કરસનદાસ: પે & યુઝ

કરસનદાસ!

* ગયા અઠવાડિયે આ ફિલમ જોવાનું અચાનક નક્કી કર્યું અને ભારે રહેલ વીકએન્ડનો બોજ હળવો કરવા માટે અમે સૌથી નજીકના પ્રિય અને હવે લગભગ બંધ થવાની અણી પર (હવે આ મોલ બંધ થાય તો પેલી એક દુકાનની પોસ્ટની જેમ અમારો કોઇ વાંક નથી!) એવા રઘુલીલા મોલમાં અમે ગયા.

સરપ્રાઇઝ! થિયેટર લગભગ ભરેલું હતું અને મોટાભાગના લોકો ૫૦+ લાગતા હતા. જેમ-તેમ જાહેરખબરોનો સહન કરી મુવી શરૂ થયું અને શરૂઆત સરસ રહી. તિલોક અને સુંદર – બંનેનો અભિનય સરસ છે તો ચિનુભા જામે છે. કદાચ ચિનુભાએ જાતે કોઇ વસ્તીમાં રહી આવા કેરેક્ટરનું સચોટ અવલોકન કર્યું હશે! શિશિરભાઇએ લખેલું તેમ બેકગ્રાઉન્ડમાં ચેન્નાઇ એક્સપ્રેસની થીમ ધરાવતું સંગીત થોડું ખૂંચ્યું પણ ઓવરઓલ ડાયલોગ્સ (એકાદ બિનજરૂરી દ્વિઅર્થી સિવાય) થી માંડીને એક્ટિંગ સુધી બધું મસ્ત રહ્યું. રોંગ સાઇડ રાજુ પછી થિયેટરમાં મુવી જોવાની મઝા પડી (વચ્ચે બાહુબલી- ૨ જોયેલું તે અપવાદ ગણાય).

આશા રાખીએ કે આવા વધુ વૈવિધ્ય વિષય ધરાવતી ફિલ્મો ગુજરાતીમાં બને અને ક્યારેક આપણે પણ કાન કે નાક ફિલ્મ ફેસ્ટિવલમાં જઇએ 🙂

PS: ઉપરોક્ત છબી પ્રતિકાત્મક છે અને ફિલમ પૂરી થયા પછી “કરસનદાસ: ફ્રી ટુ યુઝ”ની બહાર લેવાઇ છે.

એક દુકાન..

* અમારા ઘરની નજીકમાં એક દુકાન હતી. ત્યાં પેલી સોસિયો મળતી હતી (PS: આ વિકિપીડિયામાં મૂકેલો ફોટો ત્યાં જ લીધેલો!) અને થોડા સમય પછી તે બંધ થઇ હતી. અમારા પેટ પર લાત પડી. થોડા સમય પછી ત્યાં એક ઘડિયાળ વાળાની દુકાન ખૂલી. ત્યાં અમે અમારી ત્રણ-ચાર ઘડિયાળો રીપેર કરાવી, પેલી કેસિયોની ઘડિયાળનો પટ્ટો પણ ત્યાં સરખો કરાવ્યો અને થોડા સમય પછી એ પણ બંધ થઇને શેરડીના રસની દુકાન ખૂલી.

હવે, કવિને ત્યાં શેરડીનો રસ પીધો છે. હવે આજ-કાલમાં હું ત્યાં જઇશ એટલે એ પણ બંધ થઇ જશે 😀

ઉબર અનુભવો

* એમાં થયું એવું કે મારે રૂટકોન્ફ કોન્ફરન્સ માટે બેંગ્લોર જવાનું હતું. સામાન્ય રીતે અત્યાર સુધી તો હું બેંગ્લોર એરપોર્ટ (ie કેમ્પેગોડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ @ રેન્ડમહલ્લી) થી પ્રિ-પેઇડ ટેક્સી જ લેતો હતો. હવે ઉબર (કે ઉબેર) આવ્યા પછી થયું કે ચાલો થોડા પૈસા બચાવીએ. એરપોર્ટ પર રાત્રે ૧૨.૩૦ ઉતર્યો. સામાન તો હતો નહી. એરપોર્ટ પર પીકઅપ કરેલા સ્થળે પહોંચી ઉબર બોલાવી. ચાર અનુભવો થયા,

૧. પહેલા ટેક્સી ડ્રાઇવરે રાઇડ કેન્સલ કરી.
૨. ત્યાં ઉબરનું જેકેટ પહેરેલા એક માણસે કહ્યું, સર, જો તમને રિસિપ્ટ ન જોઇતી હોય તો હું તમારા વતી ટેક્સી કરું. તેને ના પાડી.
૩. બીજો ટેક્સી વાળો આવ્યો. તેમાં બેઠો. તેણે કહ્યું, સર, નો ડીઝલ એન્ડ નો મની. નો પેટીએમ. મેં કહ્યું, ઓકે, નો રાઇડ ધેન. ૭ રૂપિયા કપાઇ ગયા. વળી તેણે મને બેસાડતા પહેલા રાઇડ ચાલુ કરી દીધી હતી. હા, ૭ રૂપિયા પાછા લીધા!
૪. ત્રીજો ટેક્સી વાળો આવ્યો. હું ગોઠવાયો. ટોલનાકું આવ્યું ત્યાં સુધી તો બરોબર ચાલ્યું, પણ તેણે કહ્યું, સર, આઇ ડોન્ટ હેવ મની. પ્લીઝ ગીવ ૧૦૦ રૂપીઝ. મેં કહ્યું, કેમ? ટોલ તો રાઇડમાં આવી જાવ. તેણે ઘણી મગજમારી કરી. છેવટે અજાણ્યા મુલ્કમાં હોવ તો ઠીક છે, આપણે હતા કર્ણાટકમાં. એટલે તેને ૧૦૦ રૂપિયા પકડાવ્યા અને ઉબરને ત્યાં કમ્પલેઇનના પોટલા નાખ્યા. હા, રિસિપ્ટનો ફોટો લઇ લીધો. આ ડ્રાઇવર વળી મને નકશામાં દર્શાવેલા સ્થાનની જગ્યાએ બીજે ક્યાંક છોડવા માંગતો હતો.

ટૂંકમાં, ઉબર આવવાથી બેંગ્લોરના ટેક્સી ડ્રાઇવરોમાં કંઇ જ ફરક પડ્યો નથી.

બોધપાઠ્સ:
૧. દિવસે જ જવું આ ભયાનક શહેરમાં.
૨. બસમાં જ જવું. સસ્તું અને સલામત. હા, બહુ સામાન હોય તો તકલીફ થાય.
૩. બેંગ્લોર જવું જ નહી! શ્રેષ્ઠ!!

૩૦૦ – હોટ ઍન્ડ સન્ની

* નોંધ: આ પોસ્ટ આપણી ફેવરિટ સન્ની વિશેની નથી.

* આ પોસ્ટ છે, ગઇકાલે કરેલ ૩૦૦ બીઆરએમ વિશેની. પહેલાં તો શરૂઆત જ ખરાબ થઇ. મુલુંડ પહોંચવા માટે મારે ઘરેથી લગભગ ૧.૧૫ કલાક પહેલા નીકળવું પડે પણ તેમાં ૧૦ મિનિટ મોડું થઇ ગયું :/ એટલે પછી, રાઇડ ચાલુ થવાના ૫ મિનિટ પહેલા પહોંચ્યો અને પાંચેક મિનિટ મોડી રાઇડ શરૂ કરી. વાંધો નહી. ૩ કલાક સરસ ગયા અને કોકીએ બનાવેલી એક ભાખરી વત્તા જીરુ મસાલાનો બ્રેકફાસ્ટ કર્યો. શહાપુર પછી થોડો ધીમો થયો પણ છેક કસારાઘાટની શરૂઆત સુધી વાંધો ન આવ્યો. કસારાઘાટ પણ લગભગ ક્યાંય અટક્યા વગર પૂરો કર્યો. ઇગતપુરી પહેલાં શેરડીના રસના કાંઠે ભેગા થયેલા રાઇડર્સ જોડે વાતો કરવા ઉભો રહ્યો. તેમાંથી ૨ જણાં થાકી ગયા હતા (તેઓ ૬૦૦ કિમી વાળા હતા) અને ક્વિટ કરવાના હતા, પણ બીજા એક રાઇડર સુદિપ્તો જોડે નાસિક જવા માટે ઉપડ્યો. સુદિપ્તો ઇન્ડિયન નેવીમાં છે અને સારો રનર વત્તા સ્વીમર છે અને હવે સાયકલિંગ શરૂ કરેલું. તેની જોડે વાતો કરતાં-કરતાં અને ગરમીમાં બળતાં-બળતાં નાસિક પહોંચ્યા. રસ્તામાં કેટલા લીટર પાણી પીધું એની નોંધ રાખવાનાય હોશ નહોતા! નાસિકથી પાછા તરત નીકળ્યા અને બીજા ૫૦ કિમી આરામથી ચલાવ્યું. કસારાઘાટ ઉતરવાની મઝા આવી અને નીચે જઇને જોયું તો સ્ટ્રાવા બંધ થયેલું હતું :/ નાઇન્સાફી કહેવાય. જે હોય તે. ફરીથી આરામથી બાકીના ૧૦૦ કિમી પૂરા કરવાનું નક્કી કર્યું અને પછી આસનગાંવ રોકાયા, જ્યાં થોડો વધુ સમય ટાઇમપાસ થયો અને ત્યાંથી ફરી સ્ટ્રાવા બગડ્યું (આમાં મોટી મુશ્કેલી એ કે, અંતર કેટલું બાકી છે, તે સ્ટ્રાવા બરોબર દેખાડે તો જ રાઇડ પૂરી કરવાની મઝા આવે). બગડેલું સ્ટ્રાવા ફરી શરૂ કર્યું અને ૩૬ કિમી બાકી હતા ત્યારે છેલ્લો મોટો બ્રેક લીધો. ૧૫ કિમી પહેલાં અમારા બંનેની હેડ લાઇટ્સે દગો દીધો, પણ મારી પાસે પાવરબેંક હતી એટલે થોડો સમય લાઇટ ચાલી. છેલ્લા ૬ કિમી પછી થાણે આવતા શહેરમાં લાઇટની ઝાકમઝોળ હોવાથી વાંધો ન આવ્યો. છેક ૧૨.૫૪ એ રાઇડ પૂરી થઇ. સુદિપ્તોને ઘણી ટીપ્સ આપી (તે પંકચર કીટ, ટ્યુબ કે પંપ કે ટુલકીટ લીધા વગર આવ્યો હતો). મને પણ શીખ મળી કે બહુ હોશિંયારી ન કરવી અને બે લાઇટ્સ લઇ જવી તેમજ બહુ ટાઇમપાસ ન કરવો (ખાસ કરીને જે તૈયાર ખાવાનું મળે તે ખાઇ લેવાનું).

ચાલો ત્યારે, આવતી બી.આર.એમ. સુધી – કીપ રાઇડિંગ.

* સ્ટ્રાવા એક્ટિવિટિ કડી: https://www.strava.com/activities/973960158 (૩૦૦માંથી ૨૭૫ જ રેકોર્ડ થયેલ છે.)

અપડેટ્સ – ૨૦૫

* બાહુબલી-૨ જોયું અને પછી બાહુબલી-૧ જોયું! ભાગ-૨નો પહેલો ભાગ મને ગમ્યો પણ ઇન્ટરવલ પછી ફિલ્મ જરા ઉતાવળમાં બનાવાઇ હોય એમ લાગ્યું (ખાસ કરીને છેલ્લી લડાઇ વગેરે). જે હોય તે – જય માહિષમતી!
* ૧લી મે એ મહારાષ્ટ્ર (અને ગુજરાત) દિવસ નિમિત્તે મુંબઈના બધા સાયલિસ્ટની રાઇડ હતી. મજા આવી. હવે આવતો વીકએન્ડ એડવેન્ચરથી ભરેલો છે. ૩૦૦ કિમી સાયકલિંગ અને પછી બીજા દિવસે તુંગારેશ્વરમાં રનિંગ. હવે આ રનિંગ કેવું જશે તે તો શિવ જાણે. ગરમી અને ભેજ આ બંને ભેગા થાય ત્યારે થોડી તકલીફ તો રહેવાની જ.
* કવિનને અબાકસ ગણિતના એક ઉનાળુ વર્ગમાં મૂકવામાં આવ્યો છે, એટલે આખું વેકેશન તે રખડવામાં બનાવે નહી.
* વર્ડપ્રેસ.કોમનું ગુજરાતી ભાષાંતર ભયાનક છે, હવે સમય કાઢીને તેને સુધારવું પડશે.