવડી નથી (અને કદાચ આવડવાની પણ નથી). પાર્ટી-બાર્ટીનું આયોજન હજુ સુધી કરવામાં આવ્યું નથી, પણ કરી શકાય તેવી શક્યતા છે. રવિવારે બર્થ-ડે આવે એ આપણને બૌ ગમે.

અત્યારે તો બાંદ્રા જઇને ૧૦ કિલોમીટરનું નાનકડું રનિંગ વત્તા ૪૨.૨૦ કિલોમીટરનું સાયકલિંગ કરવામાં આવ્યું છે. ભાઇ, મુંબઇ મેરેથોન આવે છે!!

હમમ, ગિફ્ટની વાત તો રહી ગઇ!! હું મને પોતાને શું ગિફ્ટ આપું એ હજી નક્કી નથી થયું પણ કોકી તરફથી સરસ મજાની રનિંગ ટી-શર્ટ મળી છે, જેના પર બીજા કોઇનો નહી પણ મારો ફોટો છાપેલ છે 😉

અપડેટ્સ – ૧૦૫

* હવે મને ત્રીજા વ્યક્તિ મળ્યા જેમણે મને પહેલી જ વાર મળતા પૂછ્યું: “તમારી સેલેરી કેટલી?” સારું થયું એમણે મારી ઉંમર ન પૂછી!! આવો એક બીજો નમૂનો અમદાવાદમાંય ભટકાયેલો, જેની નામના નમૂના તરીકે ખ્યાતનામ બની. અને, લોકોને પહેલી નજરે ઓળખવામાં મેં પહેલી વાર ભૂલ ન કરી!

* લગભગ આખ્ખી ટીમ દુનિયાના બીજાં છેડે હોય ત્યારે ૨૪ કલાક ઓછા પડે છે. અને, એના કારણે મારું દોડવું અને ઊંઘ બન્ને ક્રિટિકલ માસ અવસ્થામાં છે.

* સોશિઅલ મિડિઆ તરફ ફરી એક વાર વૈરાગ્ય (સ્મશાન વૈરાગ્ય એમ વાંચવું) આવતું જાય છે.

* બે સમાચારપત્રો બંધાવ્યા છતાં, બન્નેમાંથી એક પણ વ્યવસ્થિત વંચાતા નથી. નવાં પુસ્તકોમાં, સાર્થનાં બે શબ્દકોષ મંગાવવામાં આવ્યા, જેમાંથી એક હું મારા મિત્રને ઇઝરાયેલ મોકલાવીશ. વાણી તેવું વર્તન હજી થોડું જ આગળ ચાલ્યું છે અને ગુજરાતી પુસ્તકોનો નવો ડોઝ હવે લાવવો પડશે. વિકિસોર્સ પરથી થોડાં પુસ્તકો વાંચેલા જેમાં બહુ મજા ન આવી, પણ તમે PDF તરીકે વાંચો તો મજા આવે તેમ છે. આ ક્ષેત્રમાં થોડું કામ કરવાની ઇચ્છા છે, એટલે અત્યારે તેમાં ખાંખાખોળાં કરી રહ્યો છું.

* અને, બાકી તો શાંતિ જ છે! 🙂

સંદર્ભ આપો

* વિકિપીડિઆમાં જો તમે જોયું હશે તો તમને જ્યાં-ને-ત્યાં  કે પછી અમુક લેખો પર ‘સંદર્ભ આપો’ એવું લખેલું જોવા મળશે. અંગ્રેજીમાં તેને ‘citation needed’ કહેવાય છે. વિકિપીડિઆમાં સંદર્ભ વગરની અધ્ધરતાલ કે જાતે ઉપજાવેલી માહિતી ચાલતી નથી અને મોટાભાગે દરેકે દરેક વાક્યનો સંદર્ભ આપવો પડે છે. વિકિપીડિઆનો પરિચય થયા પછી, દરેક બ્લોગ પોસ્ટ, દરેક અહેવાલ, બ્લોગ બાબાઓનાં તંત્રીલેખો કે પછી બની બેઠેલા કવિઓની કવિતાઓ – આ દરેક વસ્તુ પર સંદર્ભ આપો કહેવાનું મન થાય છે. અમારા લેપટોપ પર તો આ સ્ટિકર સ્વરૂપે પણ છે. અને હા, હજી એક વધુ સ્ટિકર પડ્યું છે, જે કોઇને જોઇતું હોય તેઓ વહેલા તે પહેલાના ધોરણે કોમેન્ટ કે ઇમેલ કરશો!

સંદર્ભ આપો

સંદર્ભ તો આજ-કાલ સફારીના લેખોમાંય કે પછી ગુ.સ. કે દિ.ભા. પૂર્તિઓનાં પહેલાં પાનાંનાં લેખોમાંય માંગવાની ઇચ્છા થાય છે 🙂

તો એ વાત પર થોડાંક સંદર્ભો:

૧. આ વિષય ઉપર લોકપ્રિય xkcd કોમિક: http://xkcd.com/285/

૨. વિકિપીડિઆ લેખ: https://en.wikipedia.org/wiki/Citation_needed

અપડેટ્સ – ૧૦૪

* છેલ્લી અપડેટ્સને એક અઠવાડિયું થઇ ગયું અને હજી સુધી કોઇ પોસ્ટ લખવાનો સમય ન મળ્યો એટલે થયું કે ચાલો એક અપડેટ++ કરી દઇએ?

* પરમ દિવસે રાત્રે મોડા-મોડા પુને આવ્યો છું અને આખા બે દિવસ કોન્ફરન્સમાં ગયા છે. બીજાં કોઇને મળવાનો સમય મળ્યો નથી, અને આજે સાંજે પાછાં જવાનું છે, કારણ કે કાલે સવારે પાછી અમારી ટીમનો લોંગ રનિંગનો કાર્યક્રમ છે.

* મારી એક મહત્વની અપડેટ આજ-કાલ વિકિપીડિઆ મેઇલિંગ લિસ્ટમાં છે (કે હતી), એટલે તેની જાહેરાત કરતો નથી 🙂

* અને હા, ભૂલથી પણ નીતાની બસમાં સફર ન કરતાં!

* બે દિવસ સમ્યક જોડે મજાની વાતો થઇ (જેની વિગતે વાતો પછીની પોસ્ટમાં). તેણે મને એક સરસ પુસ્તક, ‘વાણી તેવું વર્તન – ફાધર વાલેસ’ આપ્યું છે, જેનું અત્યારે વાંચન ચાલુ છે. જોકે અહીં આવ્યા પછી તેના પર વધુ સમય મળ્યો નથી, પણ પાંચ પ્રકરણ પછી ઘણું બધું શીખવા મળી રહ્યું છે (અને, અમુક વસ્તુઓને અમલમાં મૂકી છે, જેનું ત્વરિત પરિણામ દેખાયું છે!).

વાણી તેવું વર્તન

* અને, પહેલી વાર હુમ્મુસ ખાવામાં આવ્યું. મજા આવી.

હુમ્મુસ

* કોઇ શક? 🙂

ગુજ્જુ - કોઇ શક?