ઘર

* ઘર લેવું ટફ છે, એમાંય કહેવાય છે કે મુંબઈમાં રોટલો મળે પણ ઓટલો ન મળે. છેવટે, ઓટલો મળ્યો (નાનો પણ મળ્યો). એટલે હવે અમારું દોડવાનું-સાયકલવાનું-ફરવાનું થોડો સમય પ્રમાણમાં થશે (પણ થશે ખરું!).

* બેંક લોન – અનુભવ સરવાળે સારો રહ્યો પણ મારા જેવાં આળસુ માણસ માટે દોડા-દોડી કરવાનું ભારે પડ્યું.

* બિલ્ડરને હું જ્યારે મળવા સાયકલ પર ગયો ત્યારે બધાં નવાઇ પામ્યા હતા. હા, રીક્ષાના પૈસા કોણ બગાડે? 🙂

ઉડવું તો દોડવું!

* શિશિરભાઇએ ઉડતા પંજાબની (એટલે કે પંજાબની) ગંભીર સમસ્યા પર અને એક ગામે તેની સામે લીધેલા ઉપાય પર સરસ લેખ લખ્યો છે. રનિંગ અને સાયકલિંગ કે પછી એવી શારીરિક કસરત પણ તમને ફાલતુ વસ્તુઓમાં સમય આપવા દેતી નથી (દા.ત. ખાવું-પીવું કે ગામ-ગપાટાં મારવા કે ફેસબુકમાં ચોંટેલા રહેવું કે પછી પંચાત કરવી).

એટલે જ રનિંગને એક માત્ર કાયદા માન્ય ડ્રગ્સ કહેવાય છે 🙂

હલ્ક

હું હલ્ક છું.
હલ્ક જેટલો ભારે નથી કે લીલો નથી.
પણ, હું હંમેશા ગુસ્સે હોઉં છું.

🙂

અપડેટ્સ – ૧૮૮

* અપડેટ્સ ટાઇમ!

* વિકિમીડિયા ફાઉન્ડેશન સાથે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા. હું પોતાને જ અભિનંદન આપીશ 😀

* કવિનનું રાબેતા મુજબનું શાળાજીવન કાલથી શરુ થઇ જશે અને અમારી પણ લેફ્ટ-રાઇટ શરુ. ચોથું ધોરણ કારકિર્દી માટે અત્યંત મહત્વનું છે. એટલે અમે આ વર્ષે ક્યાંય બહાર નહી જઇએ તેમજ મુવીઓ જોવાનું પણ બંધ કરીશું. શનિ-રવિ પણ સતત અભ્યાસમાં જ વીતશે તેમજ ઘરની બહાર ‘અમારો દીકરો ધોરણ ૪માં હોવાથી મહેમાનોએ આવવું નહી’ તેવું પાટિયું મારીશું (મજાક છે, પણ આવું પાટીયું સત્ય હકીકત છે, ખાલી ચોથા ધોરણની જગ્યાએ એ દસમું ધોરણ હતું).

* એક ખાસ ટ્રીપની રીટર્ન ટિકિટ લઇ લેવામાં આવી છે. વધુ વિગતો સમય આવ્યે.

* છેલ્લાં અઠવાડિયામાં સારી એવી ફિલમો જોઇ કાઢી, પણ રીવ્યુ લખવા લાયક એકપણ નથી.

* દોડવાનું સારુ ચાલે છે, સાયકલિંગમાં મંદી છે.

મોજો જોજો

* એમાં થયું એવું કે ઇન્સ્ટાગ્રામમાં પેલું મોજા વાળું એકાઉન્ટ ફોલો કર્યા પછી, રાત્રે હું ઢગલાબંધ મોજાં ખરીદતો હોઉં એવું સપનું આવ્યું. ચોમાસું ઇઝ કમિંગ એટલે કદાચ આવ્યું હશે. હવે, સાયકલિંગ-રનિંગમાં સૌથી મોટી તકલીફ ભીનાં-ભીનાં બૂટ-મોજાની રહેશે એટલે એક સારાં સેન્ડલ લેવાનું નક્કી કર્યું છે. જોઇએ છીએ, બજેટ છે કે નહી 🙂