ઘા

* દસ વર્ષ પહેલાં ગુજરાતની છાતી પર પડેલો ઘા લગભગ રુઝાઈ ગયો છે, પણ કેટલાંક વાંદરાઓ ઈરાદાપૂર્વક તેને ખોતર્યા કરે છે. વાંદરો ગમે તેટલો હોશિંયાર હોય પણ, ગુલાંટ મારવાનું ન ભૂલે એ કહેવત સાચી જ છે.

કવિન અપડેટ્સ

* કવિને આજે આવીને કહ્યું, પપ્પા, મને કાગળનાં બે વિમાન બનાવી આપો. મેં કહ્યું, બે કેમ? જવાબ હતો, પેલો છોકરો મારી કીટ્ટા પાડે છે એટલે તેને આપું તો બુચ્ચા પાડે. કફ.

સો ટકા આ છોકરો રાજકારણી બનશે. 😛

* કવિન હવે બુચ્ચા-કીટ્ટા કરતા શીખીને આવ્યો છે. મને યાદ છે અમે બુચ્ચાને દોસ્તા કહેતા હતા. અમદાવાદમાં બુચ્ચા શબ્દ પ્રચલિત છે.

અપડેટ્સ

* ફરી પાલનપુરની એક ઝડપી મુલાકાત અને સામાજીક પ્રસંગ. પણ, બધાં ભેગા થાય એટલે જલ્સા પડે. કવિન આ વખતે પહેલી વખત અમારાથી બે દિવસ એકલો એના દાદી જોડે રહ્યો. સૌથી મોટી વાત એ કે તેને લોકોને બહુ હેરાન ન કર્યા અને મજા કરી.

* બારકેમ્પ ૪ મિસ થયો. પણ, એના રીપોર્ટ સારા આવ્યા છે. સંચાલકો, વોલિયન્ટર્સને અભિનંદન!

* હજી ફેબ્રુઆરી પત્યો નથી અને ગરમી પડવાની સરસ શરુઆત થઈ છે. ક્યાંક વાંચ્યું છે કે આ વખતે અમદાવાદમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જવાનું છે! તાપમાન વધવાની સૌપ્રથમ  અસર મારા લેપટોપ પર દેખાય છે. કૂલિંગ પેડ લાવવાનું વસૂલ થશે એમ લાગે છે.

* કિન્ડલનો રીવ્યુ કાલે કે પરમ દિવસે પાક્કો. બહુ આશા ન રાખજો કે રીવ્યુ સારો હોય, કારણ કે કિન્ડલ એ ખાસ US માટેનું ઉપકરણ છે. ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે ફ્રી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવા માટે પણ તમારે અમેરિકાનું ક્રેડિટ કાર્ડ જોઈએ. એટલે હવે, તેના પર એન્ડ્રોઈડ નાખ્યા વગર ઉધ્ધાર નથી. અત્યારે અક્ષરનાદના ઈ-પુસ્તકો વંચાઈ રહ્યા છે. તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. ડિઅર, ગુજરાતી પ્રકાશકો, જરા જાગશો?

નવાં ઉપકરણો..

૧. એમેઝોન કિન્ડલ ફાયર.

૨. ટેક્સાસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ EZ430-Chronos

 

કિન્ડલમાં એન્ડ્રોઈડ અને ઘડિયાળમાં લિનક્સ વડે અપડેટ કરવામાં આવશે ત્યારે નવી પોસ્ટ પાક્કી. આ વસ્તુઓ આયાત કરવા માટે ચિંતનનો આભાર 🙂

ભીડ

* આપણો તો એક સોનેરી નિયમ – ભીડથી દૂર રહેવું. ખાસ કરીને, મંદિરોમાં થતી ભીડથી. યાદ નથી કે છેલ્લે હું દર્શન કરવા માટે ખાસ મંદિરમાં ક્યારે ગયો હોઉં. અને, દોડે ગુજરાત, પડે ગુજરાત અને ભાંગે ગુજરાત જેવા ભવનાથના મેળાના સમાચાર પછી તો ના બાબા ના.

વેલ, આ નિયમ તો જૂનો છે. મને યાદ છે કે ૧૯૯૭ની આસપાસ રાજસ્થાન પ્રવાસ દરમિયાન શ્રીનાથજીમાં દર્શન વખતે ભક્તોની ભીડ જોયા (સ્વાભાવિક રીતે દૂરથી જ!) પછી આ જગ્યાને બ્લેકલિસ્ટમાં મૂકી દેવાઈ છે. ભગવાનને તાળાં? સોરી, આ વસ્તુ આપણને જરાય સદતી નથી. તાળાં તો ફાઈન, પણ દર્શન માટેની દોડ – સોરી.

અપડેટ્સ

* આજે એટલે કે ૧૮મીએ અમારી છઠ્ઠી (Iron) મેરેજ એનિવર્સરી છે. બહાર જમવા જવાનો પ્રોગ્રામ બની શકે છે, બાકી આરામનો દિવસ. Ironની તે વળી કોઈ ગિફ્ટ આવે? 😉

* વર્ડપ્રેસમાં હવે Likes અને Comments ઉપર જમણી બાજુ સરસ રીતે માણી શકાય છે. બીજાં બ્લોગ પર કરેલ કોમેન્ટ્સનો જવાબ પણ સરસ રીતે આપી શકાય છે – આ સુવિધા મને અત્યંત ગમી. થેન્ક્સ, વર્ડપ્રેસ.કોમ.

* દોડવાનું સારું ચાલે છે. આ અઠવાડિયાંમાં પહેલી વખત ૪ કિ.મિ. એકસાથે ક્રોસ કર્યું. પણ, હવે હું અંતરની જગ્યાએ સમય પર વધુ ધ્યાન આપી રહ્યો છું. સાંજના સમયે બીજા એક યુવાન દોડવા વાળાંએ સારી એવી ટીપ્સ આપી. બીજાં એકનો પરિચય કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને બહુ રસ હોય એમ લાગ્યું નહી.

* વિકિપીડિઆની મિટિંગ રવિવારે રાખેલ છે. વધુ વિગતો માટે, વિકિ મીટઅપ પાનું જોવું.

* સફારીમાં આ વખતે ડાયમંડ/હીરાના ગ્રહ PSR J1719-1438b વિશે આવ્યું છે, તે અમને ગમ્યું 😉 પણ આ પરથી વિકિપીડિઆમાં ફાંફા કરતાં List of star extremes નામનો એક સરસ લેખ પણ મળી આવ્યો!

શિક્ષણ: ટેકફેસ્ટ્સ

* એડમિશનનો ટોપિક હાલ પૂરતો પડતો મૂકીને આપણે બીજા હોટ વિષયની ચર્ચા આગળ વધારીએ. સજ્જનો અને સન્નારીઓ, આ હોટ વસ્તુ છે – ટેકફેસ્ટ્સ! એકદમ હોટ, ગરમ જલેબી અને જલેબીબાઈ જેવો. બધાંને ભાવે. કોલેજોમાં અત્યંત લોકપ્રિય. વેલ, આ વિષય એડમિશનના વિષયને ઓળંગીને આગળ આવવાનું કારણ તાજેતરમાં બનેલી એક સત્ય ઘટના છે. અર્નવ (એટલે કે રંગીલો ગુજરાતી, વિકિપીડિઆ ફેમ) સાથે બનેલી ઘટનાનું સવિસ્તૃત વર્ણન હાજર છે એના જ શબ્દોમાં એના ઈમેલ વડે, વાંચો આ લખાણ – http://pastebin.com/EMKeiVE3 ઇમેલની વિગત જેમની તેમ છે, કોઈના નામ બદલ્યા નથી, કારણ કે ઘટના ૧૦૦ ટકા સત્ય છે! લાંબો ઈમેલ છે, પણ વાંચવા જેવો છે. તમને ખ્યાલ આવશે કે લોકો કેટલા બેભાન અને બેજવાબદાર હોઈ શકે છે.

ટેકફેસ્ટ્સ મોટાભાગે હવે પૈસા કમાવાનું સાધન બની ગયા છે. પાસની કિંમત પરથી ઘણી કોલેજોની ટેકફેસ્ટ્સની ગુણવત્તા નક્કી થાય છે. નો ડાઉટ, રોક-શો જેવા કાર્યક્રમો મોંઘા પડે પણ, જે મુખ્ય વસ્તુ નથી એના માટે શા માટે ખોટો પ્રચાર કરવો જોઈએ? કોલેજનો ફેસ્ટિવલ તો મુખ્યત્વે સ્ટુડન્ટ્સની ટેલેન્ટ બહાર લાવવા માટે હોય છે, નહિ કે ફટીચર છાપ બેન્ડ્સને બોલાવી રોક-શો કરવા માટે! એકાદ વખત લખેલું તેમ કેટલીક કોલેજો રીમોટ કન્ટ્રોલ્ડ ગાડીઓ ચલાવે તેને રોબોટ ગણાવે છે અને Arduino જેવી ઈલેકટ્રોનિક્સ વર્કશોપનાં ઢગલાબંધ રુપિયા પડાવે છે.

અર્નવનો ઉપરનો ઈમેલ જ કાફી છે. અને, તે વાંચ્યા પછી આવા ટેકફેસ્ટ્સ માટે એક જ લાગણી થાય – પોક મૂકીને રોવાની અને નજીકમાં તળાવ હોય તો જંપલાવવાની. જોકે આ બન્ને લાગણીઓ પર મેં કંટ્રોલ રાખ્યો અને તમે આ પોસ્ટ વાંચી રહ્યા છો. પોસ્ટ લખતી વખતે પણ હું સિવિલ ભાષામાં લખું તે મનમાં રાખ્યું છે. બાકી, પેલા ફૂટપ્રિન્ટ ઓર્ગેનાઈઝર્સને જૂતાં મારી-મારીને તેની પ્રિન્ટ તેમનાં ગાલ પર ઉપજાવવી જોઈએ.. 😉

જય સાયબરરોમ!

* લિનક્સના netfilter નામનાં સરસ ફાયરવોલ પર આધારિત કદાચ most hated સોફ્ટવેર (મોટાભાગે તેને સેટઅપ કરવા વાળાઓની પોલિસીના કારણે!) જો હોય તો એ છે – cyberroam. એક વધુ ઉદાહરણ નીચે આપેલ છે 😉

cyberroam

[ચિત્ર સોર્સ: મિત્ર દ્વારા એની ઓફિસમાંથી લીધેલ સ્ક્રિનશોટ]

જોકે સાઈડ બિઝનેશ તરીકે આ ધંધો અપનાવવા જેવો છે. જો તમને તદ્ન ટેકી, ગીકી કે એવા કોઈ મેચ-મેકિંગમાં (કે ડેટિંગમાં) રસ હોય તો, રસ ધરાવનાર પાર્ટીઓએ ખાનગીમાં સંપર્ક કરવો. વ્યાજબી ફી લઈને સલાહ આપવામાં આવશે 😉

વેલેન્ટાઈન ડે..

* આમ તો મને ગુલાબી કે લાલ પદાર્થો આપવા-લેવાના રિવાજ વાળા તહેવારો ઓછા ગમે છે, પણ  આ વખતની કોકીની ગિફ્ટ ગમી 😉 થેન્ક્સ, કોકી. ગઈ વખતની જેમ આ વખતે ટેબલ પર નહી પણ ડ્રોઅરમાં મુકવામાં આવી હતી એટલે થોડી વાર સુધી તો મને કંઈ ખબર જ પડી. છેવટે, સસપેન્સ એણે જ ખોલ્યું અને મેં ગુલાબની કળી ખોલી ત્યારે..

(ખોટી) કળીમાંથી નીકળી (સાચી) રીંગ..

અને પછી,

ધ લોર્ડ ઓફ ધ (વેલેન્ટાઈન) રીંગ

સંબંધિત પોસ્ટ્સ: ૨૦૧૧, ૨૦૧૦

વાર્ષિક કાર્યક્રમ વત્તા પાલનપુર મુલાકાત

* કવિનને શનિવારે એની શાળાનો વાર્ષિક કાર્યક્રમ હતો. ટાઉન હોલ ખાતે બપોરે ૩.૩૦ થી ૫.૩૦ જેવા બોરિંગ સમયે અને આ દિવસે રાખેલો કાર્યક્રમ હોવાથી અમને બે વાતોનો ડર હતો. ૧. કવિનનો દરરોજનો સૂવાનો સમય ૨.૩૦ થી ૪.૩૦ છે (એટલે કે અમારો સૂવાનો સમય પણ!). ૨. અમારે સાંજે પાલનપુર જવાનું હતું.

કવિનને દેશી બોયસ્ ગીત પર ડાન્સ કરવાનો હતો. ડાન્સ અને મારે જરાય બનતું નથી એમ કવિનને ય ડાન્સમાં કંઈ મેળ પડતો નથી. પણ, કવિને થોડો-થોડો ડાન્સ કર્યો અને અમને સ્ટાન્ડર્ડ પેરન્ટને થાય એવી ખુશી થઈ. કેમેરા વગેરે લઈ જવાની મનાઈ હતી (કારણ કે, સ્કૂલ સીડી-ફોટાના ધરખમ પૈસા પડાવવાની હતી), એટલે કાર્યક્રમ પહેલા તેનો એક સરસ ફોટો લીધો.

અને, ફરી પાછી, પાલનપુરની મુલાકાત.

આ મુલાકાતની હાઈલાઈટ્સ તો મોબાઈલ વડે પાડેલા ક્લિક્સ વડે ફેસબુક, ગુગલ+ પર મૂકી દીધી છે, એટલે વધુમાં કંઈ લખવાનું રહેતું નથી. પણ, લગ્ન પ્રસંગે જમણવાર શિયાળામાં પણ ખતરનાક હોય છે. કવિનની ફેવરિટ મીઠાઈઓ વત્તા પાલનપુરની ઠંડી એટલે તબિયત ખરાબ.

ઘણાં સમયે ભાવેશના ઘરે ગયા અને ટેણિયાંઓએ ભેગા થઈને as usual ધમાલ મચાવી. પાલનપુરની ગલીઓની થોડી મુલાકાત લીધી અને કોકી-કવિનને મારું બાલમંદિર (જે ટાવર તરીકે વધુ ઓળખાય છે) બતાવ્યું.

સંકલ્પ પાલનપુરમાં પણ છે, તો એની મુલાકાત લીધી. આજે સવારે પાછાં અને ઓહ, સોમવાર 🙂