કૂલ લેપટોપ કૂલ

(શાંત ગદાધારી ભીમ, શાંત એ રીતે વાંચવું!)

એમાં થયું એવું કે ગ્લોબલ વાર્મિંગને કારણે હવે મુંબઈમાં પણ ગરમી વધી રહી છે અને મારું થિંકપેડ પણ જૂનું થઇ રહ્યું છે. સમય સાથે તે નવા કાર્યક્રમોની વધતી મેમરી માંગને પણ પહોંચી વળતું નથી (વિપક્ષ: સરકાર આ બાબતમાં કશું કરતી નથી!!). એટલે હેંગઆઉટ કે ડેબિયન પેકેજના કામ વખતે લેપટોપને હાલનું કૂલર કામમાં આવતું નહી. તેથી, સમયોનુસાર નવું કૂલ લેપટોપ કૂલર લેવામાં આવ્યું છે.

તા.ક.: પાર્ટી રાખેલ નથી.

બોખળાઇ જવું

* આ બોખળાઇ જવું એટલે શું? એક જૂનું ઉદાહરણ:

હું: આ બિલાડી કેટલી સરસ છે.
મેનેજર: મારી પાસે પણ બિલાડી છે.
હું: સરસ. શું નામ છે?
મેનેજર: ઉહ… હમમ.. મ..મ.. મ્યાઉં. મ્યાઉં નામ છે.

ખબર પડી ગઇ ને? 🙂

વાદળી સળેવડું

* બે દિવસ પહેલાં એવું સ્વપ્ન આવ્યું કે હું વાદળી રંગનું સળેવડું ખાઇ રહ્યો છું.

નિષ્કર્ષ: વિચિત્ર માણસોને સપનાંઓ પણ વિચિત્ર જ આવે.

પ્રવાસ: માથેરાન

* આ પહેલાં બે વખત માથેરાન ગયેલો ત્યારે એક વખત ટ્રેકિંગ (વન ટ્રી હિલ) અને બીજી વખત સાયકલિંગ. પણ, હવે નક્કી કરેલું કે માથેરાનમાં સત્તાવાર પ્રવેશ કરવો. અને વધુમાં, અમારી ૧૦મી લગ્ન વર્ષગાંઠ પણ ખરી એટલે શુક્ર-શનિ-રવિ નાનકડો પ્રવાસ રાખવામાં આવ્યો. આ પોસ્ટ માથેરાનની નાનકડી ટિપ્સ અને ટ્રિક્સ પણ ધરાવે છે એટલે રસિયાઓએ વાંચવી.

અમે માથેરાન કેવી રીતે જવું એ બાબતે અચોક્કસ હતા. રસ્તા બે હતાં. ટેક્સી કરવી અથવા અહીંથી નેરલ ટ્રેનમાં જવું અને ત્યાંથી મીની ટ્રેન કે પછી ટેક્સી કરવી. છેવટે, સમય બચાવવા સીધી જ ટેક્સી પર પસંદગી ઉતારી. આ વખતે બુકકેબ.કોમનો સહારો લીધો અને અનુભવ સારો રહ્યો. ડ્રાઇવર સમયસર આવી ગયો એટલે અડધી સફળતા મળી તેમ કહેવાય. ટેક્સી વાળો પ્રમાણમાં સારી રીતે ચલાવતો હોવા છતાં થયું કે ભાઇ, હાઇવે પર ગાડી ચલાવવું એ જોખમી જ છે. માથેરાન શાંતિથી પહોંચ્યા. પહેલી ટીપ: માથેરાનમાં તમારી હોટલનું સ્થાન બરોબર જોઇ લેવું. દસ્તૂરી નાકા (પાર્કિંગ)થી જો તમારે જવાનું હોય અને સામાન ઓછો હોય તો, ચાલીને જવામાં કોઇ છોછ રાખવો નહી. અમે વર્ષો પછી ઘોડા પર મુસાફરી કરવાનો લ્હાવો લીધો અને ૨૦ મિનિટ પછી હોટલ પહોંચ્યા. ત્યાં પહોંચી આખી બપોર આરામ કર્યો અને હા, માથેરાનનાં વાંદરા જોડે પહેલું એન્કાઉન્ટર થયું..

12742239_1200442626650925_8477821932286247609_n

ઢોળાયેલી ચા અને ગુમાવેલા બિસ્કિટ પછી અમે બજારમાં રખડવા નીકળ્યા. થોડી શોપિંગ કરવામાં આવી. કવિને એક ગિલોલ લીધી જેનો ઉપયોગ પછીથી અહીંથી તેમ પથરાંઓ ફેંકવામાં થવાનો હતો. થોડીવાર પછી પાછાં હોટલ આવ્યાં અને સંપૂર્ણ આરામ. કવિને ટાઇમપાસ કરવા સ્વિમિંગ કર્યું અને અમે ટીવી જોવામાં સમય પસાર કર્યો. બીજા દિવસે નક્કી કર્યું કે સવારે દોડવા જઇશ પણ રે થાક, સવારે મોડો ઉઠ્યો.

બીજા દિવસની શરુઆત મંકી પોઇન્ટથી કરી. મંકી પોઇન્ટ હોટલથી લગભગ ૭૦૦ મીટર દૂર એટલે વાંધો ન આવ્યો. ત્યાં જઇને ફોટોગ્રાફી અને ટાઇમપાસ કર્યો. એની બાજુમાં હાર્ટ પોઇન્ટ છે, પણ ત્યાંથી કંઇ ખાસ અલગ પહાડો દેખાવાના હતા નહી એવું લાગ્યું એટલે હાર્ટ પોઇન્ટને પડતો મૂક્યો. પેનોરમા પોઇન્ટ પણ ત્યાંથી જવાય પણ તે દૂર હતો (ટેકનિકલી નજીક, પણ ચાલીને વાર લાગે). ફરી હોટલ પાછા. આરામ. મસ્તી અને કવિનના પોકેમાન કાર્ડ્સને વાંદરાએ હાથ લગાવ્યો એટલે કવિને ગિલોલથી એને ફટકાર્યો પણ ખરો. સાંજે નક્કી કર્યું કે સનસેટ પોઇન્ટ જઇએ. ચાલીને ગયા. લગભગ ૨ કિમી કરતાં વધુ. સારો એવો થાક લાગ્યો. ફરીથી વાંદરો કવિનની સહારે આવ્યો અને કવિનની મકાઇ ઝૂંટવીને લઇ ગયો :/ આ પોઇન્ટ સરસ છે પણ વાદળો એટલા હતા કે સનસેટ જોવાનો પ્રશ્ન જ નહોતો. હોટલ પાછા ફર્યા ત્યારે સરસ અંધારુ થઇ ગયું હતું. જોડે લીધેલી ટોર્ચ કામમાં આવી. ટીપ: માથેરાનમાં ટોર્ચ જોડે રાખવી. ટીપ: ઘોડાવાળાઓ અંતર મોટાભાગે ખોટું જ કહેશે.

રાત્રે જમવામાં ગુલાબજાંબુ ઝાપટ્યા. ત્રીજા દિવસનો પ્લાન એવો હતો કે સવારે બ્રેકફાસ્ટ કરી મીની ટ્રેનની ટિકિટ લેવા માટે લાઇન લગાવવી. એ પહેલાં સવારે દોડવા ગયો તો રસ્તામાં ઢગલાબંધ કૂતરાંઓ. બીજા રસ્તે ગયો તો ત્યાં પણ એ જ સ્થિતિ. છેવટે ૩ કિમી દોડીને કંટાળીને પાછો આવ્યો :/ અમે સ્ટેશન પર પહોંચ્યા અને અમારી પાસે હજી ૨ કલાક હતા એટલે ફરીથી બાકીના પોઇન્ટ્સ જોવાનું નક્કી કર્યું. આ બધાં પોઇન્ટ્સ ઓકે છે. ટીપ: આમાં પૈસા ના બગાડાય (અથવા ચાલીને જવાય). સ્ટેશન પર આવ્યા તો લાંબી લાઇન અને માત્ર ૧૦ વ્યક્તિઓમાં જ બધી ટિકિટ પૂરી (એક જણને ચાર ટિકિટ મળે). સ્વાભાવિક રીતે રેલ્વેના કર્મચારીઓએ હોટેલ વાળાઓ જોડે સેટિંગ કરેલ હશે. ત્યાં તપાસ કરવા ગયો તો ખબર પડી કે હજી ફર્સ્ટ ક્લાસની ટિકિટ્સ બાકી છે તો તરત લઇ લીધી અને અમે ટ્રેનમાં બેઠા. આ ટ્રેન માથેરાનની ઉત્તમ વસ્તુ છે. ૨૧ કિમીની સફર તે ૨ કલાક કરતાં વધુ સમયમાં પૂરી કરે છે પણ આપણને અદ્ભુત અનુભવ કરાવે છે (ઢગલાબંધ ફોટાઓ લીધા છે). નેરલ પહોંચ્યા અને ત્યાંથી ફટાફટ નાસ્તો કરી દાદરની લોકલ પકડી. કવિને સેન્ટ્રલ લાઇનનો પ્રથમ અનુભવ લીધો અને અમે ભીડમાં દબાઇ ગયા. દાદરથી પછી કાંદિવલી અને પછી ત્યાંથી રીક્ષા. ટૂંકા પ્રવાસનો અંત.

વધુ ફોટાઓ ફેસબુક અને થોડાંક વિકિમિડીઆ કોમન્સ પર પણ અપલોડ કર્યા છે (અમુક હજી બાકી છે, જે ચકાસીને કરવામાં આવશે).

૧ વર્ષ: કેસિઓ એફ-૯૧

કેસિઓની ઘડિયાળ

એમાં થયું એવું કે મારી ગારમિન ઘડિયાળનો પટ્ટો છેલ્લી સિંગાપોર સફર વખતે તૂટી ગયેલો. તપાસ કરી તો ખબર પડીકે હવે પટ્ટો બદલાય નહીને આખી ઘડિયાળ જ નવી લેવી પડે. હવે, દર વખતે તો કોણ ગિફ્ટમાં ગારમિન (ઓછામાં ઓછા ૨૦૦ ડોલર) આપે? ન આપે. એટલે પછી નક્કી કર્યું કે હવે સસ્તી સાદી ઘડિયાળ લેવી (તોય આપણને ઘડિયાળો ગમે) અને ફોનમાં જ જીપીએસ વાપરવું.

તો નક્કી કર્યું કે લેવી તો એકદમ સસ્તી જ કેમ ન લેવી? પછી પસંદગી ઉતારી કેસિઓ એફ-૯૧ ડબલ્યુ પર. આ ઘડિયાળનું મોડેલ ૧૯૯૧માં વિશ્વની સૌથી વધુ વેચાયેલી ડિજીટલ ઘડિયાળોમાં નામ ધરાવે છે અને ખાસ તો તેને ઓસામા બિન લાદેને પહેરેલી ત્યારથી વધુ કુખ્યાત બની. દોડવા વાળા લોકોમાં આ લોકપ્રિય છે, કારણ કે તે ૭ વર્ષની બેટ્રી ધરાવે છે અને વોટર રેસિસ્ટન્સ છે. કેસિઓ વાળા આ ઘડિયાળ ૧ ગ્રાહકને ૧ જ આપે છે, પછી ખબર પડીકે આનો બીજો ઉપયોગ સરળ સર્કિટને કારણે ટાઇમબોમ્બ બનાવવામાં ક્યાંક થયેલો :/

હાલમાં, હું આને રનિંગ (અને તે પહેલાં સાયકલિંગ)માં વાપરું છું. દર કલાકે વાગતું ટિંગ અને એલાર્મ સરસ છે. સ્ટોપ વોચનો ઉપયોગ કરવો પડે એવો હું ઝડપી દોડવીર નથી (હજી) 🙂

૬૦૦ રુપિયામાં આનાથી વધુ સરસ ઘડિયાળ ન હોય ને?

સુરત અને હાફ મેરેથોન

* ફેબ્રુઆરીમાં એકાદ હાફ મેરેથોન દોડવાનો પ્લાન હતો પણ દરેક મેરેથોન મોંઘી હતી અથવા તો દૂર હતી (અતુલ, વલસાડ વગેરે) એટલે પેલી નોર્થ મુંબઇ મેરેથોન (૧૦ કિમી, ફ્રી અને એસ.વી. રોડ!) માટે નોંધણી કરાવી હતી. યુનાઇડેટવીરનએઝ૧ દોડ વખતે ભાવનાબેને કહ્યું કે સુરત મેરેથોન દોડવી છે? અને ફ્રીમાં? તો અમે ના પાડીએ? ફોર્મ ભર્યું અને ટિકિટ કરાવી દીધી. પ્લાન એવો હતો કે બીબ નંબર વગેરે મારા માટે ત્યાના લોકો લઇ લેશે એટલે આ રાતની દોડ માટે એ દિવસે જ જવાનું અને સૌથી વહેલી ટ્રેન પકડીને પાછાં આવવાનું (પછી પેલી ૧૦ કિમી રેસ પણ કરવાની).

સુરત જવા માટે સવારની ફ્લાઇંગ રાણી પકડી. ૧૧ વાગે પહોંચી ગયો અને દિપકને મળવા માટે હજુ વાર હતી એટલે સુરતના જાણીતાં એવા સાયન્સ સેન્ટરની મુલાકાત લેવાનું નક્કી કર્યું.

જગ્યા સરસ છે, પણ બહારથી એવું લાગે કે આ સેન્ટર બંધ હાલતમાં છે! જોકે નહોતું અને અંદર જવાનો રસ્તો મળ્યો. સમય ઓછો હતો એટલે સીધો ફન સાયન્સ વિભાગમાં ગયો અને એક ફોટો લીધો પછી ખબર પડી કે અહીં ફોટો લેવાની મનાઇ છે. લો.

સુરત સાયન્સ સેન્ટર

ત્યાંથી દિપકના ઘરે ગયો, જમ્યો, વાતો કરી અને આરામ કરીને પિયુષના નવા ઘરે ગયા. ત્યાંથી મેરેથોનનું મેદાન એકદમ નજીક હતું અને ઘરેથી દેખાતું પણ હતું. ત્યાં પણ વાતો અને વડા ખાધા પછી લગભગ ૮ વાગ્યા જેવો મેરેથોન તરફ ભાગ્યો. અક્ષય કુમાર આવવાનો હતો એટલે ધાર્યું હતું તેમ થોડી હો-હા હતી પણ ફુલ અને હાફ-મેરેથોનમાં બહુ ઓછા લોકો લાગ્યા. ૯ વાગે રેસ શરુ થઇ. આગલા દિવસોમાં દોડવાનું સારું એવું થયું એટલે વિશ્વાસ હતો કે આરામથી અને સારા એવા ઓછા સમયમાં આ રેસ થશે. જોકે, આખા દિવસનો થાક લાગ્યો હતો. સ્ટાર્ટ પોઇન્ટ પર પહોંચતા એક રેલિંગ કૂદતાં પગે ચીરો પણ પડ્યો (એ બોનસ). અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ ગ્રૂપ જોડે ફોટા પડાવ્યા એટલે મજા આવી. પહેલો કિમી લોકોને પસાર કરવામાં થયું. ૧૦ કિમી અને ૨૧ કિમી રેસ જોડે રખાય? ના રખાય. પછી શાંતિ હતી અને ઢગલાબંધ લોકો રસ્તા પર હતા અને ચીઅર્સ કરતા હતા. લગભગ ૧૬ કિમી સુધી એમ હતું કે ૨ કલાકમાં રેસ થઇ જશે પણ પછી થયું કે નહી થાય એટલે આરામથી જ દોડ્યો. ઓફિશિયલ ટાઇમિંગ હજી આવ્યો નથી પણ લગભગ ૨ કલાક અને ૭ મિનિટની આસપાસ હશે એમ લાગે છે.

રેસ પૂરી કરી મેડલ લીધો, ખિચડી ખાધી અને પિયુષના ઘરે આવીને શાંતિથી તેનું ઘર જોયું અને ત્યાંથી તે રેલ્વે સ્ટેશન મૂકી ગયો. ખોટી ટ્રેનમાં ચડતા બચ્યો (૨૨૯૦૪ v/s ૧૨૯૦૪) અને પાછી સાચી ટ્રેનમાં આરામથી ઘરે વહેલો આવ્યો.

અને હા, બોરિવલી સ્ટેશનને સરસ રંગ કર્યા છે. જોઇએ ક્યાં સુધી લોકો તેને પાનનાં લાલ રંગથી બાકાત રાખે છે!

ચશ્માનું બોક્સ

* ચશ્માવાળી વ્યક્તિઓને એક જ મુશ્કેલી. પ્રવાસ કરતી વખતે કે રાત્રે ઊંઘતી વખતે ચશ્મા ક્યાં મૂકવા? ચશ્માનું બોક્સ એ વખતે મદદે આવે. પણ, દરેક વખતે થાય છે તેમ, આ વખતે પણ સુરતની મુસાફરી (આ પછીની પોસ્ટમાં વિગતે) ચશ્માનું બોક્સ ભૂલી ગયો. અને, આ નવાં ચશ્માં મારા જૂનાં ફેવરિટ બોક્સમાં ફીટ થતા નથી એ પણ બીજી મુશ્કેલી છે.

ચશ્માનું બોક્સ ભૂલવાનું તમને પડી શકે છે – મોંઘું.

(ફિલ્મમાં આવતી જાહેરખબર પરથી પ્રેરિત અવતરણ!) 🙂

બાવો

* આપણે નાનાં હતા (હજી પણ છીએ) ત્યારે બાઓ-દાદીઓ ખિજાય ત્યારે કહેતા, “બાવો આવીને ઉપાડી જશે”. હવે વિચાર આવે કે હિંદુ ધર્મ સિવાયના કોઇ ધર્મમાં આવા અવતરણો બોલાય છે? દાત. “પાદરી આવશે, ઉપાડી જશે” વગેરે.

જો ક્યાંય સાંભળ્યું કે જોયું હોય તો આ જિજ્ઞાસુને જણાવવા વિનંતી.

કોફી અને મમરાં

* એમાં થયું એવું કે આજે સવારે ૧૧ કિમી દોડવાની યોજના હતી. યોજના મુજબ ૮.૨ કિમી પર આવ્યો (એટલે કે ૫.૪ કિમી પછી યુ-ટર્ન લઇને ઘરે પાછો આવતો હતો) ત્યારે અચાનક પેટમાં દુખાવો શરુ થયો. દુખાવો એટલો વધ્યો કે રીક્ષા કરી ઘરે આવવું પડ્યું અને હવે, બ્લેક કોફી અને મમરાં ખાઇને સવારનો બ્રેકફાસ્ટ કરી રહ્યો છું.

તમને એમ કે કાર્તિક કંઇ મોટી પોસ્ટ લખશે.

સોરી. 🙂

ડબલ ક્વોટ્સમાં “ડ”

nginx

ઉપરનું પાનું જો તમે Nginx વેબ સર્વર તમારા કોમ્પ્યુટર કે સર્વરમાં ઇન્સ્ટોલ કર્યુ હોય તો કશી જ ગોઠવણ વગર દેખાય. ઘણી વખત વેબસાઇટ બનાવવા વાળા ગરબડ કરે તો ફોલબેક પણ દેખાય, એ વખતે ડેબિયનના Nginx પેકેજ મેઇન્ટેનર તરીકે મારું ઇમેલ સરનામું બગ્સ રીપોર્ટના પાનાં પર પણ દેખાય છે (કાર્તિક@ડેબિયન.ઓર્ગ), એટલે લોકો એમ સમજે કે એમની વેબસાઇટને ડાઉન કરવામાં મારો હાથ (કે પગ) છે. બોલો. અમુક લોકોએ તો મને ધમકી પણ મોકલી. એટલે, હાલમાં હું મોસ્ટ વોન્ટેડ છું 🙂

ટૂંકમાં, ડફોળ લોકોની સંખ્યા ટેકનોલોજીના ફેલાવા સાથે વધતી જ રહી છે!!