વંદો..

* તમને આ વંદો ગમે છે? આ અહીંથી લીધેલ છે..

વંદો

ઘરથી દૂર..

* હું કંઇક વિચાર કરતો હતો. ઘરથી દૂર રહેવાનું હજી કેટલા દિવસ છે! ત્રણ વર્ષ હોસ્ટેલમાં અને પછી એક વર્ષ મુંબઇ એકલાં રહીને હું બહુ કંટાળી ગયો હતો. અને લગ્ન પછી તો પહેલી વાર આટલા લાંબા સમય પછી દૂર છું. તો, ગુગલમાં થોડી શોધ કરી! ઘરથીદૂર ગુગલમાં શોધ કરવાથી આવું પરિણામ મળે છે અને એક સરસ લેખ ઘરનો સુખી – સુરેશ દલાલ મળ્યો.

* કાલે એક સરસ અનુભવ કર્યો. કોમ્પ્યુટરની ક્લિકે બુક આવી હતી. મને થયું કે હું તેને ચોથા માળ સુધી જાતે ચડાવીને થોડા રૂપિયા બચાવી દઇશ. (થોડી અમદાવાદની અસર તો આવે ને..) અને, હું જે થાક્યો છું, મારા જીવનમાં અમુક પ્રસંગોને બાદ કરતાં (!) પહેલી વખત મારુ હદય (બરોબર લખાતું નથી એટલે આમ લખ્યું છે) આટલી જોરથી ધબકતું હતું – થાકને કારણે!

* લાગે છે હવે થોડા કપડાં ધોવા પડશે..

ભાષાની ભેળપૂરી..

*થોડા દિવસ પહેલાંનાં દિવ્યભાસ્કર (કદાચ બે રવિવાર પહેલાંનાં) માં બાળકોની ભાષાની ભેળપૂરી વિશે નિઓમી પંડ્યાનો સરસ આર્ટિકલ છે. મને પણ કંઇક લાગુ પડે છે..

– ચાલ જોઇએ, તારા ફિંગર વોશ કરી નાખ..

– આ લાઇટો સ્વીચ ઓફ કેમ ન કરી?

– હું વોક કરતો હતો, ત્યાં મને તેણે ટચ કર્યું.

– મમ્મી, ગ્રાન્ડમા ને કહે કે ટીવી સ્વીચઓફ ન કરે અને ગ્રાન્ડપાની સ્ટીક ડોરની વચ્ચે ન રાખે..

ઘણાં ઉદાહરણો આપી શકું છું..

ઓનેસ્ટની પાઉંભાજી

* ગઇકાલે વિજય ચાર રસ્તા આગળ ઓનેસ્ટની પાઉંભાજી (કે ભાજીપાઉં) ખાવા માટે ગયા હતા. ઓનેસ્ટનું નામ બહુ લોકપ્રિય છે. મુંબઇ કરતાં અહીં પાઉંની ક્વોલિટી એકદમ અલગ હોય છે. પાઉં થોડા જાડા હોય છે, પણ સારા હોય છે – પણ તેનાં કારણે તમારે એકસ્ટ્રા પાઉં વધુ લેવા પડે છે.

દ્રાક્ષનો જ્યુસ પણ અહીં (અમદાવાદમાં) સારો મળે છે. એક વાત છે – ગલી-ગલીએ કંઇક ફેમસ વસ્તુઓ મળતી હોય છે. દા.ત. વિજયનાં વડાપાઉં, આર.કે/ઓનેસ્ટની પાઉંભાજી, ટીમ્બકટુની સેન્ડવીચ, ગાંઠિયા રથ, નવતાડનાં સમોસા, વિપુલ દુધિયાની બાસુદી, સાબરમતી જેલનાં ભજિયાં!

નોંધ: આ માત્ર થોડા વિસ્તારની જ યાદી છે.

દારુબંધીની રેલી

* પરમદિવસે (21મીએ) ગુજરાત વિદ્યાપીઠ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત સરકારની હળવી દારુબંધીનાં વિરોધમાં સાબરમતી આશ્રમથી વિદ્યાપીઠ સુધી રેલીનું આયોજન હતું. હળવી દારુબંધી વિશે તમારું શું માનવું છે? હું માનું છું કે આ નીતિ ખોટી છે. દારુબંધીને કારણે જ ગુજરાત આટલું સલામત છે. પણ, એક વાત છે કે ગુજરાતમાં સચિવાલય ડૂબી જાય તેટલો દારુ દરરોજ પીવાય છે. માઉન્ટ આબુ, દીવ-દમણ શા માટે છે તે બધા જાણે છે. 31 ડિસેમ્બરે કોના ઘરેથી દારુની પેટીઓ સપ્લાય થાય છે? જવાબ બધાને ખબર છે.

* રાખો તો સંપૂર્ણ દારુબંધી અમલમાં રાખવી જોઇએ. નહિતર, ખોટા દંભનો કોઇ ફાયદો નથી.

એરટેલનો ત્રાસ

* અમદાવાદ આવીને મેં એરટેલનું નવું કાર્ડ લીધું છે. (જુનાં નંબરમાં 14,03,09,913 ઉમેરી દો એટલે મારો નવો નંબર તમને મળી જાય!). સરસ ચાલે છે, ભાવ પણ બરાબર છે (જોકે હું એક કોલનાં કેટલાં રૂપિયા થાય કે SMS ફલાણા ભાવ થાય તેમાં ખાસ પડતો નથી..) પણ સાલો એક વાતનો ભયંકર ત્રાસ છે. દરરોજનાં 5 થી 6 SMS અને 2 થી 3 કોલ એરટેલ તરફથી જાહેરખબરનાં આવે છે. અને તમે ભૂલથી પણ કેબીસી માટે ફોન કરતાં નહી, ભાઇ. 1 મિનિટનાં 6 રૂપિયા છે. અને તેઓ ત્રણ મિનિટ સુધી તેમનો લવારો ચલાવે છે અને છેલ્લે કહે છે કે 99 રૂપિયા ભરો અને દરરોજ કેબીસીનો પ્રશ્ર્ન મેળવો. ના રે ના. અમિતાભજી વગરનાં કેબીસીમાં હકલા શાહરુખને મળવા કોણ જાય? તમે જશો? બે કરોડ માટે? 🙂

એક તાજા સમાચાર: છેલ્લાં બે દિવસથી બધું બંધ છે!

લગ્નની પ્રથમ વર્ષગાંઠ અને દોડમદોડી..

* 18(ફેબ્રુઆરી)મીએ મારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. હમમ. 16મીએ બપોરે કર્ણાવતી એક્સપ્રેસમાં ઘરે પહોંચ્યો. (વાઉ, એસી ચેરકારની ટીકીટ પહેલી વાર લીધી). કોકીને તેનાં ઘરેથી લઇ આવ્યો. (તે પહેલા આલુપરોઠા ખાધા..) બપોરે મારા દ્રિતિય પ્રેમ એવાં કમ્પ્યુટરને થોડો સમય આપ્યો. અને જોયું કે એક રીલીઝ ક્રીટીકલ (RC) બગ (બગ એટલે સોફ્ટવેર બનાવતી વખતે કે તેનું પેકેજ બનાવતી વખતે તેમાં રહી ગયેલ ક્ષતિ. માઇક્રોસોફ્ટની જેમ ડેબિયન કે બીજાં લિનક્સમાં તે છુપાવીને રખાતાં નથી – તે જાહેર હોય છે.) મારા પેકેજ LDTPમાં છે. બાપ રે! ફટાફટ તેનો ઉકેલ લાવી દીધો અને પેકેજ અપલોડ કરી દીધું. વળી, તેની નવી આવૃતિ પણ આવી ગઇ હતી એટલે તે પણ થોડી મહેનત કરી તૈયાર કરી દીધી. રાત્રે અદિતિ નામની સરસ રેસ્ટોરાંમાં જમવા માટે ગયા.

* 17મી પણ વ્યસ્તતામાં ગુજરી ગઇ. ઓફિસ, બિગબજાર (જ્યુસ, એક પર એક મફત!) અને સિનેમેક્સની ટીકીટ લેવામાં બપોર થઇ ગઇ. જોકે ઓફિસમાં મારાં કામ પૂરાં થઇ ગયા એ વાતનો આનંદ હતો. બપોર પાછી કમ્પ્યુટરને નામ.. સાંજે તો એક સ્પેશિયલ જગ્યાની મુલાકાત અને પછી આરામ. એક નોવેલ વાંચી. છાપાંની પસ્તી પર થોડી નજર નાખી. રાત્રે “પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન 1” મુવી દેખ્યું. થિએટરમાં દેખ્યું હોત તો જુદી વાત હોત પણ, તે ત્રણ-ચાર વર્ષ પહેલાં આવેલું જ્યારે મને મુવીનો ખાસ શોખ નહોતો કે તે પોસાય તેમ પણ નહોતું.

* 18મી. થોડા sms. ફોન. આજે ઘણાં દિવસ પછી હચ, એરટેલ કરતાં ખરેખર મનુષ્યોનાં sms અને ફોન વધારે આવ્યા. બપોરે બહાર જમવા માટે અને ત્યારપછી “એકલવ્ય” જોયું. તમે જરૂરથી આ મુવી જોજો (કારણકે, માથું દુખાડવાની ગોળી મારે એકલાં લેવી જરુરી નથી, તમે પણ આનંદ માણો!). જવા દો. ત્યાર પછી, મજા આવી. અમારાં ઘરનો મુખ્ય દરવાજો લેચ વાળો છે. ત્રણ ચાવી હોય છે. જેમાં એક અંદર કોકીનાં પર્સમાં હતી. એક મારી પાસે હતી, જે અમે બાજુમાં આપીને આવેલાં હતાં, પપ્પા માટે. કોકીનાં ઘરે આરામથી જમીને નીકળવાની તૈયારી કરતાં હતાં. અચાનક, મેં પપ્પાને પૂછ્યું, ચાવી? પપ્પાએ કહ્યું, એ તો હું અંદર મૂકીને આવ્યો. ઇહીહીહી… એક ચાવી તો મમ્મી પાસે પાલનપુર હતી. મારું મગજ છટકવાની તૈયારી હતી, કોકીએ મને શાંત રાખ્યો. પરિસ્થિતિને વધુ શાંત બનાવવા અમે બન્ને ATM માં ગયાં, એજન્ટ પાસેથી ટ્રેનની ટીકીટ લીધી. ઘરે ગયાં, જોયું તો, ઘર ખૂલ્લું હતું. બન્ને જણ આરામથી બેઠા હતાં. અને એક ચાવી તો ખરેખર તો સામેવાળાને આપેલી હતી. સરસ. પછી જ્યુસ પીધો. ડેબિયનનું કામ બાકી હતું. પૂરુ કર્યું. અને આરામથી 12 વાગે સૂઇ ગયો. કારણકે, મારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં પાછાં અમદાવાદ આવવાનું હતું.

* બીજું વર્ષ શરુ થઇ ગયું છે. થેન્કસ કોકી.. આ વર્ષ કેટલીય મુશ્કેલીઓ આવવાં છતાં તારા કારણે કેટલી સરળતાથી નીકળી ગયું છે..

ઓપનઓફિસ ‘સોર્ટિંગ’ પધ્ધતિ

* આજે સવારે બહુ મગજમારી કરીને એક પ્રશ્નનો ઉકેલ લાવ્યો. એટલે મજા આવી. થોડીવાર લાઇબ્રેરીનાં કોમ્પ્યુટર વિભાગમાં નેટ વાપર્યું. એટલે મનને શાંતિ થઇ. મારે જમ્યા વગર ચાલે, પણ નેટ વગર, પાણી વગર માછલી જેવી હાલત હોય છે.

* એક વિનંતિ:

એક્સેલ (અથવા જો તમે ઓપનઓફિસ કેલ્ક વાપરતાં હોવ તો સરસ!) માં દસ-પંદર ગુજરાતી શબ્દો લખો. પછી તેને Sort બટન દબાવીને જુઓ. તે ક્રમ કેવો છે. તમારા પરિણામો મને ઓપરેટિંગ સિસ્ટમ, કયું સોફ્ટવેર તમે વાપર્યુ વગેરે મને બે પીડીએફ ફાઇલો (sort પહેલાં, sort પછી) સાથે મોકલો.

દાત. ઓપનઓફિસ, વિન્ડોઝમાં તમારે આ કઇ રીતે કરવું તે નીચે બતાવેલ છે. હા, તે હરોળને પસંદ કરવાનું ભૂલતા નહીં.

sorting-eg

કારણકે, દરેક ઓપરેટિંગ સિસ્ટમનો Sorting નો ક્રમ અલગ-અલગ હોય છે. જે પ્રમાણભૂત કરવો જરુરી છે, નહિતર દરેક સોફ્ટવેર દરેક જગ્યાએ અલગ-અલગ પરિણામ આપે છે. ખાસ કરીને ડીક્શનેરી અને સ્પેલચેકરમાં આ ખૂબ જ જરુરી છે.

હવે, કાલે પાલનપુર જઇશ.

૦૯-૦૨-૨૦૦૭

* રાબેતા (શાળામાં હતો, ત્યારે આ શબ્દથી મને બહુ ચીડ હતી, કારણ કે રાબેતા એટલે રજાનાં ઘોષણા કરતા હોય પછી, સાહેબ કહેતા કે સોમવારથી રાબેતા મુજબ શાળા ૧૧ વાગ્યે ચાલુ થશે!!) મુજબ કામ ચાલ્યુ. મોબાઇલ રોમિંગ પર હોવાથી ભયંકર રીતે મોબાઇલનાં પ્રિપેઇડનું બેલેન્સ ઘટતું જાય છે. રાત્રે વિજય ચાર રસ્તા ગયાં. જાગૃતિ કાંદા-લસણ નથી ખાતી નહિતર તેને વિજયનાં વડાપાઉંની મજા આવી હોત. જોકે રસરંજનની પાણીપૂરી તેણે માણી. વેલેન્ટાઇન ડે કાર્ડ લીધું. દુર્ભાગ્યે, મારો વેલેન્ટાઇન-ડે છેલ્લાં બે વર્ષથી એકલાં જ માણવો પડે છે. પણ, ૧૮મીએ તો હું કોકીની જોડે જ હોઇશ. 🙂

૦૮-૦૨-૨૦૦૭

* સવારે અમદાવાદ આવવાં માટે નીકળ્યો. વાઉ, કંડક્ટર પાસે ડીજીટલ ટીકીટ મશીન હતું જે જ્યાં જવું હોય તેની માહિતિ નાખતાં જ ટીકીટ બહાર નીકાળતું હતું. (કાર્ડ સ્વેપ મશીન જે દુકાન વગેરેમાં વપરાય છે, તેનાં જેવું.). ગુ.વિ. નાં કોશ વિભાગમાં અમારે બેસવાનું છે. ચાર કોમ્પ્યુટરની સુવિધા સાથે મારે કામ કરવાનું છે. હું સ્પેલચેકર પર કામ કરીશ. 

બપોર પછી મેં પહેલાં તો દરેક કોમ્પ્યુટરને સરખાં કર્યા. નેટવર્કીંગ વગેરે ચેક કર્યું અને કામ શરુ કરી દીધું. ઇન્સ્ટોલેશન (ગુજરાતી: સ્થાપન) વગેરેમાં મોટાભાગનો સમય નીકળ્યો. ધીરેનભાઇએ સરસ મશીન (hp original) આપ્યાં હોવાથી, ૨૦% કામ પૂર્ણ થઇ ગયું કહેવાય. 

ઓહ, એક પણ મશીનમાં લિનક્સ નથી. હું ઇન્ટરનેટની રાહ જોઉં છું. કારણકે, ડેબિયન અને ઉબુન્ટુ બન્નેને તે જરુરી છે. રાત્રે જમવા માટે સીજી રોડનાં છેડે એક સેન્ડવીચ વાળાંને ત્યાં ગયા. તેને બે ચીઝ ગ્રીલ સેન્ડવીચ બનાવતાં ૩૦ મિનિટ થઇ. કદાચ મુંબઇમાં રહીને મને દરેક વસ્તુઓ ફટાફટ જોઇએ છે 🙂 કાર્તિકભાઇ, યાદ રાખજે ધીરજની સેન્ડવીચ વધારે ચીઝ ધરાવે છે..