અપડેટ્સ – ૧૬૯

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ અહીં બહુ દોડા-દોડી રહે છે. એકાદ વખત સારું એવું દોડાયા પછી બહાર દોડવાનું બંધ છે. બે વખત જિમનો આંટો માર્યો પણ મજા ન આવી. હવે દોડવાનું થશે, લાંબી દોડમાં. ચોક્કસ, એ રીપોર્ટ લાંબો અને મજાનો હશે.

* વિકિમેનિઆ પછી એક દિવસનો બ્રેક લઇને અહીંના પિરામીડ જોઇ આવ્યા. સરસ જગ્યા. પિરામીડ ચડવાની મજા આવી અને સાથે-સાથ ટકિલાનો ટેસ્ટ પણ કર્યો.

* સાથે-સાથ લોકલ માર્કેટમાં પણ જઇ આવ્યા. અહીં બધાંને ખોપડીઓનો બહુ ક્રેઝ લાગે છે 🙂

* એકંદરે મુલાકાત સારી રહી છે. હવે જોઇએ શું થાય છે. વેજિટેરિયન્સને દરરોજ શું ખાવું એ પ્રશ્ન તો હોય જ!

હોલા મેક્સિકો!

* લાંબી મુસાફરી, લેટ ફ્લાઇટ (ખરેખરમાં ફ્લાઇટો), ન્યૂયોર્કમાં બોરિંગ ૯+ કલાક અને જ્યાં અલ ચેપો હવે છૂટો ફરે છે એવી મેક્સિકો સીટીમાં આવી પહોંચ્યો.

* પહેલો દિવસ નાનકડો પિરામીડ જોવામાં, આજુ-બાજુ રખડવામાં અને ઉંઘવામાં ગયો. હજુ પ્રેઝન્ટેશન બનાવવાનું બાકી છે, પણ નિયમ મુજબ તે આગલાં દિવસે જ બનશે 😀

* આજે હેકેથોનનો પહેલો દિવસ છે. અને, સવારમાંજ ધવલભાઇની સરપ્રાઇઝ મુલાકાત થઇ. દોડવાનો કાર્યક્રમ આજ પૂરતો તો પડતો મૂકવામાં આવ્યો છે. આ શહેર સમુદ્રથી ૭,૦૦૦ ફીટની ઉંચાઈ પર છે, એટલે આગલી દોડ માટે અનુકુળ થઇ જવાશે.

* વિગતે પોસ્ટ કાલે કે પરમ દિવસે.

નવું રમકડું: Mi બેન્ડ

* એમ તો (અ)મારે પેલાં ફિટબિટ જેવો કોઇ ફિટનેશ બેન્ડ લેવો હતો, પરંતુ વારંવાર પેનું પ્રાઈસ લિસ્ટનું પાનું રીફ્રેશ કર્યા છતાંય તેનો ભાવ ઉતર્યો નહી (:D) એટલે, પસંદગી સસ્તાં એવા Mi બેન્ડ પર ઉતારી.

* નાનકડો રીવ્યુ:

૧. દેખાવ:

દેખાવ ઉપર જણાવ્યા પ્રમાણે સરળ અને સરસ. માત્ર ત્રણ લાઈટ્સ જે તમારી ગતિવિધિઓ દર્શાવે. દાત. તમે નક્કી કરેલ લક્ષનાં ત્રીજા ભાગ જેટલું ચાલ્યા હોવ તો એક લાઇટ બતાવે. જે જોવા માટેની રીત મસ્ત છે. સીધા ઉભા રહીને તમારો હાથ ઘડિયાળ જોવા માટે ઉંચો કરો તેવું ગેસ્ચર કરો ત્યારે તે લાઇટ્સ ચમકે.

૨. ગુણવત્તા:

સરસ. લાગે નહી કે આ ચાઇનિઝ વસ્તુ છે.

૩. ચોક્કસાઇ:

અત્યાર સુધી એક રન અને સ્ટેપ્સમાં ટેસ્ટિંગ કર્યું છે. ૯૫ ટકા ચોક્કસ.

૪. એપ:

અહીં આ લોકો થોડો માર ખાય છે. કોન્ફિઝ્યુઝિંગ. હજી પણ કેટલી બેટ્રી બાકી રહી કે કેવી રીતે ઉંધવામાંથી ચાલવામાં જવું તે જોવું એટલું સરળ લાગતું નથી (જોકે અમે બધું સમજી લીધું પણ એ માટે અઠવાડિયું લાગ્યું). તમે એલાર્મ ગોઠવી શકો છો, પણ એ માટે તમારું ફોનનું એલાર્મ ના ચાલે. અલગથી ગોઠવવું પડે. કોલ આવે ત્યારે વાયબ્રેશન થાય એ સરસ છે.

૫. સ્લિપ ટ્રેકર:

એકંદરે સરસ. પણ, દરેક ફિટનેશ બેન્ડની જેમ આ પણ બપોરની ઉંઘનું ધ્યાન રાખતું નથી. રાતની ઉંઘ કેટલી ગાઢ છે તેનું ધ્યાન રાખે છે, વચ્ચે તમે જાગ્યા હોવ (દા.ત. પીપી કરવા ઉભા થાવ) તો તેનું પણ ધ્યાન રાખે છે.

૫. કિંમત:

૯૯૯ રુપિયા. વસૂલ.

૬. ખાટલે મોટી ખોડ્સ:

વેચાણ સિસ્ટમ બકવાસ. સૌ પ્રથમ તો પેલી Mi ની નાટકવાળી લોટ્રીમાં અમારો નંબર ન લાગ્યો. પણ, ફ્લિપકાર્ટ પર એક દિવસ અમારા નસીબ ચમક્યા અને બેન્ડ મળ્યો. બીજો બેન્ડ જોઇએ છે પણ હવે મળતો નથી. કલર પણ હજી કાળો જ મળે છે.

અને હા, સાયકલ કેટલી ચલાવી એ ન જાણી શકાય 🙂

૩૯૮

* આ વળી શું? ફેસબુકમાં જાહેર કર્યું તેમ આ આંકડો ૬૦૦ માંથી પૂરા કરેલા કિ.મી. છે. એટલે કે ૬૦૦નો આંકડો આ વખતે પણ નડ્યો. ગયા વખતે પ્રવાસ નડ્યો હતો, આ વખતે પ્રયાસ, પંકચર અને પવન નડ્યા 🙂

* આ સાયકલિંગનો અનુભવ લખવા જેવો છે એટલે વિગતે લખીશ.

શનિવારે સવારે વહેલો ઉઠ્યો (ગુડ!) તૈયાર થઇને કાંદિવલી સ્ટેશને પહોંચ્યો અને પહેલાં એક ટ્રેન ચૂકી ગયો (કારણ? લગેજ ડબ્બો ન મળ્યો. જોયું? લોકલ ટ્રેનમાં સફર ન કરવાનું પરિણામ!). ટ્રેન મળી અને ગેટ વે પહોંચ્યો. ટીસી ન મળ્યો. સરસ. સમય સર પહોંચ્યો અને ટાઇમપાસ કરતો હતો ત્યારે પાછલાં ટાયરમાં ચેક કર્યું તો હવા ઓછી હતી. હવા ભરવાનો પ્રયત્ન કર્યો તો વાલ્વ જ ખરાબ થયેલો જણાયો. તરત જ ટ્યુબ બદલી એટલે સારું થયું. તો પણ, ૧૦ મિનિટ બગડી. ૧૫ કિમી ચાલ્યા પછી ખબર પડી કે, ૧. સ્ટાર્વા શરુ નથી કર્યું, ૨. સેડલ બેગની ચેઇન ખૂલ્લી રહી ગઇ છે. સ્ટાર્વા વગર ચાલે? ના ચાલે!! બંને ફિક્સ કર્યા પછી આગલા ૧૦૦ કિમી વાંધો ન આવ્યો. ભોરઘાટ આરામથી પસાર કર્યો અને કાર્લા થઇને પૂને સમયસર પહોંચ્યો (૧૬૫ કિમી).

સ્ટ્રોબેરી સ્મૂધી અને નાસ્તો કરીને વણખેડેલા રસ્તા પર આગળ વધ્યો. ૨૨૦ કિમી પર અંધારુ થવા માંડ્યું હતુ અને ત્યાં આવ્યો ખંડાલા ઘાટ (લિટલ ખંડાલા). આ એકદમ ૫ કિમીનો મસ્ત ઘાટ. સાથે બીજાં ચાર સાયકલિસ્ટ હતાં એટલે ચઢાણ સરળ બન્યું. પછી સડસડાટ નીચે ઉતરવાની મજા આવી. ફરી પાછો સીધો રસ્તો અને ત્યાંથી ૧૦ કિમી લાંબો પંચગિનીનો ઘાટ. એકદમ અફલાતૂન જગ્યા. મહાબળેશ્વર રાત્રે ૧૨.૨૦ જેવો પહોંચ્યો અને હોટેલ માટે ૨૦ મિનિટ બગાડી. આ બગાડ મહત્વનો હતો. સૂવા માટે સાયકલ સાથે ત્યાં વ્યવસ્થા હતી, પણ મારા જેવાં ૮ થી ૯ કલાક ઉંઘવા વાળા માણસને માત્ર ૧ કલાક જ ઉંઘવા મળે તે ચાલે? ના ચાલે! એટલે બધાં સાયકલિસ્ટ નીકળ્યા ત્યારે પણ હું ઉંઘતો હતો. ૧.૪૫ કલાકની ઉંઘ વધુ ન કહેવાય પણ અહીં વધુ હતી. બીજા ૪૫ મિનિટ ખાતામાં જમા. ત્યાંથી સતારા જવા માટે મેઢાનો ઢાળ. મસ્ત રસ્તો. બંને બ્રેક પર સંપૂર્ણ નિયંત્રણ જરુરી અથવા તમે એક સેકંડમાં ખીણમાં ખાબક્યાં એ નક્કી!!

રખડતાં કૂતરાઓએ મને જાગતો રાખ્યો અને હું સતારા પહોંચ્યો. આ ગામ મને યાદ રહેશે. શેના માટે? ભંગાર રસ્તાઓ માટે. વધુમાં બે એટીએમ બંધ નીકળ્યાં અને બીજી ૨૦ મિનિટનો બગાડ. કુલ બગાડ ૨૦+૪૫+૨૦.

સતારાથી પુને સુધી આવતાં તડકો આવી ગયો હતો અને મારી પાસે સમય ઓછો હતો. છેલ્લે ૩૯૮ કિમી પર પહોંચ્યો ત્યારે મારી પાસે ૪૨ કિમી પૂરા કરવાનાં હતાં અને ૧ કલાક અને ૨૦ મિનિટ બાકી હતી, જે કોઇપણ સંજોગોમાં મારી ઝડપ અને રસ્તાઓના ઢોળાવ જોતા પૂરા થાય એમ ન હતાં. એટલે પછી, મૂકો તડકે અને પકડો ટેમ્પો.

ટેમ્પો કરીને પુને કંટ્રોલ પોઇન્ટ પર પહોંચ્યો. આરામ કર્યો અને શેરવિનની જોડે (એને પણ કંટાળીને પુનેથી પડતું મૂકેલું) બસમાં બેસી ઘરે આવ્યો.

વધુ પ્રેક્ટિસની જરુર છે. પણ, હવે મોટ્ટું રનિંગ આવે છે એટલે એની પોસ્ટ આ મહિનાના અંતે પાક્કી!

૬૦૦

* આ રવિવારે: મુંબઈ-પુને-મહાબળેશ્વર-સતારા-પુને-મુંબઈ.

* સાયકલ તૈયાર નથી, હું તૈયાર છું. મડગાર્ડ હજી કોઈના ઘરે પડ્યું છે. સાયકલની એકસ્ટ્રા ટ્યુબ જોડે છે. નવો પંપ છે. ઓહ, સસ્પેન્સન એવું જ વળેલું છે.

* અને, વરસાદ નથી. એટલે :/