સહ્યાદ્રિ ક્લાસિક ૨૦૨૧

૨૦૨૧ની પહેલી રેસ, જે એમ તો ૨૦૨૦ના ડિસેમ્બરમાં થવાની હતી, પણ સારું થયું કે ૨૦૨૧માં ગઇ. ડિસેમ્બરમાં મહાબળેશ્વરની ટ્રીપ વત્તા થોડી પ્રેક્ટિસ પણ કરી હતી એટલે થોડો આત્મવિશ્વાસ હતો કે વાંધો નહી આવે. બી.આર.એમ. અલગ છે અને રેસ અલગ છે. ૪-ઘાટ ચેલેન્જમાં ૧૯૫-૨૦૦ કિમીની સાથે ૩૭૫૦ મીટર ઉંચાઇ પણ હતી. ચાર ઘાટમાં પહેલો પરસણી, બીજો તાપોલા, ત્રીજો મેઢા અને ચોથો અમ્બેનેલી ઘાટ હતો, પણ છેલ્લે અમારો ફેવરિટ (જેના પર પ્રેક્સિસ પણ કરી હતી) મેઢા ઘાટ ત્યાં ચાલતા રસ્તાના સમારકામના કારણે રદ કરાયો અને તાપોલા ઘાટ બે વખત કરવાનો આવ્યો.

શુક્રવારે એટલે કે ૨૨ જાન્યુઆરીએ હું, વિશાલ-નિમેષ, અજય-અનિરુદ્ધ અને પ્રશાંત વાઇ પહોંચ્યા. રેસ ત્યાંથી શરુ થવાની હતી. આગલા દિવસે બીબ નંબર વગેરે કામ પતાવ્યા અને મેપ્રોની સ્ટ્રોબેરી ક્રીમ ઝાપટી. જ્યાં અજય અને વિશાલ હોય ત્યાં ખાવા-પીવાના જલ્સા હોય જ! મને તો ડર લાગતો હતો કે રેસ પહેલા મારું વજન વધી ન જાય!

આ રેસ થોડા અલગ પ્રકારની હતી. માત્ર ક્લાઇમ્બિંગ સમય જ તેમાં ગણાય વત્તા કુલ ૧૪ કલાકમાં આખી રેસ પૂરી કરવાની. પહેલો ઘાટ પૂરો કર્યા પછી ૨૦ કિમી જેવો ન્યૂટ્રલ ઝોન હતો (મહાબળેશ્વરના મુખ્ય રસ્તા-બજાર રોડ સુધી) પછી જ્યાં સુધી તાપોલા ઘાટની નીચે ન જાવ અને ત્યાંથી ઉપર આવવાનું શરુ ન કરો ત્યાં સુધી ગમે એટલો સમય લઇ શકાય. આવી જ રીતે દરેક ઘાટ માટે. જોકે આખી રેસ ૧૪ કલાકમાં તો પૂરી કરવી જ પડે. પહેલો ઘાટ સારી રીતે પસાર કર્યો અને ન્યૂટ્રલ ઝોન પસાર કર્યો. ઉપર સરસ ઠંડી હતી. રસ્તામાં ઘણાં ઓળખીતા સાયકલિસ્ટ લોકો મળ્યા. ઘણાંને માત્ર ઝ્વિફ્ટમાં જ મળ્યો હતો અને સાચી રેસમાં પહેલી વખત મળ્યો. આ વખતે ભારતના કેટલાક ટોપ સાયકલિસ્ટ પણ આવ્યા હતા જેમને આપણે ખાલી શરૂઆત અને અંત પર જોવાના હતા 😉

ખાવા-પીવા-આરામ કરવાના સ્થળ એટલે કે હબ પર પાણી ભરીને તાપોલા તરફ પ્રયાણ કર્યું અને આરામથી નીચે પહોંચ્યો. રસ્તામાં કોયના નદી અને તેનાથી બનેલી ખીણનું સરસ દ્રશ્ય જોતો-જોતો પહોંચ્યો. હવે ખરેખર રેસ શરુ થવાની હતી. બીજો ઘાટ પણ સરસ રીતે કર્યો. હવે પછી મોટી ભૂલ કરીને હબમાં ન ગયો અને ત્યાંથી નીચે આરામ કર્યા વગર જ આવ્યો એટલે પછીનો ત્રીજો ઘાટ છેલ્લે-છેલ્લે સમય ખાઇ ગયો. લગભગ ૧૦ મિનિટ વેડફી.

ત્રીજો ઘાટ પૂરો કરીને હબમાં થોડો નાસ્તો કર્યો. સરસ કોફી પીધી અને અમ્બેનેલી ઘાટ તરફ જવા નીકળ્યો. આ ઘાટની વચ્ચે પ્રતાપગઢ આવે છે, ત્યાં સુધીનો રસ્તો જોયો હતો અને ખબર હતી કે વચ્ચે-વચ્ચે પાર્ટી થવાની જ છે.. તો પણ નીચે ઉતરતી વખતે જે મજા આવી છે – હાથ અને પગ બંને સૂન્ન કરવા માટે આ રસ્તો સૌથી યોગ્ય છે! નીચે ઉતરીને ૧૫ મિનિટ આરામ કર્યો પણ તે પણ ઓછો પડ્યો. હવે લગભગ ૨.૩૦ વાગી ગયા હતા અને મને એમ કે જેટલો જલ્દી રેસ પૂરી કરું એટલી શાંતિ. આ શાંતિની ચાહમાં ૧૫ કિમી પછી હાલત ખરાબ થઇને પ્રતાપગઢ પાસે જઇને ૧૫ મિનિટ આરામ કરવો પડ્યો! પછી, બહુ જોશ રહ્યો નહોતો અને છેલ્લા બે કિમીમાં તો ચાલીને પૂરી કરવાની પણ ઇચ્છા થઇ ગઇ, પછી થયું કે ધીમે-ધીમે પણ સાયકલ જ ચલાવીશું. ચલાવી અને છેવટે ૧૨ કલાક અને ૩૮ મિનિટમાં રેસ પૂરી થઇ.

મારા વર્ગ (૪૦+ એટલે કે માસ્ટર્સ કેટેગરીમાં) ૧૦મો ક્રમ મેળવ્યો અને વર્ષો પછી કદાચ કોઇ ઇનામ મળશે (એવું કહેવામાં આવ્યું હતું. સામાન્ય રીતે રેસમાં ઇનામ ક્યારે મળશે એવું ક્યારેય કહેવામાં આવતું નથી ;))

કડીઓ:

વેલકમ ૨૦૨૦૧

  • જૂના અને સડેલા ૨૦૨૦માં છેલ્લે-છેલ્લે એટલો બધો વ્યસ્ત થઇ ગયો કે ૧ ડિસેમ્બર પછી કંઇ પણ લખવાનો સમય જ ન મળ્યો. ડિસેમ્બર મહિનો એકંદરે ૧૧ મહિનાઓ કરતા સારો ગયો.
  • ડિસેમ્બર અંતમાં વેકેશનની સાથે સાથે વર્ષોથી પેન્ડિંગ મહાબળેશ્વરનો નાનકડો પ્રવાસ પણ કરી દીધો. ત્યાં વાસ્તવમાં ૨૦૦૪ પછી ગયો, ૨૦૦૪ થી ૨૦૧૯ વચ્ચે પાંચ-છ વખત માત્ર સાયકલિંગ કારણોસર જ જવાનું થયું હતું! આ વખતે તો બહુ સ્ટ્રોબેરી ખાધી, રખડ્યા અને મઝા કરી – અને હા, સાયકલ પણ ચલાવી! સાયકલિંગના ફોટાઓ સ્ટ્રોબેરી 🍓 આલ્બમમાં જોવા મળી શકશે.
  • અને હવે એક વધુ સાયકલિંગ રેસ – સહ્યાદ્રી ક્લાસિક જાન્યુઆરીના અંતમાં આવે છે. તે પણ, મહાબળેશ્વરમાં જ છે. ત્યાં ઘર લઇને નાનકડું કાફે અને સ્ટ્રોબેરીનું ફાર્મ ખોલવા જેવું ખરું!
  • કવિનની હાઇટ હવે મને ઓળંગી ગઇ છે અને અમારો અનઓફિશયલ પાલતુ બિલાડો હવે થોડો જાડો થયો છે 😀