ક્રેક

* ના. અહીં લખનાર ક્રેક માણસ (મોટાભાગના લોકોના મતે)ની ક્રેક વિશેની વાત નથી કે પછી કેક (cake)ની જોડણી પણ ખોટી નથી.

આ વાત છે, સાયકલની ફ્રેમમાં પડેલી ક્રેકની. ગઇકાલે પેલી ૩૦૦ કિલોમીટરની BRM રેસ માટે સાયકલ ચકાચક કરાવવા માટે લઇ ગયો ત્યારે અચાનક અમારી નજર સાયકલની ફ્રેમમાં પડેલી નાનકડી ક્રેક પર પડી. સામાન્ય રીતે મારી સાયકલ જેવી MTB મજબૂત હોય પણ, ગમે ત્યારે ક્રેક પડી શકે છે. કેવી રીતે પડી એ તો રામ જાણે, પણ પડી એટલે અમે પણ ચિંતામાં પડ્યા. બે વિકલ્પો હતા:

. નવી સાયકલ આ સાયકલના બદલામાં લેવી.

. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આ સાયકલ ચલાવવી (અને હાડકાં ભાંગવા).

તો, છેવટે અમે મેડિક્લેઇમ પાસ કરાવવાનું જ નક્કી કર્યું છે અને વિકલ્પ ૨ પસંદ કર્યો છે. એલોય (એલ્યુમિનિયમ)ની ફ્રેમ હોવાથી વેલ્ડિંગનો વિકલ્પ પણ બંધ છે એટલે હવે કોઇ એક્સપર્ટ એન્જિનિયર (જેવાં કે વડોદરા ગામનાં નરેન્દ્રભાઇ મિસ્ત્રી)ની સલાહ બે દિવસ પછી લેવામાં આવશે, સાથે-સાથે સાયકલિંગ ફોરમ્સ વગેરેમાં પણ મગજમારી કરવામાં આવશે. એટલે સાયકલિંગ ૨૦-૩૦ કિમી સુધી મર્યાદિત જ રહેશે, એટલે કે ૩૦૦ કિલોમીટર પર હવે ક્રેક ફરી વળી છે 🙂

ત્યાં સુધી રનિંગની પોસ્ટ જ આવતી રહેશે 😉

પહેલું પંકચર

જંગલી તુફાન, ટાયર પંકચર!

ના એમ નહી. થયું એવું કે ગઇકાલે નક્કી કર્યું કે સાઇકલ લઇને NCPA જવું. સવારે એલાર્મ વાગ્યું પણ, અમને ન સંભળાયું કે પછી મોડું સંભળાયું એટલે કાર્યક્રમ સિદ્ધી વિનાયક સુધી ટૂંકાયો. સવારે ૫.૩૦ જેવો ઘરેથી નીકળ્યો ત્યારે રસ્તો સાફ હતો. પહેલાં એસ.વી. રોડ, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ત્યાંથી માહિમ સુધી પહોંચ્યો. તરત લાગ્યું કે બ્રેકમાં કંઇ ગરબડ છે. બરોબર જોયું તો, ટાયર પંકચર!! ત્યાં ઉભો હતો ત્યારે, એક કાકા આવ્યા અને પૂછ્યું કે “પંકચર? ” “હા”. તેમણે કહ્યું કે “બે મિનિટ રાહ જો, તને પાણીનું ટબ લાવી આપું” (જેથી પંકચર ચકાસી શકાય), એ પહેલાં નવી ટ્યુબ માટે પ્રયત્ન કર્યો પણ પછી ખબર પડી કે ટ્યુબ અને પંપને સારા સંબંધો નથી. એટલે પંકચર રીપેર કર્યા સિવાય કોઇ રસ્તો નથી. પેલા કાકા ઉર્ફે અયુબભાઇ જોડે સાયકલ વિશે સરસ વાતો કરતાં-કરતાં ઘણી ઉપયોગી ટીપ્સ મળી. બીજા એક વ્યક્તિ માઇકલ આવી પહોંચ્યા જેઓ સાઇકલ રીપેર કરવામાં હોશિંયાર હતા (એવું એમણે કહ્યું!) અને અમે મળીને ગીઅર સેટિંગ સરખાં કર્યા અને પંકચર ચકાસીને હું ત્યાંથી જ પાછો (હવે લિંક રોડથી) ફર્યો. રસ્તામાં સરસ વરસાદ અને જુહુ પર પાંચેક મિનિટનું રોકાણ આનંદદાયક નીવડ્યું.

હવે, પંકચર પાક્કું કરાવવાનું અથવા ટ્યુબ બદલવાની છે, કારણ કે મોટ્ટી રાઇડ આવી રહી છે!

(ખોવાયેલ) અપડેટ્સ – ૧૪૬

* છેલ્લી અપડેટ્સ પછી વિવિધ પોસ્ટ્સ આવી અને વિવિધ ઘટનાઓ બની એટલે આ બ્લોગ સદંતર ભૂલી જ જવાયો. તેમ છતાંય, હવે ફરી નક્કી કર્યું છે કે કંઇક તો લખવું જ પડશે. રનિંગ અને રાઇટિંગ વચ્ચે સંબંધ બંધાય તેવું કંઇક કરવું જોઇએ, એટલે એ માટેનું પણ પ્લાનિંગ ચાલી રહ્યું છે.

* વાત થઇ હતી છેલ્લે લંડનમાં વિકિમેનિયાની. છેલ્લાં ત્રણ દિવસો મજાનાં નીકળ્યાં. પેલાં ક્વિન મુવીથી પ્રભાવિત થઇને અમે હોસ્ટેલ પસંદ કરેલી. ત્યાં ગયા પછી ખબર પડી કે રૂમમાં ૮ બેડ હશે. ઓકે, મને થયું. સાંજે વિપુલભાઇ, ધવલભાઇ, નિરજભાઇ, અનિલભાઇ અને પંચમભાઇ જોડે ડિનર કર્યું. એ વિશે ફેસબુકમાં ફોટાઓ મૂકેલા છે – એટલે અહીં મૂકતો નથી. આ ત્રણ દિવસ દરમિયાન લેપટોપ જરા પણ ન વાપર્યું એનું પરિણામ આ ખોવાયેલી અપડેટ્સમાં આવ્યું. રાત્રે હોસ્ટેલ પર આવ્યો ત્યારે બાકીના ૭માંથી એક જણ સરસ નસકોરાં બોલાવતો હતો. સરસ એટલે અત્યાર સુધી મેં સાંભળેલા મહત્તમ અવાજ વાળા. રાત્રે ત્રણ વાગે ઊંઘ આવી અને સવારે એ સાઉથ આફિક્રન ગ્રીકે બધાંની પાસે આવીને માફી માંગી. બધાંને કહ્યું કે હવે જો આવું કરું તો, મને ફટકારજો 😉 બીજો અને ત્રીજો દિવસ જબર જસ્ત રખડવામાં આવ્યું. ફોટાઓ પરથી તમને ખ્યાલ આવશે કે કેટલું હું રખડ્યો હશું. (પબ્લિક છે, તેમ છતાંય, ફેસબુકમાં લોગીન થયા પછી જ કદાચ દેખાશે)

* હા, હાઇડ પાર્કમાં દોડવાનો કાર્યક્રમ પણ છેલ્લાં દિવસે જ બન્યો અને મજા આવી ગઇ.

* રીટર્ન મુસાફરી ઓકે-ઓકે રહી. ઘરે આવીને તો તરત જ બીજા દિવસે પેલી ૧૨ કલાકની દોડ હતી 🙂

* અને પાછો, શનિ-રવિ હૈદરાબાદ મેરેથોન દોડીને આવ્યો. હવે હાથ જોડ્યાં. બહુ થયું એટલે સતારા (હાફ) મેરેથોનનો કાર્યક્રમ કેન્સલ કર્યો છે પણ તેની જગ્યાએ કદાચ ૩૦૦ કિલોમીટરનું સાયકલિંગનું પ્લાનિંગ થઇ રહ્યું છે. ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ આરામ જેવું જ છે. કદાચ એકાદ હાફ મેરેથોન દોડી લઇશું, ત્યારબાદ ડિસેમ્બરમાં ફરી રનિંગ સીઝન ચાલુ થશે.

* મોબાઇલ રીપેરિંગ માટે આપવાનો છે. ગરરરર…

* નવી અપડેટ આવે ત્યાં સુધી, આવજો. છેલ્લાં કેટલાય દિવસથી કોઇ પણ ગુજરાતી બ્લોગ્સ વાંચ્યા નથી, એટલે એકદમ અલગ-અલગ લાગી રહ્યું છે. શનિ-રવિએ પાક્કું.

રેસ રીપોર્ટ: ૧૨ કલાક

* આ વળી શું? જોકે ફેસબુક વગેરે પરથી ખ્યાલ આવી જ ગયો હશે કે આ માણસે ૧૨ કલાકની દોડ પૂરી કરેલ છે 🙂

રીપોર્ટ/અહેવાલ

૧૪ તારીખે બપોરે ઘરે આવ્યો ત્યારે લેગ જેટ થઇ ગયા હતા અને જેટ લેગ થઇ ગયું હતું. થોડો આરામ કર્યો અને પછી ૧૨ કલાક દોડની તૈયારીઓ. જોકે કપડાંની એક બેગ, શૂઝ સિવાય કંઇ ખાસ લેવાનું હતું નહી કારણ કે દોડવાનું લૂપમાં જ હતું. સવારે રીક્ષા+ટેક્સી દ્વારા દાદર પહોંચ્યા ત્યારે, ત્યાં પહોંચવા વાળા હું અને બાંસુરી સૌથી પહેલાં હતા. બેગ વગેરે જમા કરાવીને, બીબ નંબર લીધો ત્યાં સુધીમાં વીર સાવરકર સ્વિમિંગ પૂલનો બહારનો ભાગ ભરાઇ ગયો હતો. અમદાવાદથી આવેલા સોહમભાઇ, લિહાસભાઇ, રણધીર અંકલ (ઉ.વ. ૭૧!) અને બીજા અનેક લોકો મળ્યાં. અમારા જાણીતાં-ઓળખીતા રનિંગ ચહેરાઓ તો ખરા જ. જેવી દોડ ચાલુ થઇ ત્યાં વરસાદ પડ્યો. અમારે વરલી સી-ફેસના અંત સુધી દોડવાનું હતું અને ત્યાંથી પાછા આવવાનું હતું. લગભગ ૧૨ કિલોમીટરનો એક ચકરાવો. રસ્તામાં ત્રણ જગ્યાએ એનર્જી સપ્લાય એકદમ સરસ. વોલિયન્ટર્સે સરસ રીતે રસ્તામાં ધ્યાન રાખ્યું કે અમને વાહન અડી ન જાય. ખાલી સી-લિંક આગળ લોકોને લાગતું હતું કે તેઓ ફોર્મ્યુલા વનમાં વાહન ચલાવી રહ્યા છે 🙂

પહેલો ચકરાવો સરસ ગયો. બીજો થયો ત્યારે મારા હાર્ટ રેટ થોડા વધુ આવ્યા (કારણ? છેલ્લે થોડું ફાસ્ટ દોડ્યો!), બે મિનિટ આરામ કર્યો અને પછી ત્રીજો, ચોથો ચકરાવો સરસ ગયો. રસ્તામાં ફોટો પડાવતા, વાતો કરતાં-કરતાં, ધીમે-ધીમે દોડવાની મજા આવી. પાંચમો રાઉન્ડ પૂરો થયો ત્યારે મને વધુ એનર્જી મળી હોય તેમ લાગ્યું પણ પછી ચકરાવો ટૂંકો કરવામાં આવ્યો કારણ કે દોઢ કલાક જ બાકી હતાં. એટલાં બાકીના તે સમયમાં લિહાસભાઇ જોડે ૯-૧૦ કિલોમીટર ચાલવા-દોડવામાં આવ્યું. રસ્તામાં લોકોના ચીઅર્સ, રનર્સ જોડે હાઇ-ફાઇવ – મજા પડી જાય.

અને, મારી નવી આદત મુજબ – સેલ્ફિ તો લેવો જ પડે ને 😉

૩ "અલ્ટ્રા" મિત્રો - બાંસુરી, સુશીલ અને કાર્તિક!
૩ “અલ્ટ્રા” મિત્રો – બાંસુરી, સુશીલ અને કાર્તિક!

દોડ પૂરી થયા પછી, મારો (વ્હાલો) મોબાઇલ ખોવાયો, તરત જ પાછો મળ્યો (તૂટેલી સ્ક્રિન સાથે, પણ મારી જેમ જીવતો-જાગતો ;)). કોકી અને કવિન પણ ત્યાં આવ્યા. નાસ્તા પછી સરસ પાસ્તા પણ ખાધા. બધાંને મળ્યાં, વાતો કરી અને હા, મેડલ-સર્ટિફિકેટ પણ મળ્યા. જેનો સંબંધિત ફોટો નીચે પ્રમાણે છે 😉

મેડલ અને પ્રમાણપત્ર
મેડલ અને પ્રમાણપત્ર

શિવાજી પાર્ક મેરેથોન ક્લબનું આયોજન સુપર હતું. એ માટે પ્રણવ મહેતા (જેમની જોડે અમે એક વખત રાત્રે શિવાજી પાર્ક દોડેલા – પોસ્ટ) અને તેમની સમગ્ર ટીમનો આભાર. અલ્ટ્રાનું આયોજન મુંબઇમાં કરવું એ અત્યંત અઘરી વાત છે, એ માત્ર એક રનર જ સમજી શકે છે 🙂

PS: ૧૨ કલાક પછી હવેનું લક્ષ્ય – ૧૦૦ કિલોમીટર.

PS ૨: ફુલ મેરેથોનથી વધુ અંતર દોડે તેને અલ્ટ્રા રનર કહેવાય છે. જોકે આ દિશામાં ઘણી-ઘણી મુસાફરી કરવાની બાકી છે.

PS ૩: જો તમે વડોદરા-અમદાવાદમાં હોવ તો મારા કોચ રાજ વડગામા અત્યારે સુરતથી વડોદરા-અમદાવાદ (૧૦,૦૦૦ કિલોમીટરની દોડના ભાગરૂપે) આવી રહ્યા છે. તેમની સાથે થોડુંક દોડવાનો મોકો ઝડપી લેવા જેવો છે.

વિકિમેનિયા ૨૦૧૪

* પછી થયું એવું કે વિકિમેનિયાના હેકેથોન અને ત્યારબાદ વિકિમેનિયામાં અમે એટલા બધાં વ્યસ્ત થઇ ગયા કે જરાય સમય જ ન મળ્યો.

મુખ્ય ઘટનાઓમાં જોઇએ તો,

૧. લંડનનું હવામાન સારું છે પણ, એટલું જ અચોક્કસ છે. વરસાદ, તડકો, ગરમી, ઠંડી – આ બધું જ જોઇ લીધું. પાંચેક વખત થોડું-થોડું દોડ્યા પછી હવે સમય મળતો નથી. કાલથી હોટેલ બદલીને યુથ હોસ્ટેલનો ટેસ્ટ ત્રણ દિવસ માટે કરવાનો છે – એટલે મજા આવશે. ત્રણેય દિવસ ફરવા, ખાવા-પીવા અને થોડીક શોપિંગ કરવાની છે.

૨. અમારી ‘ટોક’ સારી રહી. એટલે કે, ખરાબ ના રહી. એનો અર્થ એવો નહી કે બહુ સારી રહી 😉

૩. ગઇકાલે ધવલભાઇ, હર્ષ, કોનારક અને પ્રણવ જોડે ઢીસૂમ નામની બોમ્બે સ્ટાઇલની રેસ્ટોરાંમાં ગયા. ત્યાં વડાપાઉં ખાધા પછી થોડુંક સારું લાગ્યું. હવે વડાપાઉં કેટલા પાઉન્ડનું હતું એ જોવાનું રહી ગયું. બિલ ધવલભાઇ પાસે છે, એટલે એમને ખબર હશે. કોવેન્ટ ગાર્ડન સરસ જગ્યા છે. ફરીથી એકાદ મુલાકાત પાક્કી.

૪. ઓવરઓલ, વિકિમેનિયાનું આયોજન સરસ છે. ડિનરમાં થોડાક લોચા વેજ-નોનવેજ વચ્ચે થાય છે. હર્ષ જેવાં પ્યોર વેજ વ્યક્તિઓને તકલીફ થાય એ સ્વાભાવિક છે. બ્રેકફાસ્ટ રોક્સ – એટલે ધ્યાન એના પર જ કેન્દ્રિત કરવામાં આવે છે.

૫. સૌથી સરસ વસ્તુ મને ગમી હોય તો – લોકો તમને તરત સ્માઇલ આપે – દોડતો હોઉં, કોફી ઓર્ડર કરતો હોઉં, ટ્રેનમાં હોઉં – કદાચ મને દેખીને હસતા હશે કે આ કોણ એલિયન આવ્યો? કે પછી સંસ્કૃતિનો તફાવત. કદાચ આ કારણથી લંડનને વસવાટ માટેનું શહેર બનાવવાનું હું પસંદ કરીશ (જોકે એવો કોઇ પ્લાન નથી ;)).

૬. આજે કોન્ફરન્સનો છેલ્લો દિવસ છે. સવારે ભાષાંતર દોડ (ટ્રાન્સલેશન સ્પ્રિન્ટ – સરળ ભાષામાં) વખતે એક અરેબિક વિકિપીડિયન જોડે સરસ વાતો થઇ. વાતો છેવટે દુબઇ, મુંબઇ, અમદાવાદ, પાયથોન અને C++ સુધી પહોંચી. મજાની વાતો અને સરસ ભાષાંતર. આ વખતે બે અરેબિક વિકિપીડિયન્સ અને એક કઝાખ સ્ટુડન્ટને તેમની ભાષામાં ભાષાંતર કરતા શીખવાડ્યું એ મારા માટે કોન્ફરન્સની સૌથી મજાની વસ્તુ બની રહી. બીજા ફોટાઓ આવે ત્યાં સુધી,

કઝાખ વિદ્યાર્થીઓ સાથે...

૭. અહીં મજા આવે છે, છતાંય હવે ઘરની યાદ આવે છે… 🙂

બેસ્ટ ભીંતચિત્ર

* લંડન આઇ જતી વખતે જોવા મળેલું બેસ્ટ ભીંત ચિત્ર..

તું કોઇ પણ છે, મારો પ્રેમ સરખો..

ફેસબુક વગેરેમાં પહેલેથી મૂકેલું જ છે એટલે ડુપ્લીબિલાડી 🙂

લંડન: દિવસ ૨-૩

* જે કોઇને ચિત્રો જોવા હોય તે, અહીં જોઇ શકે છે. વધુ ચિત્રો આજ-કાલમાં અપલોડ કરવામાં આવશે.

* સૌથી પહેલા ટેટ મોર્ડન આર્ટ મ્યુઝિયમ વત્તા થેમ્સના કાંઠાની મુલાકાત લેવામાં આવી. ટેટ મોર્ડન આર્ટમાં મારા જેવા એન્ટિઆર્ટ વ્યક્તિઓનું બહુ કામ નથી, પણ છતાંય સરસ જગ્યા.

* ગઇકાલે બ્રિટિશ મ્યુઝિયમ અને લંડન આઇની મુલાકાત લેવામાં આવી. મને લાગે છે કે બ્રિટિશ મ્યુઝિયમ માટે મારે ફરી જવું પડશે, કારણ કે પાંચ-છ કલાકમાં માત્ર ઇજિપ્ત, ગ્રીક અને યુરોપના વિભાગો જ જોવાયા. ત્યાંથી થોડી વસ્તુઓ યાદગીરી માટે લીધી. લંડન આઇ માટે ૧૮ પાઉન્ટ ખર્ચ્યા પછી લાગ્યું કે આ તો થોડું વધારે પડતું થઇ ગયું, આના કરતાં મ્યુઝિયમમાંથી પેલી મમીનાં રમરડાં લીધાં હોત તો સારું હતું. પણ પછી થયું કે અહીં વળી ફરી કોણ આવવાનું છે 😉

* શનિવારે બાંગ્લાદેશી ડિનરનો ‍‍(બ્રિક લેન) ટેસ્ટ કર્યા પછી ગઇકાલે રાત્રે થાઇ ડિનરનો ટેસ્ટ કર્યો.

* બે દિવસ દોડ્યા પછી, બે દિવસથી બંધ છે.

* બાકી, ટીમ મિટિંગો ચાલુ છે, ત્યાં સુધી, “જય જય ગરવી ગુજરાત”

PS: બ્રિટિશ મ્યુઝિયમ જોઇને અતીતવન/અયનવૃત્તની યાદ આવી ગઇ.

લંડન: દિવસ ૧

* ગઇકાલે રાત્રે અહીં આવ્યો ત્યારે દિવસ હતો. એટલે કે રાત્રે ૮ વાગ્યે પણ દિવસ હતો. આપણને તો મજા પડે. રાત્રે પણ દોડી શકાય 😉

* એરપોર્ટથી હોટેલ આવતાં-આવતાં ત્રણ ટ્રેન બદલી અને ૧૫ મિનિટની વોકિંગ એક્સરસાઇઝ મજાની રહી.

* સવારે નાનકડું રન (૫.૯ કિમી). ગલીઓમાં ખોવાઇ ગયો અને જીપીએસની મદદથી હોટેલ ફરી શોધવામાં આવી. સરસ વાતાવરણ. મજા આવી. હવે, કાલે લોંગ રન કરવામાં આવશે. લંડન દોડવા માટે સારું લાગે છે. હાઇડ પાર્ક થોડો દૂર છે, એટલે ત્યાં શનિ-રવિ સિવાય જવાનો પ્લાન બની શકે તેમ નથી.

* વિકિમેનિઆની હજી વાર છે, એ પહેલાં ટીમ જોડે મુલાકાતો અને હેકેથોન છે.

* હવે રાત્રે ક્યાંક ફરવા જવાનો પ્લાન હશે. એ વિશે કાલે પોસ્ટ લંચ સમયમાં લખવામાં આવશે. ત્યાં સુધી, ગોડ સેવ ધ ક્વિન.