૩૦૦

૩૦૦? આ શું?

વેલ, આ છે શનિવારે શરુ કરેલી અને રવિવારે પૂરી કરેલી સાયકલ સફર. અહીં ૩૦૦ જેવાં યોદ્ધાઓ જોઇએ, કારણ કે ભોરઘાટ તો મસ્ત છે 🙂 વિગતે રીપોર્ટ…

છેલ્લી વખતનાં નિષ્ફળ પ્રયત્ન પછી અને ૨૦૦ કિમી સફળતાપૂર્વક કર્યા પછી ૩૦૦ કિમી પૂરા કરવામાં આત્મવિશ્વાસ હતો (એમ તો અમારામાં આત્મવિશ્વાસ કૂટી કૂટીને ભર્યો છે, પણ ઘણી વખત ઝીરો પણ હોય છે). અને, નાસિકની જગ્યાએ પુને જવાનું હતું એટલે મને એમ કે આ રસ્તો તો એનાં કરતાં સારો છે. આરામથી જઇશું. ચીકી ખાઇશું અને પાછાં આવીશું. ખાટલે મોટી ખોડ હતી કે શરુઆત ‘ગેટવે ઓફ ઇન્ડિયા’ થી હતી (અને અંત ચેમ્બુરમાં હતો). હવે સાયકલ લઇને ૫.૩૦ સુધીમાં પહોંચવા માટે ત્રણ રસ્તા. ૧. સાયકલ ચલાવીને જવું (૩૫ કિમી), ૨. ટેક્સીમાં જવું (૫૦૧ પૂરા કે તેથી વધુ – તમારી ક્ષમતા ;)) અને ૩. ટ્રેનમાં. ટ્રેનમાં જવાનાં બધાંના સૂચન મુજબ સવારે ટ્રેનમાં ગયો. ટિકિટબારી પર પૂછ્યું તો કહેવામાં આવ્યું ચર્ચગેટ પર ટીસી આવે તો ટિકિટ એની પાસેથી લેવાની. ના આવે તો ફ્રી! (અથવા દંડ ભરવો) વેલ, ટીસી ન આવ્યો અને અમે આરામથી ગેટવે પહોંચ્યા. ટ્રેનમાં જ કુરુષ અને પુષ્પક મળ્યા એટલે આરામથી પહોંચ્યા. ૩૦૦ કિમી વાળા કુલ ૧૩ જણાં હતા. રસ્તો થોડો વિચિત્ર હતો એટલે અનિલે સરસ માર્ગદર્શક સૂચનો આપ્યા (જે મેં ધ્યાનથી સાંભળ્યા નહોતા એ પાછળથી ખબર પડી).

૬.૧૦ જેવી શરુઆત કરી અને લગભગ ૩૦ કિમી સુધી કોઇને પૂછ્યા વગર આગળ વધ્યો. આ સમયે કોઇક મૂર્ખે રસ્તા પર નાખેલી પ્લાસ્ટિકની થેલી સાયકલની ચેનમાં આવીને ભરાઇ ગઇ. કોણે કહ્યું પ્લાસ્ટિક અહીં પણ હાનિકારક નથી? લેસન ૧: જોડે કટર-સ્વિસ નાઇફ રાખવું. જે હું દરવખતે રાખું છું પણ આ વખતે ભૂલી ગયો! ત્યારબાદ આગળ વધીને એક્સપ્રેસ હાઇવે શરુ થાય છે ત્યાં લોચા માર્યા. મારી જોડે બીજો સાયકલિસ્ટ હતો એણે પણ ભૂલ કરી અને પોલીસ દ્વારા સૂચન વડે કોઇક ગામમાંથી અમારે હાઇવે (NH4) પર જવું પડ્યું. ત્રણેક કિમી એકસ્ટ્રા. લેસન ૨: જીપીએસ જરુર પડે ત્યારે જોઇ લેવામાં શરમ ન કરવી.

ત્યાંથી ખપોલી સુધીનો રસ્તો સારો હતો અને ત્યારબાદ સરસ ઢાળ શરુ થયો. ભોરઘાટ માંડમાંડ પૂરો કરી લોનાવાલા પહોંચ્યા ત્યાં બીજા ત્રણેક સાયકલિસ્ટ મળ્યા એટલે ત્યાં નાસ્તો કર્યો. કાર્ડ સ્વેપ કર્યું (સમય નોંધવા માટે) અને આગળ નીકળ્યા. પુને ૫ વાગ્યા પહેલાં પહોંચવાનું હતું અને હું લગભગ ૪.૧૫ જેવો પહોંચ્યો. ત્યાં સરસ કોલ્ડ કોફી-આઇસક્રિમ અને થોડા ગપ્પાં. રીટર્ન મુસાફરી સરળ હતી કારણ કે હવે ૯ વાગ્યા પહેલાં લોનાવાલા પહોંચવાનું હતું – જે લગભગ ૯૦ કિમી દૂર હતું અને રસ્તો ઉતરવાનો જ હતો. લોનાવાલા પહોંચીને કાર્ડ સ્વેપ કરી રોકાયા વગર નીકળ્યો. બીજો એક સાયકલિસ્ટ મળ્યો જેનાં સૂચન પર કોઇક અજાણ્યાં ધાબા પર આરામથી ખાધું અને આરામથી નીકળ્યા.

છેલ્લાં ૨૭ કિમી પર મોબાઇલ જીપીએસનો સહારો લેવો પડ્યો (મારું નવું સાયકલનું જીપીએસ તો મરી ગયું હતું – લો બેટ્રી) અને આ વખતે ભૂલ ન કરી. છેલ્લાં પાંચેક કિમી થયું કે આ શું? પણ બીજાં બે જણાં મળ્યાં અને જોડે-જોડે સરસ રીતે પહોંચ્યા. કાર્ડ સ્વેપ. ફોટો સેશન્સ. ટેક્સી પર સાયકલ અને રાત્રે ૩ વાગે ઘરે પાછાં.

પાછાં આવીને મારે ઉલ્ટા સૂવુ પડ્યું એ કહેવાની જરુર છે? 😉

હવે પછી? ૪૦૦, ૬૦૦ અને ૧૨૦૦. અને પછી? સાયકલિંગ કેવી રીતે શરુ કરવું એ પર વિગતે પોસ્ટ્સ.

બે ફિલમો

આમ તો ફિલમો વિશે લખવાનું બહુ ઓછું થઇ ગયું છે અને હવે તો જોવાનું પણ ઓછું થઇ ગયું છે. તેમ છતાંય, આ બે ફિલમો મને ગમી એટલે તેનો ઉલ્લેખ કર્યા વગર આ વર્ષ પુરું ન થાય.

૧. ગોન ગર્લ

થિએટરમાં જોવા જવું હતું, પણ મેળ ન પડ્યો, કારણ કે અહીં કવિનને સાથે લઇ ન જવાય અને ડિસેમ્બરમાં થયેલા પ્રવાસો પણ કારણભૂત હતા. આ ફિલમની મસ્ત વસ્તુ એકદમ ધીમેથી થતી વાર્તા જે સરસ રીતે આપણને જકડી રાખે છે. ઘડીકમાં હિરો તો ઘડીકમાં હિરાઇન (કે જે હોય તે! :)) સાચાં લાગે. આપણને થાય કે હમણાં અંત આવી જશે પણ અચાનક બનતી ઘટનાઓ (જે મારી ફેવરિટ વસ્તુ છે) આપણને મૂંઝવણમાં મૂકી દે. આમપણ મને પાત્ર પોતાની વાર્તા કહેતું હોય એ પ્રકારની ફિલમો થોડી વધુ ગમે એટલે અહીં એ પણ મુદ્દો છે.

૨. પ્રિડેસ્ટિનેશન

મસ્ત ફિલમ. ફરી પાછો મારો પ્રિય વિષય – ટાઇમ ટ્રાવેલ! જોકે ટાઇમ ટ્રાવેલ પર આવેલી બીજી ફિલમ જોડે થોડી સમાનતા એકાદ ક્ષણ માટે શોધી શકાય, પણ પછી તરત જ -અહીં જેવી આંટાધૂંટી આ છે તેવી બીજે ક્યાંય જોવા મળી નથી (દા.ત. લુપર્સ કે પછી ટાઇમ મશીન કે બીજી કોઇપણ). અને છેલ્લે કરુણ અંત જે જલ્દીથી ભૂલી શકાય તેમ નથી!!

જો ન જોઇ હોય તો આ બંને ફિલમ જોવા જેવી.

બે હાફ-મેરેથોન્સ

* એમ તો આ પોસ્ટમાં ગોઆ વિશે લખવું હતું પણ હવે બહુ મોડું થઇ ગયું છે એટલે વાત કરીએ છેલ્લે દોડેલી બે હાફ-મેરેથોન્સની.

૧. ગોઆ રીવર હાફ મેરેથોન
આ મેરેથોન માટે સહકુટુંબ જવામાં આવ્યું અને અત્યાર સુધીની સૌથી મોંઘી મેરેથોન! 😉 હોટલમાં પહોંચીને ખબર પડીકે બીજા રનર્સ સવારે જવાનાં છે એટલે ટેક્સી શેરિંગનો મેળ સરસ રીતે પડી ગયો (અને નવાં રનર્સની ઓળખાણ પણ થઇ). મેરેથોન સમયસર શરુ થઇ અને જોડે આપેલી પેલી ફ્રી બીઅર કુપન પણ સંભાળીને રાખી હતી એટલે દોડવાનો ઉત્સાહ સારો હતો. દસ પોઇન્ટ પાંચ કિલોમીટરનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો ત્યારે થયું કે આનું નામ ગોઆ હીલ મેરેથોન કરવું જોઇએ! વેલ, ૧૬-૧૭ કિલોમીટર પછી બહુ મજા ન આવી અને છેલ્લાં બે કિલોમીટર માંડ-માંડ પૂરા કર્યા. વાતાવરણે પણ મને ધીમો પાડવામાં ભાગ ભજવ્યો. જે હોય તે. રનિંગ પછી મજા જ આવે. આવતા વર્ષે ટ્રેનમાં જઇએ, સસ્તી હોટેલમાં રહીએ તો અહીં ફરી જવાશે.

૨. વસઇ-વિરાર હાફ મેરેથોન
ગઇ સાલ આ મેરેથોન દોડ્યો ત્યારે થયું કે ક્યાં આવી ગયો. કારણ કે ઓક્ટોબરમાં હોવાથી બહુ જ ગરમી-ભેજ હતાં. આ વખતે ડિસેમ્બરમાં હોવાથી આખો માહોલ જ અલગ હતો. રસ્તામાં લેઝિમ કરતાં વિદ્યાર્થીઓ, સરસ પાણીની સગવડ, સરસ રોડ, સરસ આયોજન. વસઇ વિરાર હવે દર વર્ષે પાક્કું. જોકે આ વખતે આ મેરેથોન ઇલેક્શનના કારણે ડિસેમ્બરમાં હતી એટલે મોડી થઇ અને આપણે કંઇ દર વર્ષે ઇલેક્શન ઇચ્છતા નથી, પણ તેમ છતાંય ડિસેમ્બરમાં થાય તો સારો એવો સમય આવી શકે. આ વખતે ૨.૦૯.૫૯ (ઘડિયાળ જોકે ૨.૦૮.૫૫ બતાવે છે) સમય આવ્યો.

હવે પછી? થોડું સાયકલિંગ અને પછી મુંબઇ મેરેથોન!!!

અપડેટ્સ – ૧૫૬

* ઓલોલો. ડિસેમ્બર મહિનો આવી ગયો, ૧૦ દિવસ થઇ ગયા અને એકપણ પોસ્ટ નહી? નાઇન્સાફી છે આ તો (એટલે જે કોઇ આને વાંચે છે એના માટે તો ઇન્સાફ જ છે).

* નવેમ્બર મહિનાનો અંત આવ્યો ૧૦૦ વત્તા ૨૮ કિલોમીટરના સાયકલિંગથી. રિલેક્સ મોડમાં સાયકલિંગ કરવાની મજા જ અલગ છે. આ વખતે તો વળી મેડલ વત્તા સાયકલિંગનો મોમેન્ટો પણ મળ્યો. સાયકલિંગમાં મારી ફેવરિટ પાણીની બોટલ ખોવાઇ પણ પછી તે મળી ગઇ છે (હજી હાથમાં આવી નથી, પણ સબ સલામત છે).

* ત્યારબાદ અમદાવાદનો નાનકડો પ્રવાસ કરવામાં આવ્યો. મામાના ઘરે પ્રસંગ હોવા છતાં અમે એકંદરે એકાદ દિવસ મોડા અને એક દિવસ વહેલાં નીકળ્યા. તેમ છતાંય, ઘણાં સમયે મારે લેપટોપ લેવું પડ્યું (હા, લેપટોપનું ટ્રાવેલ એડપ્ટર ભૂલી ગયો).

ઉપરોક્ત ભૂલી જવાના બે પ્રસંગો જોતાં, મારી મેમરીમાં પણ એકાદ જીબીનો ઘટાડો થયો હોય એમ લાગે છે.

* હવે આવતાં અઠવાડિયાંથી મેરેથોન-હાફ મેરેથોનની સીઝન શરુ થાય છે એટલે એવાં ડોઝ માટે તૈયાર રહેજો.

* અને હા, હજી સુધી ગુગલ રીડરને મીસ કરાય છે. એટલે વર્ડપ્રેસમાં જઇને ઢગલાબંધ બ્લોગ્સ-વેબસાઇટ્સને સબસ્ક્રાઇબ કર્યા છે. જો તમે મારા લાઇક્સ-કોમેન્ટ્સ મીસ કરતા હતાં તો તે હવે આવશે 🙂