જ્યારે અમે નાના હતાં – ફિલ્મો

* જ્યારે અમે નાના હતાં, ત્યારે પાલનપુરમાં થિએટરમાં ફિલમ જોવા જતાં હતાં. એ વખતે બે થિએટર. એક સીટીલાઇટ અને બીજું કોઝી. ડિક્ષનરીનો ઉપયોગ કરતાં આવડ્યું ત્યારે ખબર પડી કે કોઝી એટલે આરામદાયક થાય. ત્યાર પછી, આરામદાયકની વ્યાખ્યા મનમાં બદલાઇ ગઇ હતી 😉

* મને યાદ છે ત્યાં સુધી, બેતાબરામ તેરી ગંગા મેલીનાગિન – આ ફિલ્મો અમે થિએટરમાં જોઇ હતી. અને, મારી મેમરીને દાદ દેવી પડે કે હજીયે એમાના કેટલાય સીન યાદ છે (ઓકે, મંદાકિની વાળા નહી, વહેતી ગંગા કે પછી બેતાબનો ઘોડો કે પછી નાગિનની શ્રીદેવીનો ડાન્સ વગેરે..).

ટારઝન અને શીબા – ધ જંગલ ક્વિન, પણ થિએટરમાં જોયેલાં. વર્ષો પછી ખબર પડી કે ઓહો, અમે આવી ફિલ્મો થિએટરમાં જોયેલી? 😉 બન્ને થિએટરની ફિલ્મોના પોસ્ટર દિલ્હી ગેટ પાસે રુપાલી ચાના થાંભલા આગળ લાગતા એટલે સ્કૂલ જતાં-આવતાં લેટેસ્ટ ફિલ્મોના સમાચાર મળતા રહેતા.

* ચોથા કે પાંચમા ધોરણમાં ઘરે VCP (Video Cassette Player) અને પછી VCR (Video Cassette Recorder) આવ્યું અને એ વખતે વિડિઓ કેસેટ લાઇબ્રેરીઓનો રાફડો ફાટેલો. ત્રણેક કેસેટવાળાઓને ત્યાં અમે મેમ્બરશીપ લીધેલી અને છઠ્ઠાથી મને અંગ્રેજી ફિલ્મોનો શોખ લાગેલો. મારા ફઇનો દીકરો મારાથી છ વર્ષ મોટો હોવાથી તેની પાસેથી સારા-સારા પિક્ચરોનું લિસ્ટ અમે લીધેલું. એલિયન્સ અને ટર્મિનેટર – ૨ (૧૯૯૨), જોયા પછી અમારો સાયન્સ-ફિક્શન પ્રત્યે લગાવ બેવડાઇ ગયો હતો. ખેર, VCR ગયા પછી, ફિલ્મો જોવાનું તદ્ન ઓછું થઇ ગયેલું પણ ત્યાં સુધી કેબલ ટીવી આવી ગયેલા અને ફિલ્મોની જગ્યાએ વાંચનનો સારો (ગણાતો) શોખ લાગ્યો હતો.

અને, એલિયન્સ અને ટર્મિનેટર – ૨ હજી પણ અમારી ફેવરિટ ફિલ્મો છે. એલિયન્સ તો મન થાય તો વારંવાર જોવામાં આવે છે..

અપડેટ્સ – ૫૪

* વરસાદ પડતો નથી અને મજા આવતી નથી.

* ગઇકાલે સવારે અને પછી બપોરે, હાથમાં કંઇક રીએક્શન જેવું થયેલું. કોઇક જીવડું કરેડેલું છે અથવા ખાવા-પીવામાં આવેલી વસ્તુ સાથે એલર્જી થયેલ છે. કદાચ કોઇ લેખક-બ્લોગની પણ એલર્જી હોઇ શકે. ખબર નહી શું છે, હીગ્સ-બોસોન જાણે.

* કાલે ભવ્ય ખરીદી કરવામાં આવી. નવાં શૂઝ, નવી ટી-શર્ટ્સ..

અને પેલો બેટમેન જેણે અમને બીજો ભારે ખર્ચો કરાવ્યો.. 😉

 

* હેરી પોટર એન્ડ ધ હાફ બ્લડ પ્રિન્સ અત્યારે વંચાઇ રહી છે. આવતા અઠવાડિયે આઠેય ભાગ પૂરા થઇ જશે એવું લાગે છે. ખરેખર, પુસ્તક પરથી બનાવેલું મુવી ન જોવું જોઇએ એવું પુસ્તક વાંચ્યા પછી લાગે છે 🙂 પછી, Once a runner અને V for vendetta (મારી પહેલી ગ્રાફિક્સ નોવેલ) કતારમાં છે.

ચાર

* આ નામે એક ગુજરાતી ફિલમ પણ આવી છે, કહેવાય છે કે સારી છે. લેટ્સ સી.

* અને, અમને (સહકુંટુંબ) અમદાવાદમાં ચાર વર્ષ પૂરા થયા. સીધું જ પૂછતાં નહી કે આ ચાર વર્ષના અનુભવો કેવા રહ્યા. તે માટે મારા બ્લોગની ઝલક લઇ લેવી અને પછી જ ફરીથી પૂછવું. ફાયદા અનેક થયા છે, સામે પક્ષે ગેરફાયદા પણ છે. સરવાળે બધું લગભગ બરાબર થઇ રહે છે. જોઇએ છીએ, કેટલા વર્ષ અહીં છીએ 🙂

બોનસ: , , વર્ષગાંઠની પોસ્ટ્સ.

ફાટેલી નોટ

* ફરી એક વાર થોડા દિવસ પહેલા પેલી વખતની જેમ ATMમાંથી ૫૦૦ની ફાટેલી નોટ આવી. સહેજ જ ફાટેલી. બિચારી. પણ, એ નોટ કોઇ લે જ નહી. હાઇપર સીટી, હિમાલય મોલ – ક્યાં ક્યાં મેં તેને ચલાવવાનો પ્રયત્ન કર્યો. છેવટે, મોબાઇલ રી-ચાર્જ કરાવવા ગયો ત્યારે આરામથી પેલા માણસને ખબર ન પડે તેમ ફાટેલી નોટ પધરાવી દીધી. કદાચ તેણે જોયું પણ ખરું, એ પણ વિચારતો હશે, આપી દઇશ કાર્તિક જેવા કોઇક ઘરાકને. હાશ, એવું વિચારતો હું ફરી ATMમાં ગયો અને થોડા (થોડા જ લેવાયને. હોય તો લઇએ ને ;)) રુપિયા લીધા. ઘરે આવ્યો. જોયું તો ફરી એક નોટ એ જ રીતે ફાટેલી હતી.

😦

અને, જ્યોતીન્દ્ર દવેનો પેલો ‘ખોટી બે આની‘ પાઠ યાદ આવી ગયો 🙂

સાર: ખાડો ખોદે તે પડે.

ફિલમ: ડાર્ક નાઇટ રાઇઝીસ

* બે દિવસ પહેલાં જ આ મુવીની ટિકિટ લઇ લેવામાં આવી હતી. જોકે ઇન્ટરનેટ બુકિંગ હજીયે મોંઘું કેમ છે, એ સમજાતું નથી. ખેર, અમે તો બેટમેન મુવીઝના ભારે ચાહક એટલે જવાનું નક્કી જ હતું. કવિન પણ બેટમેનનો ફેન છે, એટલે વાંધો આવે તેમ નહોતું. કોકીને પણ સમજાવી કે બેટમેન એ મહાન છે વગેરે વગેરે 😉

૬.૨૦નો શો હતો. સમયસર પહોંચી ગયા.  અને, એ પણ ન સમજાયું કે આવું સરસ મુવી જોવા લોકો મોડા-મોડા કેમ આવી શકે? લગભગ ૧૦ મિનિટ સુધી લોકો આવતા રહ્યા, ખોટી જગ્યાએ બેસતા રહ્યા અને અમને ખલેલ પહોંચાડતા રહ્યા. બિગ સિનેમા હવે સિનેપોલીસ કે PVRની જગ્યાએ એટલી બધી મજા કેમ નથી આપતું. સીટ પર પહેલેથી જ ઢળેલી પોપ-કોર્ન એ એક ઉદાહરણ આપી શકાય.

તો રીવ્યુ?

ગોથમ શહેરમાં હવે શાંતિથી અને છેલ્લા આઠ વર્ષોથી બેટમેન દેખાતો નથી. હાર્વે ડેન્ટની યાદમાં ડેન્ટ દિવસ મનાવાય છે. બ્રુસ વેઇન હવે એકલવાયું જીવન ગુજારે છે અને ડેન્ટ દિવસ પર મેઇડ તેની તિજોરીમાંથી ચોરી કરે છે અને સાથે જ એક પછી એક ઘટનાઓની શરુઆત થાય છે. સ્ટોક માર્કેટમાં એટેક થાય છે, વેઇન કોર્પોરેશન પર ડેગેટ કબ્જો કરવાનો પ્રયત્ન કરે છે, પણ બેન – જેને ડેગેટે આ કામ માટે રોક્યો છે તેનો પ્લાન કંઇક અલગ છે. ગોથમની તબાહીની શરુઆત થાય છે. હવે કેટવુમન પણ આ મુવીમાં દેખાય છે. આ બેન કોણ છે અને ફિલ્મનો અસલી વિલન કોણ છે, તે રોમાંચક સ્ટોરી છે. એક મહત્વના ભાગનું શૂટિંગ ક્યાંક રાજસ્થાનમાં થયું છે. વેલ, ડાર્ક નાઇટની જેમ આ મુવી વારંવાર જોવાનું મન થાય તેમ છે. બેટમેનની નવી ઉડતી ‘બેટ’ કાર સરસ છે, વત્તા આગલા મુવીની જેમ અલ્ટિમેટ વિટ્ટી ડાયલોગ્સ તો ખરા જ.

અને, આ થિએટરમાં મુવીના સબટાઇટલ્સ બતાવવાની પરંપરા ક્યારથી શરુ થઇ??

રેટિંગ: ૯.૯/૧૦.

CNને ખૂલ્લો પત્ર

.. અંગ્રેજીમાં હોય છે એમ ‘Open Letter’.

ખાસ નોંધ: આ પત્ર ‘CN’ ને ઉદ્દેશીને છે, CMને સંબંધિત નથી એટલે મેલીપોલિટિકલ મથરાવટી ધરાવતા લોકોએ દૂર રહેવું. અને, દરેક વાતમાં CMને વચ્ચે લાવી દેતા લોકોએ તો ખાસ-મ-ખાસ દૂર રહેવું. આભાર.

વ્હાલા CN,

એક જમાનો હતો જ્યારે અમારા ઘરે ચેનલ કે ટીવી નહોતું, પણ જ્યાં મોકો મળે ત્યાં અમે તારાં જૂનાં નામ અને મસ્ત કાર્ટૂન્સને કારણે તને જોવા પહોંચી જતા હતા. અમે નાના હતા ત્યારે પણ અને મોટા થયા પછી પણ. પછી, તે નામ બદલ્યું અને કામ પણ બદલ્યું. નામ તો ઠીક પણ કામ બદલ્યું? પેલી ઓગી અને ધ કોકરોચીસ જ્યારે નિકલોડિઅન પર આવતી હતી ત્યારે કેટલી સરસ હતી. ઓગી અમારો ફેવરિટ બિલાડો હતો અને કોકરોચ અમને દીઠ્યાં ન ગમતાં હોવા છતાંય અમે ઘરમાં ત્રણ કોકરોચીસ પાળ્યાં હતા (જે કોઇક વાર દેખાતા હતાં ત્યારે ભાગ-મ-ભાગ થતી હતી). અને, કાર્ટૂનમાં મુખ્ય વસ્તુ તો તેમાં રહેલા સન્ની (દેઓલ), શાહરુખ અને નાનાનાં અવાજો હતા. તે શું કર્યું?

૧. નિક ઉપરથી આ કાર્ટૂન અહીં ખસેડ્યું. સમય રાખ્યો બપોરે ૩ વાગે. કયા ભા બપોરે જોશે?

૨. અને, જૂનાં એપિસોડ જ બતાવવાના હતા તો આટલી બધી જાહેરાતો કરી જાણે પોતે નવાં એપિસોડ બનાવવા ના હોય.

૩. અને, પેલાં જૂનાં અવાજો કાઢી જૂનાં જ એપિસોડમાં ફાલતુ ડબિંગ આર્ટિસ્ટોને પૈસા ચૂકવ્યા?

અરર.

આશા રાખીએ કે તને આ ભૂલ સમજાય અને અમારા ફેવિરિટ ઓગી-કોકરોચીસ પાછાં જૂના સ્વરુપે યોગ્ય સમયે આવે.

તારો એક દર્શક,

કાર્ટૂનિયો.

કવિન ક્વોટ્સ

* આજ-કાલ કવિન વિષયક કોઇ પોસ્ટ નથી લખતો એટલે હવે આજે બ્લોગના વાચકોને હેરાન કરવામાં આવશે.

કવિન: મમ્મી, આજે રીક્ષામાંથી ઉતરીને સ્કૂલમાં જતાં હતા ત્યારે ….. ને એક છોકરાએ શું કહ્યું ખબર છે?

મમ્મી: શું?

કવિન: આઇ લવ યુ, …..!!

 

કોકી: ગઇસાલની થોડી રાખડીઓ એમને એમ પડી છે.. (હજી વાત ચાલતી હતી..)

કવિન: મમ્મી, દાંડો પણ પડ્યો છે..

અમે: દાંડો??

કવિન દોડીને ‘દાંડિયો’ લઇને આવ્યો!

😉

અપડેટ્સ – ૫૩

* છેલ્લા કેટલાય દિવસથી રનિંગ પ્રોગ્રામ લગભગ પડતો મૂકાયા પછી આજે સરસ ૦.૮૫+૧૫.૧૧+૨.૦ કિમી દોડાયું. સમય જોવામાં ન આવ્યો કારણ કે, વાતાવરણમાં રહેલા ભેજ વત્તા તાજેતરમાં નંખાવેલા નવાં બે સરસ મજાના દાંતમાં દુખાવો થવા લાગ્યો એટલે વચ્ચે થોડો સમય તો ચાલ્યો. એવોય વિચાર આવ્યો કે પ્રેક્ટિસ ડ્રોપ કરી ઘરે જઈને આરામ કરું પણ, છેવટે ડેલ કાર્નેગીને યાદ કરી રેસ પૂરી કરી 😉

મંગળવારે નવાં રનર્સ માટે ટ્રેઈનિંગનો કાર્યક્રમ ADR તરફથી રાખવાનું પ્લાનિંગ છે, વધુ અપડેટ્સ મળશે તો અલગથી પોસ્ટ અથવા અહીં અપડેટ કરીશ.

* ગઈકાલે એક સરસ ઓરિગામી સાઈટ મળી: en.origami-club.com (થેન્ક્સ ટુ ભૌમિક). અમને તો પેંગ્વિન, હાર્ટ અને ચામાચિડીયું ગમ્યું. આજ-કાલમાં અખતરો કરવામાં આવશે. કવિનને પણ મજા આવશે. અત્યારે તેના માટે અરવિંદ ગુપ્તાની Quick Activities નામનું પુસ્તક લીધું છે જેમાંથી અને થોડા પ્રયત્નો કરીશું. કવિનને એમાં થોડો રસ પડ્યો હોય એમ લાગે છે.

* અને હવે, ડાર્ક નાઇટ રાઇઝીસની કાગડોળે રાહ જોવાઈ રહી છે..

ગુજરાતીલેક્સિકોન તરફથી ફોન્ટ રસિકો માટે એક નવું નજરાણું

તમે ગુજરાતી ‘કલાપી’ ફોન્ટનું નામ તો સાંભળ્યું જ હશે. ૨૦૦૫માં શરુ થયેલી ‘સન્ડે ઈ–મહેફીલ’ની શરુઆત કલાપી ફોન્ટથી કરવામાં આવેલી. ચિત્તાકર્ષક અદ્ભુત વળાંકો ધરાવતો નયનરમ્ય નોન-યુનિકોડ ગુજરાતી ફોન્ટ એટલે ‘કલાપી’.

‘ગુજરાતીલેક્સિકોન’ના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાએ વર્ષો પહેલાં, જ્યારે ‘ગુજરાતી યુનિકોડ ફોન્ટ’ એવા શબ્દોયે કોઈએ સાંભળ્યા નહોતા ત્યારે, એક સ્વપ્ન જોયેલું કે એક સર્વ સુવિધાયુક્ત સર્વોત્તમ ગુજરાતી ફોન્ટ બનાવવો જે ગુજરાતી લિપિની બધી જ ખૂબીઓ અને વિવિધતાઓ ધરાવતો હોય (દા.ત. બધા જ અક્ષરો, જોડાક્ષરો, વિરામચિહ્નો, વિશિષ્ટ ચિહ્નો વગેરે). એમના સ્વપ્નના આ નોનયુનિકોડ કલાપી ફોન્ટ પર અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાની સજ્જતાથી કામગીરી કરી અને જ્યારે ‘કલાપી’ ફોન્ટ આખરી રૂપ પામ્યો ત્યારે તે ગુજરાતી ભાષાનો એક સર્વોત્તમ ફોન્ટ હતો. લેક્સિકોનની શરૂઆતની તે વેળાની સઘળી એન્ટ્રી આ નોનયુનિકોડ ‘કલાપી’ ફોન્ટમાં કરવામાં આવેલી.

જ્યારે ગુજરાતી યુનિકોડ ‘શ્રુતિ’ ફોન્ટ મળ્યો ત્યારે ‘કલાપી’માં લખાયેલી તે સઘળી બહુમુલ્ય એન્ટ્રી અમે સફળતાથી તેમાં પરિવર્તિત કરી શક્યા. એ કામ જે સરળતાથી થઈ શક્યું તે જોઈ, ત્યારે જ તેમને મનમાં થયું કે આ કલાપીને પણ યુનિકોડનું રૂપ અપાય તો કેવું સારું ! વળી, ‘કલાપી’માં લખતા શીખેલા અનેક વપરાશકારોની પણ સતત એ જ માગણી રહી.

ઘણી વિચારણા અને ચર્ચાને અંતે ‘ગુજરાતીલેક્સિકોન ટીમે’ પણ નક્કી કર્યું કે આ કામ ઘણું જ અગત્યનું છે. આ નવા ફોન્ટનિર્માણના કાર્યમાં, ફોન્ટની કામગીરીમાં રસ લેનાર બીજા અનેક ફોન્ટનિષ્ણાતો પણ પોતાનો સહયોગ આપી શકે, વપરાશકર્તાઓ મારફત તેની વારંવાર ચકાસણી થતી રહે અને તેમનાં વ્યવહારુ સૂચનો પણ મળતાં રહે, તો જ આ કાર્ય વધુ ઝડપથી અને વધુ ચોકસાઈથી સર્વોત્તમ કક્ષાનું થઈ શકે.

આ ફોન્ટનો મુખ્ય ધ્યેય એક જ છે : સઘળી ખુબીયુક્ત અને ક્ષતિમુક્ત એક સારો ગુજરાતી ફોન્ટ ગુજરાતીઓને સાંપડે અને ભાષાવિકાસ અને સંવર્ધનમાં એનોય ફાળો હોય. આ ધ્યેય હાંસલ કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે આ કાર્યને ‘ઓપનસોર્સ’ હેઠળ મૂકવામાં આવે (‘ઝાઝા હાથ રળિયામણા’) અને એટલે જ, આ ફોન્ટ આજથી ઓપનસોર્સ બને છે. ‘ઓપન ફોન્ટ લાયસન્સ’ નામના લાયસન્સ હેઠળ કોઈ પણ તેનો ઉપયોગ કરી શકશે.

કલાપી ફોન્ટનું મુખ્ય પ્રોજેક્ટ પાનું ‘ગીટહબ.કોમ’ પર અહીં જોવા મળશે:
https://github.com/gujaratilexicon/font-kalapi

તેમાં રહેલી મુશ્કેલીઓ Issues પર મૂકવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ નવા Issue તેમાં ઉમેરી શકશે. અત્યારે તેમાં ફોન્ટની ttf ફાઇલ આપવામાં આવી નથી; પણ ટેસ્ટ કરવા માટે તે ટૂંક સમયમાં મૂકવામાં આવશે.

Git જેવી નવી ટૅકનોલૉજી મારફત ગુજરાતી લિપી–ભાષાના વિકાસમાં પોતાની જાણકારીનો લાભ આપવો હોય તો આ નવો અવતાર પામનારા ‘કલાપી–યુનિકોડ’ ગુજરાતી ફોન્ટ પર કામ કરવા આપ સૌને અમારું ‘ગુજરાતીલેક્સિકોન ટીમ’ વતી ભાવભીનું નિમંત્રણ છે.

બ્લોગ પોસ્ટનો સોર્સ: ગુજરાતીલેક્સિકોન.કોમ બ્લોગ

અપડેટ: તમે મેક, લિનક્સ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે ફોન્ટ ફાઇલ અહીંથી ડાઉનલોડ કરી શકશો: કલાપી ફોન્ટ ૦.૧ ડાઉનલોડ

આજની કડી

* ગુજરાતી, ગુજરાતી પ્રકાશકો અને ઈ-બુક્સનું સરસ પૃથ્થકરણ કરતો જીજ્ઞેશભાઈનો લેખ, http://aksharnaad.com/2012/07/09/ebooks-and-gujarati-publishing/

Lumos! ગુજરાતી પ્રકાશકો!!!