ધ નાઇટ બી.આર.એમ. ૨૦૨૨

  • લો ત્યારે, અમે ફરી પાછા આવ્યા છીએ, વધુ એક બી.આર.એમ.ની પોસ્ટ સાથે. સમય વીતતા વાર નથી લાગતી (એમ તો એટલી જ વાર લાગે છે, જેટલી લાગવાની હોય.. તો પણ..) અને ૨૦૨૦ અને ૨૦૨૧માં રદ થયેલી વાર્ષિક નાઇટ ૨૦૦ આ વખતે થઇ. એમાં પણ, થોડી આગળ-પાછળ થઇ, પણ છેવટે થઇ ખરી!
  • નાઇટ બી.આર.એમ.નો અમારો સંબંધ બહુ જુનો. ૨૦૧૪માં તો ખબર નહોતી કે બી.આર.એમ. શું છે અને ૨૦૧૫માં કદાચ કોઇ પ્રવાસના કારણે આ બી.આર.એમ. નહોતી કરેલી. ૨૦૧૫ના અંતમાં સાયકલનો અકસ્માત થયા પછી પહેલી બી.આર.એમ. એ ૨૦૧૬ની ૨૦૦ જ હતી. ત્યાં સુધીમાં સારી હેડ અને ટેઇલ લાઇટનું મહત્વ શું હોય છે, તે ખબર પડી ગઇ હતી એટલે રાત્રે ચલાવવાનો વાંધો નહોતો આવ્યો એવું યાદ છે, પણ વળતી મુસાફરીમાં જે અનુભવો થયેલા તે યાદ છે, કારણ કે ૧૦૦ના કંટ્રોલ પોઇન્ટ પર નાસ્તામાં બીયર હતો 😀
  • પણ, આ વખતે આપણે વાત કરીશું ૨૦૨૨ની જ. લગભગ દરવખતની જેમ નક્કી કર્યું કે સાંજે મુલુંડ જવા માટે સાયકલ ચલાવીને જ જઇએ. ઘરેથી ૧ કિમી જ ગયો અને ટ્રાફિક નડ્યો એમાં ૨૦ મિનિટ બગડી (૩.૫ કિમી માટે) એટલે પછી ટ્રાફિક વગરનો પણ લાંબો રસ્તો લીધો પણ સમયસર પહોંચી ગયા. જોડે વિનય હતો એટલે રાઇડ ઝડપી બની! દર વખતની જેમ આ વખતે બી.આર.એમ.માં વધુ સંખ્યા નહોતી, તો પણ ૩૦ લોકોએ રજીસ્ટર કરાવેલું (એમાંથી ૨૪ આવેલા, એમાંથી ૫ જણાની વાર્તા આગળ આવશે). શરૂઆત પર કિરણ (બંને કિરણો!), રાકેશ, નિહાર, શશી વગેરે મળ્યા. ગપ્પાં માર્યા અને ૭ વાગે બી.આર.એમ.ની શરુઆત થઇ. નક્કી કરેલું કે ૫ કલાક જવામાં અને ૫ કલાક પાછા આવવામાં એ રીતે રાઇડ કરવી. શરુઆતના બોરિંગ ટ્રાફિક વાળા રસ્તાને પાર કરવામાં ૧.૫ કલાક લાગ્યા ત્યારે પનવેલ પસાર થયું અને પછી હાશ થઇ. જોડે કિરણ (કોટિયન) અને વિનય હતા.
ભોરઘાટ પર જવા ક્લિટ ભરાવતા યોદ્ધાઓ, ફોટો: વિનય.
  • ૨૫ કિમી સરસ રસ્તા પસાર કરીને ખોપોલી પહોંચ્યા ત્યારે મારી હંમેશની જગ્યા હોટેલ ગ્રીન પાર્કમાં ડિનર કરવાનું નક્કી કર્યું. હું એકલો હોઉં તો જે તૈયાર હોય તે ખાઇ લઉં પણ પછી ભોરઘાટ અને ૧૦ વાગ્યા પછી કંઇ ખાવાનું ન મળવાની પૂરી શક્યતા જોતા ૮ રાઇડર્સે દાળ-ખીચડી ખાવાનું નક્કી કર્યું (જોકે આપણે દહીં-વડાનો ઓર્ડર આપ્યો) અને આ ઓર્ડર આવતા ૩૦ મિનિટ લાગી અને અમે ડિનર ૧૦ મિનિટમાં પૂરું કર્યું 😉 આખા ખોપોલીના લોકો એજ હોટલમાં ડિનર કરવા આવ્યા એમ લાગ્યું! છેવટે એકંદરે ૨૦ મિનિટનો બગાડ કરી અમે નીકળ્યા અમારા પ્રિય ભોરઘાટ પર. ભોરઘાટ પર રાત્રે સાઇકલ ચલાવવાની છેલ્લી તક ડિસેમ્બરની ૧૦૦૦ કિમીમાં મળી હતી, જોકે એ વખતે એક્સપ્રેસ હાઇવેના કોમન ભાગમાં જવાનું નહોતું અને જૂનો ઘાટ લેવાનો હતો. એક્સપ્રેસ વાળા ભાગ પર ઘણી વખત અત્યંત ટ્રાફિક થાય છે. અને હા, પેલા જે ૫ રાઇડર્સ રજીસ્ટર કરાવીને નહોતા આવ્યા તે અમને ભોરઘાટ પહેલાં અને વચ્ચે મળ્યા. કારણ? તેમને એક્સપ્રેસ વે પર સાયકલ ચલાવવી સલામત ન લાગી. ભલા માણસો, એવું હોય તો બી.આર.એમ.નો રસ્તો જોઇને રજીસ્ટર કરાવો અને વધુ પડતા પૈસા હોય તો વિકિપીડિયાને દાન આપો 😉
  • ભોરઘાટ પસાર કર્યો પણ અમે ક્યાંય રોકાયા નહી. ના, લોનાવાલના ઝીરો પોઇન્ટ પર પણ નહી અને સીધા પહોંચ્યા કામશેત. ત્યાં નાનકડા કામશેત ક્લાઇમ્બ પછી તરત જ અમારો કંટ્રોલ પોઇન્ટ હતો. ત્યાં ડિનરની નાનકડી સગવડ હતી, જેમાં પોહાનો ટેસ્ટ કરવામાં આવ્યો. એક બિલાડી પણ મળી!
હું: STARDENBURDENHARDENBART બિલાડી: ઘરે જા!
  • બિલાડીને STARDENBURDENHARDENBART કહેવાનો સમય નહોતો એટલે સરસ કડક કોફી પીધી અને ૭ રાઇડર્સે જોડે વળતી રાઇડ શરુ કરી. હવેનો રસ્તો સરળ હતો – એટલે કે કોઇ ઘાટ હતો નહી અને સડસડાટ જવાનું હતું. એટલે લગભગ બધાં જોડે જ સીધા ૬૫ કિમી પર ચા પીવા માટે રોકાયા. લગભગ ૪૦ કિમી પહેલાં. પછી તો રસ્તો હાઇવે વાળો હતો એટલે લાઇટ વગેરેનો પ્રશ્ન હતો નહી અને ઊંઘ પણ નહોતી આવતી. કિરણ જોડે આરામથી રાઇડ કરી અને લગભગ સવારે ૫.૧૦ જેવા મુલુંડ પહોંચ્યા ત્યારે ૪ રાઇડર્સ પહોંચી ગયા હતા. રવિ અમારાથી ૫ મિનિટ પછી આવ્યો. આરામથી એટીએમની (જરુરી) ઝંઝટ કરી. નિહાર પણ ૨૦ મિનિટમાં પહોંચ્યો અમારે એમ તો CyclingForAllની માસ્ટરમાઇન્ડ કાફે રાઇડમાં જવાનું હતું, પરંતુ થાક-ઊંઘ બંને જોતા નિહાર જોડે ગાડીમાં અડધે સુધી આવ્યો અને ૧૦ કિમીની કૂલ ડાઉન રાઇડ સાથે ઘરે આવ્યો.

અને છેલ્લે, થોડી સ્ટ્રાવાની યાદો એટલે કે લિંકો: