અપડેટ્સ – ૧૦૩

* આજ-કાલ $ નો ભાવ વધવા (અને રુપિયાના ઘટવા) સિવાય કોઇ ખાસ ઘટનાઓ બનતી લાગતી નથી. આપણા મન એટલાં કઠોર થઇ ગયા છે કે ભાવવધારા સિવાય બીજી ઘટનાઓ સામાન્ય ગણીએ છીએ. દા.ત. રાજકારણીઓનું છૂટી જવું, બાપુઓની ચીમકીઓ અને બિલ્ડર-લોબીએ (રેતીથી) બાંધેલા મકાનો પડી જવા વગેરે.

* વરસાદ હજી બંધ થયો નથી, પણ હળવો થયો છે.

* આધાર કાર્ડની મગજમારી ચાલુ છે. પહેલાં એમ હતું કે ખાલી ક્રેડિટ કાર્ડ લેવું અઘરું છે, પણ આ નવાં કાર્ડે રેકોર્ડ તોડ્યો છે!

* ગઇકાલે થોડા સમય માટે ભારત આવતા ડેબિયન ડેવલોપરને મળવા ગયો ત્યારે અંધેરી સ્ટેશન પર ઉતરીને થયું કે આપણે દરરોજ આવી જાલિમ મુસાફરી કરતા નથી એટલું સારું છે. રસ્તા પર આવતાં થયું કે આવું પ્રદુષણ સહન નથી કરવું પડતું એ પણ સારું છે 🙂 કોસ્ટામાં કોસ્ટલી કોફી પીધા પછી થયું કે આવી કોફી દરરોજ નથી પીતા એ પણ સારું છે. લિનક્સનાં કર્નલથી માંડીને રાજકારણ સુધી ઘણી ચર્ચાઓ થઇ અને અંતે અમારો મુખ્ય એજન્ડા કી-સાઇનિંગ કરી છૂટા પડ્યા.

* જન્માષ્ટમીમાં વર્ષો પછી મટકી ફૂટતી દેખી. કવિને પણ પોતાનો ઘટતો ફાળો આપવાનો પ્રયત્ન કર્યો પણ ત્રણ પ્રયત્નો નિષ્ફળ ગયા.

* જીમેલ પાછું બગડતું જાય છે. નવી કોમ્પોઝ વિન્ડો, બાય ડિફોલ્ટ સેન્ટ મેલને અર્કાઇવ કરી લેવા. ડચચચ… 😦

આજના વિડિઓ(સ)

* ફિક્સ યુ – કોલ્ડપ્લે. મારા પ્રિય ગીતોમાંનું એક.

* આ એક સરસ વિડિયો મળ્યો છે (ફેસબુકનાં મુંબઇ રોડ રનર્સ ગ્રુપ પરથી).

https://www.facebook.com/photo.php?v=3357580914179

અપડેટ્સ – ૧૦૨

* ગઇ કાલે અમારી ૯મી એન્ગેજમેન્ટ એનિવર્સરી હતી. ઉજવણી? પાની પુરી. પેસ્ટ્રી.

* કે. મારા માટે ‘યોગ મેટ’ લાવી  જેથી હવે જુહુ કે આરે કોલોનીમાં ટ્રેનિંગ વખતે મારા કપડાં ખરાબ નહી થાય (કે ઓછા થશે) વત્તા ઘરે પણ વ્યવસ્થિત રીતે કસરત વગેરે થઇ શકે. થેંક્સ, કે! (PS: યોગા નહી યોગ કહેવાય). આવતા રવિવારે (૧ લી તારીખે) બાંદ્રા-NCPA હાફ-મેરેથોનમાં ભાગ લઇ રહ્યો છું, જેની તૈયારી જરાય ઠીક લાગતી નથી!

* અમે બન્ને જણાંએ ગુજરાતી વિકિસ્ત્રોતમાં યોગદાન શરુ કર્યું છે. ઝવેરચંદ મેઘાણીની વેવિશાળથી અમારી શુભ શરુઆત થઇ છે. હવે જોઇએ છીએ ક્યાં સુધી પહોંચીએ છીએ 🙂

* ગુજરાતીલેક્સિકોનની નવી પોપ અપ ડિક્શનરી સરસ રોકિંગ છે. હવે, પોપ અપ નામ કેમ રાખવામાં આવ્યું એ ખબર નથી! આ એપ્લિકેશન IIM માં રાખેલા હેકેથોનમાં રનર અપ બની હતી. દુર્ભાગ્યે, એમાં આવતી એડ્સ આખા લુક એન્ડ ફિલને મારી નાંખે છે..

* આપણો દેશ કોમ્પ્યુટર છે. આપણે ૦ અને ૧ આંકડાઓ છીએ. રાજકારણીઓ તેમાં ઘૂસેલા ડીફોલ્ટ વાયરસ છે. આપણી ઓપરેટિંગ સિસ્ટમ કરપ્ટ છે. દેશને મુક્ત એવાં લિનક્સ અને ઓપનસોર્સ વિચારધારાની તાતી જરુર છે.

આજનું પુસ્તક

* કોરી ડોક્ટોરોવનું ‘લિટલ બ્રધર‘ હવે વિવિધ ફોરમેટ્સમાં ડાઉનલોડ માટે પ્રાપ્ત છે. જુઓ તેનું ડાઉનલોડ પાનું. વધુમાં તમે જો તેમને સપોર્ટ કરવા માંગતા હોવ તો પુસ્તક ખરીદી પણ શકો છો! એવું લાગે છે કે, આવતા વર્ષે લેખકને રુબરુ મળવાનું થશે 🙂

પુસ્તક: પેંગ્વિન ઊડી શકે છે!

* વર્ષો પહેલાં ઇ.સ. પૂર્વે એપ્રિલ ૨૦૦૯માં અમારા દ્વારા આ બ્લોગ પર એક સાહસિક પોસ્ટ ‘નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક‘ લખવામાં આવી હતી. અને નક્કી હતું તેમ, એના ઉપર જરાય કામ-કાજ થયું નહી. પણ, વિકિમેનિઆમાં કોઇક ચર્ચા દરમિયાન વાત નીકળી કે આવું કોઇક પુસ્તક લખવાનો સૌથી ઉત્તમ રસ્તો છે – સાથે મળીને લખવું. અને, આમ પણ, આ પુસ્તકનો કોઇ વ્યાપારિક હેતુ છે જ નહી એટલે મારે પબ્લિશર જોડે માથાકૂટ કરવાનો સવાલ જ નહોતો.

તો હાજર છે – પેંગ્વિન ઊડી શકે છે! – હવે ગીટહબ પર!

હજી માત્ર કાચી-પાકી રુપરેખા જ લખી છે. સમય મળતાં વધુ વિગતો ઉમેરતો જઇશ. અહીં તમે પણ તમારો ફાળો – જોડણી સુધારો, સંદર્ભો, ટેકનિકલ ખામીઓ – વગેરે આપી શકો છો. ફાળો આપવાનો ઉત્તમ રસ્તો ગીટહબમાં તેને ફોર્ક કરીને પુલ રીકવેસ્ટ મોકલવાનો છે. જ્યારે તમે પુલ રીકવેસ્ટ મોકલો ત્યારે ધ્યાન રાખજો કે ગીટ બ્રાન્ચનો ઉપયોગ કરો જેથી આપણાં ફેરફારો અડફેટે ન ચડે! ફાળો આપવાનો બીજો રસ્તો આ પ્રયત્ન વિશે વધુ માહિતી ફેલાવવાનો છે.

થોડા સમય પછી પુસ્તકને LaTex બંધારણમાં ફેરવવામાં આવશે, જેથી PDF અને ePub જેવા બંધારણો તરત જ શક્ય બનશે – જે હજી શીખવાનું ચાલુ છે.

અપડેટ: જો તમે ગીટહબમાં ફોર્ક કરેલ હોય, અને મારા અપડેટ્સ સાથે અપ-ટુ-ડેટ રહેવા માંગતા હોવ તો નીચેની માહિતી ઉપયોગી થશે (લિનક્સ અને મેક માટે, વિન્ડોઝ – રામ જાને!)

૧. તમારા ફોર્કમાં જાવ,

cd penguin-can-fly

૨. અપસ્ટ્રીમ તરીકે મારી ગીટ રેપોઝિટોરી ઉમેરો,

git remote add upstream git@github.com:kartikm/penguin-can-fly.git

૩. અને પછી, અપડેટ્સ મેળવો,

git fetch upstream

૪. અને, મર્જ કરો:

git merge upstream/master

મર્જ કરતાં પહેલાં જોઇ લો કે કંઇ conflict વગેરે તો નથી ને.

અપડેટ્સ – ૧૦૧

* છેલ્લી અપડેટ્સ પછી, મુંબઇમાં નાળાઓમાં ઘણું પાણી વહી ગયું છે. એટલે, થયું કે થોડી અપડેટ્સ આપી દઇએ.

* હોંગ કોંગની છેલ્લી પાર્ટી સરસ રહી. ખાસ કરીને, મારા ડેબિયન મિત્ર બેન્જામીન મેકૉ હિલ જોડે અચાનક ઓળખાણ થઇ. પ્લેનેટ ડેબિયન માટે મેકૉને બહુ હેરાન કરેલો તે વાત ઉપર અમે બહુ હસ્યા અને છેવટે, રુનાએ અમારો એક સરસ ફોટો પણ પાડ્યો. ૨૦૦૫થી એક-બીજાને ઓળખતા હોવા છતાં અને દુનિયાના તદ્ન વિરુધ્ધ છેડા પર રહેતા અમે દુનિયાનાં બીજાં જ ભાગમાં મળ્યા એનાથી વધુ શું આનંદની વાત હોય?

મકૉ અને હું
મેકૉ અને હું. ફોટો: (c) રુના ભટ્ટાચાર્જી

પાર્ટીના બીજા ફોટા વિવિધ ફેસબુક એકાઉન્ટ ઉપર કે મારી ટાઇમ-લાઇનમાં મળશે. પાર્ટીમાં કેટલું નાચ્યો કે ન નાચ્યો એ વિશે પૃચ્છા ન કરવી. વધુ માહિતી અર્નવના બ્લોગ પર મળી શકે છે!

* રીટર્ન મુસાફરી આરામ-દાયક રહી વત્તા કંઇ હેરાનગતિ ન થઇ એટલું સારું થયું. કવિન માટે વિવિધ પ્રકારના Lego રમકડાં લાવવામાં આવ્યાં.

* ગઇકાલે ૧પમી ઓગસ્ટ નિમિત્તે સરસ સાયકલિંગ રાઇડ (ઘર-જુહુ-વર્લી સીફેસ-બાંદ્રા-ઘર) કરવામાં આવી. ટોટલ ૬૫ કિમી. ઘણાં નવાં અને જૂનાં સાયકલિસ્ટ્સને મળ્યો. એક આખી સાયકલ કુંટુંબ પણ મળ્યું અને ખાસ કરીને આશુતોષ બીજુરને મળ્યો અને સરસ વાતો થઇ. અમારાં નિયમિત રનર્સ – વિનય અને હર્ષિલ પણ મળ્યાં. વર્ષો પછી ધ્વજ-વંદન કરવામાં આવ્યું એ વાત ઉલ્લેખનીય ગણી શકાય. હવે પછી, રવિવારે બીજી મોટી દોડનો પ્લાન છે. ૧લી સપ્ટેમ્બરે અમારી નિયમિત બાંદ્રા-NCPA હાફ-મેરેથોન છે. બધાંને આમંત્રણ છે!

* કવિન-કોકી જોડે સ્ટારવોર્સ સીરીઝ જોવાની શરુ કરી છે અને કવિનને R2D2 બહુ ગમી ગયો છે! જોકે સ્ટારવોર્સના કી-ચેઇન લીધાં છે, અને Lego પણ સ્ટારવોર્સ સીરીઝનો ભાગ જ છે. આખી સીરીઝ જોતાં મહિનો નીકળશે એવો અંદાજ છે, પણ મજા આવશે!

* અને હા, હેપ્પી બર્થ ડે – ડેબિયન!!

હોંગ કોંગ – ૪: અપડેટ્સ

* અપડેટ ટાઇમ!!

* તો, આજે વિકિમેનિઆ ૨૦૧૩નો છેલ્લો દિવસ છે અને ઓપનિંગ કી-નોટ પછી અમે અહીં ‘How to take quality images with cheap camera’ ની ચર્ચામાં બેઠા છીએ. સરસ ચર્ચા વત્તા માહિતી મળી રહી છે. વિકિમેનિઆ અત્યાર સુધી સરસ રહ્યું છે. કેટલાંય નવાં-નવાં લોકોની ઓળખાણ થઇ, જોરદાર નોલેજ મળી રહ્યું છે અને હવે, ધીમે-ધીમે વિકિપીડિઆ કોમ્યુનિટીમાં વધુ-ને-વધુ ઉંડા ઉતરી રહ્યો છું.

આવી છે વિકિમિડીઆ કોમ્યુનિટી!
આવી છે વિકિમિડીઆ કોમ્યુનિટી! — શુ ગાર્ડનર

* થોડાંક ચિત્રો કોમન્સમાં અપલોડ કર્યા છે. બાકીનાં સમય મળ્યે ત્યારે.

* મોંગ મોક અને અહીં ચીમ શાઇ ચુનમાં (TST) માં ફરવાની મજા આવી ગઇ. હજી ઓરીજીનલ હોંગ કોંગ આઇલેન્ડ તો જોવાનો બાકી જ છે અને (અ)મારી પાસે એક અડધો દિવસ જ છે. પણ, હવે ફરી કોઇ વખત હોંગ કોંગની વાત છે. જાણવા મળ્યું કે અહીં મેરેથોન પણ થાય છે. હમમ..

* પાર્ટી અને આફ્ટર પાર્ટી સારી જઇ રહી છે. ગઇકાલે પાર્ટી, ડાન્સ પાર્ટી હતી અને આજે સાંજે બીચ પાર્ટી છે. આખો દિવસ કામ કરીએ પછી કંઇક મજા તો કરવી જ જોઇએ ને? ઓવરઓલ, હોંગ કોંગની પબ્લિક સારી છે એવું લાગ્યું. અહીં ભારતીયોની (જેમાં પાકિસ્તાની, બાંગ્લાદેશી પણ આવી જાય) વસ્તી સારી એવી છે. હોટેલની બાજુમાં સબ-વેમાં કામ કરતાં લોકોને હિન્દીમાં વાત કરતા જોયા પછી ખબર પડીકે તેઓ બાંગલાદેશથી આવ્યા છે અને લગભગ ૧૯ વર્ષથી રહે છે (પણ, ચાઇનીઝ શીખ્યા નથી, તે વાત અલગ છે). અહીં પોલીટેક, જેમાં વિકિમેનિઆ કોન્ફરન્સ છે, એ પણ સરસ છે. મજાનું કેમ્પસ છે અને સરસ ક્લાસ રુમ્સ છે. અફસોસ થાય કે, બહાર જઇને ભણવા ન મળ્યું 🙂

* છેલ્લે, શોપિંગ સાર: હોંગ કોંગ મોંઘું છે. પણ, સરસ છે!!

હોંગ કોંગ – ૩: અપડેટ્સ

* હોંગ કોંગથી અપડેટ્સ – xx સ્ટાઇલમાં અપડેટ્સ ટાઇમ!

* હવે આજથી ઓફિશિઅલ વિકિમેનિઆ શરુ થઇ છે (અને આ લખાય છે ત્યાં જીમીભાઇ વેલ્સ સ્ટેજ પર આવ્યા છે!) અને મજાની ટોક શરુ કરી છે. પહેલાં બે દિવસ ટીમ મિટિંગ અને પછીનાં બે દિવસ ડેવ કેમ્પ અકા હેકેથોનનો કાર્યક્રમ હતો.

* ધવલભાઇને પહેલી વખત મળવાનું થયું અને વિકિમેનિઆમાં ગુજરાતી બોલતા કુલ પાંચ લોકો ભેગા થયા (હું, અર્નવ, ધવલભાઇ, અનિરુધ્ધ, પ્રણવ) અને આરામથી ગુજરાતીમાં વાતો કરી.

* ગઇકાલે રાત્રે સ્કાય ૧૦૦માં પાર્ટી હતી, એટલે કે ૧૦૦માં માળે પાર્ટી હતી. પાર્ટીમાં જમવાનું ભંગાર હતું પણ ત્યાંથી જે દ્રશ્ય દેખાતું હતું વત્તા રેડ વાઇન સારો હતો. પછી, આરામથી સારા ફોટાઓ ઘરે આવીને કે સમય મળ્યે મૂકવાનો પ્લાન છે.

*  બે વખત ૧૦K રનિંગ કાર્યક્રમ બન્યા છે, અને હવે રવિવારે થોડા વિકિપીડિઅન્સને દોડાવવાનો વિચાર છે. પણ, દરરોજ પાર્ટી અને આફ્ટર પાર્ટી બધાંને નડશે એવું લાગે છે.

* હોંગ કોંગ સરસ છે. એકદમ ચોખ્ખું. ખાસ કરીને દોડવા-ચાલવાના રસ્તા જોઇને થાય છે કે આપણે ખોટી જગ્યાએ રહીએ છીએ 🙂

હોંગ કોંગ – ૨: સિમ સીમ!

* આ સ્પેશિઅલ પોસ્ટ છે!!

સિમ સીમ
સિમ સીમ

થયું એવું કે હોટેલનું વાઇ-ફાઇ કંઇ બહુ સારુ નહોતું અને નવાં શહેરમાં ફરવા માટે લોકલ સીમ (ખાસ કરીને ઇન્ટરનેટ માટે) લેવું જરુરી બન્યું. એટલે, એક દુકાનમાં તપાસ કરી. મને એમ કે આપણાં ભારતની જેમ ‘ડોક્યુમેન્ટ્સ’ આપવા પડે. પણ, બધાંએ કહ્યું કે એવું કશું નથી! તો પણ, મને હજી માનવામાં આવતું નહોતું. રાત્રે દુકાને ગયા અને દુકાનવાળાએ કહ્યું ૮૮ ડોલર, સાત દિવસ, અનલિમિટેડ ૩જી નેટવર્ક. અદ્ભૂત. કોઇ ડોક્યુમેન્ટ નહી (હા, ગર્વમેન્ટ કદાચ તમારા ફોનમાં ડોકિયાં કરે – એ વાત અલગ છે!).

તો, અમે ૨૪ કલાક ૭ એમ-બી-પી-એસ માણીએ છીએ અને પાર્ટી કરીએ છીએ!

PS: અત્યારે ૫જી નેટવર્ક પર છું.

હોંગ કોંગ – ૧

* છેવટે, અમે હોંગ કોંગ વ્યવસ્થિત રીત એક પીસમાં પહોંચી ગયા છીએ! આ એક મોડી-મોડી પોસ્ટ છે. અત્યારે દિવસ – ૩ ચાલે છે. દરરોજ આવી એકાદ પોસ્ટ આવવાની શક્યતા છે.

* છેલ્લી પોસ્ટમાં લખ્યું તેમ હોંગ કોંગની મુલાકાત વિકિમેનિઆ ૨૦૧૩ માટે છે. અને, મારી પહેલી વિદેશી સફર પણ છે (ભવિષ્યમાં આવી સફર્સ થવાની શક્યતાઓ બહુ ઉજળી છે!) એટલે થોડો ડર હતો કે શું થશે? ઇમિગ્રેશન વાળા લોકોએ બહુ સવાલો ન પૂછ્યા (જે અહીં આવીને પૂછાવાના હતા!) અને સરળતાથી મને ભારતમાંથી બહાર જવા મળ્યું. કેથે પેસેફિકની મુસાફરી એમ તો સારી રહી, પણ સતત ૬ કલાકે મારી કમરને અસર કરી છે (અને પાછું એ દિવસે સવારે બહુ જોરદાર કસરત કરવામાં આવી હતી!). હું અહીં એરપોર્ટ પર આવીને પહેલાં તો ખોટી જગ્યાએ પહોંચી ગયો, એરપોર્ટ ટ્રેન પકડીને પાછો ઇમિગ્રેશન પર આવ્યો. જેઓએ વિકિપીડિઆ-વિકિમેનિઆ શું છે? ક્યાં રહેવાના છો, વગેરે સવાલો પૂછ્યા અને મને અંદર આવવા દીધો.

* રુના મને એરપોર્ટ પર મળી અને માત્ર બે જણાંને લઇને હોટેલની બસ નીકળી. લગભગ સવા કલાકની મુસાફરી પછી અમે કાઉલૂન પહોંચ્યા અને થોડો આરામ કરીને રખડવા નીકળ્યા. ત્યાં દરિયા કિનારે અમને બ્રુસ લીનું ફેમસ પૂતળું મળ્યું એટલે અમે સ્ટાન્ડર્ડ ટુરિસ્ટની જેમ ફોટો પડાવ્યો.

બ્રુસ લી
નો કેપ્શન. સેલ્યુટ ટુ માસ્ટર.

* આગળ જતાં-જતાં અમને એમ કે કંઇક સારી દુકાનો આવશે, પણ રસ્તો બહુ આગળ-આગળ જતો હતો. છેવટે, કંટાળીને અમે સબ-વેમાં (રીઅલ, સબ-વે, પેલું સબ-વે નહી!)  ગયા અને અહો, ત્યાં ઢગલાબંધ દુકાનો મળી. એક પર્પલ છત્રી લેવામાં આવી અને પાણીની બોટલ (૬ ડોલર) પણ ખરીદવી પડી કારણ કે, હોંગ કોંગ બહુ હોટ છે (અત્યારે ઢગલાબંધ ચાઇનિઝ ટુરિસ્ટ્સ દેખાય છે, હા, હા!).

* રુમ પર આવીને જોયું તો,

વિકિમેનિઆ કેક

એટલે કેક પૂરી કરીને સૂઇ ગયો અને સાંજે અમારી હોટલની Executive Lounge માં આરામથી નાસ્તો કર્યો. પછી કોઇક બારમાં ગયા (જ્યાં રસ્તામાં રેડ એન્ટ હોટેલ જોઇ જે રેડ એન્ટ સર્વ કરતી હતી એવું જાણવા મળ્યું!) અને ત્યાંથી Spring Deer નામની ઘોંઘાટીયા વાતાવરણ વાળી રેસ્ટોરાંમાં ગયા. વર્ષો પછી ચોપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો!

સિંગ ચોપસ્ટિક

રાત્રે ફરી અત્યંત થાકી ગયો હતો. એટલે, Zzz..

PS: અર્નવે અપડેટ આપી કે રેડ ઍન્ટ એટલે રેડ કોકરોચ 🙂