અપડેટ્સ – ૧૯૭

* આજના અપડેટમાં મહત્વનું એટલું જ છે કે અમે સાયકલની સાફ-સફાઇ કરેલ છે, એટલે આજે ભરબપોરે સાયકલનો ટેસ્ટ કરવામાં આવશે (જેથી અમને બંનેને પૂરતું વિટામીન-ડી મળી રહે). સાફ-સફાઇ પછી યાદ આવ્યું કે હજુ પાછલું ટાયર બદલવાનું (એટલે કે નવું લેવાનું) બાકી છે, પણ આ મહિનાનું બજેટ જોખમાયું હોવાથી તેને ક્રેડિટ કાર્ડ કે પછી આવતા મહિને લેવામાં આવશે (કે પછી આવતા મહિનાની લાંબી મુસાફરી પછી).

* બાકી વેકેશન પડ્યું છે, એટલે સોસાયટીમાં શાંતિ-શાંતિ લાગે છે (પણ બપોરે છોકરાઓનો અવાજનો ત્રાસ વધવાની પૂરી શક્યતા છે).

* ૨૦૧૬ – સાયકલિંગ અને રનિંગ બંનેમાં ત્રાસદાયક રહ્યું છે (સિવાય કે પેલી થોડીક બી.આર.એમ. અને મુંબઈ અલ્ટ્રા વત્તા નેવી હાફ મેરેથોન). આવતા વર્ષે લક્ષ્ય લગભગ બેવડું (બીયર વાળું નહી) રાખીશું 🙂

અને હા, ૨૦૧૭ના લક્ષ્યો વિશે અલગ પોસ્ટ ૩૧ ડિસેમ્બરના રોજ પાક્કી છે.

નવી ઘડિયાળ

પેબલ સ્માર્ટવોચ

આમ તો અમને સ્માર્ટવોચનો આખો ખ્યાલ બહુ ગમતો નથી, પણ શું થાય? પેબલની બીજી આવૃત્તિની રાહ જોવાતી હતીને એવામાં જ સમાચાર આવ્યા કે પેબલ કંપનીને ફિટબિટ નામની બીજી કંપનીએ હસ્તગત કરી લીધી. લો, અમે તો રાહ જોતા હતા, એટલે એમેઝોનમાંથી ફટાફટ ઘડિયાળ લઇ લીધી અને બે દિવસથી તો બહુ જ ગમે છે.

સારી વાત:
૧. લાંબી બેટ્રી. ૭ દિવસ.
૨. સ્ટ્રાવા લાઇવ દેખાય, એટલે દોડતી વખતે મોબલો હાથમાં ન લેવો પડે. સાયકલિંગમાં પણ.
૩. બ્લેક-એન્ડ-વ્હાઇટ ડિસ્પ્લે.
૪. વાઇબ્રેશન વાળું એલાર્મ.
૫. નોટિફિકેન્શ ટાઇમલાઇન.
૬. નો નોનસેન્સ સિસ્ટમ ઇન્ટરફેસ.

ફિટબિટે હજુ ૨૦૧૭-૧૮ સુધી પેબલ ઘડિયાળોને સપોર્ટ (વોરન્ટી નહી) આપવાની જાહેરાત કરી છે, ત્યાં સુધી પેબલ ડેવલોપર્સ ભેગા થઇને વૈકલ્પિક એપસ્ટોર કે એવું કંઇક બનાવવાનું વિચારે છે. સમય મળ્યે તો આપણે પણ હાથ અજમાવીશું.

ત્યાં સુધી, હાથ સલામત તો ઘડિયાળો ઘણી!

કાર્તિકબૉટ

IMG_20170311_091624

* હવે ખાટલે પડ્યા પડ્યા નવરા એવા મગજમાં શેતાની વિચારો આવે તેના કરતાં કંઇક સારું થાય એ માટે વચ્ચે-વચ્ચે સમય મળ્યે ગુજરાતી વિકિપીડિયા પર એક બૉટ કાર્તિકબૉટ (રોબૉટનું ટૂંકું નામ – બૉટ) ચલાવવામાં આવે છે (એમ તો ક્યારનોય ચાલુ છે, પણ હવે થોડો સ્માર્ટ બનાવવામાં આવેલો છે). બૉટ વડે કંટાળાજનક અને વારંવાર કરવા પડતાં ફેરફારો ઝડપથી કરી શકાય છે. દા.ત. ગુજરાતમાં નવા જિલ્લાઓ અને તાલુકાઓ બન્યા પછી તેનાં ગામોનાં નામ અને વિગતો બદલવી પડે એ જો જાતે કરવા જઇએ તો મહિનાઓ લાગે. કાર્તિકબૉટ વડે આ ફેરફારો (લગભગ ૧૫,૦૦૦ જેટલાં) માત્ર એક અઠવાડિયા જેટલાં સમયમાં કરી દેવાયા છે. હજુ ઘણું કામ બાકી છે, પણ બૉટ હજુ ચાલુ છે. એટલે કે જ્યાં સુધી હું અસ્તિત્વમાં છું અને વિકિપીડિયામાં યોગદાન આપુ છું – ત્યાં સુધી તો!

PS: આ આખું બૉટ ફ્રેમવર્ક પાયથોનમાં લખાયેલું છે અને અહીં તેના વિશે વધુ માહિતી મળી શકે છે.

PS II: મહારાષ્ટ્રમાં પાલઘર નજીક બૉટ નામનું ગામ છે, તેના પાટિયાનો ફોટો આવતી કોઇ રાઇડમાં લેવામાં આવશે 🙂

PS III: બોટ ગામનો ફોટો ઉમેરી દીધો છે અને વિકિપીડિયામાં પણ અપલોડ કરવામાં આવ્યો છે!

ડોન્ટ બી હીરો

* આનાંથી વધુ સારું શીર્ષક મને ગુજરાતીમાં મળ્યું નહી એટલે અંગ્રેજીમાં જ રાખ્યું. કેમ? કારણ છે, નાનકડી ઘટના કે દુર્ઘટના.

ગયા વર્ષે લગભગ આ જ સમયે મને સાયકલ પર એક્સિડેન્ટ થયેલો. લગભગ ત્રણ મહિના સાયકલ વગર જેમ-તેમ ચલાવ્યું પણ પછી આરામથી સાયકલ ચલાવી. ૪૦૦ કિમી સાયકલ ચલાવી અને બીજા દિવસે ૭૨ કિમી દોડ્યો. કચ્છ જઇ આવ્યો (એટલે કચ્છ જઇ આવ્યા). ઓક્ટોબર-નવેમ્બરમાં બહુ દોડ્યો. ડિસેમ્બરમાં પ્લાન હતો અમદાવાદ થી માઉન્ટ આબુ દોડવાનો. થયું એવું કે ગઇકાલે સ્ટ્રેચિંગ કરતી વખતે થોડો આગળ નમ્યો અને અચાનક મારી કમરમાં દુખાવો ઉપડ્યો. સામાન્ય રીતે હું ચિંટુ-પિંટુ દુખાવાને અવગણું છું પરંતુ આતો ચિંટુ-પિંટુના કાકા જેવો દુખાવો હતો (સૌ કોઇ ચિંટુ-પિંટુ અને તેમના કાકાઓની ક્ષમાપના સાથે, નામ માત્ર ઉદાહરણ માટે લેવાયું છે!). હવે બપોર સુધી રાહ જોઇ પણ પછી રહેવાયું નહી. દીપ-કિરણની મદદથી ફિજીયોથેરાપિસ્ટ શોધી કઢાયો અને મુલાકાત લેવાઇ. થોડો ફરક પડ્યો પણ આજે સવારે ફરીથી પરિસ્થિતિ એવી જ હતી. ફરી મુલાકાત લીધી અને સાંજે ૫ કિમી ટેસ્ટ રનિંગ પણ કર્યું, ફિજીયો જોડે ચર્ચા કરી અને નક્કી કર્યું કે હવે ૨૨૦ કિમી દોડવું આ સંજોગોમાં શક્ય નથી.

મને લાગે છે કે આ નિર્ણય સાચો છે. હીરો બનવા જતાં કાંકરામય થવું પડે એના કરતાં તો સાચો જ છે.

મદદ અને પૃચ્છા કરનાર સૌ મિત્રોનો આભાર. કોકી, કવિન, ઇશિતા, દીપ, કિરણ, ગુંજન અને વિમલભાઇનો ખાસ આભાર.

અપડેટ્સ – ૧૯૬

* ડિસેમ્બર મહિનો આવી ગયો પણ ઠંડી હજુ આવી નથી. હવે જોઇએ ડિસેમ્બરમાં દોડતી વખતે કેટલી ઠંડી લાગે છે, ખાસ કરીને આપણા ફેવરિટ અમદાવાદ, પાલનપુર અને આબુમાં. હા, માઉન્ટ આબુમાં ઠંડી લાગવાનો સમય થાય એ પહેલાં હું પાછો આવી જઇશ એવો પ્લાન છે! ના. બીજો કોઇ પ્લાન એટલે કે પ્લાન બી નથી!

* ગયા અઠવાડિયે બ્લોગ મિત્ર પ્રિમાએ અમારા ઘરની મુલાકાત લીધી અને ઘણાં વખતે ગપ્પાં મારવાની મજા આવી. સ્વાભાવિક રીતે વાતોનો વિષય પુસ્તકો અને પ્રવાસ જ હતો. એ જ દિવસે બીજા મિત્ર ભાવેશને મળવા બી.કે.સી. ગયો અને ત્યાં પણ વાતોના વડાં ખાધાં અને મજાની જૂની યાદો તાજી કરી દીધી.

* ખરાબ સમાચારમાં, મારા વર્ડપ્રેસના ખાતામાં કંઇક ગરબડ થઇ છે, જેથી કોઇના વર્ડપ્રેસના બ્લોગ પર લાઇક થઇ શકતું નથી. હજુ તે ઉકેલવાનો સમય મળ્યો નથી, પરંતુ બ્લોગ મિત્રો! અમને તમારા પોસ્ટ્સ ગમે જ છે! 🙂

* ઘરમાં છુટ્ટા પૈસાની કોઇજ રામાયણ નથી. હજુ હમણાં સવારે જ દૂઘ વાળાએ નવી ૨૦૦૦ની સામે છૂટા આપતાં નવી ૫૦૦ રુપિયાની નોટ આપીને અમને ધન્ય કરી દીધા. હવે એક કામવાળી બાઇને પૈસા કેવીરીતે આપવા એ તકલીફ બાકી રહી છે. બાકી ઉબેર કે ઉબર, પેટીએમ, ઓનલાઇન શોપિંગ, ક્રેડિટ કાર્ડ વગેરેથી જીવન સુખમય છે. હજુ સુધી બેંકમાં ગયો નથી, પણ આજ-કાલમાં જવું પડશે એવું લાગે છે.

* કવિન આજે પિકનિક ગયો છે. ઘરમાં સંપૂર્ણ શાંતિ છે.