બે દિવસ

* આ બે દિવસ – એટલે કે – ૩૦ અને ૩૧મી.

૩૦મીએ નો હોર્ન ડે હતો. જોકે મારી પાસે કોઈ જ પ્રકારનું વાહન ન હોવાથી એવો કોઈ જ સવાલ નથી કે હું પીપોડું વગાડું. એક દિવસ પૂરતું આઈ-પોડ બંધ રાખ્યું. બપોરે નક્કી કર્યું કે આજે સૂઈ જવું નથી પણ કંઈક ડેબિયનનાં બગ સોલ્વ કરવા છે. છતાં ૩.૩૦ જેટલા વાગે આંખ બંધ થઈ ગઈ અને ઉઠ્યો ત્યારે પાંચ વાગી ગયા હતા. શનિ-રવિ મને બે પ્રકારનાં શોખ ઉપડે છે – ૧. સાંજે ઘરમાં ન રહેવાનો અને ૨. જરુર વગરની ખરીદી કરવાની. કેમેરા રીપેર કરવા આપ્યો હતો, તે લેવા ગયો તો રીપેર કરવા વાળાએ એક નવો પ્રોબ્લેમ ઉભો કર્યો, કોમન સેન્સ ખરેખર અનકોમન હોય છે. કોકીએ થોડી ખરીદી કરી, ખાખરા લીધા. કવિને પ્લાસ્ટિકની હોકી-સ્ટિક લેવડાવી જે ઘરે આવ્યા પછી ૩૦ મિનિટમાં તોડી નાખી.

આજે એકદમ આળસુ દિવસ જાય તેમ લાગે છે. ચોપડીઓ ગોઠવી. કવિન જોડે ક્રિકેટ રમ્યો. બપોરે ઉપરનાં માળે કંઈક કામ ચાલતું હતું એટલે ઊંઘ ન આવી. સાંજે એસ.જી.રોડ પર આવેલ ગેલોપ્સ મોલમાં ગયા, કંઈ ન લીધું અને ચોઈસનાં થીન ક્રસ્ટ પીઝા વગેરે ઝાપટીને પાછા આવ્યા.

હવે, રાત્રે એલિસ ઈન વન્ડરલેન્ડ નોવેલ બાકી પડી છે તે પૂરી કરવાનો પ્લાન છે..

પોલની પૉલ…

* પોલ-સર્વેક્ષણ-જનતાનાં મત વગેરે વગેરે કેવું હોય છે, તે તો બધા જાણે જ છે. ખાસ કરીને આપણી માનીતી ન્યૂઝ ચેનલ્સ. આ વિષય પર જ્યારે ઓનકારે બ્લોગ પોસ્ટ લખી ત્યારે વેબ કોમિક્સ PHP Comics નું આ પાનું મારાથી મૂક્યા વગર રહેવાયું નહી.

જાતે જ વાંચી લો 😛

અને વધુમાં, વેબદુનિયા ગુજરાતીનો આ તમારી સલાહ (WTF?)–>તમારો અભિપ્રાય વિભાગ જોવા જેવો છે.

આઈપેડ

* iPad – આ વિચિત્ર નામ છે, એપલનાં બહુ રાહ જોવડાવનાર ટેબ્લેટનું. વિચિત્ર છે. સ્ટિવ જોબ્સ કંઈ નામ બદલવાની વાત કરી રહ્યો હતો, જો એવું થાય તો સારું છે – નહિતર લોકો iPill ને પણ એપલની પ્રોડક્ટ ગણવા માંડશે!

[અહીં આઇપેડનું ચિત્ર ધારી લેવું!]

ગઈકાલે રાત્રે મોડા સુધી જાગી લાઈવ અપડેટ જોતો હતો. મજાની વાત છે કે એપલ હવે એમ કહે છે કે તે સૌથી મોટી મોબાઈલ કંપની છે. જમાનો બદલાય તેમ એપલ પણ બદલાય છે – સફળ કંપનીનું રહસ્ય આ જ હોય છે.

આ iPadનું બિઝનેશ મોડેલ iBooks નામનાં ઓનલાઈન બુક-સ્ટોર પર વધુ આધારિત છે. તમે તેમાં પીડીએફ ફાઈલો વાંચી શકશો કે નહી તે ખ્યાલ નથી, પણ કોઈક રસ્તો તો નીકળી આવશે. મને લાગે છે કે કોઈ વ્યક્તિ હવે એકલું ઈ-રીડર લેવા કરતાં આને વધુ પસંદગી આપશે, કારણકે અહીં iPod/iPhoneનાં કાર્યક્રમો પણ ચલાવી શકાશે. આખા કદ ઓનસ્ક્રિન કી-બોર્ડની સુવિધા મને ગમી. ડિઝાઈન સરસ પણ છે. નેટબુક જેવું કોમ્પયુટર લેવા કરતાં આ વધુ સારું પડશે. કિંમત પણ લગભગ પોસાય તેવી રાખવામાં આવી છે – જે નવાઈની વાત લાગે છે. જોઈશું હવે તે ક્યારે માર્કેટમાં આવે છે..

સમય

* નોંધ: આ પોસ્ટ સમય બધા માટે સરખો છે, સમય સામ્યવાદી છે, ટાઈમ મેનેજમેન્ટ વગેરે વગેરે જેવા બોરિંગ, ફાલતુ અને બિનઉપયોગી વિષયો પર નથી.

પ્રેક્ટિકલી જોઈએ તો આજ-કાલ સમય દેખવા માટે બહુ મહેનત કરવી પડતી નથી. કાંડા-ઘડિયાળ, દિવાલ-ઘડિયાળ, મોબાઈલ, આઈપોડ કે મ્યુઝિક પ્લેયર અને છેલ્લે તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઘડિયાળ હાજર જ હોય છે.

કોમ્પ્યુટર જોડે નાતો બહુ ગાઢ હોવાથી હું તેના પર જ સમય દેખતો હોઉં છું. હવે, ઓફિસ જવા માટે નીકળું ત્યારે હું અમારા ઘરની બધી ઘડિયાળો જે હંમેશા પાંચ મિનિટ આગળ મૂકેલી હોય છે અને મારી ઘડિયાળો (મોબાઈલ, કાંડા ઘડિયાળ) જે ૬ કે ૭ મિનિટ આગળ હોય છે – એ જોઈને નીકળું છું. કોઈક વખત મોડું થાય કે ઓફિસ જવાની આળસ આવતી હોય ત્યારે મને ખબર છે કે કઈ ઘડિયાળ કેટલા મિનિટ આગળ છે – અને આ આપણને ખબર હોય તે નડી જાય છે. હું વધુ પાંચ મિનિટ મોડો નીકળું છું અને સરવાળે એ જ મોડું થઈ જાય છે.

એટલે, છેવટે કોમ્પ્યુટર માટે તો એક સોફ્ટવેર છે – Alltock. જે તમારા કોમ્પ્યુટરની ઘડિયાળ ૧ થી ૧૫ મિનિટ આગળ કરી દે છે. અહીં તમને ખબર નથી કે ઘડિયાળ કેટલા મિનિટ આગળ થઈ છે, એટલે તમે – હજી પાંચ મિનિટ આગળ છે, થોડી વાર પછી જોઈશું – જેવી (કુ)ચેષ્ટાઓ કરી શકતા નથી.

દુર્ભાગ્યે આ સોફ્ટવેર ખાલી મેક માટે છે, વિન્ડોઝ વર્ઝન આવવાનું છે, લિનક્સ માટે આવું કંઈક શોધવું પડશે અથવા બનાવવું પડશે 🙂

૨૬મી જાન્યુઆરી..

* મને ખબર છે કે આજે ૨૬મી જાન્યુઆરી નથી, પણ હું આ દિવસ વિશે ન લખતા તેની આડ-અસરો વિશે લખી રહ્યો છું. તો આપણે શું કર્યું આ દિવસે?

૧. પહેલાં તો મારે અને કવિનને રજાનો દિવસ એટલે બન્ને જણાંને મોડાં ઉઠાડવામાં આવ્યા અને કોઈ જ બૂમો ન પડી.

૨. એકદમ શાંતિથી પ્રાત:ક્રિયાઓ પતાવવામાં આવી.

૩. કવિન જોડે થોડીવાર ક્રિકેટ રમ્યો. એવું લાગ્યું કે હવે તેનું ધ્યાન દૂર રમતાં છોકરાઓની સાયકલ પડાવવા ઉપર છે તો તેને ખેંચીને ઉપર ઘરે પાછો લાવ્યો.

૪. ઘણાં વર્ષો પછી થોડીવાર દિલ્હીની પરેડ દેખી. મજા આવી ગઈ.

૫. બપોરે ભરપૂર જમ્યા પછી લાંબી ઊંઘ.

૬. સાંજે એકવર્ષમાં ૫ વખત લાગેલા એક્સક્લુઝિવ નેશનલ આર્ટ્સ અને ક્રાફ્ટ એક્ઝિબિશનમાં ગયા. એ જ માણસો, એ જ વસ્તુઓ – પણ આ વખતે જરા સારી વસ્તુઓ મળી ગઈ. પડદા, કવિન માટે ય ફોર યો-યો વગેરે.. ઢોકળાં ખાધા 😛

૭. ફરી મોટી ખરીદી. લાગે છે કે કન્ફેશન ઓફ અ શોપહોલિક મુવી જોવું પડશે 🙂

3 Idiots

* છેવટે, ગઈકાલે અમે ત્રણે જણાં 3 Idiots જોવા ગયા. અમને એમ કે બપોરે ૧.૩૦નો શૉ છે એટલે કવિન તરત જ સૂઈ જશે એની જગ્યાએ એ આખા મુવી દરમિયાન જાગતો રહ્યો અને દોડમદોડી કરી. સદ્ભાગ્યે થિએટર ખાલી જેવું જ હતું.

મજા આવી ગઈ. ઘરે પાયરેટેડ સીડી પડી હોવા છતાં જોવાનું ટાળ્યું અને થિએટરમાં ગયા. જે કંઈ ૫૦૦ રુપિયાનો ધુમાડો થયો તે વ્યર્થ ના ગયો. એક વાત હજી મગજમાં છે. જો તમે એજ્યુકેશન સિસ્ટમ (કે કોઈપણ) સિસ્ટમ બદલવા માંગો તો તે શક્ય નથી. તમારે તમારી પોતાની નવી અને સારી સિસ્ટમ ઉભી કરવી પડશે. અને, જો આવી અનેક સમાંતર સિસ્ટમ ચાલે તો જ સાબિત થાય કે તે સમાજ કે દેશ સ્વસ્થ છે. વિશ્વાસ ન હોય તો અત્યારની સ્થિતિ જોઈ લો. દા.ત. ચીન કે પાકિસ્તાન જેવાં દેશો. તેવા દેશોમાં એન.જી.ઓ. કે સામાજીક સંસ્થાઓનું કોઈ સ્થાન જ નથી. સરકાર કહે તે જ કરવું પડે. સિસ્ટમ કહે તેમ જ ચાલવું પડે. હા, પેરેલલ સિસ્ટમનો ગેરલાભ છે – પણ લાભ સામે તે નગણ્ય છે.

અને ક્યાંક સાંભળ્યું છે કે પેરેલલ યુનિવર્સ પણ હોય છે 🙂

જ્યારે અમે નાનાં હતા – ૭

* અત્યાર પૂરતા કેટલાક કડવા પ્રસંગોને પડતાં મુકીને આગળ વધીએ? તેની વાત પછી ક્યારેક બહુ મોટા પોસ્ટમાં…

તો, ધોરણ ૯ એટલે મારા સ્કૂલકાળનો ગોલ્ડન ઉર્ફે સુવર્ણ સમય. ગુજરાતી પ્રત્યે લાગણી થવાની શરુઆત આ સમયગાળામાં થઈ. તેનું કારણ, અમારા ગુજરાતીનાં શિક્ષક – અરુણભાઈ ભાવસાર. તેમણે મારી મમ્મીને પણ ભણાવેલાં, એટલે મને તેમની ખાસ આદતો અને ખાસિયતો વિશે પહેલેથી ખબર હતી (દા.ત. તેઓ ભણાવવામાં બહુ સરસ હતા, મસ્ત વાર્તાઓ કહેતા અને બીડી બહુ પીતા!) અને વર્ગમાં મેં તે ફેલાવી દીધી હતી. વર્ગશિક્ષક હતા, હિન્દીના જ.પો.મોદી. એકદમ સરસ. તેમનું એક વાક્ય મને હજી યાદ છે. તમારું જીવન એક સફેદ કુર્તા જેવું છે, જ્યાં સુધી તેને ડાઘો નહીં લાગતા દો, તે સાફ રહેશે. એક વખત મેલો થશે, તો તમે તે મેલો જ છે એમ કહી દરકાર નહી કરો. અને આ સાચું જ છે એવું કોલેજ સમય દરમિયાન સમજાયું ત્યારે કદાચ મોડું થઈ ગયું હતું (ઓકે ઓકે, આ વાત પણ બહુ મો…ટો.. પોસ્ટ માંગી લે છે).

આ સમયગાળા દરમિયાન – નિરવ, વિનય, પૃથ્વી (પિયુષ), દિપક, પરેશ, અનિલ, મનિષ, કેયુર, નિશિત અને જીજ્ઞેશ જોડે ગાઢ મૈત્રી બંધાઈ, જે હજી સુધી ચાલુ છે. કંઈક અંશે થોડું બોલવા-ચાલવાનું ઓછું થાય છે, કારણ કે બધાં અલગ-અલગ થઈ ગયા છે અને પોત-પોતાનાં જીવન ચક્કરમાં વ્યસ્ત છે, તેમ છતાં જ્યારે મળીએ છીએ ત્યારે લાગે છે કે હજી અમે સ્કૂલમાં જ બેઠાં છીએ અને મસ્તી કરીએ છીએ.

વિજ્ઞાન અંગેનો મારો લગાવ ફરી ગાઢ થવા લાગ્યો અને ઈડર ખાતે રાજ્યનાં વિજ્ઞાનમેળામાં હાજરી આપી. એઈડ્સ અંગેનો અમારો પ્રોજેક્ટ કંઈ જીતી ન શક્યો, પરંતુ લોકો પર મોટો પ્રભાવ પાડી ગયો. અને, આ વિજ્ઞાનમેળામાં કંઈક થયું – એમ લાગ્યું કે હવે મને પ્રેમ જેવી વસ્તુ દેખાય છે. ખાસ કંઈ નહોતું. એક છોકરી મને ગમી ગયેલી. જેમ પહેલીવાર કોઈ શરમાળ છોકરો એકલો-એકલો એમ માને કે મને પ્રેમ થયો છે, એવું જ કંઈક. પાછા, પાલનપુર આવીને વળી કોઈક બીજી છોકરી ગમવા માંડી અને થોડા મહિના પછી એક ત્રીજી પણ – પરંતુ, આ પ્રેમ કહેવાય? ખબર નહોતી. ૯માં ધોરણમાં ભણતો છોકરો હોય એટલે વિજાતીય લાગણી જેવું જ હોય. હજી ખબર નથી પડતી, તો ત્યારે કેવી રીતે ખબર પડે?

એની વે, ૯માં ધોરણમાં મને મારો પોતાનો રુમ ત્રીજા માળે મળ્યો. બહુ મસ્તી કરી અને સંગીત ઉર્ફે મ્યુઝિક સાંભળવાની પણ શરુઆત થઈ. માઈકલ જેક્શન અમારા માટે ભગવાન હતો. મેડોના અમારા માટે માતાજી. ક્યાંકથી ડબલ-કેસેટ રેકોર્ડરમાં કોપી કરેલ c-60 કેસેટ્સ પર મ્યુઝિક સાંભળ્યા કરતા. આ મ્યુઝિક ડેક મારા મામાએ તેમના ઈલેક્ટ્રોનિક્સનાં પ્રયોગો કરતાં-કરતાં જાતે બનાવેલું (હજી પડેલું છે, ક્યાંક..) અને મોટાભાગે સારું કામ આપતું. લાકડાનાં બોક્સમાં સ્પીકર હતાં એટલે બોસનાં સ્પીકર જેવી ઈફેક્ટ આપતા.

દસમું ધોરણ ઉર્ફે એસ.એસ.સી. જેવી વસ્તુ નજીક આવતી હતી અને મને કોઈ હોરર સપનાં આવતા નહોતા કે એવા કોઈ ઉપદેશો મળતા નહોતાં, તે સારી વાત હતી. અમને નક્કી જ હતું કે અમારો મિત્ર નિરવ દસમાં ધોરણમાં બોર્ડમાં નંબર લાવશે. અમે તેનાં ઘરે (પથ્થર સડક) વાંચવા જવાનું શરુ કર્યું, જ્યાં અમે વાંચવા કરતાં ગેલેરીમાં ઉભા રહીને છોકરીઓની વાતો વધુ કરી. વાહ, કેવા દિવસો. ક્યાં છે એવી ગેલેરીઓ અને એવી છોકરીઓ 😛

જ્યારે અમે નાનાં હતા – ૬

* ધોરણ ૮. બીજું પરિવર્તન. હવે અમે માધ્યમિકમાં આવ્યા હતા. સ્કૂલ બસ બંધ થઈ ગઈ હતી અને સાયકલ પર સ્કૂલ આવવાનું શરુ કર્યું. છેક આનંદનગરથી વિદ્યામંદિર આવવું એટલે મોટી વાત હતી. સ્કૂલ બદલાઈ હતી. ઓફિશિઅલી પેન્ટ પહેરવા મળ્યું હતું. (૧ થી ૭ સુધી છોકરાઓને ચડ્ડી પહેરવાની હતી, ચડ્ડી એટલે હાફ-પેન્ટ, પેલી યે અંદર કી બાત હૈ વાળી ચડ્ડીની વાત નથી.) શિક્ષકો બદલાયા હતા. વિષયો બદલાયા હતા. નવો ક્લાસ બનાવવામાં આવ્યો હતો, પણ થયું એવું કે કોમ્પ્યુટરનો ક્લાસ હતો એટલે ફરી પાછાં એ જ મિત્રો ફરી મળી ગયા. મોટાભાગે અમુક ચોક્કસ છોકરીઓ જે ક્લાસમાં હોય એ ક્લાસમાં જવા માટે સૌ-કોઈને મન થાય તે સ્વાભાવિક છે, જો કે ધોરણ ૮ સુધી મને આવો કોઈ વિચાર આવ્યો નહોતો. આવ્યો હોય તો તે કદાચ ક્ષણિક હતો એવું મારું દ્રઢ પણે માનવું છે. આવા વિચારો વિશેની વધુ વાતો ધોરણ ૯નાં પ્રકરણમાં થશે 😉

તો ધોરણ ૮ એટલે સંસ્કૃત નવો વિષય, પરંતુ અમારા સંસ્કૃતનાં શિક્ષક કે.કે.શાસ્ત્રી સરસ, એટલા સરસ કે વ્યાકરણ પ્રત્યે બહુ ધ્યાન આપેને અને મારો સંસ્કૃત સાથેનો પહેલો પ્રેમ ત્યાંજ મરી પરવાર્યો. ધોરણ ૯માં જ્યારે નવીનભાઈએ સંસ્કૃત શીખવાડવાની શરુઆત કરી અને મૃચ્છકટિકં વિશેની વાર્તાઓ કીધી ત્યારે કદાચ બહુ મોડું થઈ ગયું હતું.

હિન્દીનાં અમારા શિક્ષક ચંદ્રકાંતભાઈ. એકદમ કડક પણ ભણાવે ત્યારે મજા પડી જાય. એકદમ શુધ્ધ હિન્દી બોલે ત્યારે સાંભળતા જ રહી જઈએ. મજાની વાત હતી કે મોટાભાગનાં શિક્ષકોએ મારી મમ્મી અને મામાને ભણાવ્યા હતા એટલે એ ખ્યાલથી મજા આવે કે આ બધા સર ત્યારે કેવા લાગતા હશે 🙂 એની વે, ૮મું ધોરણ એકંદરે મારા માર્ક્સ ઘટવાની શરુઆત કહી શકાય. અત્યારે કદાચ એમ લાગે છે કે ૫ થી ૭માં મને ઓવરએસ્ટીમેટેડ કરીને માર્ક્સ અપાતા હતા કે મારી મહેનતની જગ્યાએ આળસે સ્થાન લેવા માંડ્યુ હતું. જો કે મને ગમતાં વિષયોમાં માર્ક્સ સારા જ આવતા. મારા આખાય સ્કૂલ જીવન દરમિયાન મને મમ્મી-પપ્પાએ ચોક્કસ માર્કસ લાવવા દબાણ નથી કર્યું કે લાલચ નથી આપી – આ વાત હું યાદ રાખીશ!

ટીવી પર હવે ચેનલોનું પ્રભુત્વ વધવા માંડ્યું હતું અને કંઈક અંશે સેન્સર કરી શકાય એવા કાર્યક્રમો હું જોવા માંડ્યો કે એવું જોઈ લેવાની લાલચ શરુ થઈ ગઈ. યુવાવસ્થાની શરુઆત હતી? કાર્તિક હવે થોડો મોટો બનવા લાગ્યો હતો. મૂછો અને થોડી ઘણી દાઢી વધવા માંડી હતી..

વચ્ચે મુંબઈની એક નાનકડી મુલાકાત કરી, માછલીની પૂંછડી હાથ પર લગાડી અને બાલાછડી સૈનિક શાળાની પરિક્ષામાં બૂરી તરહ નાપાસ થયો. ત્યારે મને ખબર પડી કે દોસ્ત, તારે હજી ઘણું બધું શીખવાનું બાકી છે.

ધોરણ ૮નાં અંત પછી એવી ઘટના અમારા જીવનમાં બની કે જેણે મારા આખા જીવનને ડહોળી નાખ્યું. આ ઘટના વિશે લખવું કે ન લખવું – એ હજી વિચારી રાખ્યું નથી. જોઈશું. પણ, ધોરણ ૯ બહુ જ રસપ્રદ હતું. એકાદ દિવસમાં એની વાત છે..

જ્યારે અમે નાનાં હતા – ૫

* ધોરણ ૭.

ધોરણ ૭-અ એટલે કે મારો વર્ગ. પાછો, કોમ્પ્યુટરનો વર્ગ એટલે બધાં હોંશિયાર-બ્રિલિયન્ટ છોકરા-છોકરીઓ એક જ વર્ગમાં ભેગા થયા. અમે હતા – શ્રી આઈ.જે. મહેતા વિનયમંદિરમાં અને અમારી સામે હતી શ્રી બી.કે. ભણશાળી વિનયમંદિર – બન્ને સંસ્થાઓ એક જ હતી, પણ કોઈક વિચિત્ર કારણસર બન્ને અલગ પાડવામાં આવી હતી. જે હોય તે. સાતમું ધોરણ કંઈક વધારે પડતું વ્યસ્ત રહ્યું. થયું એવું કે, એ વખતે મોનિટર ઉર્ફે વર્ગ-પ્રમુખ બનવું એટલે મોટી વાત ગણાતી. પહેલાં વર્ગમાં ચૂંટણી થતી, અને બધા મતદાન કરતાં – હેતુ હતો કે બહુમતી ધરાવનાર પ્રમુખ બને. તેનાંથી ઓછા મત મળે તે ઉપપ્રમુખ, મંત્રી. સભ્ય-૧ અને સભ્ય-૨ની પસંદગી વર્ગશિક્ષક કરતાં. શરત એ કે આ પાંચમાંથી એક છોકરી હોવી જ જોઈએ. સાતમાં ધોરણમાં કંઈક એવું થયું કે કોઈ ચૂંટણીમાં ઉભુ રહેવા તૈયાર જ ન થયું. વર્ગશિક્ષકે (હસુમતીબેન) પૂછ્યું કે કોને પ્રમુખ બનવું છે? આપણે ફટ દઈને આંગળી ઉંચી કરી. અને બની ગયા પ્રમુખ. થોડા દિવસ ગયા ને, પેલા પિનાકીનભાઈ સાહેબ આવ્યાને મને જાહેરમાં ખખડાવીને પ્રમુખપદેથી હટાવ્યો. મારું મગજ ગયુંને જઈને આચાર્ય અને ઘરે જઈને પપ્પાને ફરિયાદ કરી. અસર એવી થઈકે પિનાકિનભાઈએ એક્સપ્લેનેશન આપવું પડ્યું કે હું તો તારા સારા માટે કહેતો હતો. અને, ખરેખર પ્રમુખગીરીને કારણે મારા ભણવામાં થોડી-ઘણી અસર તો પડી જ. જોકે હું પણ કંટાળી ગયો કારણકે, પ્રમુખનું કામ કશું ખાસ હતું નહી. જેમ કે, અત્યારનાં આપણા રાષ્ટ્રપતિ હોય છે તેમ.

સાતમાં ધોરણમાં પિનાકીનભાઈની મદદથી આપણે રોનાલ્ડ રેગન, ઈમરાન ખાન, જ્હોન મેજર જેવા વ્યક્તિઓને લેટર લખ્યા (હા, મોનિકા સેલેસને પણ લખેલ, પણ તેનો જવાબ ન આવ્યો અને પછી ૧૯૯૩માં તેનાં પર સ્ટેફીનાં કોઈ પાગલ ચાહકે હુમલો કર્યો અને સેલેસ ટેનિસ જગતમાંથી ખોવાઈ ગઈ. એ સમયે મને એવા વિચાર આવતા હતાં કે સારું થયું – મને જવાબ ન આપ્યો ને એટલે આવું થયું. કેવા ગાંડા જેવા વિચારો!!!) અને તે સૌનાં જવાબો પણ ધન્યવાદ સાથે આવ્યા. શું તમે ભારતની સેલિબ્રિટીઓ પાસે આવી અપેક્ષાઓ રાખી શકો છો? હા, સ્કાઉટમાં જોડાયો હતો. રેલ્વે-સ્ટેશનની મુલાકાત લીધી, બાલારામ ચાલતા ગયા અને વન્ય જીવન(!) જોયું. મજા આવી ગઈ પણ મને લાગ્યું કે સ્કાઉટથી જીવન પર કોઈ અસર થતી નથી. જ્યાં સુધી તમે સ્કાઉટમાં હોવ છો ત્યાં સુધી ઠીક છે. આ પછી, આઠમાં ધોરણમાં તેને અલવિદા આપી, તેનું બીજું કારણ હતું કે પિનાકીનભાઈનો સ્વભાવ – જેઓ કશા જ કારણ વગર ગમે તેને ખખડાવી નાંખતા. મને શી ખબર હતી કે આગળ જતાં જીવનમાં આવા કેટલાય માણસો સાથે પનારો પડવાનો છે 🙂

સાતમાં ધોરણથી અમારે કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત થઈ, કોમ્પ્યુટર લેબ હતી, નજીકની બી.એડ. કોલેજમાં. ૬૪૦ કેબી મેમરી ધરાવતા ચારેક કોમ્પ્યુટર અને ટીવી સાથે જોડેલ બીબીસી માઈક્રો ૩૨ કેબી મેમરી વાળા. કમનસીબે, પંચકાર્ડ જેવી સિસ્ટમ અમને ખાલી થિઅરીમાંજ ભણવા મળી 😦 કોમ્પ્યુટર ચાલુ કરવું તે પણ એક લહાવો હતો. પહેલાં પાવર સપ્લાય ચાલુ કરો. કોમ્પ્યુટરની પાછળની સ્વિચ ચાલુ કરો. થોડી રાહ જુઓ. બૂટ ફ્લોપી જો ન હોય તો તે નાંખીને ફરી ચાલુ કરો, તે ફ્લોપી (૧.૨ એમબી કે એવી કંઈક) પાછી બાજુ વાળાને બૂટ કરવા માટે આપવાની. સર પછી બીજી ફ્લોપી આપે જે gwbasic.exe નામનો પ્રોગ્રામ ધરાવતી હોય. જો એ વખતે મને ખબર હોત કે, આ સમયે લિનક્સનો જન્મ થઈ ગયો છે, તો? અમારું કોમ્પ્યુટરનું શિક્ષણ ત્રણ વર્ષ ચાલ્યુ. આ ત્રણ વર્ષમાં અમે શું શીખ્યા? કોમ્પ્યુટરનો ઈતિહાસ, અલગોરિથમ, બેસિક લેન્ગવેજ, ડોસ અને થોડુંક ગ્રાફિક્સ (કદાચ લોગો કે એવું કંઈક હતુ).

એ સિવાય સાતમાં ધોરણમાં ત્રણ-ચાર નાટક, ગીત અભિનય વગેરેમાં ભાગ લીધો અને નક્કી કર્યું કે નાટક વગેરે આપણું કામ નથી. વિનય, નિરવ વગેરેનો ગાઢ પરિચય આ સમયગાળા દરમિયાન જ થયો. સાતમાં ધોરણનાં દિવાળી વેકેશનમાં કચ્છ પ્રવાસ જઈ આવ્યા અને ત્યાર પછી દાબેલી જેવા ફાસ્ટફૂડનો પરિચય થયો..

વધુ ફરી ક્યારેક…

જ્યારે અમે નાનાં હતા – ૪

* ધોરણ ૬. પરિવર્તન. પરિવર્તન શેનું? મેં હવે સામાન્ય જ્ઞાન વધારવા માટે જે કંઈ મળે તે વાચવાની શરુઆત કરી. પાલનપુરની લાઈબ્રેરીઓ ફંફોળવાની શરુ કરી અને નિરાશ થવાનું શરુ કર્યુ. છેવટે કનુ ભગદેવ અને જેમ્સ હેડલી ચેઈઝ પણ વાચી નાખ્યા. બીજું પરિવર્તન. ઘર. અમે આનંદનગર નામની સોસાયટીમાં નવું ઘર બનાવ્યું (આ ઘર જોડે કેટલીય મીઠી-ખાટી અને કડવી યાદો છે, જે હજી મને નિરાશ બનાવે છે તે વાત ફરી ક્યારેક..) અને મારું સમગ્ર મિત્ર-વર્તુળ બદલાઈ ગયું.

શાળામાં મારો વર્ગ હતો ૬-અ. વર્ગ શિક્ષક હતા હિન્દીનાં અવનીબેન. સ.શા. ભણાવે, ગુલબાનુબેન જે દરરોજ એક ગુલાબનું ફૂલ માથામાં લગાવીને આપે અને પોતાને તાજું ગુલાબનું ફૂલ મળી રહે તે માટે વાડીના માલિકનાં છોકરાને સારી રીતે બોલાવે 😉 છઠ્ઠા ધોરણમાં મને વિજ્ઞાનમાં વધારે રસ પડ્યો. સ્કોપનાં જૂનાં અંકો વાચી કાઢ્યા અને પ્રશ્નો પૂછવાની શરુઆત કરી. થેન્ક્સ ટુ ગોવિંદભાઈ જેઓ અમારા ગણિત-વિજ્ઞાનનાં શિક્ષક હતા. જોકે ક્વિઝ વગેરેની પ્રવૃત્તિઓમાં જ મારું આખું ધોરણ નીકળી ગયું તેમ કહો તો નવાઈ નહી. એક યાદગાર પ્રસંગ એ હતો કે બાજુમાં બેઠેલા મારા સાથીદારને મેં કહ્યું કે યાર આજે મારો જન્મદિવસ છે. તેણે કહ્યું, ફેંક નહી. છેવટે તેને અમારી વાસરિકા (ડાયરી જેવી વસ્તુ જેમાં તમે કરેલ પરાક્રમોની નોંધ લેવાતી..) બતાવી. અને, સ્કૂલ છૂટ્યા પછી અમે બહાર જઈને કાકડી ખાધી.

આ દરમિયાન કોમી રમખાણો થયા હતા અને મારી ધાર્મિક માન્યતાઓ બંધાવાની શરુઆત થઈ. મારા ઘરની સામે જ મુસ્લિમ સોસાયટી દેખાતી હતી. પણ, મને યાદ નથી કે અમે ડરતા હતા. કારણ કે, એક મહિના દરમિયાન રહેલા કર્ફ્યુમાં એકપણ તોફાનનો બનાવ નહોતો બન્યો! આજે પણ નવાઈ લાગે છે કે એ એક મહિના જેટલો સમયગાળો શા માટે કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. અને મને એમ કે હવે છ-માસિક પરીક્ષા લેવામાં નહી આવે અને મારા કમનશીબે પરીક્ષા લેવાઈ 😦

અને, આ દરમિયાન મારા ઘરે કેબલ જોડાણ આવ્યું. પાંચ ચેનલ દેખાય (કદાચ, એમ ટીવી, સ્ટાર એન્ટરટેઈનમેન્ટ, એક ચાઈનીઝ ચેનલ, ઝી ટીવી અને બીજી કોઈક ચેનલ આવતી હતી). પણ, અમારા ટીવીમાં પાંચ જ ચેનલ બદલવાની સગવડ એટલે છઠ્ઠી ચેનલ (દૂરદર્શન કે વીસીઆર પર કેસેટ) જોવી હોય તો સેટિંગ બદલવું પડતું હતું. આ સમય દરમિયાન વિડીઓ કેસેટ લાઈબ્રેરીઓનો પણ સુવર્ણ સમય હતો. મેં શોધી-શોધીને અંગ્રેજી મુવીસ જોવાની શરુ કરી. મારા સદનસીબે અને વિડીઓ કેસેટ વાળાની કૃપાથી એકપણ મુવીસ એડલ્ટ મુવી નહોતું!! એકવાર મેં ‘ક્લાસ ઓફ ૧૯૯૯’ મુવી જોવા માંગેલું તો, લાઈબ્રેરી વાળાએ મને ના પાડેલી, પછી મારો કઝિન તે લઈને આવેલો અને મને કંઈ વાંધાજનક નહોતું લાગ્યું. થોડા વર્ષો પછી ખબર પડી કે કેસેટ વાળો એવું સરખું નામ ધરાવતા મુવીનું સમજ્યો હતો.

મેં થોડું-ઘણું ક્રિકેટ રમવાની શરુઆત કરી. આજુ-બાજુ ખૂલ્લાં મેદાન હોવાથી મજા આવતી. જોકે હજી સુધી મારી બોલિંગ થ્રો બોલિંગ જ રહી છે. એમાં ખોટું શું છે? મુરલીની બોલિંગ કોઈકવાર થ્રો થાય છે ને.. 😉

સાતમાં ધોરણની થોડીક વાતો કાલે…