ખાસ પોસ્ટ

* ખાસ એટલા માટે કે,

૧. ભારતમાં વિવિધતામાં એકતાની વાતો કેટલી પોકળ છે.
૨. ભણેલા લોકો ભણેલા હોય એ જરુરી નથી.
૩. લેખકો જે લખે કે સાચું ન હોય.

(હાલમાં ઉપડેલા) અનામત વિશેનો અત્યાર સુધી સૌથી નિષ્પક્ષ લેખ વિકિપીડિઆનો છે. કહેવાની જરુર છે? હા, ગુજરાતીમાં તેના ભાષાંતર-આગળ વધારવાની જરુર છે!

માથેરાન

* આ હિલસ્ટેશન અમે ક્યારેય જોયું નહોતું. ગયા વર્ષે પેલાં વન ટ્રી હિલ ગયા હતાં પણ ઓફિસઅલી ક્યારેય શહેરમાં પ્રવેશ નહોતો કર્યો એટલે આ વખતે સાયકલ પર ત્યાં જવાનું નક્કી કરેલું.

* સવારે ૬ વાગે બોરિવલી બિરયાની કોર્નર પર જયદીપને મળ્યો (ના, બિરયાની ખાઇને સાયકલિંગ ન કર્યું!!). ત્યાંથી થાણે જવા માટે ઘોડબંદર વાળા રસ્તે જવાનું હતું. મીરા-ભાયંદર પહોંચ્યા ત્યારે વરસાદ નડ્યો. ત્યારબાદ થાણે પહોંચીને સાયકલ-બાઇકનો ભયંકર અકસ્માત દેખ્યો. બાઇક વાળાએ પાછળથી સાયકલને ટચ કર્યું હતું. પણ આ ટચ એટલું જોરથી હતું કે સાયકલનું પાછલું ટાયર હતું ન હતું. આગળ વધ્યાં તો ખબર પડીકે થાણેમાં આજે હાફ-મેરેથોન છે. ભલું થાય એમનું. બીજી ૨૦ મિનિટ બગડી. ત્યાંથી છેક અંબરનાથ સુધી શાંતિથી પહોંચ્યા. નાસ્તો કરીને આગળ વધ્યા અને નેરળ આવવાને થોડી વાર હતી ત્યાં જયદીપની સાયકલમાં પંકચર પડ્યું. ટ્યુબ બદલી આગળ વધ્યા ત્યાં ફરી પંકચર. લગભગ ૧ કિમી ચાલીને અને ત્યારપછી બીજા ૧ કિમી પંકચરની દુકાન શોધવામાં થયો. પંકચર વાળાએ આરામથી પંકચર બનાવ્યું અને પૈસા ન લીધા. અમે આગ્રહ કર્યો પણ તેણે મરાઠીમાં કંઇક કહ્યું. કદાચ સારું જ કહ્યું હશે 🙂

* ત્યાર પછી સરસ મજાનું ચઢાણ. કદાચ અત્યાર સુધીનો સૌથી ખતરનાક રસ્તો. મહાબળેશ્વરનું ચઢાણ આના કરતાં લાંબુ અને ઉંચું છે પણ આ સીધાં ચઢાણ છે. જોઇ લો:

સીધાં ચઢાણ

ઉપર પહોંચ્યા ત્યારે હાશ થઇ. માથેરાનની પેલી ફેમસ મીની ટ્રેન બંધ હતી એટલે હવે નેકસ્ટ ટ્રીપ ઓક્ટોબરમાં (કવિન સાથે). એ પહેલાં બીજી એક ટ્રીપ બે વાર ઉપર-નીચે સાથે ખરી જ. માથેરાન પહોંચ્યા ત્યારે દસ્તુરી નાકા પર જબરી ભીડ હતી. નાસ્તો કરી નક્કી કર્યું કે હિલ સ્ટેશનમાં આપણું શું કામ? એટલે ફરી નીચે સડસડાટ આવીને પનવેલ તરફ સાયકલ ભગાવી. રસ્તામાં સરસ ખાધું-પીધું અને સરસ રસ્તો આરામથી જોયો. એક્સપ્રેસ પર જ્યાં સાયકલ ન ચલાવવાની હોય ત્યાં પણ સાયકલ ચલાવી 😀

પનવેલથી ટિકિટ લઇને જેવા ટ્રેનમાં બેઠાં ત્યાં ગાડી ઉપડી. હવે બોરિંગ મુસાફરી અને ફરી અંધેરી પહોંચીને ત્યાંથી ઘર સુધીની ૧૨ કિમીની ભીડવાળી રાઇડ. ઘરે પહોંચ્યો ત્યારે હાશ.

હવે પછીની પોસ્ટ કદાચ સાયકલ અંગેની જ હશે!

અપડેટ્સ – ૧૭૧

* આ વખતે મુંબઇ અલ્ટ્રાની અપડેટ્સ, મોટાભાગે.

* ગઇવખતની જેમ જ આ વખતે પણ આરામથી દોડ્યો. ૧૨ કલાક, ૭૦ કિમી. વધુમાં આ વખતે ફિનિશ લાઇન પર કવિન-કોકી અને મમ્મી-પપ્પા પણ હાજર હતા એટલે મજા આવી. મારો વિડિઓ લેવામાં આવ્યો, જે હું ક્યાંક પોસ્ટ કરીશ. દોડ્યા પછી, પગ સલામત તો દોડ અનેક. અમદાવાદથી આવેલા એડીઆર મેમ્બર્સ ખાસ કરીને સોહમભાઇને મળીને મજા આવી. એમ થાય કે અમદાવાદમાંથી ઉનાળો નીકળી જાય તો ફરી ત્યાં રહેવા જવું.. 😀

હવે? સાયકલિંગ ઝિંદાબાદ. નવેમ્બર-ડિસેમ્બરમાં ફરી મોટી રેસ કરીશું.

* આજે સવારે પણ આરેમાં જવાનું હતું, પણ સ્વતંત્ર ભારતની સ્વતંત્ર એવી અમારી સોસાયટીમાં ૨૪ કલાક ભજન શરુ થયા છે એટલે મોડા સુધી ઉંઘ ન આવી (થાકેલો હોવા છતાં) અને સવારે ન ઉઠાયું. હવે મારે જોરદાર સ્પીકર ખરીદીને ૨૪ કલાક પિંક ફ્લોઇડના ભજન રાખવા છે.

અપડેટ્સ – ૧૭૦

* હવે પેલી ચશ્માની પોસ્ટ પછી એવું થયું કે મારું કેડીઇ કોઇક ઇન્ટેલના ડ્રાઇવરને કારણે પ્લાઝમાને ગમ્યું નહી અને હું પાછો ઓસમ વિન્ડો મેનેજર પર આવ્યો. ખરાબ, અતિશય ખરાબ. કારણ? નવું ઓસમ વિન્ડો મેનેજર મારી જૂની config ફાઇલને ગમ્યું નહી એટલે ફરીથી એકડો ધૂંટવાનો આવ્યો છે.

* વાતોવાતોમાં એક વાત તો રહી ગઇ. સાન ફ્રાન્સિસ્કોની અત્યંત ટૂંકી મુલાકાત દરમિયાન બ્લોગક્વિન અને મિત્ર પ્રિમાને પહેલી વાર મળવાનું થયું. વાતોના વડાં અને સરસ ડિનર.

* આગલા થોડા મહિના શાંતિ છે. ક્યાંય ટ્રાવેલ નથી. પણ દરેક મુસાફરી કંઇ નવું શીખવે છે એ વાત અલગ છે. લોકલ (ના. મુંબઇ વાળી નહી) ટ્રાવેલ ઝિંદાબાદ.

* વરસાદ હજી ચાલુ છે.

* અન હા, કવિનની આવતું મરાઠી જોઇએ એક મરાઠી ડિક્સનરી લેવામાં આવી છે. હાલમાં તો મારું મરાઠી માગે-પુઢે સુધી જ મર્યાદિત છે.

ચશ્મા

* આજે સવારે દોડવા માટે ઉઠ્યો તો ચશ્મા મળતા નહોતા. થોડી મહેનતે ખૂણા-ખાંચરામાંથી મળ્યાં પણ દસ મિનિટ બગાડી (જોકે રસ્તામાં સૂર્યાભાઇ ધ બ્લોગર મળ્યા, એ ફાયદો થયો!). દોડતી વખતે વિચાર આવ્યા કે ચશ્મામાં,

૧. બ્લ્યૂટૂથ હોય તો મોબાઇલથી ક્યાં પડ્યા છે તે શોધી શકાય.

૨. અથવા જીપીએસ હોય.

૩. અથવા સાયરન-લાઇટ્સ કે એવું કોઇ સેન્સર હોય.

અમારા દુર્ભાગ્ય કે ગુગલ ગ્લાસ પ્રોજેક્ટ પડતો મૂકાયો. તેમ છતાંય, આ પરથી યાદ આવ્યું કે નવાં ચશ્મા બનાવવાનો સમય પાકી ગયો છે અને એ યાદ કરાવવા માટેની કોઇ સિસ્ટમ ચશ્મામાં હોય તો મજા આવે!

રેસ રિપોર્ટ: સિસ્કિયુઆઉટબેક ૫૦ માઇલ

* લોંગ પેન્ડિંગ લોંગ રેસ રિપોર્ટ!

આમાં થયું એવું કે ઓફિસની ઓલ હેન્ડ્સ મિટિંગ વખતે આપણે રનિંગ ઉપર લાઇટનિંગ ટોક આપેલી. એ વખતે ઓફિસમાં ડેઈઝી જોડે પરિચય થયો અને એ પણ દોડવીર. તેણે સૂચન આપ્યું કે વિકિમેનિઆ પછી આ રેસ દોડી શકાય. બધું વ્યસ્થિત પ્લાન થયું અને મેક્સિકોથી સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયો. ત્યાંથી લગભગ ૫.૩૦ કલાકની રોડ ટ્રીપ પછી ઓરેગોનમાં આવેલા એશલેન્ડ પહોંચ્યા. સરસ રસ્તો અને પહેલી વાર અમેરિકામાં આટલા લાંબા સમય માટે ગાડીમાં બેઠો (એરપોર્ટ શટલ કે ટેક્સી સિવાય!). ત્યાં પહોંચીને એક દિવસ આમ-તેમ ફર્યા, આરામ કર્યો.

રેસની શરુઆત ૬ વાગે હતી. ડેઈઝીએ છેલ્લી ઘડીએ ૫૦ માઇલમાંથી ૫૦ કિમીમાં કૂદકો માર્યો (મારે પણ એમ કરવા જેવું પણ આપણે અડગ મનના ગુજરાતી એટલે પાછાં ન પડીએ!). હવે ત્યાં પહોંચ્યા ત્યારે સરસ ઠંડક હતી. રેસની શરુઆત જ ૪૫૦૦ ફીટ પર હતી એટલે ઉંચાઈ વર્તાતી હતી.

રેસ એકદમ સમયસર શરુ થઇ અને લગભગ બે કિમી પછી સરસ ઉંચાઇ આવવાની શરુઆત થઇ. માઇલ મને બહુ લાંબા લાગે. અને આ અમેરિકનો મેટ્રિક સિસ્ટમમાં માને નહી. પહેલાં સ્ટેશન પર પહોંચ્યા પછી થોડું સારુ લાગ્યું અને બીજા સ્ટેશન પર પહોંચ્યો ત્યારે ૨૪ કિમી સુધી બહુ ઠીક હતું. પછીનાં ૧૬ કિમી મસ્ત ચઢાણ અને ઉતરાણ હતું એટલે ધીમો પડ્યો. ૩૦ કિમી સુધી તો મને લોકો સામે આવતાં મળ્યાં (૪૦ કિમી પૂરા કરીને). ૩૫ કિમી પછી મસ્ત ચઢાણ. ત્યારે લાગ્યું કે હવે મુશ્કેલ બને છે. ૫ કિમી તો લગભગ સીધાં ચઢાણ. ઉપર પહોંચીને વળી બિગ રોક નામનો ખડક. હા, આ દરમિયાન હું કેલિફોર્નિઆમાં આવી ગયો હતો!

બિગ રોકથી વળતી મુસાફરી ઓકે રહી. ફરી સ્ટેશન પર અને પછી લાગ્યું કે હવે કદાચ સમયસર પૂરુ નહીં થાય. હા, રેસમાં અમુક અંતરે પણ કટ-ઓફ હતાં. છેવટે ૪૬ થી ૫૬ કિમી માત્ર દોડવા ખાતર દોડ્યો-ચાલ્યો અને ૫૬ કિમીએ હું પહોંચ્યો ત્યારે કટ-ઓફ સમય પસાર થઇ ગયો હતો અને મારી આ રેસનો કરુણ અંત આવ્યો.

પણ.. પણ..

૧. મજા આવી.

૨. આવતાં વર્ષે (મેળ પડે તો) ૫૦ માઇલ પૂરા કરવા છે.

૩. ટી-શર્ટ સરસ મળી. આવતાં વખતે – વોટર બોટલ, મગ, બોટલ ઓપનર – લઇને જ આવવાનાં!

🙂