પુસ્તક: કલ્પતરુ

* એક સવારે સમ્યકનો ઇમેલ આવ્યો. ‘તમે મધુ રાયનું પુસ્તક કલ્પતરુ વાંચ્યું છે.’ મેં કંઈ જવાબ ન આપ્યો અને ઇમેલ ઢગલામાં એ ઇમેલ ખોવાઈ ગયો. પછી એનો ફોન આવ્યો કે અરે, કાર્તિકભાઈ, મધુ રાય તો ખરેખર ગુજરાતી ગીક છે. કલ્પતરુ વાંચ્યું છે? મેં કહ્યું – ના. તો તેણે કહ્યું, સારું, તમને મોકલું. અને, બે દિવસ પહેલા નવભારત સાહિત્ય મંદિરમાંથી એક ભાઈ ઘરે આવીને કલ્પતરુ આપી ગયા (સાઇટ ચાલતી નથી, તમને જોડાણ મળે તો કોમેન્ટ કરજો!). પહેલું જ પાનું ઉઘાડતાં આ જોવા મળ્યું…

પુસ્તક વાંચવાની ઉત્તેજના અને અપેક્ષા વધી જાય એ સ્વાભાવિક છે. પાછું પહેલાં પાનાં પર જ મુંબઇનો ઉલ્લેખ આવે એટલે વાંચન-એડ્રાફિનિલમાં ૧૦ ટકાનો વધારો નક્કી.

તો એ રાત્રે જ શરુ કર્યું આ પુસ્તક. કલ્પતરુમાં સાયન્સ ફિક્શન અને કોમ્પ્યુટર સાયન્સને શોભે તે બધું જ છે. કોમ્પ્યુટર, આર્ટિફિશિઅલ ઈન્ટેલિજેન્સ, સોલાર પાવર્ડ લેપટોપ્સ, સ્પિચ રેકોગ્નાઈઝેશન, માઈક્રોચીપ્સ, પાસવર્ડ હેકિંગ, પ્રોગ્રામિંગ, વગેરે વગેરે. સામે છેડે માણસ-માણસના મનનું જોડાણ, સંસ્કૃત, જ્યોતિષ વગેરે પણ આવે છે. મધુ રાયને વાંચવાના હજી સુધી બાકી હતા, શરુઆત માટે સમ્યકનો આભાર માનવો પડે.

ડો. કિરણ કામદાર મુખ્ય પાત્ર છે, જે વૈજ્ઞાનિક છે. ૨૯૨ પાનાંમાં સમાયેલી આ નોવેલમાં ઢગલાબંધ પાત્રો છે. શિવકુમાર જોષી પણ આવે છે અને આપણા લાડીલા ચંદ્રકાંત બક્ષી પણ. નવલકથા કંઈ અલગ રીતે લખાઈ છે, એટલે કે નોર્મલ પ્રવાહ નથી, એટલે એક બેઠકે પૂરી કરો તો વધુ મજા આવશે.

સાયન્સ ફિક્શન છે એમ ધારીને જ વાંચવી. ગર્વમેન્ટ જે રીતે ડો. કામદારનો પ્રોજેક્ટ પાસ કરી દે છે, એ આગલા ૧૦૦૦ વર્ષોમાં સાયન્સ ફિક્શનમાં જ રહેશે.. 🙂

ગમેલું Quote:

“ખરા શોષકો પોતાનું કામ કર્યા કરે છે, અને ખરા શોષિતો પોતાનું કામ કર્યા કરે છે. બૌદ્ધિક બુડબકો સાથે બેમાંથી કોઈને લેવાદેવા નથી.”

* આજનું સત્યવચન: જે બુક ન લખે તે બુકરીવ્યુ લખે. <બેકગ્રાઉન્ડમાં વાહ, વાહના પોકારો> 😉

અપડેટ્સ – ૫૧

* શુક્રવાર બપોરથી લઈને છેક આજ સવાર સુધી – નેટ બંધ હતું. એટલે કે, અમે બહાર હતા. કોકીના ગામની એક મુલાકાત.

અઢી દિવસમાં આમ તો આરામ કરવાનો જ પ્રોગ્રામ હતો પણ જતી વખતે સરસ મજાનો રસ્તો અને બન્ને બાજુ ખેતરો જોઈને બે દિવસ એવો જ સરસ મજાનો દોડવાનો પ્રોગ્રામ પણ બની ગયો.  એલાર્મ મૂકવાની જરુર જ નહી. મંદિરમાં ૫.૩૦ જેવી આરતી શરુ થાય અને ધાબા પર સરસ ઠંડકમાં સૂતા હોઈએ એટલે આપણે આપમેળે ઉભા થઈ જઈએ. દોડતી વખતે સાથીઓ પણ મળ્યાં. સિંગલ ટ્રેક પર જોકે ગાય-ભેંસ ટ્રાફિક જામ કરતા પણ જોવા મળ્યા ત્યારે થોડી તકલીફ થઈ હતી 🙂 પણ, આ વખતે “ફર્સ્ટ ઈન્ટરવિલેજ રન” કરવામાં આવી 😉

આગલા દિવસે સરસ વરસાદ આવેલો એટલે રાત્રે જાત-જાતનાં જીવ-જંતુઓ જોવા મળ્યા. કેમેરામાં પાડેલા તેના ફોટા બીજે ક્યાંક મૂકીશ. અત્યારે તો અમને આ લાલ જીવડું (કદાચ ડંગ બીટલ છે) બહુ ગમ્યું.

અને, કવિને પણ આટલા દિવસ બહુ જ ધમાલ કાઢી. લાકડી અને ટોર્ચ તેના ખાસ રમકડાં બન્યાં. તેને પણ અમે ખેંચીને ખેતર જોવા લઈ ગયેલા પણ – આ તો જંગલ છે – એમ કહી તેણે સારો એવો કકળાટ કર્યો.

અને હા, દરરોજ ખીચડી-છાસ પેટ માટે અત્યંત સારી. સાથે-સાથે, અડદના વડા અને મીઠાઈઓ પણ ઝાપટવામાં આવી 😉

ટ્રાફિક નોનસેન્સ

* જ્યારે બધાં ટ્રાફિક પોલીસોને રથયાત્રામાં મૂકી દેવાય અને અમદાવાદને અમદાવાદીઓની ટ્રાફિક-નોનસેન્સના ભરોસે મૂકી દેવાય ત્યારે શું થાય? દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ! સિગ્નલ્સને તો કોઈ જોતું જ નહોતું!!

અને, સાંજે ફરી પાછી લગભગ એ જ હાલત હતી!

આજની સલાહ

* વ્હાલા વર્ડપ્રેસ.કોમના બ્લોગર્સ,

એક વણમાગી પણ ઉપયોગી સલાહ (પ્રેરક: રજનીભાઈ)..

આભાર!

અમદાવાદનો રીક્ષાવાળો

* આજે સવારે ફાટેલાં શૂઝ સંધાવવા માટે મોચીજીની સર્ચ કરતો હતો ત્યારે એક રીક્ષા ઉભેલી જોવા મળી. કંઈક નવું લાગ્યું એટલે રીક્ષાવાળાને વિનંતી કરી કે, એક ફોટો લેવા દેશો? તો તેમણે કહ્યું અરે, બે-ત્રણ લો. પછી, અંદરથી રીક્ષા બતાવી અને એ ટુરિસ્ટ ગાઈડ તરીકે કામ કરે છે એમ કહી એમની સજેશન બુક (ટ્રાવેલર્સ તરફથી આવેલા પ્રતિભાવો વગેરે..) બતાવી. અમદાવાદ મિરરમાં પણ એમના વિશે લેખ પણ આવેલો. બિચારા રીક્ષાવાળાઓ, ૯૯ ટકા ખરાબ રીક્ષાવાળાઓને કારણે ૧ ટકા સારા લોકો બદનામ થાય છે. વેલ, ફોટાઓ નીચે છે. કોઈને એમનો (ઉદયભાઈ) મોબાઈલ નંબર જોઈતો હોય તો કહેજો.

   

કહેવાતા ‘ગાંધીયનો’ કરતાં તો આ ભાઈ લાખ દરજ્જે સારા. એટલિસ્ટ, કંઈ (સારું) કામ તો કરે છે. બાકીના ગાંધીયનોથી તો રામ હી રાખે.

અપડેટ્સ – ૫૦

થોડાં ટેક-સમાચાર:

* મોબાઇલ હવે ‘rooted’ થઈ ગયો છે. વોરંટી વોઈડ કહેવાય, પણ પાછો ‘unroot’ કરી શકાય છે 🙂

* આજનો વિડિઓ: ખાસ જોવા જેવો. ૧ કલાક વસૂલ છે. લિનસ ટોરવાલ્ડ્સ સાથે ચર્ચા-પ્રશ્નોત્તરી: Aalto Talk with Linus Torvalds જો તમને Nvidia ગ્રાફિક્સ કાર્ડના કારણે લિનક્સમાં મુશ્કેલીઓ હોય તો આ વિડિઓ ખાસ-ખાસ જોવા જેવો છે 😉

* આજનું એડ-ઓન: GSanitizer – જે ગુગલ સર્ચમાં આવતા રીઝલ્ટની કડીઓને ક્લિન કરે છે.

… અને બાકીના પરચૂરણ અપડેટ્સ:

* કવિન હવે સ્કૂલ-રીક્ષા બંનેમાં સેટ થઈ ગયો લાગે છે (એને એવું લાગતું નથી, એ વાત અલગ છે!). સ્કૂલમાં ટાઈ બાંધવાની હોતી નથી એટલું સારું છે. બાકી, અમદાવાદની ગરમીમાં ટાઈ પહેરીને જતાં છોકરાંઓને જોઈને જીવદયા સિવાયની બીજી કોઈ લાગણી ન જ થાય.

* ગરમી ચાલુ જ છે. એમાં કંઈ અપડેટ આપવાની ના હોય 😉

* આપણે દોડતા હોઈએ ત્યારે પણ,

૧. લોકો ઊભા રાખીને સરનામું પૂછે છે,

૨. અમુક નંગ તો ‘કેટલા વાગ્યા?’ એવું પણ પૂછે છે. સો સલામ એ સૌ કોઈને..

ફિલમ: કેવી રીતે જઈશ

Kevi Rite Jaish

* વર્ષો પછી ગુજરાત રાજ્યના ઈતિહાસમાં કદાચ એવું બન્યું હશે કે લોકો ગુજરાતી ફિલ્મની વાતો કરતા હોય, મલ્ટિપ્લેક્સમાં કોઈ ગુજરાતી ફિલ્મ લાગી હોય કે તેના શો ‘હાઉસફુલ’ જતા હોય. જ્યારથી ટિકિટ લેવાની તાકાત આવી ત્યાર પછી મેં પહેલી ગુજરાતી ફિલ્મ (થિએટરમાં. ટીવી, લેપટોપ પર જે ફિલ્મ જોઈ હતી એના રીવ્યુ જો લખું તો આ બ્લોગના વાચકો એ સુસાઈડ કરવો પડે ;)) જોઈ. બેટર હાફની ડીવીડી લીધી, એ વાત અલગ છે. કવિનનો જન્મદિવસ હતો અને મમ્મી અહીં આવી હતી. જન્મદિવસ પર એ બર્થ ડે પાર્ટી અને એના મિત્રોને બોલાવવાનો કકળાટ ના કરે એ કારણ પણ ખરું.

અમે સમયસર પહોંચી ગયા અને એકદમ સમયસર ૭.૧૦ એ મુવી શરુ પણ થઈ ગયું (એ પહેલા વિકો ટર્મરિકની જાહેરાતો તો ખરી જ ;)). કેવી રીતે જઈશ ની શરુઆત એકદમ સરસ છે. હરીશ બચુભાઈ પટેલ, બચુભાઈ, જીગો – આ ત્રણ પાત્રો સરસ જામે છે. ફિલમના ટ્રેલર પરથી સ્ટોરી લીક થઈ ગઈ નહોતી એ વાત મને ગમી (અને હું પણ સ્ટોરી વિશે બહુ નહી લખું), પણ ટ્રેલરની જેમ ફિલ્મ પણ સરસ છે. ઈન્ટરવલ સુધી તો એકદમ સરસ છે, ઈન્ટરવલ પછી ક્યાંક બે-પાંચ સેકન્ડ માટે પકડ થોડી ઢીલી પડે છે, પણ પાછા ટ્રેક પર આવી જવાય છે. કવિનને શરુઆતમાં થોડો કંટાળ્યો આવ્યો, પણ પછી ખબર નહી, તેનેય મજા આવવા લાગી. સંવાદો એકદમ સરસ છે. હરીશના મિત્રો થોડી વધારે સારી એક્ટિંગ કરી શક્યા હોત, એવું જ આયુષીનું છે. ભરપૂર મેકઅપ દેખાઈ જાય છે, પણ સારી લાગે છે 😉

વર્ષો પછી એવું પણ દેખ્યું કે મુવી પૂરું થયા પછી લોકો સીટી વગાડતા હોય કે તાળી બજાવતા હોય. અભિષેક જૈન અને સૌ કોઈને અભિનંદન. ફરી આવી સરસ ફિલ્મની અપેક્ષા રાખીશું. ડીવીડીની રાહ જોવાશે.

અને હા, પંખીડા – સુપર ડુપર. દોડતી વખતે આ ગીત પ્લેલિસ્ટમાં હોય જ છે!

હેપ્પી બર્થ ડે, કવિન..

* હેપ્પી બર્થ ડે, કવિન!!

પાર્ટી રાખી નથી, પણ ‘કેવી રીતે જઈશ’ માં જવાનો પ્લાન છે. કવિન પછી ત્યાંથી હું કેવી રીતે છટકીને જઈશ એમ વિચારતો હશે અને શાંતિથી અમને મુવી જોવા દે તો સારી વાત છે. એના માટે ગઈકાલે એક નાનકડું બાઈક (રમકડાંનું, ઓફકોર્સ!), એક રબર પાવર્ડ વિમાન લઈ આપવામાં આવ્યું. તેને રમકડાંની દુકાનમાં છૂટો મૂકી દેવાનો, એટલે પછી કન્ફયુઝ થાય અને સસ્તી વસ્તુમાં પતાવે. પહેલેથી જો એને રમકડું લેવાની ના પાડો તો, પાકીટમાં મોટો હોલ સો ટકા પાડે જ, એના કરતાં આ ઉપાય સારો 😉

અપડેટ્સ – ૪૯

* કવિનની સ્કૂલ સત્તાવાર રીતે ચાલુ થઈ ગઈ છે, પણ તેની તબિયત ઠીક નથી એટલે અમારા જીવ ઊંચા છે. આજે પહેલીવાર તે રીક્ષામાં એકલો ગયો છે, એટલે થોડું ટેન્શન થાય એ સ્વાભાવિક છે. હવે, સિનીઅર કે.જી. એટલે કેરિઅરનું મહત્વનું વર્ષ એટલે તેના પર બહુ ધ્યાન આપવું પડશે. રમત-ગમત બંધ. મિત્રો જોડે ધમાલ-મસ્તી બંધ. દરરોજ ૮ થી ૧૦ કલાક ભણવાનું અને મારે પણ એકાદ વર્ષ ઓફિસમાંથી રજા લઈને તેની પાછળ લાગવું પડશે.

😉

અને, અત્યારે એ સ્કૂલમાં છે તો ઘર બહું સૂનું-સૂનું લાગે છે. સમય પસાર થતો જ નથી!!

* વાતાવરણ બોરિંગ છે. વરસાદના ‘કા કા વાદા‘ આવે  છે, ને પરસેવો-બફારો આપીને જાય છે. બે દિવસથી રનિંગ ઉર્ફે દોડવામાંય મજા નથી આવતી. હવે ચોમાસું આવશે એટલે બિચારા રનર્સને તકલીફ થશે..

* એરટેલ વાળા બિલ ભર્યા પછીયે ‘Please pay the bill’ ના SMS ભરબપોરે મોકલે છે. એવો ગુસ્સો આવે છે કે અત્યારે જે એરટેલને બાય-બાય કહી દઉં. જોકે આ વિસ્તારમાં બીજો કોઈ વિકલ્પ દેખાતો નથી. રીલાયન્સતો એનાથી ય જાય એવું છે. બાકી સ્પિડિ ગો એટલે “સ્પિડ – ગોન” એવા નામે ઓળખાય છે. અત્યારે તો સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી.

* કવિનને અત્યારે એના ‘બા’ આવ્યા છે એટલે થોડા દિવસ મજા આવશે (અમને પણ!). બા સરસ મજાના સ્ટિકર્સ લઈને આવ્યા છે, મુંબઇ થી. હું નાનો હતો ત્યારે મને પણ સ્ટિકર્સ બહુ ગમતાં. અત્યારે પણ ગમે છે, જે લોકો એ મારું લેપટોપ જોયું હશે તેમને ખ્યાલ જ હશે!

* આજ-કાલ પોર્ટલ ગેમ રમી રહ્યો છું (હજી શરુ જ કરી છે, કવિન પણ જોડે હોય છે). સરસ છે. પોર્ટલ-૨ ટૂંક સમય પછી લેવામાં આવશે..

અપડેટ્સ – ૪૮

* છેલ્લાં એક મહિનામાં વિવિધ કારણોસર વિવિધ ડૉક્ટર્સની કુલ મુલાકાત = ૧૦. બહુ સારું ન કહેવાય 😦

* વરસાદે જરા દર્શન કરાવ્યા પછી અદ્રશ્ય થઈ ગયો લાગે છે. દરરોજ વાદળ જોઈએ કંટાળો આવે છે. જોકે જુનના બીજા-ત્રીજા સપ્તાહમાં વરસાદ આવવો એ સામાન્ય છે. આમેય પ્રિ-મોન્સુન વરસાદનો કોઈ અર્થ નથી.

* છેલ્લાં બે વીક-એન્ડ્સમાં સંપૂર્ણ ‘આરામ-હી-રામ’ કર્યા પછી, આવતા બે વીક-એન્ડ્સ બહુ બીઝી-બીઝી જવાના છે.

* દોડવાનું હવે ટાઈમ-ટેબલ (અઠવાડિયાના પાંચ દિવસ જ!) પ્રમાણે ચાલે છે, એટલે માનસિક રીતે તૈયાર થઈને રનિંગ થાય છે. સમય-મર્યાદા અને ઝડપ-મર્યાદા નક્કી કરવાથી તેમજ દર અઠવાડિયે થોડો-થોડો વધારો કરવાથી ધારેલ લક્ષ્ય (અત્યારે તો: હાફ-મેરેથોન!) માટે તૈયાર થવું સરળ છે.

* .. અને હા, ગયા મહિને નેક્સેન્ટામાં બે વર્ષ થયા 🙂