રેસ રિપોર્ટ: આલ્ફા ટ્રેલ હાફ મેરેથોન

મસ્ત મેડલ

2018માં જરાક માટે આ સરસ હાફ મેરેથોન રહી ગઇ હતી.

ગોળ ગોળ ઘાણી

અત્યાર સુધી મને એમ જ હતું કે ગોળ ગોળ ધાણી! હવે ચાલીસ વર્ષ પછી (માપોમાપ!) અધીર અમદાવાદીની એક પોસ્ટની એક કોમેન્ટ પરથી ખબર પડી કે તે ગોળ ગોળ ઘાણી હોય. જે હોય તે, જાગ્યા ત્યારથી સવાર 🙂

અમદાવાદ એડવેન્ચર્સ

એમાં થયું એવું કે અમે નક્કી કર્યું કે ધાનીના બર્થ ડે પર અમદાવાદ જવું. પેરિસમાં હતો ત્યારે જ અમદાવાદની જવાની અને પાછા આવવાની ટિકિટ્સ કરાવી દીધી હતી. જામ હમસફર નામની સરસ ટ્રેનમાં શનિવારે રાત્રે (એટલે કે રવિવારે સવારે) અમે અમદાવાદ જવા નીકળ્યા. આ વખતે નક્કી કર્યું કે હોટેલમાં રહેવું. અમદાવાદ ઉતરીને સૌ પહેલા તો રીક્ષા-ઉબર-ઓલાની ભેજાફોડી કરી. અમારી આશા પછીથી અપેક્ષામાં પરિવર્તિત થઇ (ના – આશા-અમર જેવું લિંગ પરિવર્તન અહીં ન થયું!). હોટેલ પહોંચ્યા પછી બ્રેકફાસ્ટમાં ખબર પડી કે આજનો બ્રેકફાસ્ટ ફ્રી નથી. ઓકે. સ્વિમિંગ પૂલનું પૂછ્યું તો કહ્યું કે તે ૧૧ વાગ્યા પછી ચાલુ થાય. ઓ તારી. ૧૧ વાગ્યા પછી કોણ સ્વિમિંગ કરે? થોડી વાર પછી પૂલમાં અવાજો સંભળાયા અને અમે કવિનને ન્હાવા મોકલ્યો. કવિને એન્જોય કર્યા પછી અમે ધાની રમાડીને અડાલજની વાવ જોવા ગયા. ઓલા-ઉબર ઝિંદાબાદ!

વાવ મસ્ત છે. આટલા વર્ષો અમદાવાદમાં ગાળ્યા પણ પહેલી વખત જોવાનો મોકો મળ્યો. ત્યાંથી મામાના ઘરે ગયા અને ત્યાંથી ગાંધી આશ્રમ. કવિનને બહુ મજા ન આવી પણ અમે ત્યાંથી થોડા પુસ્તકો ઉપાડ્યા અને એક ફ્રીજ મેગ્નેટ પણ મળ્યું. થોડા સરસ પોસ્ટકાર્ડ પણ લીધા. હકુ શાહના ચિત્રો તેમાં છે. આ પરથી યાદ આવ્યું કે ગુજરાતી વિકિપીડિયામાં તેમના પર લેખ નથી. તો આજ-કાલમાં બનાવીશ! આશ્રમથી અમે બર્થ ડે પાર્ટીમાં આવ્યા અને કેક ઝાપટી. ધાની જોડે મસ્તી કરી અને રાત્રે પાછાં હોટેલ પર.

બીજા દિવસનો પ્લાન ગણપતિ દર્શન અને પછી જૂનાં શહેરની મુલાકાતનો હતો. ત્રણ દરવાજા થોડું રખડ્યા. એક બેલ્ટ, એક બ્રેસલેટ અને ઢગલાબંધ મુખવાસ લીધા. ઢાલગરવાડની મુલાકાત કરી અને થોડી શોપિંગ કરી. માંડ માંડ બહાર નીકળવાનો રસ્તો શોધ્યો અને ત્યાંથી હોટેલ પહોંચી આરામ કર્યો અને સાંજે વિનયના ઘરે જવાનું નક્કી કર્યું હતું. વિનયના ઘરે ક્ષમાને પણ મળવાનું હતું. લગભગ ૨૦ વર્ષ પછી અમે મળ્યા અને પછી વાતો ના વડા, મસ્ત ડિનર અને પછી સરસ કોફીનો દોર ચાલ્યો. રાત્રે ૧.૩૦ વાગ્યા સુધી અમે ત્યાં બેઠા. ક્ષમાની સરસ ઓફિસ જોઇ.

ત્રીજો દિવસ બેંક કામકાજ ખાતે હતો. મારી બેંક દરવખતે અલગ બિલ્ડિંગમાં જોવા મળે છે, હવે આવતી વખતે તેની મુલાકાત ન થાય એવી આશા (!) સાથે આ વખતે કામ પતાવી આવ્યો છું. એ પહેલા રીવરફ્રંટ પર દોડવા ગયો ત્યાં ADRના વત્સલ જોડે મુલાકાત થઇ હતી. બહુ બધું ચાલીને પાછો હોટેલમાં આવી કામ કર્યું. સાંજે IIMA માં ઇશિતાને મળવાનું હતું. ત્યાં લાઇબ્રેરી અને આજુબાજુના હેરિટેજ બિલ્ડિંગની મુલાકાત લીધી. લાઇબ્રેરી મસ્ત હતી પણ ફોટો લેવાની મનાઇ હતી. એમ પણ હવે મારો ફોન બગડ્યો છે, જે ક્યારેક જ ફોટો લેવા દે છે 🙂

ત્યાંથી ડ્રાઇવ-ઇનમાં મુવી જોવા જવાનો પ્લાન હતો. સાહો મુવી હતું. કવિન-કોકી સુંદરવન ગયેલા ત્યાંથી સીધા આવ્યા અને હું મચ્છર અને વાંદરાઓના ત્રાસ વચ્ચે ટિકિટ લઇને ઉભો હતો. ડ્રાઇવ-ઇન અંદરથી તો સરસ લાગ્યું પણ સાહો એ જે ત્રાસ વર્તાવ્યો કે અમે ઇન્ટરવલમાં જ બહાર નીકળી ગયા અને સામે એક અપસાઉથ કરીને નવી ખૂલેલી રેસ્ટોરાંમાં ગયા. એકદમ મસ્ત ફૂડ. કોકી-કવિનને પણ ગમ્યું. બીજા દિવસે સવારે વહેલા નીકળવાનું હતું અને ખરું એડવેન્ચર હવે શરૂ થવાનું હતું!

સૌ પહેલા તો ચેક-આઉટ માટે ૫ વાગે અમે નીચે આવ્યા તો રીસેપ્શન પર કોઇ માણસ જ નહી. માંડ માંડ વોચમેનને જગાડીને માણસ શોધ્યો. ૧ મિનિટના કામ માટે તેણે ૧૦ મિનિટ બગાડી. સદ્ભાગ્યે ટેક્સી જલ્દી આવી ગઇ અને અમે સમયસર સ્ટેશન પહોંચ્યા. ટ્રેન પણ સમયસર હતી અને છેક વનગાંવ સુધી મસ્ત ચાલ્યું. ઓનલાઇન ફૂડ ઓર્ડરનો અનુભવ સારો રહ્યો. રસ્તામાં સારું એવું ઝાપટ્યું. હવે વનગાંવ ૧૫-૨૦ મિનિટ ટ્રેન પડી રહી અને બોઇસર આવીને ખબર પડી કે મુંબઈમાં ભારે વરસાદ છે અને વસઇ-વિરાર આગળ પાણી ભરાઇ ગયા છે. તો ટ્રેન આગળ નહી જાય!

અમે બોઇસર ઉતરી ગયા. વરસાદ ચાલુ હતો અને અમારી પાસે છત્રી કે રેઇનકોટ નહી (મારો રેઇનકોટ તો ફ્રાંસમાં ક્યાંક રહી ગયો હતો!). ત્યાંથી નક્કી કર્યું કે રીક્ષામાં પાલઘર જઇએ તો ત્યાંથી કંઇ ટેક્સી મળી જાય. મને ખબર નહી કે હાઇવે પર કેવી હાલત છે. ગુગલ મેપ્સમાં ઘોડબંદર સિવાય ક્યાંય ટ્રાફિક દેખાડતું નહોતું. પાલઘર સ્ટેશન પહોંચીને બસમાં અમે મનોર (મસ્તાન નાકા) આવ્યા અને પછી ત્યાં ખબર પડી કે લોકો હાઇવે પર પણ જતા નથી. એક-બે જણને લિફ્ટ માટે પૂછ્યું તો બધાંએ ના પડી પછી તેમાંથી જ એક જણે સામેથી કહ્યું, ચલો તમને ઘોડબંદર સુધી ડ્રોપ કરી દઉં. ગાડીમાં બેઠા ખબર પડી કે તે અમારી જોડે ગાડીમાં બેઠેલા વ્યક્તિના મિત્રનો મિત્ર હતો અને પાલઘરમાં જ રહેતો હતો. નવી નક્કોર ગાડી પાણી ભરાયેલા હોય ત્યારે સાવ અજાણ્યા માણસને એક પણ રૂપિયો લીધા વગર છેક ૭૦ કિમી મૂકવા કોણ આવે? મારી તો આંખો ભરાઇ આવી. ઘોડબંદરથી અમે રીક્ષા કરી અને આરામથી ઘરે પહોંચ્યા.

સાર: ૧. માણસો ભલા હોય છે. ૨. કોકી-કવિન મારા કરતા વધુ હિંમતવાળા છે. આવી સ્થિતિમાં હું એકલો હોઉં તો વધારે ગભરાઇ જાઉં!

સાયકલ સિન્ડ્રોમ

જ્યારે માણસો ગાંધી આશ્રમમાં પણ સાયકલ શોધી કાઢે 😉