ચાલો હસીએ..

* ‘ચાલો હસીએ’ (એશિયા તથા પેસેફિક દેશોની વાર્તાઓ, ઉખાણાં તથા કહેવતો, સંપાદક: ધીરુબહેન પટેલ) નામનું એક સરસ પુસ્તક મારા હાથમાં આવ્યું તેમાંથી નીચેનાં ઉખાણાં લીધા છે. જેના જવાબો જો તમને આવડે તો કોમેન્ટ તરીકે મુકો. હું બે-ત્રણ દિવસ પછી તેને પોસ્ટ કરીશ.

૧.બે માણસોએ માછલી પકડવા પાણીમાં ડૂબકી મારી,  જ્યારે તેઓ બહાર આવ્યા, ત્યારે એકના વાળ ભીના હતા, બીજાના નહીં. એવું કેમ બન્યું? (પાપુઆ ન્યૂ ગિની)

૨. જે એમાં રહે છે તેણે એ નથી જોયું, જે એમાં ગયો જ નથી, તેણે બરાબર જોયું છે. (જાપાન)

૩. અડકો તો જડે, પણ નીરખો તો ન જડે. (ઇન્ડોનેશિયા)

યુનિકોડ પ્રેઝન્ટેશન..

* તાજેતરમાં મેં તૈયાર કરેલ એક નાનું યુનિકોડ પ્રેઝન્ટેશન તમે જોઇ શકો છો. આ પ્રેઝન્ટેશનને ઓપનઓફિસ ૨.૦ વડે ડેબિયન લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ પર બનાવવામાં આવેલ છે!

જુઓ: http://www.slideshare.net/kartik.mistry/unicode-and-gujarati/

હવે અહીં પણ,

એસ.ટી. બસ – આવક વધારવાનો સરળ રસ્તો..

* પાલનપુર થી અમદાવાદ આવતી-જતી વખતે દર વખતે હું એસ.ટી. બસમાં મુસાફરી કરુ છું. આ વખતે જ્યારે અમદાવાદ પાછો આવતો હતો ત્યારે કંડકટરે મને ૭૯ રુપિયાની ટીકીટ આપી. મને થયું કે આ લક્ઝરી બસ છે એટલે કદાચ ૧૦ રુપિયા વધારે હશે (સામાન્ય રીતે ૬૯ થી ૭૨ રુપિયા હોય છે). ટીકીટ લઇને મેં તો સીધી ખિસ્સામાં મુકી. સિધ્ધપુર આવ્યું, ત્યારે બસનાં ડ્રાઇવર-કંડકટર બદલાયા અને કંડકટરે ટીકીટ ચેક કરવા માંગી ત્યારે ખબર પડી કે તે શાણા કંડકટરે મને (અને બીજા ચાર-પાંચ જણાને) ડીસા-અમદાવાદની ટીકીટ આપી છે!! કદાચ એસ.ટી.ની આવક વધારવાનો આ સૌથી સરળ રસ્તો છે.. 😉

જ્યારે અમે નાનાં હતા – ૨

* બાલમંદિરમાં સોપાન ૧ થી ૩ અને ધોરણ ૧ કર્યા પછી, શિશુશાળામાં ૨ થી ૪ ભણવા માટે આવ્યો. હવે, જાતે સ્કૂલે જવાનું હતું, અને તે પણ બસમાં! દિલ્હીગેટથી બસ લેવા આવતી અને મમ્મી મને ત્યાં સુધી મૂકવા આવતી, કારણકે હું મસ્તીખોર તરીકે જાણીતો હતો. બસ આવે એટલે પહેલા મારે જ ચઢવાનું, બીજો કોઇ ચઢવાની હિંમત જ શાની કરે? બીજું ધોરણ મને બરાબર યાદ નથી. હા, એક વખત પપ્પા મુંબઇથી બન્ને બાજુ પહેરી શકાય તેવું શર્ટ લાવેલા, અને તેનાં બટન પણ અલગ પ્રકારનાં હતાં. ભાઇસાહેબે હોશિંયારી બતાવવા રિસેશમાં શર્ટ કાઢ્યું, પણ પછી બટન વાખતા ન આવડે!! પછી જેમતેમ પહેરી એકદમ ટાઇટ ઇન-શર્ટ કરીને ચલાવ્યું, ઘરે જતી વખતે છાતી આગળ દફતર રાખીને ગયો!

* બીજા ધોરણમાં ભણવાની ખાસ પડી નહોતી, મમ્મી ઘરે ભણાવતી, ટ્યુશન કદાચ રાખેલું પણ હું મૂડ આવે તો જતો! પણ, એક વાતનો મને અફસોસ તે વખતે રહેતો, ગમે તેટલી મહેનત કરતો – ૯૦ % કદી ન આવતા! (જે કદી પણ ન આવ્યા, પણ હું અત્યારે ખુશ છું!!)

* ત્રીજું ધોરણ ખતરનાક રહ્યું. કારણ હતા, અમારા ક્લાસટિચર. નામ નથી લખતો પણ તેઓ …. બહેન મારકણાં તરીકે પ્રખ્યાત હતા! અને દરરોજ ઘડિયા બોલાવતા, જે મને આવડતા નહિ. જ્યારે મારો વારો હોય ત્યારે ભગવાનને સાચાં હ્દયથી પ્રાર્થના કરતો કે આજે બહેન ન આવે. અને મોટાભાગે તેમ જ થતું. પણ, આનું ખરાબ પરિણામ એ આવ્યું કે મને છેક સુધી ઘડિયા મોઢે આવડ્યા નહિ – અને કદાચ તેના કારણે મારું ગણિત થોડું કાચું રહી ગયું. ત્રીજા ધોરણમાં મેં સૌથી વધુ પરાક્રમો કર્યા. એક વખત દફતરનાં પટ્ટાથી ક્લાસમાં બધાને બહુ ફટકાર્યા. કારણ? કંઇ નહિ, બસ એમ જ! છેવટે મારા દફતરનો પટ્ટો ગયો, આચાર્ય સાહેબ પાસે. દરરોજ થતી સભા-પ્રાથર્નામાં મારે છેલ્લે ઊભા રહેવાનું આવ્યું. જ્યારે બીજા બધા બેઠા હોય ત્યારે આખી સ્કૂલ સામે ઊભા રહેવાનું મેં થોડો સમય સુધી સહન કર્યું, પછી પપ્પાને બોલાવી લાવ્યો અને મને થોડા ઠપકા પછી બેસવા મળ્યું.

* આ જ સમયગાળામાં પ્રસિધ્ધ બાળ વાર્તાકાર હરીશ નાયક અમારી સ્કૂલમાં આવ્યાં અને તેમની ચોપડીઓ વાંચીને મને વાંચનનું ઘેલું લાગ્યું અને મારા તોફાની સ્વભાવમાં કદાચ થોડું પરિવર્તન આવ્યું. આ દરમિયાન હું ત્રણ-ચાર વખત હાથે-પગે લગાડીને, એક વખત કાંટાળી તારમાં હાથ ફસાવીને અને એક વખત કૂતરું કરડવાથી હોસ્પિટલની મુલાકાત લઇ આવ્યો હતો.

જ્યારે અમે નાનાં હતા – ૧

* મને યાદ છે કે, બાલમંદિરમાં અને સ્કૂલમાં (અમે સ્કૂલ જ કહેતાં), જે મજા આવતી હતી, તેવી મજા કદાચ પછી ક્યારેય આવી નથી. હું નાનપણમાં (એટલે કે ૧ થી ૩ સોપાનમાં) બહુ શરમાળ હતો. ટાવરનાં બાલમંદિરમાં સરસ રમવાની સગવડ હતી, એ વખતે નાસ્તો પણ ત્યાંથી મળતો. દૂધ અને બિસ્કીટ પણ મળતાં, જેમાં જે દૂધ પીવે તેને જ બિસ્કીટ મળતું કારણકે, બધાં બિસ્કીટ ખાધા પછી દૂધ પીવાની ના પાડતાં! મમ્મીઓ ઘરેથી લેવા આવે તે પહેલાં જે મોટાભાગની વિકેટ પડી ગઇ હોય. પણ, હું ખૂણામાં એકલો રમતો રહેતો…

મને યાદ છે, એક વાત ઉપર બહુ શરતો લાગતી. છોકરીઓને ડૂંટી હોય કે ન હોય? થોડા વખત પછી આ વાતની સાબિતી મળી ગઇ. એક છોકરી જોર-જોરથી ફૂંદરડી ફરતી હતી, એ વખતે તેનું ફ્રોક ઉપર થયું. મેં મારા મિત્રને બતાવ્યું, જો છોકરીઓને પણ ડૂંટી હોય છે! આવાં દિવસો હતાં, જ્યાં નિર્દોષતા સિવાય કોઇ ખ્યાલો નહોતા.

અમુક (ખાસ કરીને કોકિલાબેન) શિક્ષકો જોડે જ મને ફાવતું. એ ન આવ્યાં હોય તો, મને સંભાળવો આકરો પડી જતો! અને તેમનાં માટે મેં એકાદ સોપાનમાં વર્ગ પણ બદલાવેલો. થોડા વર્ષ પહેલાં તેઓ એક લગ્ન-સંભારંભમાં મળ્યાં, ત્યારે મને બધી વાતો ફરી યાદ આવી.. બીજા એક બેન હતાં, જેમની જોડે હું લગ્ન કરવા માંગતો હતો! મને શી ખબર હતી કે લગ્ન શું છે!!

.. અને બાલમંદિરમાં તો, તમારાં ભાઇ-બહેનને લાવવાની છૂટ! મારા મામાની દિકરી બહેન, એક દિવસ મારી જોડે ક્લાસમાં આવી, આખો દિવસ ભણવાની જગ્યાએ અમે મસ્તી કરી, નાસ્તાની કેરી ખાધી. હિંચકા ખાધા! કોઇ કંઇ બોલ્યું નહિ, ઉલ્ટાનું બધાને મજા આવી. અને તમને ખબર છે, અત્યારની કોન્વેન્ટ સ્કૂલમાં છોકરાઓને લેવા તેની મમ્મી જ જઇ શકે, તે પણ આઇ-કાર્ડ લઇને જ! કદાચ અત્યારે એ બરાબર પણ હશે.

કોઇ પ્રવૃતિમાં ભાગ લેવામાં હું મોટો ચોર. જન્માષ્ટમી વખતે મારે કૃષ્ણ બનવાનું આવ્યું. જેવા બેને મારો શર્ટ કાઢીને ડ્રેસ પહેરાવવાની શરુઆત કરીકે, હું ભયંકર રીતે ભેંકડા તાણવા માંડ્યો..! તરત જ બીજા કોઇ છોકરાને પકડીને કૃષ્ણ બનાવવામાં આવ્યો.

૧ લું ધોરણ પણ મેં ત્યાં જ કર્યું. જયેશભાઇ નામનાં શિક્ષક મને હજી પણ સારી રીતે યાદ છે. મારે હવે મારા ક્લાસનાં ફોટા સ્કેન કરીને મૂકવા જોઇએ. કારણકે, મોટાભાગનાં હવે અલગ છે. કોઇ-કોઇ ઘણી સારી જગ્યાએ છે. પણ, એક વાત છે – જરુરી નથી કે તમે ૧ થી ૧૦ માં ટોપ ઉપર હોવ, તો તમે સફળ થશો, જોકે મારી સફળતાની વ્યાખ્યા અલગ છે એ તો તમને ખબર છે.

નવાં પુસ્તકો..

* થોડા દિવસ પહેલાં થોડા બીજા પુસ્તકો લાવવાનું સદ્ભાગ્ય સાંપડ્યું.

– મન્ટોની વાર્તાઓ: અનુ. શરીફા વીજળીવાળા. કંઇ કહેવું પડે? મન્ટોનો હું મોટો આશિક બની ગયો છું. આ પહેલા વિનોદ ભટ્ટજી એ લખેલ એક પુસ્તકથી મને થોડો પરિચય થયેલ..

– મોતીચારો: આઇ.કે.વીજળીવાળા. સરસ પુસ્તક, દરેકે વાંચવું જોઇએ.

– પેડલ પર પૃથ્વી પરક્રમા: મહેન્દ્ર દેસાઇ. સરસ. મારે પણ કંઇક કરવું જોઇએ!

– બ્રધરસ કારામાઝોવ: ફિયોદોર દોસ્તોવસ્કી. અંગ્રેજી ક્લાસિક. માનવ મનને સમજવા માટેનું એક સરસ પુસ્તક.

Brothers Karamazov

– બાળ નામાવલી: નવનીત પ્રકાશન. બકવાસ નામો, તમે ના લાવતા.. કોઇ સારા પુસ્તક નું સૂચન કરશો? આ માટે..?

હેપી બર્થડે કોકી..

* પ્રિય કોકી, હેપી બર્થ ડે!!! પાર્ટી તો બન્ને સાથે જ લેવાની છે? 😉

કવીઝ@ગુજરાતીલેક્સિકોન.કોમ

* ગુજરાતીલેક્સિકોન.કોમ સાઇટ ઉપર હવે તમે ક્વીઝ રૂપે તમારું ગુજરાતી કેવું છે તે ચકાસી શકો છો! મીનાબેન અને પીએચપી ટીમનો ખૂબ-ખૂબ આભાર..

આ લિંક http://gujaratilexicon.com/index.php?action=quiz ઉપરથી તમે ક્વીઝ શરુ કરી શકો છો. તમારા પ્રતિભાવો આવકાર્ય છે. અત્યારે એક જ ટેસ્ટ ક્વીઝ મૂકેલ છે. વધુ તમારા સૂચનો પછી..

quiz2.png

quiz3.png

* મારો સ્કોર જુઓ!

* સુધારો. મેં ભૂલથી સાચો જવાબ અહીં મુકી દીધેલ હતો. 😉

ધ અલ્કેમિસ્ટ અથવા કીમિયાગર..

TheAlchemist

* ગઇકાલે રાત્રે એક સરસ પુસ્તક વાંચ્યું. એમ કહેવાય કે ફરીથી વાંચ્યું. કારણકે, અંગ્રેજીમાં તો મારી પાસે જ છે, પણ આ પુસ્તક “ધ અલ્કેમિસ્ટપાઉલો કોએલો” નો ગુજરાતી અનુવાદ એકદમ સરસ છે. મારી સેલ્ફ-હેલ્પનાં પુસ્તકો ન વાંચવાની પ્રતિજ્ઞા તોડીને છેવટે વાંચવું પડ્યું. તમે પણ મેળવીને જરુરથી વાંચજો (એટલે કે ખરીદજો!). ઇમેજ પબ્લિકેશન્સનું છે. મને તેની પ્રસ્તાવના વાંચવાની બહુ મજા આવી કારણકે અનુવાદકની જેમ મારો પણ પ્રિય અંગ્રેજી શબ્દ “Serendipity” છે. 🙂

ગુજરાતી બ્લોગ જગત – દિવ્ય ભાસ્કર

* ગઇકાલે સવારે ઘરેથી ફોન આવ્યો કે “કાર્તિક, તારો ફોટો છાપામાં આવ્યો છે”. મેં કહ્યું, “મજાકના કરો, આજે ૧ એપ્રિલ છે.” પણ પછી મને યાદ આવ્યું કે હા, દિવ્ય ભાસ્કરમાં ગુજરાતી બ્લોગ જગત વિશે લેખ આવવાનો હતો, અને આ માટે પંકજભાઇ અને તીર્થલભાઇનો આભાર માનવાનો રહે.. આ લેખનો ફોટો મેં પાડીને મૂક્યો છે. કારણકે અત્યારે મારી પાસે સ્કેનર નથી..

ગુજરાતી સાહિત્ય વાયા બ્લોગ્સ..

* એક વાત: ઉત્કર્ષ-ગુજરાતીલેક્સિકોન બ્લોગ પર અમારી ટીમ લખે છે. એટલે કે મીનાબેન અને જાગૃતિ પોતાની રચનાઓ મુકે છે. કોઇએ ગેરસમજ કરવી નહિ કારણકે, મેં હજી સુધી એકપણ કવિતા લખી નથી કે પ્રયત્ન પણ કર્યો નથી!