ઉબુન્ટુ ૧૦.૦૪ પાર્ટી

* ફરી એકવાર, જૂની પાર્ટીની જેમ ઉબુન્ટુ ૧૦.૦૪ની પાર્ટી રાખવામાં આવેલ હતી અને આ વખતે નક્કી કરવામાં આવ્યું કે પાર્ટી અમદાવાદમાં રાખવામાં આવે. એસ.જી. હાઈવે પર સીજનેક્સ નામની સરસ કંપનીએ (થેન્ક્સ, ગૌરવ) અમને સ્થળની પસંદગી કરવાના મોટા પ્રશ્નાર્થ પર પૂર્ણવિરામ આપી દીધું. હાર્દિક આ વખતે અમદાવાદમાં જ હતો એટલે ઉબુન્ટુ સીડી, સ્ટિકર્સ વગેરેનો બંદોબસ્ત સરળ રહ્યો અને કેનોનિકલ તરફથી કેક અને વેફર (ઓહ, નાસ્તા વગર કોઈ આવે??) હતા એટલે પાર્ટીની રંગત કંઈક અલગ જ રહી.

તો, પાર્ટીમાં થયું શું? પ્રથમ તો બધાનો પરિચય. લગભગ ૨૦ જેટલાં લોકો આવ્યા અને સ્વાભાવિક રીતે હાર્દિક, સમય, જયેશભાઈ ગોહેલ અને સચિન સિવાયનાં લોકો મારા માટે નવાં હતા એટલે લિનક્સનો વ્યાપ અમારાથી વધ્યો એ જાણી આનંદ થયો. અમદાવાદમાં કેટલીય કંપનીઓ લિનક્સ અને ઓપનસોર્સનો ઉપયોગ કરે છે તે જાણી વધુ આનંદ થયો. થોડુંક દુ:ખ એ વાતે થયું કે બધાં આ ઉપયોગ ગુપ્તતાના પડદાં હેઠળ કરે છે, પણ હવે સીજનેક્સ જેવી કંપનીઓ અમને આવી રીતે આધાર આપે તે ગર્વની વાત છે.

પરિચય પછી (અને વચ્ચે-વચ્ચે), લાંબી ચર્ચા ચાલી કે કઈ રીતે લિનક્સ અને ઓપનસોર્સનો વ્યાપ કોલેજ વગેરેમાં વધારવો જોઈએ. ગૌરવ અને હું એ મતના હતા કે પહેલાં આપણે બરોબર તૈયાર થવું જોઈએ એ માટે પ્રથમ તો નિયમિત રીતે લિનક્સ ગુજરાતની મિટિંગ વગેરે કરવી જોઈએ. તો હવે, આ પરથી દર ૧૫ દિવસે રવિવારે સવારે મિટિંગ રાખવાનું નક્કી થયું છે. સિજનેક્સ અમને સ્થળની સુવિધા પૂરી પાડશે.

હાર્દિકે LTSP કેવી રીતે તરત સેટઅપ કરવું તે edubuntu પરથી બતાવ્યું. થોડીક બીજાં સવાલ-જવાબ થયાં. મેં કેવી રીતે બગ રીપોર્ટ વગેરેથી શરુઆત કરવી તેનું નાનું પ્રેઝન્ટેશન (સ્લાઈડ્સ વગર) આપ્યું અને ચર્ચાનો અંત રેન્ડમ ચર્ચાથી આવ્યો 🙂

આ બધાની વચ્ચે નાસ્તો અને કોલ્ડડ્રિંક્સ વગેરે તો ખરા જ. ટૂંકા સમયની નોટિસ પર આટલા લોકો આવ્યા, તો હવે વેલ-પ્લાન્ડ મિટિંગ પર અમે મોટી આશા રાખી શકીએ!

પાર્ટીની બધી જ છબીઓ મારા પિકાસા આલ્બમમાં ઉબુન્ટુરીલીઝપાર્ટી ફોલ્ડરમાં જોવા મળશે. બીજા લોકો જ્યારે પોતાનાં કેમેરા ખાલી કરશે ત્યારે લિંક વગેરે અહીં મૂકવામાં આવશે 🙂

એક પટ્ટો…

*  લગભગ ૧૯૯૬ની સાલમાં મારા મામાએ મને એક પટ્ટો (લેધર ઉર્ફે ચામડાનો) પટ્ટો આપેલો. મસ્ત. માર્લબોરો કંપનીનો ઓરિજીનલ. મને બહુ ગમે અને જીન્સ પર એકદમ સરસ પણ લાગે. હવે, આ જ પટ્ટો મારા ભાઈને પણ બહુ ગમે. અમે જ્યારે પણ આ વિષય પર વાત કાઢીએ ત્યારે એ મને કહે કે આ પટ્ટો તો મામાએ મને આપેલો. હું હસી કાઢું અને કહું ના ના મને આપેલો. પણ, આ વખતે જ્યારે મુંબઈ ગયેલો ત્યારે અચાનક યાદ આવ્યું કે હવે આ પટ્ટો ભાઈને આપવો જોઈએ. એવું નથીકે તે ખરાબ થઈ ગયેલ. કોઈને લાગે નહી કે આ પટ્ટો ઉર્ફે બેલ્ટ આટલો જૂનો હશે. ત્યારથી મને થયું કે પોતાને ગમતી વસ્તુ બીજાને આપવાની જે મજા છે તેવી મજા બીજે ક્યાંય નથી. હવે, એમ થાય છે કે આપણે તો આવું એક પટ્ટા માટે વિચારીએ છીએ, લોકો આટલા દાન કરે છે, લિનસ ટોરવાલ્ડ્સ જેવો માણસ આખી ઓપરેટિંગ સિસ્ટમ જે મુક્ત રીતે ઓપનસોર્સ હેઠળ આપી દે છે – તેમના મનમાં કેવા વિચારો ચાલતા હશે?

વિચારવા જેવી વાત છે..

વેસા મુલાકાત…

* આજે ચાર દિવસ પછી ઓનલાઈન થવાથી કંઈ ખાટું-મોળું કે ઉંધુ-ચત્તુ થઈ ગયેલ નથી એવું જ્ઞાન લાધેલ છે. એ રીતે જોતા આવા ટૂંકા-મોટાં વેકેશન લઈ શકાય. તો, હું ગયેલ મારા સંબંધીઓ (એટલે કે સાળીજી અને પછી સાળાજી) નાં લગ્ન પ્રસંગોમાં. વેસા. નાનકડું ગામ. હજી સુધી મોબાઈલનું નેટવર્ક ધાબા પર જઈએ ત્યાં સુધી આવતું નથી. એ સારું જ છે. કોઈ ત્યાં ફોન પર ચોંટતું નથી કે વિષ ભરેલ ઈમેલ કે નવી રચનાની માહીતી આપતો ઈમેલ મોકલતું નથી. રાત્રે ધાબા પર ઉંઘવાની મજા આવી. ઉનાળામાં ઓઢવું પડે એવો પવન આવતો હોય ત્યારે મજા જ આવે ને? જોકે, ગામમાં મોટાભાગની વસ્તી આજુ-બાજુનાં મોટાં શહેરો-ગામોમાં સ્થળાંતર કરી ગઈ છે. ઉનાળા-દિવાળી સિવાય જઈએ તો ભેંકાર લાગે. ભવિષ્યમાં ત્યાં ઘર કે ફાર્મહાઉસ લેવાનો વિચાર આવી રહ્યો છે…

થોડાક ફોટાઓ ફેસબુક (ઉહ!) પર મૂકેલ છે. મોટાભાગનાં વાચકોને જોવા મળી ગયા હશે અને ન જોયા હોય તો ખાસ ગુમાવવાનું નથી. હા, કવિનની મસ્તીઓ એમાં કેદ છે. કવિનને વધુ મજા પડી કારણકે એ ત્યાં ૧૦ દિવસો જેવો રહ્યો. આખું ગામ કવિનને ન ઓળખે તો નવાઈ કહેવાય. કવિનને ઘણાં-બધાં નવાં મિત્રો મળ્યાં અને મારી ઘણાં દૂર-દૂરનાં સંબંધીઓ જોડે ઓળખાણ પણ થઈ. એક દિવસ પાલનપુર ગયેલો પણ, ખાસ સમય ન મળ્યો.

અને હા. ઓહ, મિઠાઈઓ અને કેરીનો રસ. ગળું હજુ ટાઈટ છે.

બીજું બોલો, બ્લોગ-જગતમાં શાંતિ છે ને? 😉

ટોવેલ દિવસ

* ખરેખર, આજે ટોવેલ દિવસ છે.

ફેસબુક એટલે કે ઈના મુઢાની ચોપડી..

* માં કી આંખ જેવો શબ્દપ્રયોગ જો રંગ દે બસંતીમાંથી આવ્યો હોય તો કોઈક (હરિનો લાલ, ગોરધન કે બેરામજી બાવા) ફેસબુક માટે પણ ‘ઈના મુઢાની ચોપડી’ જેવો સુંદર, સરળ અને સુગમ શબ્દપ્રયોગ વાપરી શકે છે. હજીય ફાર્મવિલે અને માફિયા વોર ગેમ રમો છો? તો વાંધો નહી, પણ – જો તમને લાગતું હોય કે જે સાઈટ દર ત્રણ-ચાર મહિને પોતાની પ્રાયવસી પોલિસી બદલ્યા કરતી હોય તો તમારે તમારી પ્રોફાઈલ માટે આ ટેસ્ટ આપવા જેવો છે: http://www.reclaimprivacy.org/facebook આ માટે તમારું બ્રાઉઝર જાવાસ્ક્રિપ્ટને આધાર આપતું હોવું જોઈએ (હલો, તમે ૨૦૦૧માં તો નથીને? ;)) અને આ સ્ક્રિપ્ટનો સોર્સ-કોડ પ્રાપ્ત છે. સલામત છે (જોકે, ડિસ્ક્લેમર: મારી જવાબદારી નથી!). પણ, ચકાસવા જેવું છે કે તમે તમારી જાણ બહાર કંઈક વધારે પડતી માહિતી જ વહેંચી નથી રહ્યાને? વચ્ચે હમણાં, ફેસબુકની ચેટ સિસ્ટમમાં બગ હતો કે, તમારા મિત્રો તમે કોની સાથે શું ચેટ કરો છો તે જોઈ શકે. અરર. ધ્યાન રાખવું પડે જ્યારે તમે અને તમારી પત્નિ કે ગર્લફ્રેન્ડ કે બાપા ફેસબુકમાં હોય.

બક્ષીનામા અને મારા ખતરનાક વિચારો..

વિચારવું એ ખતરનાક ક્રિયા છે – બક્ષીનામા, ૨૩૪

બોર થઈ જવા માટે કોઈ કારણની જરુર નથી, કારણ કે એકલાં-એકલાં પણ બોર થઈ જવાય છે (ચણી બોર નહી, પેલું અંગ્રેજી વાળું બોર). આ બોરને ખંખેરવા માટે શું કરવાનું? આજ-કાલ હવે પાછું વાંચન શરુ કર્યું છે, અને સૌથી પહેલાં હાથમાં આવે છે, સત્તર વખત વાંચેલી, એવરગ્રિન, અમેઝિંગ – બક્ષીનામા. અડધે પહોંચ્યા પછી લાગે છે પાલનપુરી હોવા સિવાય મારા અને બક્ષીજી વચ્ચે શું સામ્ય છે?

૧. ૧૦ જુનનાં રોજ તેમને કોલેજમાંથી ટર્મિનેશનનો લેટર મળેલ, મને પણ ૧૦ જુને (૨૦૦૯) ધકેલી દેવાયો હતો! કેસ કરવાનો સવાલ જ નહોતો, કારણ કે, સોફ્ટવેરનો ધંધો એવો જ છે 😛

૨. કોલેજનાં છેલ્લાં વર્ષોમાં અમે કંટાળી ગયેલ.

૩. બન્નેને અમદાવાદ પહેલી નજરે ન ગમ્યું.

ઓકે. હવે, બીજી કોઈ સામ્યતા નથી. મેં થોડા વર્ષ ડાયરી લખી પછી લખવાનું છોડી દીધું. પણ મારી ડાયરીઓ, મોટાભાગે લોકો વિરુધ્ધ આક્રોશ ઠાલવવા કે અંગત નોંધ રાખવા વધુ લખાતી. લેખક બનવાની ઈચ્છા ત્યારેય પણ ન હતી, આજે પણ નથી 🙂

પૂછતાં..

.. પંડિત તો ન થવાય, પણ સાચી બસમાં ચડાય!

હવે, થયું એવું કે various લગ્ન પ્રસંગો હોવાથી કવિન અને કે બન્નેને તેમનાં ગામડે (એ હાલો..) મૂકવા માટે ગયો. આ બાજુ મારા પર મગજ ફાટી જાય તેવું કામ. બપોરે જમી અને મસ્ત ગરમીમાં ઉંઘ ખેંચી કાઢી નીકળ્યો અને જોયા વગર ગામનાં પાદરે ઉભેલી બસ (એસ.ટી.)માં ઘૂસી જઈને ટીકીટ લીધી (છાપી નામનાં ગામનાં હાઈ-વેની). પછી, બસ અજાણ્યાં વિસ્તારમાં જતી જણાઈ, કંડકટરને પૂછ્યું. એ કહે, ભાઈ, આ બસ તો છાપી હાઈ-વે ન જાય. મેં કહ્યું, તો કહેવાય નહી? કંડકટર: એ તો પેસેન્જરને પૂછી લેવાનું. શું થાય? કોઈક અજાણ્યાં ગામમાં રાત વિતાવવાની મારી તૈયારી નહોતી એટલે છેલ્લાં સ્ટેન્ડ સુધી ગયો. ત્યાંથી હાઈ-વે નજીક હતો એટલે પછી બસ મળી ગઈ. હાશ.

નિયમ મુજબ ત્યાં મારી ઘડિયાળ ઘરે ભૂલી ગયો, પણ અત્યારે ઘડિયાળ કરતાં ઠંડા પાણીની વધુ જરુર હોવાથી, આ પોસ્ટ પૂરી કરવામાં આવશે..

ગરમી!

* ૪૦-૪૧-૪૨-૪૩-૪૪ અને ક્યારેક તો ૪૫. હજી પણ લોકોને ગ્લોબલ વોર્મિંગ વિશે શંકા છે?

આઈપોડની અંદર આવેલ હવામાન કાર્યક્રમ. એ પણ બિચારું યાહુ પર આધાર રાખે છે અને યાહુ સ્થાનિક વેધશાળાઓ પર. એટલે આડા-અવળું હોઈ શકે છે!

ટ્રાફિક (નોન) સેન્સ અને નિર્ણય

* જયવંતભાઈએ લખ્યું તેમ અમદાવાદમાં વાહન ધરાવતો કે ન ધરાવતો માણસ ઘરેથી નીકળે અને રાત્રે ઘરે આવે ત્યારે જ શાંતિ થાય. (એમ તો ફિલસૂફીની ભાષામાં કહી શકાય કે આ જીવનનો કોઈ ભરોસો નથી પણ આ પોસ્ટ એ વિષય પર નથી.) અમદાવાદમાં ખરેખર ગરમી પછી મોટો ત્રાસ હોય તો આડેધડ અને બેજવાબદારી પૂર્વક વાહન ચલાવતા યુવાનો, બૂકાનીધારી છોકરીઓ (હા, ઘણાં ખરાં કિસ્સામાં વાંક છોકરીઓનો જ હોય છે.) અને બાકી રહ્યું તેમ મોબાઈલ પર વાત કરતાં-કરતાં લોકોનો. જાણે તેમનો કરોડોનો ‘બિઝનેસ’ અટકી પડવાનો હોય.

એટલે, નક્કી કર્યું કે અમદાવાદમાં જો રહેવાનું થાય ત્યાં સુધી કોઈ વાહન ન લેવું. પેલી બિચારી મારી સાયકલ, હજી દુકાનમાં પડી છે. મને ખરેખર હિંમત થતી નથી કે આવાં ટ્રાફિક-નોનસેન્સ વાળા વાતાવરણમાં હું સાયકલ લઈને ફરું.

અસ્તુ.

મધર્સ ડે

* મમ્મી મુંબઈમાં અને અમે અમદાવાદમાં. એટલે ગયા અઠવાડિયે અમે મમ્મીને સરપ્રાઈઝ ગિફ્ટ આપીને નાનકડી ઉજવણી કરી લીધી.

મમ્મી વિશે લખવું એ એક પોસ્ટમાં શક્ય નથી. અને, લખવા બેસીએ એટલે વર્ડપ્રેસનાં સર્વરનાં ડેટાબેઝનું ઉભરાઈ જવાનું નક્કી. એટલે હવે, અહીં જ ‘હેપ્પી મધર્સ ડે’ કહીને વિરમું છું. જોકે ભારતીય સંસ્કૃતિમાં મધર્સ ડે, ફાધર્સ ડે વગેરે કેમ નથી એ આજે સવારે ચા પીતાં વિચારતો હતો ત્યારે થયું કે ખરેખર હવે આવા દિવસોની જરુર છે. કારણ કે, હવે આપણે તેની જરુરિયાત ઉભી કરી દીધી છે. બદલાતું જતું કલ્ચર પણ જવાબદાર છે અને આપણે પણ.

આ બાબતમાં અમે (હું અને મારો ભાઈ) હજી બદલાયા નથી, તેનો ગર્વ છે!