બીઆરએમ ૬૦૦: માઉન્ટેન 🐐

આ વખતે વળી પાછા જઇશું આપણા ફેવરિટ પસરણી ઘાટ પર. જ્યારે નવી મુંબઈ-કલ્યાણ સાયકલિંગ ક્લબે પ્રથમ વખત ૬૦૦ રાખી વત્તા પંચગીની જઇને એજ રસ્તે પાછાં આવવાનો માર્ગ નક્કી કર્યો ત્યારથી જ આ ૬૦૦ કરવાનું નક્કી કરેલું. અઠવાડિયા પહેલાં રજીસ્ટ્રેશન કરાવ્યું. જોડે શિરિષ અને અનિરુદ્ધ પણ આવવાના હતા, પણ અનિરુદ્ધે મોડા રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે હું અને શિરિષ સાથે નવી મુંબઈ ગયા. સમય કરતાં વહેલાં પહોંચી જવામાં અલગ મજા છે – ખાસ કરીને જ્યારે કોઇ ઇવેન્ટ-રેસ હોય ત્યારે. મગજ કુલ રાખવાની પહેલી ટીપ. ખાસ મારા કિસ્સામાં બહુ ઉપયોગી છે 🙂

સમયસર બીઆરએમ શરુ થઇ અને ૮ વાગે પિયુષને બર્થ ડે વિશ કરવા માટે ખોપોલી પહેલાં રોકાયો અને ઝુમ કોલ કરીને વિશ કર્યું. ૧૦ મિનિટના આ બ્રેક પછી ખોપોલી રોકાયો નહી અને ભોર ઘાટ આરામથી પસાર કરીને ખંડાલા બ્રેક લીધો. આમ તો હું સીધો લોનાવાલા પછી જ સ્ટોપ કરું છું પણ પછી થયું જવા દો – આપણે ક્યાં રેસિંગ કરીએ છીએ. (ભોર ઘાટ પર સિદ્ધાર્થ અને સચીને ફોટા પાડ્યા છે – જે ટૂંક સમયમાં મળશે ત્યારે અહીં અપડેટ કરીશ) અત્યાર સુધી તાપમાન સહન થાય તેવું હતું એટલે મજા આવી. પછી લગભગ તાલેગાંવ સુધી નોન-સ્ટોપ સાયકલ ચલાવી. ત્યાં પેલું લોકપ્રિય મિશળ ખાધું અને થોડો આરામ કરીને પુને જવા રવાના થયો. પુને પસાર કરીને કાત્રજ ટનલ પહોંચ્યો પણ ટનલમાં ભેજ અને ગરમીને કારણે થોડું અનઇઝી જેવું લાગ્યું એટલે પછી બીજા ૫૦ કિમી ફરીથી આરામથી ચલાવીને બીજા ઘાટ કામબાટ્ખી પર પહોંચ્યો. કામબાટ્ખી ઘાટ દેખાવમાં મોટો લાગે પરંતુ એટલો બધો મુશ્કેલ નથી. તેના પછી વાઇ આગળ શેરડીનો રસ પીવા ઉભો રહ્યો, એકદમ તાજો રસ! ત્યાંથી પસરણી પહેલાં વાઇ પર નાનો બ્રેક – જ્યાં રાજીવ અને અપૂર્વ જોડે ઓળખાણ થઇ. ઘાટ પર નોન-સ્ટોપ પણ આરામથી ચલાવી પંચગની પહોંચ્યો, જ્યાં સિદ્ધાર્થ અને સચિન મારી રાહ જોતા હતા. ઉપરનો સૂર્યાસ્ત ફોટો લઇને તરત સાતારા-કરાડ તરફ જવા રવાના થયો ત્યારે રસ્તામાં બધા રાઇડર્સ મળતા ગયા. ત્યાંથી જોશી વિહિરનો રસ્તો થોડો નવો હતો (છેલ્લે ત્યાં ૨૦૧૭માં ગયેલો). એકદમ અંધારું. માંડમાંડ હાઇવે પર પહોંચ્યો ત્યારે જીવ આવ્યો.

ત્યાંથી ફરીથી રોલિંગ રસ્તો અને ૨૮૬ પર સંપૂર્ણ ડિનરનો બ્રેક. બટર રોટી-પનીર ભુરજી-ફ્રેશ લાઇમ સોડાની પાર્ટી. ૩૨૫ પર પહોંચવા માટેની ગણતરી કરી ત્યારે ખબર પડીકે કંટ્રોલ પોઇન્ટનું અંતર વધારે છે. ના ચાલે. સિદ્ધાર્થ જોડે વાત કરી ત્યારે તેણે કંટ્રોલ થોડી સરખી જગ્યા પર ગોઠવ્યો અને હોટેલ પણ બદલી. આને કહેવાય ત્વરિત નિર્ણયશક્તિ! નાઇટ સ્ટોપ પર નક્કી કરેલું કે ૪ કલાક સૂવું પણ થોડું મોડું થયું હતું એટલે ફટાફટ સૂઇ જઇને ૩.૨૫ જેવા જાગી ગયા અને ૩.૪૫એ નાહ્યા વગર નીકળ્યો. સવાર પડતા પહેલાં ચા પીવા ઉભા રહ્યા પણ મને ફરી પાછી ઉંઘ આવી એટલે ૪૫ મિનિટ ચા પીધા પછી ઉંધ્યો. સિદ્ધાર્થ ત્યાં ગાડીમાં આવ્યો એટલે તેને જોઇને ઉંઘ ઉડી ગઇ અને ફટાફટ સાયકલ ચલાવી. ત્યાંથી સીધો કામબાટ્ખી બેઝ પર. જ્યાં મને ચાની દુકાન પર કેરાલાથી કાશ્મીર જતા ૩-૪ લોકો મળ્યા. થોડી વાતો કરીને આગળ જવા નીકળ્યો. વચ્ચે એક સ્ટોપ લઇને પછી છેક પૂને શહેરમાં ચીઝ સેન્ડવિચ ખાવાની ઇચ્છા પૂરી કરી. હાઇવે પરની હોટેલ ખાલી બહારથી જ સારી લાગે. ખાસ કરીને પુને-સાતારા વચ્ચેના ભાગમાં મિશળ સિવાય લોકો બીજું કંઇ ખાય છે કે નહી તે પ્રશ્ન છે. પુને પછીનો કંટ્રોલ તાલેગાંવ હતો જ્યાં નિહાર-વિધી મારી રાહ જોતા હતા. થોડા ગપ્પાં અને થાલી પેઠ-કોલ્ડ કોફી પછી છેલ્લા પડાવ તરફ રવાના થયો..

૬ વાગ્યાને ફરી ઉંઘ આવવાની શરુ થઇ. એક રાઇડર મળ્યો જેણે મને તરબૂચનો જ્યુશ પીવડાવ્યો. બહુ કંઇ એનર્જી ન આવી પણ એટલિસ્ટ મોઢાના સ્વાદમાં થોડો ફેરફાર આવ્યો અેટલે સારું લાગ્યું. જેએનપીટી બાયપાસ પસાર કર્યો પછી ખરો બોરિંગ ટ્રાફિક શરુ થવાનો હતો. અને, આ વખતે રસ્તો ભૂલ્યા વગર – ગારમિનની મદદ લઇને અંત સુધી પહોંચ્યો ત્યારે ૩૮ કલાક ૧૦ મિનિટ થઇ હતી. ૨ મિનિટ એટીએમ સ્લીપ લેવામાં થઇ એટલે ઓફિશિયલ સમય કદાચ ૩૮ કલાક ૧૨ મિનિટ આવશે. અમારા બધાંનું અભિવાદન ફૂલનો હાર પહેરાવીને કરવામાં આવ્યું, જેનાથી અમને સેલિબ્રિટી હોવાની ક્ષણિક લાગણી પણ થઇ આવી, પછી થયું કે આપણી ટ્વિટર પોસ્ટ ક્યાં લોકો વાંચે છે.. 😉

૧.૫

  • આજનું જ્ઞાન: સાઉથ ઇન્ડિયન મુવીઓ, યુ-ટ્યુબના વિડીયો, ઓફિસના લાંબા-લાંબા મિટીંગ વિડિયો વગેરે જોવા માટે ૧.૫ની ઝડપ રાખવાથી સમય તેમજ નાણાં બંનેનો બચાવ થાય છે. નેટફ્લિક્સે થોડા સમય પહેલાં આ ફીચર ઉમેર્યું છે, તે માટે તેમનો આભાર.