મુંબઈ ડાયરી

ના. નો ધોબી ઘાટ.

એ તો મુંબઈ પડેલી મારી પર્સનલ ડાયરીઓ હવે બ્લોગ પર એડિટ-કટ કરીને પોસ્ટ કરવાનો વિચાર આવ્યો છે. મેં લગભગ ૧૨મા ના વેકેશનથી ડાયરી લખવાની ચાલુ કરેલી. કોલેજનાં ત્રણ વર્ષ અને હોસ્ટેલમાં સારી એવી ડાયરી લખાઈ. અરે, એન્ગેજમેન્ટ અને મેરેજ પછી પણ લખાઈ, પણ બ્લોગ આવ્યા પછી ડાયરીઓ પડતી મૂકાઈ. છેલ્લી મુંબઈ મુલાકાત વખતે એ ડાયરીઓ પાછી લાવવાનો વિચાર હતો, પણ ઓવરલોડેડ સામાનના કારણે વિચારની સાથે ડાયરીઓ પડતી મૂકાઈ.

ફરી ક્યારેક.

લિનક્સ સોફ્ટવેર – સ્ક્રિન

* આ વાંચતા પહેલાં જુઓ – લિનક્સ સોફ્ટવેર – ટર્મિનલ લેખ.

ટર્મિનલ વડે તમે કોઈ બીજા રીમોટ કોમ્પ્યુટર પછી લોગીન કરો છો અને કોઈ ક્રિયા (કે પછી કીડા) કરતા હોવને અચાનક ઈન્ટરનેટ બંધ થઈ જાય (તમારું અથવા સામેનાં કોમ્પ્યુટરનું) તો? તમારી પ્રક્રિયા અડધેથી બંધ થાય. કોઈ સોફ્ટવેર ઈન્સ્ટોલ કરતા હોવ તો વાટ જ લાગે કારણકે તેમાં ઘણી વાર કોમ્પ્યુટરને નુકશાન થઈ શકે. આનો સૌથી સરળ ઉપાય છે, સ્ક્રિન.

સ્ક્રિનનું માત્ર એક જ કામ. તમારા લોગીન પહેલાં તે એક સેશન (સત્ર) શરુ કરે. જેથી, તમારો અને રીમોટ કોમ્પ્યુટરનો સંપર્ક તૂટે પણ, તમારાં સેશન અને કોમ્પ્યુટરનો સંપર્ક ન તૂટે. સ્ક્રિન વળી તમે ડીટેચ કરી શકો છો. એટલે કે, લોગીન કરો, કામ ચાલુ કરો, સ્ક્રિન ડીટેચ કરો, લોગ આઉટ કરો. ફરી પાછું લોગીન કરી, સ્ક્રિનને એટેચ કરો એટલે તમારા સેશન સાથે જોડાઈ શકો છો.

ન સમજાયું? લિનક્સ (કે મેક) વાપરતા હોવ તો screen ઈન્સ્ટોલ કરો. કેટલાંક ટ્યુટોરિઅલ અને લિંક નીચે આપેલ છે. બે વખત વાંચ્યા પછી, તમને થશે – યક, આ સોફ્ટવેર પહેલા મળ્યું હોત તો? બીજી સરસ વાત કે તમે તમારા ટર્મિનલમાં સેશન share પણ કરી શકો છો. જો દુનિયાના સામેના છેડે બેઠેલો માણસ તમને ટર્મિનલ પર કંઈક શીખવાડતો હોય તો, એનાથી મજાની વસ્તુ કઈ હોય?

૧. સોફ્ટપિડિઆનો લેખ
૨. man screen
૩. સરસ રજૂઆત (.pdf)

જ્યારે અમે નાના હતાં – ૧૨

* T.Y.B.Sc. પૂરુ થયું એટલે નક્કી નહોતું કે આગળ શું કરવું? ત્રણ જ વિકલ્પ હતાં – M.Sc., M.B.A., M.C.A. અને આ એમ.સી.એ.માં મને ખરેખર નહોતો ખ્યાલ કે શું ભણવાનું આવે છે. મારો ધ્યેય તો એમ.એસસી. કરીને વૈજ્ઞાનિક બનવાનો હતો. પણ, વેકેશનમાં એરિથમેટિક અને લોજીકલ રીઝનિંગ ઉપર બહુ મહેનત કરી. બે-ત્રણ પરીક્ષાઓ આપી. પણ, પરિણામ આવવાની ઘણી વાર હતીને કોઈ આશા નહોતી કે એડમિશન મળશે અને મળશે તો પેમેન્ટ સીટ પર મળશે તો ના જ પાડવાની હતી. છેવટે, વિદ્યાનગરનાં ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીક્સમાં અમે એડમિશન લીધું. પહેલાં અમે ગુરુકુળમાં રહેવાનું નક્કી કર્યું, પણ ૫ વાગે ઉઠવાની વાત સાંભળી એટલે કોલેજની જરી-પુરાણી હોસ્ટેલમાં જતા રહ્યા. કોઈ નિયમ નહી, રેક્ટર મહિને એકાદ વખત આંટો મારે છે તેવું સાંભળ્યું હતું.

વિદ્યાનગર લગભગ એક મહિનો રહ્યો. કોલેજ સરસ રીતે ચાલી રહી હતી ને સમાચાર મળ્યા કે બીજા દિવસે એમ.બી.એ અને એમ.સી.એનું પરિણામ છે, રીનીતે રીઝલ્ટ જોઈ કહ્યું કે તું બન્નેમાં પાસ થઈ ગયો છે. મેં નક્કી કર્યું કે પહેલા એમ.બી.એ.માં પ્રયત્ન કરવો. સારી કોલેજ મળે તો ઠીક છે. એડમિશન માટે ગયા તો ખબર પડી કે છેલ્લી કોલેજનું એન.ઓ.સી (નો ઓબ્જેક્શન સર્ટીફિકેટ) જોઈએ જ. અને, એ પણ અત્યારે જ. હવે પાલનપુર કેવી રીતે જવાય? જય ગુ.યુ. બધો પ્લાન પડતો મૂક્યો. પાછો વિદ્યાનગર ગયો અને ભણવામાં ધ્યાન આપ્યું. વિદ્યાનગર જીજ્ઞેશ હતો એટલે થોડો સમય ફર્યો. હોસ્ટેલની ફીની લાઈનમાં ઉભો હતો ત્યારે દર્શનની ઓળખાણ થઈ અને હજી સુધી અમારી મિત્રતા ચાલુ છે. ફરી પાછો એમ.સી.એ. માટે આવ્યો. સદ્ભાગ્યે, ફ્રી સીટ પર એલ.ડી.માં એડમિશન મળ્યું. ફી માત્ર ૫૦૦ રુપિયા પર સેમિસ્ટર (છોકરીઓને તો એનાથીય ઓછી).

વિદ્યાનગરથી પોટલાં સંકેલી અમદાવાદ આવ્યો. થોડા સમયની વાર હતી અને છેલ્લાં અઢી મહિનાથી ઘરે ગયો નહોતો એટલે પાલનપુર ખૂબ રખડ્યો અને પછી, કોમર્સ છ રસ્તા પર આવેલી મેવાડા હોસ્ટેલમાં અમારા ધામા થયા. હોસ્ટેલની લાઈફ અદ્ભૂત હતી. એમાંય મેવાડા હોસ્ટેલની વાતો જ ન્યારી છે. એ માટે આગલી પોસ્ટની રાહ જોવી પડશે.

અપડેટ્સ

* અચાનક ઠંડી વધી ગઈ છે અને હું અને કવિન બન્ને થોડા બિમાર છીએ. છતાંય, બન્ને જણાં આજે સ્કૂલે અને કામ પર ગયેલા (એટલે કે લેપટોપ પર ચોંટી રહ્યો). આરામ લેવાય એવો નથી.

* ગઈકાલે કવિનને જમ્પ મારવા હતા એટલે આર-૩ મોલ ગયેલા. આ મોલ એકદમ બુંદિયાળ અને ફ્લોપ લાગે છે. રજા હોવા છતાંય કોઈ વસ્તી જ નહી. એક પછી એક દુકાનો બંધ થતી જાય છે. પહેલાં અમારું ફેવરિટ મેક્સ હતું (જે હવે ગેલોપ્સ મોલમાં છે, કે પહેલેથી ત્યાં પણ હતું), વિજય સેલ્સમાં મોટું સેલ છે એવી જાહેરાતો વાંચીને ત્યાં પણ ગયા, પણ કંઈ ખાસ હતું નહી. સેલ્સમેન કેમેરા બાબતે બધાને પોપટ બનાવતા જોઈ શકાયા.

* કાલિકટ જવાનું લગભગ રદ્ કરવું પડે તેમ છે, પણ એક બીજી કોન્ફરન્સ-ઈવેન્ટ ૫મી ફેબ્રુઆરીએ અમદાવાદમાં છે. જો તમને HTML5 માં રસ હોય તો – http://www.doctypehtml5.in/ – જરુરથી જોઈ લેજો. હું કદાચ તમને ત્યાં મળી શકીશ 🙂

* મોબાઈલમાં આજ-કાલ જીપીએસ નો ઉપયોગ વધી ગયો છે. થોડા દિવસ પછી તેનું સુંદર પરિણામ મળશે તેવી આશા છે.

પ્રજાસત્તાક દિવસ

.. કે પ્રજાને સટ્ટાક દઈને અપાતા તમાચાઓનો દિવસ? વધુ ન લખતાં ઊર્વિશભાઈનો આ લેખ – લોકશાહી સલામત, પ્રજાસત્તાક ખતરામાં – વાંચવાનો આગ્રહ છે.

બાકી તો, જય હિંદ.

લિનક્સ સોફ્ટવેર – ટર્મિનલ

* ટર્મિનલ એ કદાચ લિનક્સ જગતમાં સૌથી ઉપયોગી સોફ્ટવેર પ્રકાર છે. ટર્મિનલ એટલે જેના વડે તમે તમારા કોમ્પ્યુટર (એટલે કે લિનક્સને) તમારે જોઈતો આદેશ ઉર્ફે કમાન્ડ આપી શકો. આ કમાન્ડ એક અથવા અનેક અથવા પ્રોગ્રામિગ સ્વરૂપે હોઈ શકે છે. વિન્ડોઝમાં આ પ્રકારનું સોફ્ટવેર કમાન્ડ પ્રોમ્પ્ટ છે, પણ કમનસીબે એ એટલું નબળું છે કે એના વિશે વધુ વાત કરવી એ પાપ છે. હા, PuTTY એક સારું સોફ્ટવેર છે.

ટર્મિનલ અનેક પ્રકારનાં સોફ્ટવેર સ્વરુપે મળે છે – Gnome Terminal, Konsole, Xterm, વગેરે વગેરે.

ટર્મિનલ વગર સિસ્ટમ સંચાલન (System Administration) લગભગ અશક્ય છે. ટર્મિનલ વડે તમે ssh કે telnet જેવાં કાર્યક્રમો વડે બીજાં કોમ્પ્યુટર કે સર્વર પર પ્રવેશ કરીને તમને જોઈતા કામ કરી શકો છો. અમારા જેવાં work-from-home વાળા વ્યક્તિઓને ટર્મિનલ મળે એટલે બસ છે.

અને હા, ટર્મિનલ પર તમે – ઈમેલ, ગુગલ-યાહુ ચેટિંગ, આઈ.આર.સી., વગેરેનો પણ ઉપયોગ આરામથી કરી શકો છો.

વેકેશન: કેરાલા – ભાગ ૩

* ઠેકડીથી વહેલી સવારે મુન્નાર જવાનો પ્લાન હતો, પણ આગલી રાતનાં થાક અને ખાસ ગાઢ અસરોના કારણે મોડું થઈ ગયું. જોડે બચ્ચાં પાર્ટી હોય એટલે વળી તેમને સંભાળવામાં મોડું થાય એમ ગણીને જ ચાલવાનું. રેસ્ટોરાંમાં બેઠાં હતાં ત્યારે એક સરસ ઘટના બની. નાળિયેરનાં ઝાડ પરથી નાળિયેર પડ્યું અને નળિયાની છત તોડી છેક અમે બેઠાં હતા (અને કવિન, સાનિયા અને પ્રણય રમતાં હતાં) ત્યાં આવી ગયું. કવિને એ નાળિયેર મુન્નાર છોડ્યું ત્યાં સુધી સાચવી રાખ્યું.

થોડા સમય પછી એટલે કે લંચ સમય પછી મુન્નાર હોટલ પર પહોચ્યા. અમારી જગ્યા મુન્નારની ૨૨ કિ.મી. પહેલાં હતી, પણ સ્થળ એકદમ સરસ. ત્યાં પહોંચીને લંચ લીધું, જે લીધાં પછી અમે પસ્તાયા અને ડિનર અમે નાનકડાં ધાબા પર કર્યું, જે ખરેખર સરસ હતું. ત્યાં પછી રાત્રે ભેગાં મળીને પત્તાં અને ક્વિઝ રમ્યા. નિરવ-નિકિતાએ સરસ રીતે ક્વિઝ અને સામાન્ય જ્ઞાનની રમત આયોજન કરી. અમને સૌ કોઈને ઈનામ પણ મળ્યું. બીજા દિવસે પહેલાં એક સ્પાઈસ ગાર્ડન (મુન્નાર અને આજુ-બાજુ આવાં સ્પાઈસ ગાર્ડન ઢગલાબંધ છે, જ્યાં તમને વિવિધ મસાલાનાં છોડ-ઝાડ બતાવવામાં આવે છે). ટી મ્યુઝિયમની મુલાકાત લીધી, જ્યાં મુન્નારનાં ઈતિહાસ અંગેની દસ્તાવેજી ફિલ્મ અને ચા કઈ રીતે બને છે બતાવવામાં આવ્યું. એક બ્લેક ટીનું પેકેટ લીધું. ગઈસાલ મારો ભાઈ ઢગલાબંધ ચા લાવેલો, જે અમને કોઈને ભાવી નહોતી એટલે અમે માપની જ સેમ્પલ ચા લીધી. ચા બનાવવાની સાચી રીત અમને જાણવા મળી (પણ હજી પ્રયોગ કરવામાં આવ્યો નથી).

પછી, હાઈડલ પાર્ક નામના બગીચામાં મસ્તી કાઢવામાં આવી. કવિન આમપણ હિંચકા જોઈને ગાંડો થાય છે.

બપોરે એક ગુજરાતી થાળીને ન્યાય આપ્યા પછી, મટ્ટુપેટ્ટી ડેમની મુલાકાતે ગયા અને સ્પિડબોટમાં સફર કરી. બધાંને બહુ મજા આવી. રાત પડતા સુધી બધાં બહુ થાકી ગયેલા અને બીજા દિવસે વહેલાં કોચીન માટે નીકળવાનું હતું એટલે નિદ્રાધીન જલ્દી થવામાં આવ્યું.

બીજા દિવસે તો અમે એકદમ વહેલાં ઉઠ્યા પછી ખબર પડીકે જ્યોર્જે (અમારા ડ્રાઈવર અંકલ) સમાચાર આપ્યા છેકે વાનમાં ક્લચ બગડી છે, તો ૧-૨ કલાક લાગશે. ત્યાં સુધી અમે રીસેપ્શન આગળ વાઈ-ફાઈની મજા માણી. નિરવે શોધી કાઢ્યુ કે વાઈ-ફાઈમાં DNSના લોચા છે એટલે અમે ૮.૮.૮.૮ નો સહારો લીધો અને મસ્ત રીતે વાઈ-ફાઈ મળ્યું. જોકે ફોન-આઈપોડ પર કોઈ ઈમેલના જવાબ ન આપવામાં આવ્યા.

કોચીન પહોંચતા સુધીમાં સાંજ પડી ગઈ. લંચ અમે ભરપૂર ફ્રુટ્સ વડે કર્યું. કોચીનમાં હોટલમાં ઉતર્યા પછી સાડીઓ વગેરેની ખરીદી માટે એમ.જી. રોડ ગયા. કોચીન બીચ વગેરેનો પ્લાન પડતો મૂકાયો અને એમ.જી. રોડ પર જ ડિનર પતાવવામાં આવ્યું. બીજા દિવસે સવારે કોચીન એરપોર્ટ અને કિંગફીશરે આ વખતે અમને સમયસર મુંબઈ એરપોર્ટ પહોંચાડ્યા.

એટલે કે, એક સરસ વેકેશનનો અંત. હવે આવશે મજા – માથાં પર આવી પડેલાં બાકી કામ પૂરા કરવાની 😀

(નોંધ – કેરાલા સીરીઝ સંપૂર્ણ.)

અપડેટ્સ

* ઓફિસમાંથી નવું લેપટોપ Lenovo T410 મળ્યું એટલે ગઈકાલ સાંજથી તેને ક્યાં રાખવું એ મથામણ ચાલે છે. અત્યારે તો તે વિન્ડોઝ ૭ પ્રોફેશનલ (હેહે, પ્રોફેશનલ..) ધરાવે છે અને એક કી-બોર્ડ, માઉસ વડે લિનક્સ લેપટોપ જોડે સિનર્જી વડે જોડાયેલ છે. પણ, આ વિન્ડોઝ ૭ તો માત્ર ૭ દિવસ..

Lenovo T410

* ફેબ્રુઆરીમાં ફરી પાછો કોઝિકોડે, સુરત અને માર્ચમાં બેંગ્લોર – ત્રણેય જગ્યાએ ટેક-ઈવેન્ટ્સ. મજા આવી જશે. પહેલી બે જગ્યાએ ડેબિયન, ત્રીજી જગ્યાએ કેડીઈ.

* ઘર માટે સ્કેનર-પ્રિન્ટર-કોપી સુવિધા ધરાવતું MFD લેવાનું વિચારું છું. કોઈ સૂચનો?

વેકેશન: કેરાલા – ભાગ ૨

* ગ્રીન પેલેસમાં ડિનર સિવાય દરેક વસ્તુમાં મજા આવી. સાઉથ ઈન્ડિયન લોકો મસાલા નાખવામાં કેમ કંજૂસ હોય છે? 🙂 એની વે, ત્યાંથી અમારે બીજા દિવસે હાઉસ બોટમાં જવાનું હતું. બપોરે ૧ વાગે હાઉસબોટ ગ્રીન પેલેસ આવી પહોંચી. ૫ ફેમિલી વચ્ચે ૨ હાઉસબોટ હતી. હું, નિરવ અને પિયુષ ૩ બેડરુમ વાળી હાઉસબોટમાં ગોઠવાયા જ્યારે મોટો વસ્તાર ધરાવતા અનિલ, પરેશ મોટી હાઉસબોટમાં ગયા.

હાઉસબોટની વ્યાખ્યા અમારા માટે નવી હતી, પણ એક દિવસ અને રાત એમાં વીતાવ્યા પછી, હાઉસબોટનો અનુભવ અદ્ભૂત બની રહ્યો. આખો દિવસ અમે બેકવોટરમાં ફર્યા. વચ્ચે કોઈ એક ચર્ચ જોયું, બજારમાં થોડું ફર્યા અને પછી બન્ને હાઉસબોટ નજીક લાવી રાત્રિ રોકાણ. બન્ને બોટ વચ્ચે પાટીયું નાખી નાનકડો પુલ બનાવવામાં આવ્યો. કવિન અને બચ્ચાંપાર્ટીઓને મજા આવી ગઈ. મોટાંઓને બીયર, વોડકા અને પત્તાં રમવાની મજા આવી.

હાઉસબોટનાં કેર-ટેકર બહુજ સરસ હતાં. કંઈ વાત-વાતમાં બીઅર શબ્દ મારાથી બોલાયો અને તેણે કહ્યું કે સર, બીઅર છે – લાઉં? ના પડાય? કેરાલામાં જોકે દારુ પર ૧૦૦ ટકા ટેક્સ હોય છે એટલે મોંધો મળે પણ ગુજરાત જેવું નહી કે મોંઘો, નકલી અને ગેરકાયદેસર મળે 🙂

અનિલ-પરેશ વાળી હાઉસબોટમાં તો કેર ટેકર્સને પહેલી વાર ખીચડી ખાવા મળી અને તેમણે આરામ કર્યો! બીજી સરસ વસ્તુ, ફીશ આકારમાં કાપેલું પાઈનેપલ.

બીજા દિવસે હાઉસબોટે અમને એક જગ્યાએ ઉતાર્યા જ્યાં અમારી વાન અમને લેવા માટે તૈયાર ઉભી હતી. કેર-ટેકર્સને થેન્ક્સ કહી અમે ભાર હ્દ્યે વિદાય થયા – ઠેકડી તરફ.

ઠેકડી પણ સરસ જગ્યા નીકળી. અમારી હોટલ (એલનહિલ્સ રીસોર્ટ) એકદમ સરસ પ્રકારની હતી. બધાં રુમ વચ્ચે સારુ એવું અંતર અને એકદમ ઢોળાવ વાળો રસ્તો. કવિનને બહુ સાચવ્યો, પણ ઠેકડાંઓ મારતી વખતે એકાદ વખત પડ્યો તો ખરો.

ઠેકડીમાં મસાલા વગેરેનું મોટું બજાર અને કદાચ ગુજરાતીઓનું લોકપ્રિય એટલે દરેક દુકાનમાં ગુજરાતીમાં બોર્ડ મારેલા (કહેવાની જરુર છે કે લગભગ દરેક જોડણી ખોટી). ત્યાં કોઈના સૂચનથી શ્રી કૃષ્ણા નામની વેજ રેસ્ટોરાંમાં લંચ અને ડિનર લીધાં પણ, ડિનરનાં ગંદા અનુભવ પછી કંટાળ્યા અને બીજા દિવસે બીજી કોઈક રેસ્ટોરાં શોધી કાઢી. પહેલાં દિવસે સાંજે અમે કથ્થકલી અને કલરીપટ્ટમમાં સાંજ વિતાવી – જે બન્ને સરસ કાર્યક્રમો હતા. કવિને બન્ને કાર્યક્રમો આરામથી જોયાં એ મોટી વાત છે.

રાત બજારમાં રખડવામાં વિતાવી અને મસાલા વગેરેની થોડી ખરીદી કરવામાં આવી. ૧૦૦ ટકા કોફીનું એક પેકેટ મેં લીધું જે આખા પ્રવાસ દરમિયાનની મારી – મારા માટેની – ખરીદી બની રહી. કવિને રાબેતા મુજબ એક ટોય ગન લીધી.

બીજો દિવસ સવારે ઉગ્યો ત્યારે ખબર પડીકે પિયુષ અને અનિલ પેરિયાર તળાવમાં બોટિંગ માટે ટીકીટ લેવા ગયા છે. ૨૦૦૯માં ત્યાં ભયંકર દુર્ઘટના બની હતી, પણ તે વાત મારે કોઈને યાદ કરાવવી નહોતી. બાકીનાં અમે ત્રણ પણ ત્યાં જવા છકડામાં નીકળ્યા. છકડા ડ્રાઈવર ગયા જન્મમાં વિમાનચાલક હશે તેમ લાગ્યું. પેરિયારમાં થોડું દોડ્યા અને લાઈનમાં ઉભા રહ્યા. ટીકીટ મળી અને તેની કાફેમાં બ્રેકફાસ્ટ કર્યો જ્યાં વાંદરાઓ બ્રેકફાસ્ટ માટે હાથ લંબાવતા હતા. જોકે ડુ નોટ ફીડ એનિમલ લખેલ હોવાથી અમે બ્રેડ-જામ અમારા માટે જ રાખ્યા.

પબ્લિક આવી ત્યારે બોટ ભરાઈ ગઈ હતી, પણ ક્મ પ્રમાણે જવાનું હોવાથી અમને જગ્યા મળી. બોટ સફર એકંદરે બેકાર અને ફાલતુ સાબિત થઈ. એકપણ પ્રાણી જોવા ન મળ્યું.

બગીચામાં બધાંને થોડી મજા આવી. ફોટાઓ પાડવામાં આવ્યા અને ત્યાંથી વિદાય થયા. ત્યાંથી એલિફન્ટ કેમ્પ ગયા અને કવિન અને અમે બધાં જીંદગીમાં પહેલી વખત હાથી પર બેઠાં. દિવસનો સૌથી આનંદદાયક પ્રસંગ બની રહ્યો. સાંજે પછી હોટેલ મેનેજરે અમને તેમની જીપ આપી અને ઠેકડીનાં સૌથી ઉંચા પોઈન્ટ – કેમલ પોઈન્ટ – પર જવાનું કહ્યું. ત્યાં પણ બહુ ફોટાઓ પાડવામાં આવ્યા. મોબાઈલ વડે આવી શકતો સૌથી સરસ ફોટો નીચે છે.

ત્યાં અડધો ટાઈમપાસ ત્યાં આવેલી એક બિલાડીને રમાડીને કરવામાં આવ્યો.

રાત્રે ડિનર રુમ પર જ મંગાવવામાં આવ્યું, કારણ કે ડિનર પહેલાં વેટ-૬૯ વત્તા બિઅરની અસરો ગાઢ હતી.

ક્રમશ:

વેકેશન: કેરાલા – ભાગ ૧

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ (ઉત્તરાયણ વાળી પોસ્ટ તો શેડ્યુલ્ડ પોસ્ટ હતી!) એક અઠવાડિયાના વિરામ-સંપૂર્ણ ઇન્ટરનેટ આરામ પછી હાજર છું, કેરાલાના મસ્ત વેકેશન પછી. 2011ની શરુઆત વેકેશનથી થઈ છે, એટલે હવે વાંધો નહી આવે.

નિરવ-પિયુષ-અનિલ-પરેશ અને હું – સ્કૂલ સમયનાં મિત્રોમાંથી પાંચ અને તેમનું પરિવાર મળીને 17 જણાંએ કેરાલામાં ઘણી ધમાલ મચાવી. અમારા મિત્ર વિનયનું અનિવાર્ય સંજોગોના કારણે પ્રવાસમાં આવવું રદ્ થયું નહીતર વળી બીજા 3 જણાં ઉમેરાત અને વધુ મજા આવત. એની વે, ગયા શુક્રવારે રાત્રે મુંબઈ આવવા નીકળ્યા અને દોડમદોડી અને ઠંડીમાં એટલા થાકી ગયા કે શનિવારે લગભગ આરામ કર્યો. રવિવારે વહેલા સવારે એરપોર્ટ પહોંચી ગયા, ત્યાં બધાં જ મિત્રો આવી ગયા હતા. પરેશને ખાસ્સાં સમય પછી મળ્યો અને તેનો બીજો બેબી બોય – પ્રણય – પહેલી વખત જોયો. એરપોર્ટમાં ઘૂસ્યા અને બોર્ડિંગ પાસ લીધો. ત્યાં જોયું કે ૧૦ વાગ્યાની જગ્યાએ ૧૧ વાગ્યાનો સમય લખ્યો છે. અમને એમ કે ઠીક છે, ૧ કલાક મોડું તો ચાલશે, પણ પછી ખબર પડી કે વિમાન લગભગ ૨ કલાક જેટલું મોડું છે. અમારે જે ફ્લાઈટમાં જવાનું હતું તે બગડ્યું હતુંને બીજી ફ્લાઈટ આવી નહોતી. એરપોર્ટ પર સમય પસાર કર્યો. વળી પાછો, ગેટ નંબર બદલાયો. દોડમદોડી કરી બેઠાં પછી વળી બીજી ૨૦ મિનિટ લાગશે તેવી જાહેરાત થઈ કારણકે ફ્યુલ ભરાતું હતું. લોકો બગડ્યા અને મગજમારી કરવા લાગ્યા. ફાયદો એ થયો કે બધાંને સરસ લંચ આપવામાં આવ્યું. કવિન જોકે તેની પહેલી વિમાન મુસાફરીમાં ટેક-ઓફ પહેલાં સૂઈ ગયો – એ પહેલાં તેને બહાર ટ્રોલી-ટ્રેકટર જોવાની મજા આવી.

કોચીન લગભગ ૨.૩૦ વાગ્યા જેવા કોચીન એરપોર્ટ પર પહોંચ્યા. નાનકડું એરપોર્ટ. સામાન તરત આવી ગયો. બધાને નવાઈ લાગી કે અમારી પાસે એક હેન્ડ-બેગ અને એક લગેજ બેગ એમ કુલ બે જ થેલાં હતા. ટેક્સી (વાન) તરત જ આવી ગઈ અને ૧૭ જણાં તેમાં આરામથી ગોઠવાઈ ગયા. દરેક ટેણિયાંઓને વિન્ડો મળી ગઈ. દરેક પપ્પાને તેમની મમ્મીની બાજુમાં બેસવા મળ્યું, એથી વધુ શું જોઈએ? મારો કેમેરો કાઢ્યો, પણ દુર્ભાગ્યે એમાં લેન્સ પર કંઈક કચરો હતો એટલે પાછો મૂકી દીધો. થોડા સમય પછી અમે અલેપ્પી પહોંચ્યા. ત્યાંથી અમારે બોટ એટલે કે હોડી દ્વારા ગ્રીન પેલેસ નામનાં રીસોર્ટ પર જવાનું હતું. કેરાલા બેકવોટરની મજા અલગ જ છે. લગભગ ૨૦ મિનિટ પછી ત્યાં પહોંચ્યા. દરેક ફેમિલિને તેમનું કોટેજ મળ્યું. કોટેજ સરસ હતું. અને સાંજે, અમે સૌ કોઈએ બહુ મસ્તી કરી. કવિન, કથન અને શ્લોક – આ ત્રણનું ભયંકર ધ્યાન રાખવામાં આવ્યું કારણ કે, ચારે બાજુ પાણી હતું. થોડા સરસ મજાનાં ફોટા પાડ્યા અને કોઈક ક્ષણે કવિને કેમેરાના લેન્સને જોરથી દબાવ્યો એટલે કેમેરો પેપરવેઈટ બની ગયો. હવે ત્રીજી વારનું રીપેરિંગ ન કરાય એટલે તેને બેકવોટરમાં સમાધિ આપવાનો સુવિચાર આવ્યો પણ, પછી રહેવા દેવામાં આવ્યો.

ક્રમશ: