થોડાંક સમાચારો..

૧. એન્ડ્રોઈડ ફોન છે તમારી પાસે? થોડાંક ટેકી છો? તો હાજર છે ભારતીય એન્ડ્રોઈડ વપરાશકર્તાઓ માટે એક ખાસ મેઈલિંગ લિસ્ટ: http://lists.linux-delhi.org/mailman/listinfo/indroid

૨. કવિન આજ-કાલ અદ્ભૂત ચિત્રો બનાવે છે, અદ્ભૂત તોફાન પણ કરે છે. એમ અદૂભૂત ડાયલોગ્સ પણ બોલે છે. પછી ક્યારેક આ વિશે અલગ પોસ્ટ પાક્કી.

૩. આજ-કાલ મારા કરતાં કોકી વધુ વાંચી રહી છે. કવિન પણ રાત્રે કોઈ પણ રેન્ડમ ચોપડી લઈને બેસે છે અને પાનાં ફેરવતો રહે છે.

૪. વરસાદ. ઓહ. અમદાવાદમાં ૨૯મી ઓગસ્ટે વરસાદ આવે? નવાઈ ભરી વાત છે.

૫. વસ્ત્રાપુર તળાવની આસપાસ અન્ના રેલીઓ જોયા પછી લાગ્યું કે જેમ ઝોલો લઈ ફરવાથી સમાજસેવક કે સેવિકા બની જવાતું નથી, જેમ ખાદી પહેરવાથી ગાંધી બનાતું નથી તેમ મેં ભી અન્ના લખેલી ટોપી પહેરવાથી અન્ના બનાતું નથી. રેલીવાળાઓને પહેલાં શિસ્ત શીખવાની જરુર છે. (એમ તો દરેક ભારતીયને શિસ્ત એટલે શું? એ વિશે મારી-મારીને શીખવાડવાની જરુર છે – એ વાત કહેવાની જરુર છે?)

શીર્ષક આપો..

.. આવો સવાલ આપણને સ્કૂલમાં બહુ પૂછાતો અને મારે તો મોટાભાગે ખોટો જ પડતો. પણ, આ ચિત્રમાં રહેલા ચિત્રને શીર્ષક આપો અને કવિનની કલ્પનાશક્તિ જોડે સરખામણી કરો. જવાબ કાલે, પોસ્ટ અપડેટ કરીને 🙂

કવિનનું વિચિત્ર ચિત્ર

અપડેટ: કવિને આ ચિત્રને “બેટ, સ્ટમ્પ અને બોલ લઈને ક્રિકેટ રમવા જતાં છોકરાં” એવું શીર્ષક આપેલું. બધાંનો પ્રયત્ન સારો હતો. આભાર 😉

નવો લેન્સ

* ક્યારનોય કયો ઝૂમ લેન્સ લાવવો (અને બજેટમાં ફીટ બેસે તેવો) તેની વિચારણા ચાલતી હતી પછી છેવટે સસ્તા લેન્સ 55-250mm પર પસંદગી ઉતારવામાં આવી. તેનો સૌથી મોટો ફાયદો ઈમેજ સ્ટેબિલાઈઝર (IS) છે. જે 75-300mm જેવા લેન્સમાં નથી (જે વધુ ઝૂમ ધરાવતો અને વધુ સસ્તો છે). બધી વસ્તુની જેમ કેનોન અને નિકોન બન્નેના લેન્સના ભાવ પણ સારા એવા વધી ગયા છે. દુર્ભાગ્યે હજી સુધી કોઈ ખાસ ફોટા આ લેન્સથી પાડી શકાયા નથી. ચકલી, કબૂતર, કાબર અને કાગડો – આ ચાર પક્ષીઓમાં અમારા ઘરની ગેલેરીઓમાંથી દેખાય છે એટલે તેમને ઝડપવામાં આવ્યા છે, પણ લોકોને આમાં કંઈ મજા ના આવે (અને ફોગટની સજા ના મળે) એટલે પછી ફોટા હજી અપલોડ નથી કરવામાં આવ્યા..

૭ વર્ષ..

.. થયા અમારી સગાઈ ઉર્ફે એન્ગેજમેન્ટના. આજે કોઈ ખાસ કાર્યક્રમ નથી, કારણ કે આ ખુશીમાં મેં તો એક લેન્સ લાવી દીધો છે એટલે બજેટ પોપા થઈ ગયું છે અને ચીજ-વસ્તુઓના ભાવ રાતે ન વધે એટલા દિવસે વધે અને દિવસે ના વધે એટલા રાતે વધે (અહીં દિવસ-રાત માત્ર અલંકાર તરીકે સમજવું) છે. એટલે, આવતે મહિને વાત.

અમારા એન્ગેજમેન્ટની વાત રસપ્રદ છે (એટલિસ્ટ, મારા માટે :P). અમે (હું અને કે) પહેલી વાર મળ્યા ત્યારે મમ્મી પાલનપુર હતી અને એક-બીજાને પસંદ કર્યા ત્યારે પણ મમ્મીએ કોકીને જોઈ નહોતી. મમ્મી અને કોકી પહેલીવાર સીધા સગાઈના દિવસે જ મળ્યા. અત્યારે તો જોકે આ કંઈ આશ્ચર્યની વાત ન ગણાય. પણ, ઘણાં લોકોને એ વખતે નવાઈ લાગેલી. મને પણ નવાઈ લાગી હતી કે કોકીએ મને હા કેવી રીતે પાડી? 😉

અપડેટ્સ

* હેપ્પી બર્થ ડે, બક્ષી બાબુ. આજે બાકીનાં પુસ્તકોનો ઓર્ડર આપ્યો. આ સિવાય બાકીની નોવેલ મુંબઈ જઈશ ત્યારે લાવવાનું પ્લાનિંગ છે.

વળી, આજ એક બીજા માણસનો જન્મદિવસ છે જે ઉપર બેઠા મલકાતો હશે કે મારા કારણે આયાત થયેલ વ્યક્તિને કારણે આખા દેશને ભોગવવું પડે છે (હિન્ટ – ઈટાલીમાંથી આયાત કરાઈ છે). જોકે ઈટાલીની એ આયાત જબરું રાજકારણ જાણે છે. સામાન્ય નિયમ છે કે જ્યારે ઘોંઘાટ થતો હોય ત્યારે બોલવું સારુ નહી. કોઈ જ જવાબ નહી આપવાનો. આ નિયમ છેલ્લી બે ઓફિસોમાં થયેલા અનુભવો પરથી શીખ્યો છું અને અસરકારક છે. એટલે જ ઓફિસોમાં મેનેજમેન્ટ અને રાજકારણ વચ્ચે ઊંડો સંબંધ હોય છે.

અને, કવિનની તબિયત થોડા દિવસથી સારી નથી એટલે મને પણ ઠીક લાગતું નથી 🙂

બુરા-ભલા સમાચાર

* ગુગલે મોટોરોલા મોબિલિટી ખરીદવાની જાહેરાત કરી.

* ફાયરફોક્સે વર્ઝન નંબર બંધ કરવાની જાહેરાત કરી. (ગાંડા થઈ ગયા લાગે છે આ લોકો)

* અન્ના જેલમાં ગયા.

* સન સ્ટુડિઓની લિંક ઓપનસોલારિસ પરથી અદ્રશ્ય થઈ.

* KVM + illumos શક્ય બન્યું.

* રશિયાના વીઝા ૨૪ કલાકમાં મળે છે એવી જાણકારી મળી.

અને છેલ્લે,

* ડેબિયન પ્રોજેક્ટે ૧૮ વર્ષ પૂરા કર્યા.

હેપ્પી અસ્વતંત્રતા દિવસ!

* કાલે સ્વતંત્રતા દિવસ અને આજે અસ્વતંત્રતા દિવસ. જલ્સા છે, દેશના લોકોને. મજા કરો.

૧૦૦૦મી પોસ્ટ

.. એટલે કે આજે સહસ્ત્ર પોસ્ટ. આ પોસ્ટનું ડ્રાફ્ટિંગ ખાસ્સા સમયથી વિચારેલ હતું, પણ જે રીતે મારી પોસ્ટની આવૃત્તિ હતી, એ રીતે આ પોસ્ટનો વારો આગલા ત્રણ-ચાર મહિનાઓ સુધી આવે તેમ લાગતું નહોતું. અને લાંબુ-લચક (૧૦-૨૦ લીટીઓથી વધુ) લખવાની મારી તાકાત નથી એટલે કંઈ ખાસ ન કરતાં સીધી-સાદી (નિદોર્ષ ડિવોર્સી વાળી જેવી) પોસ્ટ મૂકી છે.

બ્લોગની મજા એ છે કે તમે ભૂતકાળમાં તરત જ જઈ શકો છો, ટ્વિટર (ટ્વિટરમાં પણ ૫૦૦૦ ટૂંકા-સંદેશા થયા. આજ-કાલ જોકે ટ્વિટરનો બેકઅપ લઈ શકાય તેવી વ્યવસ્થા થર્ડ-પાર્ટી સોફ્ટવેર્સ વડે થાય છે), ફેસબુકમાં તમે કંઈક સંદેશ મૂકો એટલે બે-ત્રણ દિવસ પછી કોઈને તે વાંચવા મળતો નથી (સિવાય કે બહુ ખાંખા-ખોળાં કરો તો). કદાચ બ્લોગ એટલા માટે જ અલગ મહત્વ ધરાવે છે. તમે જો તમારી ૧લી પોસ્ટ અને અત્યારની પોસ્ટ જુઓ તો ખ્યાલ આવે કે એ વખતે આપણે કેવું લખતા હતા, અને અત્યારે પરિસ્થિતિમાં શું ફરક છે. અરે, કદાચ ૨૦૦૦મી પોસ્ટ થશે તો ય એવું લાગશે કે સાલું આપણે કેવું લખતા હતા અને કેવા વિચિત્ર વિચારો ધરાવતા હતા. બ્લોગ એ બ્લાસ્ટ ફ્રોમ ધ પાસ્ટ અથવા ટાઈમ મશીન તરીકે આગવું મહત્વ ધરાવે છે.

તો, હવે ૨૦૦૦મી પોસ્ટની તૈયારી કરીએ?

અને હા, હેપ્પી ગુજરાતી બ્લોગિંગ અને સ્વતંત્રતા દિવસ.

થોડાક (ટેક) અપડેટ્સ

એમ તો આ પોસ્ટ અંગ્રેજી બ્લોગમાં જવી જોઈતી હતી પણ હવે ત્યાં પોસ્ટ કરવાનો મને કંટાળો આવે છે, એટલે ગુજરાતી રીડર્સના માથે ટેકનિકલ ટેસ્લા કોઈલનો કરંટ આપવામાં આવશે. જોકે થોડા નોનટેક અપડેટ્સ છે એટલે પચી જશે.

* (ગઈકાલે) ડેબિયનમાં aria2 અને (આજે) libmng પેકેજીસ અપલોડ કર્યા. libmng હવે MultiArch આધાર ધરાવે છે એ મહત્વનો મુદ્દો છે. aria2 એ કમાન્ડ-લાઈન ટોરેન્ટ ડાઉનલોડ સોફ્ટવેર છે. એકદમ સરળ અને મૂળ-લેખક પણ ત્વરિત જવાબ આપે છે. aria2 માં હવે મેટાલિંક આધાર પણ ઉમેરવામાં આવ્યો છે.

પુના ખાતે મીની-ડેબકોન્ફ ચાલી રહી છે અને પછીની મીની-ડેબકોન્ફ મેંગ્લોર હશે. ત્યાં તો જવાનું જ છે.

* ઘરે ઇન્ટરનેટની ઝડપ# વધારવામાં આવી છે. મજા આવે છે. (# = FUP લાગુ પડે છે)

* લેપટોપમાં વાઈ-ફાઈ ચાલુ થઈ ગયું છે અને લેપટોપ પાછું ખરેખર લેપટોપ બન્યું છે. છતાંય, મોડેમ નજીક છે એટલે ઈથરનેટ કેબલ જ વપરાય છે.

* રક્ષાબંધન સરસ રીતે પૂર્ણ થયું. મામાના ઘરે ગયા અને કવિને બરોબરની મસ્તી કાઢી. કવિનને માલવ-કથન મળે એટલે ધમાલ મચાવી મૂકે છે. આ વખતે તો વળી રીવા પણ હતી એટલે બધા તેને રમાડવામાં વ્યસ્ત હતા. થોડા ફોટાઓ પાડ્યા છે, પણ બરોબર ન આવ્યા. ખોટો લેન્સ લઈ જવામાં આવ્યો હતો.

* ત્રણ દિવસની રજાઓમાં એમ તો અંબાજી-પાવાગઢ કે માઉન્ટ આબુનો પ્લાન હતો પણ, કેન્સલ કરવામાં આવ્યો. થેન્કસ, મિ. વરસાદ જે ગઈકાલે દેખાયા જ નહી!! હવે બગાસાં ખાતાં ઘરે બેસીશું, ક્યાંક મોલમાં જઈશું અને ફરી બગાસાં ખાઈને પાછાં આવીશું.

ચાલો ત્યારે, બપોરનો દિવ્ય સમય થઈ ગયો છે.

એક અલૌકિક અનુભવ

* નોંધ: આ પોસ્ટ આધ્યાત્મ વિશે નથી, પણ તેથીય વધુ ઊંચી ક્ષમતા ધરાવતા અમદાવાદના રિક્ષાવાળાઓ વિશે છે.

થયું એવું કે આજે અમને દિવ્ય જ્ઞાન લાધ્યું કે લોટ, તેલ અને મીઠું (અને બિસ્કિટ, ચોકલેટ) ખતમ થઈ ગયા છે અને અમારે રીલાયન્સ “ફ્રેશ” માં જવું પડશે. પરંતુ, જેનો કોઈ ન હોય તેનો ભગવાન હોય છે, એ ન્યાયે વરસાદ પણ સરસ પડવાનો ચાલુ થયો તો મારે એકલાએ જ આ સાહસ ખેડવું એમ નક્કી થયું. યા હોમ કરીને પડો, તેલ-મીઠું-બિસ્કિટ છે આગે. જતી વખતે તો રીક્ષા મળી ગઈને પાણી ભરાયેલા ખાડાંઓમાંથી જતી વખતે મને ઘરનાં ભૂવા અને ઘરનાં રોડ-કોન્ટ્રાકટો એ કહેવત યાદ આવી ગઈ. જરુરી અને બિનજરુરી સામાન લીધો. અને, અનંતકાળ સુધી રાહ જોયા પછી એક દિવ્ય રીક્ષાવાળો મળ્યો અને આ શું, પેલાં વિજય (વડાપાઉં) ચાર રસ્તા આગળ લાવીને કહે કે ઊતરી જાઓ. મેં તો કંઈ તેને કહ્યું નહોતું. મેં કહ્યું કેમ, ભાઈ? જવાબ મળ્યો – આગળ ટ્રાફિક બહુ છે અને ટ્રાફિકમાં ચલાવવાથી મારા આંગળા દુખે છે. ધન્ય છો તમે એમ કહી, સામાન લઈ હું ઊતરી ગયો અને પેલા રીક્ષાવાળાના આંગળા દુખવાની જગ્યાએ મારા આંગળા દુખાડતો આગળ ચાલ્યો. પણ, છેવટે એક રીક્ષા છેક પેલા અદાણી ગેસ સ્ટેશન આગળ મળી. ત્યાં સુધી મેં અમદાવાદના ટ્રાફિકની મજા માણી. અરે, રીક્ષાવાળાઓ આણંદ કે સાણંદ આવવા પણ તૈયાર નહોતા.

અમદાવાદીઓ ફોર્ડ કેમ એફોર્ડ કરી શકે છે એનું કારણ પૈસા નહી, પબ્લિક ટ્રાનસપોર્ટનો અભાવ નહી (સોરી, બી.આર.ટી.એસ.), ટ્રાફિક-સેન્સલેસ નહી પણ – આ રીક્ષાવાળાઓ જ છે એવું અમે ઠરાવ્યું અને આગલા બજેટમાં ટુ-વ્હીલર અથવા થ્રી-વ્હીલર લેવું એવું નક્કી કર્યું.