ક્વોરા – ગુજરાતીમાં!

થોડા સમય પહેલાં ક્વોરાથી કંટાળીને ખાતું દૂર કર્યું પણ પછી ખબર પડી કે મારો મિત્ર અમીર હિબ્રૂ ક્વોરાના કારણે પાછો ફર્યો છે, તો હું પણ એવી આશા સાથે પાછો આવ્યો કે ક્વોરા ગુજરાતીમાં આવશે. અને લો, આજે જ ખબર પડીકે ક્વોરા હવે ગુજરાતીમાં છે. તો મારી પ્રોફાઇલ પણ બનાવી લીધી છે અને જ્યાં સુધી કંટાળીશ નહી ત્યાં સુધી ત્યાં ટકી રહીશ.

બે રન

બે બી.આર.એમ. પછી આ વીકએન્ડમાં વારો હતો ઉપરાછાપરી બે રન નો!

બીએનપી અલ્ટ્રા ૨૫.૦

ગયા અઠવાડિયે ૬૦૦ બીઆરએમ પછી યાદ આવ્યું કે આવતા અઠવાડિયે તો ૨૫ કિમી અને ૧૦ કિમી રનિંગ રેસ છે. લો, ગયો વીકએન્ડ એમાં. જોકે અઠવાડિયાની મધ્યમાં આવતી રજાઓનો લાભ લઇને નાનું વેકેશન લઇ લીધું હતું. સંપૂર્ણ આરામ કર્યો અને આજે સવારે ૬ વાગે નેશનલ પાર્ક પહોંચ્યો. રીનીત મારો બીબ નંબર લઇને આવ્યો અને થોડું ચાલીને તળાવ પાસે ગયા જ્યાંથી રેસ શરૂ થવાની હતી. મારો પ્લાન હતો, ધીમું દોડવું. શરૂઆત અત્યંત ધીમી કરી પછી થોડી ઝડપ પકડી. રીનીત મારાથી આગળ હતો અને રસ્તામાં બે વખત મળ્યો. બીજા લૂપમાં તેને ક્રેમ્પ આવ્યા એટલે એ ધીમો થઇ ગયો અને હું આગળ નીકળ્યો. છેવટે, ૨ કલાક ૩૭ મિનિટમાં ૨૫ કિમી પૂરા કર્યા. જોકે ગારમિન પ્રમાણે આ અંતર અંદાજે ૨૪ કિમી હતું. પણ, ઓર્ગેનાઇઝર જે કહે તે. આપણે શું? 🙂

કોકી-કવિન અને હિરલ અમને દોડતા જોવા માટે ત્યાં આવ્યા હતા. થોડી વાર રનર્સ મિત્રોને મળ્યાં અને ફેડેક્સનો મેસેજ આવ્યો કે સુરતથી મારી સાયકલનું પાર્સલ આજે આવશે એટલે ફટાફટ નાસ્તો કર્યો, શેરડીનો મસ્ત જ્યુશ પીધો અને ઘરે આવ્યા.

સ્ટાર્વા કડી: https://www.strava.com/activities/3120665141

પરીની જુહુ ૧૦.૦

આ રન કેમ રજિસ્ટર કરાવ્યું તે હજુ યાદ નથી આવતું. સૌ પહેલા તો તેની મૂળ તારીખ ૯ ફેબ્રુઆરી હતી, જે સારું થયું કે બદલાઇને ૨૩ ફેબ્રુઆરી થઇ (કારણ કે ૯ ફેબ્રુઆરીએ હું ૪૦૦ કિમી બીઆરએમ કરતો હતો!) અને પછી એ લોકો કહ્યું કે અમે બીબ ઘરે મોકલીશું. બીબ માટે રાહ જોઇને થાક્યો, કેટલાય મેસેજ કર્યા ત્યારે ૪-૫ દિવસ પહેલાં ઘરે કુરિયર આવ્યું. જોડે મસ્ત જેકેટ આવ્યું જે XXXL માપનું હતું. હવે એમાં તો અમે ૩ જણાં ફીટ થઇ જઇએ. ફરિયાદ કરીતો જાણવા મળ્યું કે મોટાભાગના લોકો સાથે આવું થયું છે અને તેઓ રેસ પછી બદલી આપશે પણ મને આ વિશે સો ટકા શંકા છે 🙂

જે હોય તે, પહેલા અજયભાઇને મળ્યો ત્યાંથી અમે જુહુ ગયા અને ત્યાંથી રીક્ષા પકડીને અમે સમયસર શરૂઆતના સ્થળ જમનાદાસ સ્કૂલના ગ્રાઉન્ડ પર પહોંચ્યા, જે એકદમ સરસ જગ્યા છે.

બીબ ક્રમાંક!

પ્લાન એવો હતો કે ૧ કલાકની અંદર ૧૦ કિમી પૂરા કરવા, પહેલો કિમી આરામથી લોકોની વચ્ચેથી જગ્યા કરવામાં પૂરો થયો અને પછી થોડી ઝડપ પકડી જે છેક ૧૦ કિમી સુધી જાળવી રાખી (૫.૩૦-૫.૩૫ મિનિટ/કિમી) અને અંતે ૫૬ મિનિટમાં ૧૦ કિમી પૂરા કર્યા. નાસ્તો કર્યો અને ત્યાંથી પછી MCCની મેડલ સેરિમનીમાં જવાનું હતું એટલે વિશાલ-મેહુલ-નિમેશ જોડે એક્ટિવા પર ત્યાં જવા નીકળી ગયો.

સ્ટાર્વા કડી વગર પોસ્ટ પૂરી થાય? 🙂 https://www.strava.com/activities/3123645085

આવજો ત્યારે. નેક્સટ રેસ રિપોર્ટ હવે માર્ચમાં આવશે. માર્ચ પણ રેસિંગમાં હર્યો-ભર્યો રહેવાના એંધાણ છે!!

બે બી.આર.એમ.

એમાં થયું એવું કે ૮ ફેબ્રુઆરીએ ૪૦૦ અને ૧૫ ફેબ્રુઆરીએ અમારી ૪૦૦ અને ૬૦૦ કિમી બી.આર.એમ. હતી. સોરી ફોર મોડો રીપોર્ટ. એના પહેલાંનો સા.ફ્રા. રિપોર્ટ હજુ ડ્રાફ્ટમાં છે અને આશા રાખું છું કે આ મહિનામાં નવી ટ્રીપ આવે એના પહેલાં એ જન્મ પામશે 😉

૦૦

સૌથી પહેલાં ૪૦૦નો રિપોર્ટ. એકદમ સરળ છે. ૪૦૦ કિમી સાયકલ ચલાવવાની. જોકે આ સરળ કામમાં આડખીલી હતી ગયા મે મહિનાની ૪૦૦, જેમાં અમે અમારા મિત્ર નોએલને ગુમાવ્યો હતો. એટલે જ્યારે ૪૦૦નો માર્ગ નક્કી થયો ત્યારે નક્કી કર્યું કે આ બીઆરએમ નોએલને સમર્પિત કરવી અને એકદમ સરસ રીતે પૂરી કરવી. ઘરેથી હું ૨૩ કિમી રાઇડ કરીને ગયો જેથી સવાર-સવારમાં ટેક્સી વાળા જોડે માથાકૂટ ન કરવી પડે અને મગજ શાંત રહે. સમયસર પહોંચી ગયો અને શરૂઆતમાં તો આરામથી અને પછી થોડી સ્પિડ પકડી. માલસેજ ઘાટ પહેલાં મસ્ત ઠંડકની મજા લેતો ૧૦૦ કિમી પર પહોંચ્યો ત્યારે મારી જોડે બીજાં ત્રણ જણાં હતા. નિહાર, શશી અને સુધીર. ત્રણેય અનુભવી રાઇડર્સ એટલે મને બહુ રાહત થઇ. નક્કી કરેલું કે જરા પણ થાક લાગે તો ઘાટ પર જરાય શરમાયા વગર ઉભા રહીને આરામ કરવો. પ્રથમ તબક્કાના ઘાટ પર પહોંચીને લીંબુ-પાણી પીધું અને પર્વતોને માણ્યા.

ત્યારપછી ઘાટનો બીજો તબક્કો રોકાયા વગર પાર કર્યો અને ઓતુર આગળ જમવા માટે રોકાયો ત્યારે નિહાર-શશી-સુધીરથી આગળ નીકળી ગયો હતો અને પછી લગભગ સાંજ પડી ત્યાં સુધી એકલો જ હતો. રસ્તામાં બે-ત્રણ ક્લિક કર્યા પણ મારો ઇરાદો તકલીફ વાળા રસ્તાઓને બને ત્યાં સુધી દિવસ દરમિયાન જ પાર કરવાનો હતો. જે એકંદરે સફળ થયો એમ કહેવાય. પછી પડી લાંબી રાત અને અમારે વેશ પણ ઝાઝાં હતા.

હવે હું થોડી-થોડી વારે રોકાતો હતો અને છેવટે નિ.શ.સુ. ગેંગ મળી અને અમે નક્કી કર્યું કે જોડે જ રાઇડ કરી. નાસિક અમે ૧૦ વાગ્યા જેવા પહોંચ્યા અને ત્યાં રોકાયા વગર નીકળી ગયા. મારો પ્લાન તો બે કલાક ઉંઘ લેવાનો હતો પણ, પછી થયું જવા દો. ત્યાંથી પછી ઇગતપુરી સુધી પહોંચ્યા પછી મને ઠંડી ચડી. સુધીરે મને તેની ટી-શર્ટ આપી એટલે રાહત થઇ. કસારા ઘાટ પર આ વખતે સૌપ્રથમ ઉતરતી વખતે પેડલ મારવા પડ્યો એટલો બધો સામો પવન (એટલે કે – હેડવિન્ડ) હતો. એક સમયે તો એવું લાગ્યું કે હું પડી જઇશ એટલે થોડી વાર સાઇડમાં ઉભો રહી ગયો. પછીના ૫૦ કિમી આરામથી કર્યા પછી સૌથી પહેલા કોણ પહોંચે તેની રેસ લગાવી જેમાં છેલ્લે-છેલ્લે ૫ કિમીમાં બરોબર સાયકલ ભગાવીને હું કલ્યાણ પહોંચ્યો.

૪૦૦!

ત્યાંથી પાછું ઘર ૫૦ કિમી હતું. પહેલાં તો વિચાર આવ્યો, ચાલો રાઇડ કરીએ. પછી થયું. મૂકો તડકે અને પકડો ટેક્સી 🙂

૬૦૦

૬૦૦ માટેનો રિપોર્ટ પણ સરળ છે. ૩૦૦ વત્તા ૩૦૦! પણ આ ૬૦૦ હતી, સુરત-અમદાવાદ-સુરત એટલે સુરત જવું પડે. સૌ પહેલાં મારો શેતાની પ્લાન હતો ૧૪ તારીખે અહીંથી સુરત રાઇડ કરીને જવું. પણ સંત વેલેન્ટાઇન તરફ જોયા પછી આ શેતાની પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. અનિરુદ્ધ અને મયૂરની જોડે ગાડી (કાર)માં જવાનું નક્કી થયું.

શરૂઆતમાં બિલાડીના શુકન થયા એટલે થયું કે હવે તો આ બીઆરએમ મસ્ત જ જશે. જોડે શરૂઆત મોડી થઇ અને અમારા અનુમાન મુજબ ૪ વાગે સુરત પહોંચવાની જગ્યાએ અમે ૮ વાગે પહોંચ્યા. ત્યાં હોટેલ સ્ટાર્ટ પોઇન્ટ આગળ જ હતી. પહેલાં સાયકલ સરખી કરી. ડિનર કર્યું અને પિયુષ અમને મળવા આવ્યો. એ પહેલાં કોકો પીધો (એના વગર ચાલે?). પિયુષે અમને અલગ પ્રકારના આઇસક્રીમનો ટેસ્ટ કરાવ્યો.

હવે રાઇડ પર આવીએ. અખિલેશભાઇનું કામકાજ એકદમ પરફેક્ટ. સમયસર રાઇડ શરૂ થઇ અને ૨ કિમી પછી સ્પિડ પકડી અને છેક ૩૪ કિમી સુધી નોન-સ્ટોપ ચલાવી. ૩૪ કિમીએ ઘરે અપડેટ આપી. પછી, લગભગ ૧૫૦ કિમી સુધી પાણીના બ્રેક સિવાય ક્યાંય ઉભો ન રહ્યો. પ્રથમ કંટ્રોલ પર ૫.૪૦ કલાકમાં પહોંચ્યો ત્યારે યાદ આવ્યું કે આ જ કંટ્રોલ પર ૧૦૦૦ બી.આર.એમ.માં હું છેલ્લે પહોંચ્યો હતો 😉 ત્યાં સીસીડીમાં ગયો અને થોડો ઠંડો થયો. હવે ગરમીની શરૂઆત થઇ ગઇ હતી એટલે નક્કી કર્યું કે હવે આરામથી જવું.

૧૫૦ થી ૩૦૦ લગભગ આરામથી ચલાવી. રોંગ રાઇડમાં આવતા વ્હીકલ્સથી બચતો-બચતો અસલાલી (અમદાવાદ) પહોંચ્યો ત્યારે રાત પડી ગઇ હતી. રીટર્ન પર પહોંચ્યો એ પહેલાં ગારમિન અચાનક બંધ થઇ ગયું એટલે હોટેલ પર પહોંચીને ૩૦૦ કિમીની રાઇડ સાચવી લીધી અને પછી ત્યાં લગભગ ૨ કલાક જેવો સૂઇ ગયો, શાવર લીધો અને પછી ૧૧.૧૫ જેવો નીકળ્યો ત્યારે ખબર પડી કે ૪ રાઇડર્સ નીકળી ગયા છે. ૫૦ કિમી જેવા અંતરે એ લોકો મળ્યા ત્યારે ઠંડી શરૂ થઇ ગઇ હતી. પીબીપીના ઠંડા-કડવા અનુભવ પછી મોઢું-કાન ઢાંકી રાખું છું એટલે સારું રહે છે. તો પણ, જ્યારે એકલા અને રાત્રે સાયકલ ચલાવો ત્યારે ઠંડી વધુ લાગે. ચાર રાઇડર્સ (શશી, મેહુલ, ..) આણંદ પર રાતે રોકાવાના હતા અને મને તો પૂરતી ઉંઘ મળી ગઇ હતી એટલે હું આગળ વધ્યો. તો પણ, વડોદરા પહેલાં હાઇવે પર એક રેન્ડમ બસ સ્ટેશન પર ૧૦ મિનિટનું ઝોકું ખાવું પડ્યું!!

કરજણ ટોલ નાકા (૪૫૦ આસપાસ) પહોંચ્યો ત્યારે હું પહેલો જ પહોંચવા વાળો હતો. ત્યાં ફરી સીસીડીની કોફીનો લાભ લીધો અને ધીમે-ધીમે સુરત તરફ નીકળ્યો. ૨ કલાક સળંગ રાઇડ કર્યા પછી હવે ગરમીનો લાભ શરૂ થઇ ગયો હતો. આશ્ચર્યની વાત હતી કે ગઇકાલ કરતાં ગરમી વધુ હતી અને હવે સાયલિસ્ટના દુશ્મન હેડવિન્ડે પણ પરચો દેખાડવાનો શરૂ કર્યો હતો, એટલે બ્રેકની સંખ્યા વધતી ગઇ હતી..

હવે છેલ્લાં ૮૦ કિમી તકલીફ વાળા હતા. ગરમી, સામો તડકો, ૧૦૦ કિમીની ઝડપે સામેથી-રોંગ સાઇડમાં આવતા આત્મવિશ્વાસથી ભરપૂર ટુ-થ્રી-ફોર-વ્હીલર્સ! આઇસક્રીમ, લીંબુ પાણી, શેરડીનો રસ અને છેલ્લે ૩૦ કિમીએ રેડબુલ! આટલું પીધા પછી કોઇના હોશ ન રહે, તો પણ હું સુરત એમ.ટી.બી. કોલેજ પહોંચ્યો.

ફરી કોકો અને સોસિયો પીધો 😉 ત્યાં નિમેશભાઇ મળ્યા, જે મારા બ્લોગના વાચક નીકળ્યા (આ પોસ્ટ એટલે જ ફટાફટ લખવાનો વિચાર આવ્યો!). ત્યાં થોડો સમય વીતાવ્યા પછી ૭ કિમી બીજી રાઇડ કરીને માસ્ટરમાઇન્ડ જવા નીકળ્યો. સાયકલ ત્યાં સર્વિસમાં આપી અને ત્યાં પિયુષના ઘરે ગયો. ફ્રેશ થયો. મસ્ત સુરતી નાસ્તો અને પછી વાતોના વડાં. ઉંઘ હજુ ચડી નહોતી. પિયુષ જોડે ફરી કંટ્રોલ પોઇન્ટ પર ગયા અને અનિરુદ્ધ અને મયૂર આવ્યા ત્યાં સુધી રોકાયા. સુરતી ઘારીની ખરીદી કરી અને પછી તેના ઘરે પાછાં જઇને ‘ભાઇ-ભાઇ’ ખાતે મસ્ત ડિનર કર્યું. પિયુષ જોડે હોય એટલે ખાવાનું મસ્ત જ હોય, એ કહેવું પડે?

હવે, ખરી કઠણાઇ હતી કે અમારે પાછાં મુંબઈ આવવાનું હતું. સાયકલ હતી એટલે ગાડી ધીમી ચલાવવાની હતી પણ બધાંને ઉંઘ આવતી હતી એટલે એટલી ધીમી ગાડી ચલાવવામાં આવી કે છેક સોમવારે સવારે ૧૦ વાગે હું ઘરે પહોંચ્યો. પણ, સહી સલામત પહોંચ્યો – એ મહત્વનું હતું! 🙂

એરપોર્ટનું અકળ રહસ્ય

જ્યારે પણ હું એરપોર્ટ સિકયુરિટી ચકાસણી માટે ઊભો રહ્યો હોઉં છું, ત્યારે વિચાર આવે કે લોકો આટલું બધું ટ્રાવેલ કરતા હોય તો પણ જાતજાતની વસ્તુઓ બેગમાં કેમ ભરી આવે છે. અને, ખબર હોય કે લેપટોપ બહાર કાઢવાનું છે કે જૂતાં નીકાળવાનાં છે તો પણ.. જવા દો. બીજું શું? 💁