તાંદુલવાડી ટ્રેક

લગભગ એક વર્ષ પહેલા અમે નવા રેઇનકોટ લીધા હતા, એક જગ્યાએ ટ્રેકિંગમાં જવા માટે, પણ કોઇના કોઇ કારણોસર એ ટ્રેકિંગ થયું જ નહી. અમારા સાયકલિંગ ગ્રુપ – મલાડ સાયકલિંગ ક્લબ (MCC) એ જ્યારે ૯ જુલાઇએ ટ્રેકિંગ રાખવાની જાહેરાત કરી ત્યારે પહેલા તો હું ખુશ થયો અને પછી દુ:ખી થયો, કારણ કે એ જ સમયે વિકિપીડિયાની મિટિંગનું આયોજન થવાનું હતું. અને, પછી વિકિપીડિયાનો કાર્યક્રમ સ્થગિત થયો અને ટ્રેકિંગમાં લોકોની સંખ્યા નિર્ધારિત કરતા વધુ થઇ ગઇ એટલે હું બે બાજુએથી લટક્યો! થોડા સમય પછી, પરેશે કહ્યું કે કાર્તિક તું નથી આવવાનો, ટ્રેકિંગમાં? મારી મજબૂરી તેને જણાવી અને મારી સાથે કોકી-કવિનને પણ ટ્રેકિંગ લિસ્ટમાં મૂકી દીધા (પરિવારવાદ અહીંથી શરુ થાય છે!)

હવે ટ્રેકિંગમાં જવું હોય તો, ટ્રેકિંગ શૂઝ અને તેનો સામાન તો જોઇએ ને? બે દિવસ પહેલાં જ અમે ડિકાથલોન ઉપડ્યા અને ખરીદી કરી આવ્યા. વળી પાછો હું વાઇલ્ડક્રાફ્ટમાં ગયો અને શૂઝ ઉપાડી લાવ્યો. મને ખબર છે કે વર્ષમાં બે થી વધુ ટ્રેકિંગ હું કરવાનો જ નથી 😉 સામાન તો આવી ગયો. કોકી જોડે બે વખત થોડી વોક પ્રેક્ટિસ પણ કરી દીધી. કવિનનું છેલ્લી ઘડીએ નક્કી કરેલું, પણ તેની ફિટનેશમાં કોઇ વાંધો નહોતો.

સવારે નિરવ-નિકિતા જોડે ગાડીમાં જવાનું હતું અને એ લોકો ઘરની જોડે જ રહે છે એટલે અમને અહીંથી લેવા આવી ગયા. ત્યાંથી ચેકનાકા પણ બધા મળવાના હતા. ત્યાં તો મલાડમેળો થયો હતો. લગભગ ૧૭ કાર અને ૮૫ લોકો ટ્રેકિંગ માટે હતા. પેક કરેલો નાસ્તો બધાને આપવામાં આવ્યો, જેમાંથી સેવખમણી અને સમોસા તરત જ પતાવી દેવામાં આવ્યા! ત્યાંથી સફાલે તરફ જવાનું હતું, જે સાયકલિંગ ફોર ઓલની બી.આર.એમ.નો રસ્તો હતો. તાંદુલવાડી ગામથી ટ્રેકિંગ શરુ થવાનું હતું.

વરસાદની આગાહી હતી એટલે અમે રેઇનકોટ સાથે ચાલવાનું શરુ કર્યું. એકાદ કિમી પછી સરસ ચઢાણ વાળો રસ્તો શરુ થયો અને થોડી જ વારમાં અમારું ગ્રુપ રસ્તો ભૂલ્યું. એ પહેલાં રસ્તામાં હું પડ્યો! (ક્રમાંક ૧). થોડી મહેનત પછી રસ્તો મળ્યો અને અમે પહોંચ્યા સાચા રસ્તે.

લીલો રસ્તો..

ત્યાર પછી અમે આવી પહોંચ્યા સીધા ચઢાણ પર! જોકે દૂરથી અઘરું લાગતો આ પર્વત કંઇ ખાસ હતો નહી. ખરી કસોટી તો પછી થવાની હતી..

ફાઇન્ડ ધ કવિન!

આ પછી એવી જગ્યાએ આવ્યા જ્યાં કોઇ હાથ પકડીને ખેંચે નહી ત્યાં સુધી ઉપર ન જવાય. થોડું વધુ ટ્રેકિંગ કરીને લગભગ ૨.૫ કલાક પછી અમે પહોંચ્યા સપાટ જગ્યા પર જ્યાં તાંદુલવાડી કિલ્લો હતો (જે ખરેખર કિલ્લો નથી, સિવાય કે પાણી સંગ્રહ કરવાની ટાંકીઓ અને એક નાનકડી દિવાલ). ત્યાંથી કલાક-દોઢ કલાક ટાઇમપાસ અને થોડું ખાધું. થોડી વારમાં જ જોરદાર વરસાદ શરુ થયો અને અમે થીજી ગયા! સદ્ભાગ્યે વરસાદ બંધ થયો અને ત્યાંથી બધાએ વધુ થોડી ઊંચાઇએ જવાનું શરુ કર્યું..

હવે અમારે વળતી મુસાફરી કરવાની હતી અને એ રસ્તો અલગ હતો. ટ્રેકિંગમાં નીચે ઉતરવાનું હંમેશા કષ્ટદાયક હોય છે, જેનો બરોબર અનુભવ અમને આ વખતે થયો. થોડા સમય બધું સમય ચાલ્યા પછી અમે અને થોડા બીજા લોકો રસ્તો ભૂલ્યા અને પાણીના ધોધનો રસ્તો લીધો. જેમ-જેમ નીચે જતા ગયા તેમ તેમ રસ્તો મુશ્કેલ બનતો ગયો. ડર એ હતો કે કોઇક જગ્યાએ તો આ વોટરફોલ-ધોધ અમને નીચે ના ફેંકી દે. બે-ત્રણ વખત હું પડતા બચ્યો, એક વખત કવિન-કોકી પડતા બચ્યા. ધીમે-ધીમે પથ્થરો પણ લપસણાં અને ઢીલાં થતા ગયા. એક જગ્યાએ તો રીત સરનું સરકવાનું હતું. કવિનને તેની ૬ ફીટ ઊંચાઇનો ફાયદો થયો પણ અમે નાના કદના લોકો શું કરીએ? :/

સદ્ભાગ્યે એક જગ્યાએ કંઇક અવાજ સંભળાયો અને અમારા લોકો અમને મળ્યા, ત્યારે જીવમાં જીવ આવ્યો. તો પણ, છેલ્લા ૧૦ મીટરમાં હું લપસ્યો અને મસ્ત રીતે પડ્યો (નં ૪). પાર્કિંગમાં જઇને કપડાં બદલ્યા, થેપલાં ખાધા, ચા પીધી અને ગાડીમાં ટ્રાફિક જોતા-જોતા પાછા ઘરે આવ્યા.

કોકી-કવિનનું આ પહેલું ટ્રેકિંગ હતું. હજુ બધાંના પગ દુખે છે. દુખાવો ભૂલાઇ જશે પણ આ સરસ યાદો જલ્દી નહી ભૂલાય! હા, વિકિપીડિયા પર તાંદુલવાડીનો લેખ થોડો સુધાર્યો, કોમન્સ પર છબીઓ સરખી કરી અને નવી શ્રેણી બનાવી. એમ કંઇ અમે થોડા એક દિવસ આરામ કરીએ? 😉