વિચિત્ર સોફ્ટવેર્સ

* વિચિત્રતા માત્ર આજ-તક કે ઈન્ડિયા ટીવીનાં સમાચારો કે દિવ્ય-ભાસ્કરે નેટ પરથી ઉઠાવેલ વર્ષો જુનાં ફોટાઓમાં નથી હોતી. વીક-એન્ડ પર અને આજે બોરિંગ સોમવારે મને બે સરસ અને વિચિત્ર સોફ્ટવેર મળ્યાં.

૧. tempest-for-eliza:

આ શું કરે છે? આ કમાન્ડ-લાઈન સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરનાં મોનિટર વડે AM રેડિયો સિગ્નલ પ્રસારિત કરે છે. તમે ફિકવન્સી અને ગીત પસંદ કરી શકો છો અને પછી, રેડિયો પર સાંભળી શકો છો. વિચિત્ર. આવું કરવાની જરુર શું? 😉

૨. redshift:

તમારે તમારું કોમ્પ્યુટર ક્યાં પડ્યું છે અને કયો સમય છે તે પરથી તમારી આંખો સુરક્ષિત રહે તે માટેનું માર્ગદર્શન રંગ-તાપમાન ગોઠવીને આપે છે. ખાટલે મોટી ખોડ કે, તમારા કોમ્પ્યુટરનાં અક્ષાંશ-રેખાંશ જોઈએ. મારા ફોનનાં GPS થી પ્રયત્ન કર્યો પણ તે માટે clear sky જોઈએ. બગીચામાં બેઠા હોય ત્યારે કામમાં આવે 😉

૩. steghide:

ચિત્રની અંદર છુપો સંદેશ છુપાવવા માટેનું સરસ સોફ્ટવેર. દા.ત. જો તમારી પાસે આ સોફ્ટવેર હોય (જો લિનક્સ વાપરતાં હોવ..) તો અહીં આપેલ ચિત્રમાંથી છુપો સંદેશ શોધી મને મોકલો. પાસવર્ડ છે: કાર્તિક (અંગ્રેજીમાં).

(આ વોલપેપર: http://wiki.debian.org/DebianArt/Themes/SpaceFun પરથી લીધેલ છે.)

કેવી રીતે સંદેશો મેળવશો?

$steghide extract -sf foo.jpg

જાવા ફોરએવર..

* આમ તો મને જાવા પ્રોગ્રામિંગ બહુ ગમતુ નથી, પણ આ વિડીઓ ગમ્યો..

અપડેટ: આ વિડીઓ હવે અહીંથી જોવા મળશે.

નોંધ: R રેટિંગ મળ્યું છે. ધ્યાન રાખવું.

આવ રે, શનિવાર!

આવ રે શનિવાર, જલ્દી આવ.. કારણ?

* સવાર: શનિવાર પોતે આપણું સ્વાગત કરશે. વહેલી સવારે લોંગ-પેન્ડિંગ કેશ-કર્તન કરાવવામાં આવશે.

* બપોર: ગિટાર ક્લાસ શરુ થશે. (થેન્ક્સ ટુ Eshita!)

* સાંજ: નવી બેટરી આવી જશે.

* રાત: પછી, બીજો દિવસ રવિવાર હશે!!

આજે કાલ છે..

* કવિન ડિનરનાં સમયે રસોડામાં નાસ્તાનો ડબ્બો ખોલતો જોવા મળે છે..

કે: કવિન, આ નાસ્તો કાલે ખાવાનો છે.

થોડી વાર પછી…

કવિન: પપ્પા, આજે કાલ છે?

ફૂલણજી બેટરી

* એક હતું મેકબુક અને એમાં હતી એક બેટરી. મેકબુક બહુ ડાહ્યું પણ બેટરી ચપ-ચપ કર્યા કરે છેવટે એક દિવસ એ ચપ-ચપ કરતી બેટરી તેના સ્વભાવ પ્રમાણે ફૂલી ગઈ અને તેનું નામ પડ્યું ‘ફૂલણજી બેટરી’. હવે મેકબુકે કંટાળીને નવી બેટરી લાવવાનું વિચાર્યું પણ, તે તો છેક સાત-સાત હજાર કિલોમીટર દૂર રહેતી હતી. છેવટે, પરિણામ શું આવ્યું તે તમે નીચે જોઈ શકશો:

સાર: બેટરી વગર લેપટોપ ચાલી શકે છે..

વ વજનકાંટાનો વ

* છેવટે, અમે વજનકાંટો લાવ્યા. ગઈકાલે સાંજે નિયમ મુજબ કવિનને સાંજે ફરવા જવાના કાર્યક્રમ સાથે અમે બન્ને હેલ્થ અને ફીટનેસ જેવું કંઈક મોટું નામ ધરાવતી દુકાનમાં ગયા. ડિજીટલ વજન કાંટાનું વજન બજેટની બહાર જતું રહેતું હોવાથી પછી સાદો વજન કાંટો પસંદ કર્યો જે માત્ર ૧૨૦ કિલો વજન જ સહન કરી શકે છે. પણ, અમને ખાતરી છે કે અમારા ત્રણેય જણનું વજન કુલ મળીને ૧૨૦ થતું નથી.

નોંધ: હકીકતમાં, ૧૧૭ જ થાય છે. વ્યક્તિગત વજન તારવવાનો પ્રયત્ન ન કરવા વિનંતી 😉

નોંધ ૨: ઘરે રહેવાથી મારું વજન વધ્યું છે. અને સ્વાભાવિક રીતે કે. નું વજન ઘટયું છે 😦

વિનયભાઈ સાથે મુલાકાત..

* હા. વિનયભાઈ એટલે આપણાં ફનએનગ્યાન વાળા જ. એક સાંજે એમનો ઈમેલ આવ્યો કે તેઓ એક કામસર અમદાવાદ આવે છે તો મળવા માટે સમય મળશે કે નહી. હવે, આપણે તો નવરાધૂપ માણસ અને પાછો શનિવાર એટલે તરત હા પાડી અને વિનયભાઈને એમના શહેરમાં મળવાનો મોકો ગુમાવેલો એટલે આ વખતે તો મળવું જ હતું. અમે વિજય ચાર રસ્તા આગળ બરિસ્તામાં મળવાનું નક્કી કર્યું અને લગભગ સાથે જ પહોંચ્યા. બરિસ્તા બંધ. ચારે-કોર નજર કરી તો મોટાભાગની દુકાનો બંધ. થોડા આગળ ગયા તો ચોકલેટ ફેક્ટરી સદ્ભાગ્યે ખૂલ્લી હતી અને થોડીક છોકરીઓ બેઠેલી હતી, પણ વિનયભાઈ હતા એટલે તેઓએ મને નજરઅંદાજ કરવો પડ્યો.

એકાદ કલાક બ્લોગ-જગતથી માંડીને કવિન સુધીની વાતો થઈ. લેક્સિકોનથી માંડીને મોબાઈલમાં ગુજરાતી કેવી રીતે દેખી શકાય ત્યાં સુધીની ટેકનિકલ ચર્ચા પણ કરી. દિવ્ય ભાસ્કરથી માંડીને ચિત્રલેખાની પણ વાતું કરી. અને હા, આઈરિશ કોફી પણ સરસ હતી. વધુમાં, તેમના પ્રત્યેનું માન બેવડાઈ ગયું જ્યારે તેમણે કંઈક વાત નીકળતા કહ્યું કે ભલે ઉંમરમાં તમે નાનાં છો પણ, બ્લોગ-જગતમાં તમે મારાથી સિનિઅર છો..

બ્લોગનાં ફાયદા શું છે અને કેટલી ક્લિક મળી તેના કરતાં બ્લોગ વડે વિનયભાઈ જેવા (અને બીજાં અનેક!) મિત્રો મળ્યાં છે – એ વાતથી મારું બ્લોગજીવન સાર્થક છે 🙂

શ્વાન અને લોકો

સોબત કરતાં શ્વાનની, બે બાજુનું દુખ.

ખિજ્યું કરડે પિંડીએ, રિઝ્યું ચાટે મુખ.

— અજ્ઞાત (સ્ત્રોત જણાવવા વિનંતી)

નોંધ ૧: ના. મેં કંઈ કૂતરાં-ડાયનોસોર પાળ્યાં નથી.

નોંધ ૨: કેટલાંક લોકો ખરેખર ત્રાસ છે.

મને ગમતાં ફાયરફોક્સ એડ-ઓન્સ..

* જો તમે ફાયરફોક્સ વાપરતા હોવ અને એના વિવિધ એક્સટેન્શન એટલે કે એડ-ઓન્સનો લાભ ન લેતા હોવ તેવું ન બને. તો અહીં મને ગમતાં પાંચ ફાયરફોક્સ એક્સટેન્શન આપેલાં છે. કદાચ તમને પણ ગમશે. તમારા ફેવરિટ પણ જણાવવા વિનંતી.

૧. BarTab: તમે જોયું હશે કે ૨૦ કે ૨૫ ટેબ ખૂલ્લી હોય અને પછી તમે ફાયરફોક્સ બંધ કરો અને બીજા દિવસે ફાયરફોક્સ ખોલો ત્યારે એ ૨૫ ટેબ એક સાથે ખૂલવાનો પ્રયત્ન કરે છે. પરિણામ? કોમ્પ્યુટર હેંગ થઈ જવાનો પૂરેપૂરો ભય. બારટેબ મસ્ત કામ કરે છે. ટેબ જળવાઈ રહે છે પણ લોડ થતી નથી. તમે જ્યારે જે-તે ટેબ પર ક્લિક કરો ત્યારે જ લોડ થાય છે. એટલે ફાયરફોક્સ તરત ખૂલે છે અને તમે ટાઈમ-આઉટ પણ રાખી શકો છો. એટલે મેમરી લિક જેવા પ્રશ્નોનો પણ ઉકેલ આવી જાય છે.

૨. ColorfulTab: તમારી ટેબ્સને રંગબેરંગી બનાવે છે 🙂

૩. NoScript: જોરદાર વસ્તુ. પહેલાં તો તે બધી જ જાવાસ્ક્રપ્ટિને રોકી દે છે. વ્હાઈટ-લિસ્ટમાં તમે જે સાઈટ પર જાવાસ્ક્રિપ્ટ ચલાવવાની પરવાનગી આપો તે મૂકી શકો છો. દા.ત. જીમેલ અને વર્ડપ્રેસ વગેરે.

૪. Xmarks: જો તમે એક કરતાં વધુ કોમ્પ્યુટર કે બ્રાઉઝર વાપરતાં હોવ તો તમારા બુકમાર્ક્સ sync કરવા માટે ઘણું જ ઉપયોગી છે.

૫. HTTPS-Everywhere: આ એક્સટેન્શન વિશે હમણાં જ જાણકારી મળી. તમને ખ્યાલ હશે કે http કરતાં https પ્રોટોકોલ વધારે સલામત છે. આ એડ-ઓન તમને કેટલીક જાણીતી સાઈટ્સને https નો ઉપયોગ કરવા મજબૂર કરે છે. તમે તમારો પોતાનો rule પણ કોઈ વેબસાઈટ માટે બનાવી શકો છો. સરસ વસ્તુ.

આ સિવાય હું ShowIP, User Agent Switcher વગેરે એક્શટેન્શન્સ વાપરું છું. પણ, તેમની જરુર ક્યારેક જ પડે છે..

હેપ્પી બર્થ ડે, કવિન!

* એટલે કે, નાનકડો કવિન થયો ૩ વર્ષનો. આ વખતે તેના માટે સાયકલ લાવી છે અને તે ગઈકાલે જ અપાવી દેવામાં આવી છે એટલે કકળાટ ઓછો 🙂 પાર્ટી માટે અમે ક્યાં જવાનું છે તે નક્કી નથી કર્યું. કારણ કે, પાર્ટી એટલે કે ઈન-મીન અને તીન, અમે ત્રણ જણાં જ જવાનું છે. મોટાભાગે ગ્રીન હાઉસ અથવા તો યુ.એસ. પીઝામાં જવાનો પ્લાન છે.

અને, ગઈ કાલે કવિનની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. સવારે થોડો આરામ મળવાની શરુઆત થઈ છે.. પણ, કામવાળો દેશમાં જવા રવાના થયો છે તો અઠવાડિયાં સુધી મારા ભાગે કંઈ ને કંઈ કામ આવવાનું જ છે 😦

કેક, સાયકલ અને કવિનના ફોટાઓ અહીં માટે મારા આ પિકાસા આલ્બમ પર મૂકવામાં આવશે..