* એમ તો આ પોસ્ટ હવે વાસી ગણાય પણ, તેમ છતાંય…
સાન હોસે જવા માટે કેલટ્રેન પકડવાની હતી અને વેન્ડિંગ મશીનમાં ભૂલથી ૧૦ની જગ્યાએ ૨૦ ડોલર નાખ્યા એટલે ૧૦ ડોલરનું પરચૂરણ મળ્યું જે મને આખી ટ્રીપ દરમિયાન કામમાં આવવાનું હતું. કેલટ્રેનનો અનુભવ સરસ રહ્યો. ગુગલ મેપ્સ ઝિંદાબાદ જેથી અમે હોટેલ ચાલીને સીધાં જ પહોંચી ગયા. કોન્ફરન્સ માટેની શરુઆત સાંજથી થવાની હતી અને એ દિવસે ડિનર સિવાય બીજો કોઇ કાર્યક્રમ હતો નહી એટલે લોકોને મળવામાં અને આજુ-બાજુ થોડું ફરવામાં સમય ફાળવ્યો.
બીજા દિવસે અમારે ધ ગ્રેટ અમેરિકા નામના એમ્યુઝમેન્ટ પાર્કમાં જવાનું હતું. કેમ જવાનું હતું એ ન પૂછતાં, પણ મજા આવી. વર્ષો પછી ચકડોળ (કે જ હોય તે), રોલર કોસ્ટરમાં બેઠા. મોટાભાગની રાઇડ્સ ડર લાગે તેવી હતી એટલે તેમના ફોટાઓ પાડીને સંતોષ માન્યો. ત્યાં સ્વાભાવિક રીતે સોડા-બર્ગર-આઇસક્રિમનું લંચ આપણને બહુ ગમ્યું નહી એટલે હોટેલમાં આવીને નાસ્તો કરીને પેટ ભર્યું. સાંજ માટે અમને કહેવામાં આવ્યું હતું કે બિઝનેશ ફોર્મલમાં આવજો અને હું એક પણ ફોર્મલ શર્ટ કે શૂઝ લઇ ગયેલો નહી (આમ પણ, ઘરેથી બિઝનેશ હોય એટલે ચડ્ડી-ટીશર્ટમાં જ અમે બિઝનેશ કરીએ છીએ ;)) એટલે સૌથી સરળ ટી-શર્ટ અને સીધું-સાદું જીન્સ પહેર્યું. ઓહ, પછી ખબર પડી કે ત્યાં લિનસ ટોરવાલ્ડ્સ અને પીટર નોર્વિગ આવવાના છે. કોન્ફરન્સનું ઉદ્ઘાટન, ફોટાઓ અને પછી સરસ ડિનર. ડેબિયન અને બીજાં કેટલાંય પ્રોજેક્ટસનાં લોકો જોડે ફેસ-ટુ-ફેસ મુલાકાત અને વધુ ગાઢ પરિચય એટલે મજા જ આવે.
રાત્રે મને ખબર પડીકે ઠંડી કોને કહેવાય!
શનિવારે આખો દિવસ કોન્ફરન્સમાં જ વ્યસ્ત હતો અને વધુ લોકો જોડે મુલાકાત થઇ. સાંજે અમે ડેબિયન અને બીજા લોકોએ કી-સાઇનિંગ પાર્ટી પણ કરી જે સફળ રહી. આ પાર્ટી અમે ચોકલેટ-ટી રુમમાં કરી હતી જ્યાં વિવિધ દેશોમાંથી લાવેલી ચોકલેટ્સ અને ચા ચાખવા માટે રાખેલી હતી.
ડિનર પહેલાં વૈભવ શર્માને મળવાનું હતું. હવે આ વિશે, લાગે છે કે અલગ પોસ્ટ કરવી જ પડશે. તો, ત્રીજી પોસ્ટ માટે તૈયાર રહો!
Like this:
Like Loading...