ગુગલ +

* હજી તો આપણે આ વિશે બ્લોગ પોસ્ટ લખીએ ત્યાં સુધીમાં તો આ ગુગલ પ્લસનું મોજું-ઘેલછા કે ગમે તે કહો તે આખા ઇન્ટરનેટ વિશ્વમાં વ્યાપી ગયું છે. વિચાર સરસ છે. ખાસ કરીને જીમેલ સાથે જોડાણ સારું એવું લાગે છે (અને ખરાબ પણ. ઓફિસમાં બિચારાઓ હવે ગુગલ પ્લસને કઈ રીતે બ્લોક કરશે?). ગુગલને ફાયદો લોકોની તૈયાર બનેલી ગુગલ પ્રોફાઈલ્સમાંથી મળ્યો છે એટલે મોટાભાગનાં લોકોએ તેમની પ્રોફાઈલ નવેસરથી નહી બનાવવી પડે. બીજી સારી વસ્તુ છે કે તમે તમારો ડેટા સહેલાઈથી ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો. સ્કાયપેનો વિકલ્પ (Hangout) પણ આવી ગયો છે, એટલું સારું છે (લિનક્સ વાળાઓને થોડી શાંતિ રહેશે).

લોભિયા હોય ત્યાં..

… ધુતારા ભૂખ્યા ન મરે. પણ, જોબ જેવી વસ્તુ સાથે તમારા જોડે ઠગાઈ થાય તો? હમણાં પ્રતિકે ટ્વિટર પર લખ્યું તેમ તેની કોલેજમાં (બાબરિયા ઈન્સ્ટ. ઓફ ટેકનોલોજી) કોઈ (અમદાવાદની) કંપની કેમ્પસમાં આવીને ૧૨-૧૪ જણાંને નોકરીએ રાખીને રજીસ્ટ્રેશન ફી લઈને ગાયબ થઈ ગઈ. હવે બિચારા કોલેજ સ્ટુડન્ટ્સને ક્યાંથી આવી ખબર હોય. આજે પાછો એક સરસ ઈમેલ આવ્યો (મને અને બીજા ઘણાં જણને આવ્યો) કે તમે અમારી કંપનીમાં સિલેક્ટ થયા છો, તો ઈન્ટરવ્યુ માટે તમને અમે એર ટિકિટ મોકલીશું પણ તમારે ૧૨,૯૦૦ રુપિયા મોકલવા પડશે. હા હા. (જુઓ લાઈન નંબર ૭૧).

સાર:

૧. કેમ્પસમાં કંપની આવે ત્યારે કંપનીની પ્રોફાઈલ બરાબર ચકાસો. જાણીતી કંપની ન હોય તો, આપેલા સરનામાં પર જઈ તપાસ કરો અથવા તમારા સિનિયર્સ કે અન્ય લોકોને આ કંપની વિશે પૂછો. મોટાભાગે કોઈપણ સારી કંપની કોઈ પ્રકારની ફી માંગતી નથી. બહુ મોટી કંપનીઓમાં બોન્ડ હોય છે જે તમારે મોટાભાગે જ્યારે તમે કંપની જોઈન કરો ત્યારે સાઈન કરવાના હોય છે.

૨. મોટી કંપનીઓ હોવા છતાં તમે જ્યારે કંપની જોઈન કરવા જાવ ત્યારે જરુર ન હોય ત્યારે તમને ના પાડી દેવી કે વર્ષ, બે વર્ષ બેસાડી રાખવા જેવી ઘટનાઓ બની છે. નામ નથી લખતો પણ બે-ચાર મોટી કંપનીઓ આ માટે ફેમસ છે.

૩. કોઈ કંપની માત્ર ઈમેલ પર ઈન્ટરવ્યુ માટે બોલાવતી નથી. ખાસ ધ્યાન રાખવું. કોઈ પણ કંપની એર ટિકિટના પૈસા માંગતી નથી. માંગે તો બાય-બાય કહેવું.

૪. સબ બંદર કા વેપારી જેવી કંપનીઓથી દૂર રહેવું. આજ-કાલ સોફ્ટવેરમાં આવી કંપનીઓ બહુ છે. તમે માંગો તેવું કામ કરી આપે. નો ફોકસ. ગમે તે ટેકનોલોજી પર તેમની માસ્ટરી હોય!

બાકી તો રામ હી રાખે!!

૧ કરોડનો બંગલો અને..

* કવિનની સ્કૂલ ઘરથી નજીક છે અને રસ્તામાં બે-ત્રણ બંગલોઝ (સોસાયટી) આવે છે. હવે, દરરોજ આ બંગલા વાળા પોતાનો બંગલો સાફ કરવા માટે એટલું પાણી ઢોળે છે કે રસ્તાની બાજુ પર ચાલવું શક્ય નથી (કહેવાની જરુર છે કે ફૂટપાથ જેવી વસ્તુનું નામોનિશાન નથી). અને જો રસ્તા પર ચાલીએ તો ડાફોળિયા મારીને વ્હીકલ ચલાવતા લોકો જોડે ભટકાઈ જઈએ. તો શું આ કરોડ રુપિયાના બંગલો વાળાઓને ૧ રુપિયાની ય બુધ્ધિ કે કોમન સેન્સ નહી હોય?

પુસ્તક: કુકિંગ ફોર ગિક્સ

* ડેબિયન અને બીજાં ઓપનસોર્સ પ્રોજેક્ટમાં કામ કરતાં અનેક નવાં મિત્રો બન્યા છે (એમાં કેટલાકને હું ક્યારેય મળ્યો નથી) અને મિત્રતા રીઅલ લાઈફ મિત્રો જેવી જ સારી એવી છે. ડેબિયનમાં હું netsniff-ng નામનું પેકેજ સંભાળુ છું (જે નેટવર્ક કે પ્રોટોકોલ એનાલિસિસ અથવા વાયરલેસ ક્રેક કરવા અથવા રીવર્સ એન્જિનિયરિંગ માટે વપરાય છે :P). આ પરથી તેના મુખ્ય ડેવલોપર જોડે વધુ ઓળખાણ થઈ અને મારી થોડી એવી મદદને કારણે અમે નાનકડાં (પણ, સ્ટુપિડ) બગ્સ ઉકેલી શક્યા. થોડા સમય પહેલાં ચેટ દરમિયાન તેણે કહ્યું કે મદદ માટે હું તને કંઈક ગિફ્ટ મોકલવા માંગું છું. મેં કહ્યું કંઈ પણ મોકલજે (જે તને સસ્તું પડે તે). ગઈકાલે બહાર જવાની તૈયારી કરતાં હતાં અને પોસ્ટ આવી તો,

કુકિંગ ફોર ગીક્સ

સરસ પુસ્તક છે. જોકે થોડા પાનાં ઉથલાવ્યા તો ઘણી વસ્તુઓ નોન-વેજ છે. પણ, કિચન અને કુકિંગની સારી એવી ટીપ્સ મારા જેવાં રસોડાં તરફ ન ફરકતાં લોકો માટે સારી રીતે આપેલી છે. બ્રેકફાસ્ટ વગેરે તો હું ટ્રાય કરી શકીશ. અને, આમ પણ જમવાનું બનાવવાનું શીખવાનું એ આ વર્ષના વિશલિસ્ટમાં હતું ખરું એવું મને યાદ છે.. 🙂

થેન્ક્સ, ડેનિઅલ!

ગુગલ ટ્રાન્સલેટ

* આ કેવું લાગે?

કાકી એ કાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. –> Uncle, aunt, said that the glass is out kabatamanthi kacumbara raw mango.

ગમે તે હોય પણ, ગુગલ ટ્રાન્સલેટ સરસ છે. તેમ છતાં, ગુગલ વાળા બહુ સ્માર્ટ છે અને તેમણે ટ્રાન્સલેશન API બંધ કરી દીધી છે.

અપડેટ્સ

* મમ્મી-પપ્પા થોડા સમય માટે અહીં છે અને કવિનને જલ્સા છે. અમારે પણ. ગઈકાલે પહેલીવાર કવિન વગર ડિનર માટે ગયા અને પેટભરીને વાતો કરી (જમવાનું વળી શું?). કવિનની સ્કૂલ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે અને હવે નોટબુક-ચોપડીઓ ઘરમાં દેખાય છે. ખાસ કવિન માટે એક લાકડાંનું કબાટ વત્તા ટીવી યુનિટ બનાવવામાં આવ્યું છે (જે હજી સંપૂર્ણ નથી થયું).

* ગરમી થોડી ઓછી થઈ છે, એટલે લેપટોપ બિચારું ઠંડુ રહે છે એટલું સારુ છે.

* નક્કી કરેલું કે ફેસબુકમાં કોઈનીયે વોલ પર કોમેન્ટ ન કરવી. પણ, આદત થી મજબૂર. હવે જરા નિયંત્રણ રાખવું પડશે.

* અપડેટ કરેલો ફોન સરસ ચાલે છે. બ્લેકલિસ્ટ કરવા માટેનો સરસ વિકલ્પ ફોનની જોડે જ છે. એક જ ક્લિક અને ન જોઈતા ફોનમાંથી છૂટકારો. બીજા કોઈ ખાસ સોફ્ટવેર નાખ્યા નથી, કારણ કે મારા પ્રાયમરી રાઉટર અને ફોનનાં વાઈ-ફાઈને બહુ લેણું નથી. રાઉટર બિચારું વારંવાર રીબૂટ થાય છે.. એરટેલ વાળાને ફોન કરવાનો કોઈ ફાયદો દેખાતો નથી.

* વરસાદની રાહ (ના, ચાતક નજરે નહી) જોવાય છે…

ફોન અપડેટ અને ફાધર્સ ડે..

* મારો ફોન (HTC Tattoo) બિચારો એન્ડ્રોઈડ ૧.૬ પર અટકી ગયો હતો અને ક્યારનુંય મારું મન બીજો ફોન લેવા ભટકતું હતું. પછી, ગઈકાલે રાત્રે નવરો બેઠો સર્ફિંગ કરતો હતો ત્યારે યાદ આવ્યું કે એન્ડ્રોઈડ એસ.ડી.કે. વગેરેનું સેટઅપ તો કરેલું છે તો ચાલો સાયનોજેન મોડ પરથી અપડેટ કરીએ. મોટાભાગની કંપનીઓ એન્ડ્રોઈડની જોડે પોતાની ફાલતુ UI અને ચોંટી પડેલ એપ્લિકેશન્સ આપતી હોય છે. સાયનોજેન મોડ એ કસ્ટમ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ છે (પણ, તમારી વોરંટી ગઈ ખાડામાં..). જોકે તમને લેટેસ્ટ ફર્મવેર અને ઓપરેટિંગ સિસ્ટમ મળે એટલે શું જોઈએ. હું જોકે છેલ્લાં ફોન sync કરવાનું ભૂલી ગયો એટલે છેલ્લાં ૧૦-૧૨ દિવસનાં ફોન નંબર ઉડી ગયા, બાકી બધું બરાબર છે અને ફોન સરસ ચાલે છે. બેટ્રી લાઈફ અને ઈન્ટરફેસમાં ખાસ્સો સુધારો થયો છે. સ્કાઈપે (ઓહ..) આવી ગયું છે. વગેરે વગેરે.

સ્ક્રિનશોટ વગેરે પછી મૂકવામાં આવશે 🙂

* આજે ફાધર્સ ડે છે. વિશ્વનાં સૌ પપ્પાઓને હેપ્પી ફાધર્સ ડે. પપ્પાને સવારે ફોન કર્યો. તેમને તો ફાધર્સ ડે તો ખ્યાલ જ નહોતો. પણ, કવિને સવારે મારા જોડે મસ્તી કાઢીને ફાધર્સ ડેની સારી શરુઆત કરી છે.

હેપ્પી બર્થ ડે, કવિન!

* કવિનને આજે ચાર વર્ષ પૂરા થયાં અને તેને આ વખતે શું ગિફ્ટ આપવી તે કંઈ નક્કી નહોતો કરી શકતો. જો તેને જોડે લઈ જઈએ તો એ જ ગન કે પછી તીર-કામઠાં ઘરમાં આવે. પણ, રિલાયન્સ ટાઈમ આઉટ (માનસી સર્કલ નજીક) માં મને કોઈ તીર-કામઠાં દેખાયા નહોતા એટલે તેને જોડે લઈ ગયો (અને આમેય ઘરમાં અમને હેરાન કરતો હતો). ત્યાંથી તેનાં માટે એક મિની-પિઆનો લીધો છે. સારો છે. જોડે માઈક પણ છે, તમે જોડે ગાઈ શકો છો (જો આવડે તો).

પિઆનો અને કવિન..

સાંજે કેક વત્તા બહાર ડિનર પર જવાનો નાનકડો કાર્યક્રમ છે. ફોટા વગેરે ફ્લિકર પર (જો સારા આવશે તો) મૂકવામાં આવશે.

અમદાવાદ ફોટોવોક ૧ – લાલ દરવાજા અને આજુ-બાજુ

* ફોટોવોક એટલે શું? ફોટોવોક એટલે અમુક લોકો ભેગા થઈને ચાલતા-ચાલતા કોઈક ચોક્કસ જગ્યાઓના ફોટા પાડે તે. તો આવી જ એક ફોટોવોક આજે સવારે ૬ થી ૯ દરમિયાન રાખેલી હતી. અમે બધા સીદી સૈયદની જાળી આગળ ભેગા થયા. ડો. વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરમાં ચાલતી ફોટોગ્રાફી ક્લબના કેટલાંક સભ્યો પણ જોડે હતા. આનંદની વાત હતી કે ભાર્ગવ પંડ્યા (જુઓ મારી IPR વર્કશોપ વાળી પોસ્ટ) અમારી સાથે હતા. સીદી સૈયદની જાળી, ભદ્ર, ત્રણ દરવાજા, જામા મસ્જિદ, થોડીક પોળો અને પછી રીલીફ રોડ. આટલી જગ્યાએ અમે ફર્યા. નવી ઓળખાણો થઈને મજા આવી ગઈ. દુર્ભાગ્યે ગરમી વધુ હોવાથી અમારે ૯ વાગ્યે જ કાર્યક્રમ સમેટી લેવો પડ્યો.

મારા અમુક ફોટાઓ ફ્લિકરના અમદાવાદ ફોટોવોક ૧ સેટ પર જોવા મળશે.

તો, હવે પછી ફોટોવોક હશે તો બ્લોગ પર જાણ કરીશ. બધાંને આમંત્રણ છે. પશ્ચિમ અમદાવાદમાં ફોટા પાડવા જેવી કોઈ જગ્યા ખરી? જણાવવા વિનંતી.

ફેસબુક

* ફેસબુકમાં ફરી પાછા આવવાનું મન થયું. પણ, આવ્યા પછી, અત્યંત દુખ થયું કે,

અને હા,

૧. હું મારી વોલ (કે કદાચ બીજાની પણ) પર કોઈ પોસ્ટ કરીશ નહી. ટ્વિટર કે વર્ડપ્રેસનું જોડાણ કદાચ જ રાખીશ.

૨. ઓળખીતાં, રુબરુ મળેલા અને મિત્ર તરીકે ગણતો હોઈશ એવા જ વ્યક્તિઓને ઉમેરીશ. બાકીને બાય-બાય.

૩. માત્ર રજાના દિવસે જ ફેસબુક હાથમાં લેવામાં આવશે.

(આ છેલ્લો મુદ્દો હજી કાચો મુદ્દો જ છે.)