અપડેટ્સ – ૧૯૨

* પહેલાં કહ્યું હતું તેમ, ઓગસ્ટ મહિનો અત્યંત વ્યસ્ત રહ્યો. તેમ છતાંય,

** ગુજરાતી વિકિપીડિયામાં ફેરફારોની સંખ્યા – ૯૦૦+.
** વિકિડેટા (મોટાભાગે વિકિડેટા ગેમ્સ પરથી) – ૩૦૦૦+.
** રનિંગ – ૨૦૦ કિમી (છેલ્લા દિવસે!)
** સાયકલિંગ – ૬૩૬ કિમી (અહીં થોડું વધુ થઇ શકત, પણ ચંદીગઢ!)
** મુલાકાતો – ચંદીગઢ, ચીખલી અને બોરિવલી નેશનલ પાર્ક x ૨.

બોલો, બીજું શું જોઇએ?

અપડેટ્સ – ૧૯૧

* એક મહિના પછી આવ્યા છે આ અપડેટ્સ. ત્યાં સુધી દહિંસરની મીઠી નદી (ઉપ્સ, નાળાં)માં ઘણાં પાણી વહીને ખાડીને મળી ચૂક્યા છે. ઓગસ્ટ મહિનો વ્યસ્ત રહ્યો છે.

* શરુઆત વિકિકોન્ફ ઇન્ડિયાથી થઇ. ચંદીગઢ સરસ શહેર છે. ભારતમાં મારી આ સૌથી ઉત્તરમાં મુલાકાત હતી. ના, હજુ લેહ-લડાખ બાકી છે. કોન્ફરન્સ મઝાની રહી. વિવિધ લોકોને મળ્યો. તેમાં ગુજરાતી વિકિપીડિયાના અનિકેતભાઇ તો ખરા જ. ઓફિસમાંથી ૬ જણાં વત્તા યુક્રેનથી એક બોર્ડ મેમ્બર આવેલા. પંજાબીઓની મહેમાનગતી સરસ રહી. ખાવા-પીવામાં પણ મઝા આવી. ૧૫ કિમીની નાનકડી દોડ કરી (સુખના તળાવ) અને ત્યારબાદ રોક ગાર્ડનની મુલાકાત લીધી.

* ઓગસ્ટના બીજા અઠવાડિયામાં ૪૦૦ કિમીનું સાયકલિંગ હતું. એમ તો નક્કી કરેલું કે ૬૦૦ કિમી માટે વડોદરા જવું, પણ ૧૫ ઓગસ્ટે મુંબઇ અલ્ટ્રા હતી એટલે ૬૦૦ કિમી પડતું મૂક્યું. ૧૩ તારીખે સવારે ૬ વાગ્યાથી બીજા દિવસે ૫ વાગ્યા સુધી સાયકલિંગ કર્યું (મુંબઇ-ચીખલી-મુંબઇ) અને ૧૫ તારીખે ૭૨ કિમી રનિંગ. ઉંધ થોડી અવ્યવસ્થિત થઇ પણ મઝા આવી ગઇ. હવે, ૬૦૦ કિમી સાયકલિંગ અને ૧૦૦ કિમી રનિંગ બેક-ટુ-બેક (ઓકે મઝાક છે, પણ કરી શકાય છે).

* આટલો વ્યસ્ત હોવા છતાં, વિકિપીડિયામાં મારું યોગદાન વધતું જાય છે. નવાઇની વાત છે. હા, અપૂર્ણવિરામ ક્યારની બાજુમાં પડી છે, પણ વાંચવાની શરુ કરવાનો સમય મળતો નથી :/

ભાવ-તાલ

આપણને આવું ન ફાવે.
થોડા દિવસ પહેલાં કેળાં લેવા ગયો તો કેળાંનો ભાવ ૨૦ રૂપિયાના ૪ નંગ હતા. મેં કહ્યું ૬ જોઇએ છે. દુકાનવાળાએ કહ્યું કે, ન આવે. મેં કહ્યું, દોસ્ત મેં ક્યાં કહ્યું કે ૨૦ ના ૬ આપ. ૬ ના જેટલા થાય એટલા રૂપિયા લઇ લે!

એક બીજી જૂની ઘટના અંબાજી ખાતે બની હતી. ત્યાં પ્યુમિક સ્ટોન (ie પગનો મેલ નીકાળવા માટે વપરાતો પથ્થર) વેચતી એક નાની છોકરી હતી. ભાવ પૂછ્યો ૧૦ નો ૧. મેં કહ્યું ૨૦ ના ૨ આપી દે. છોકરીએ કહ્યું, ના સાહેબ! ૨૦ ના ૨ ન આવે, ૧૦ નો ૧ જ મળશે. ભણે ગુજરાત. અમે હસ્યા અને બે વખત ૧૦ની નોટ આપી બે સ્ટોન લઇને આગળ ગયાં.

હું ક્યારેય ભાવ-તાલ કરવામાં માનતો નથી. અરે, ઘર લેતી વખતેય મારે કોકીના પપ્પાને લઇ જવા પડ્યા નહિતર બિલ્ડર કહે તે ભાવ આપી દેવા (અને પછી લોન ભરવામાં તૂટી જવામાં) હું તૈયાર હતો!